એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પ 500 ટકા ટેરિફ લાદે તો ભારતીય અર્થતંત્રની બુંદ બેસી જાય…

ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું ફરી છટક્યું છે અને ટ્રમ્પે રશિયા સામે કડક પ્રતિબંધો સંબંધિત લાદતા બિલને મંજૂરી આપી દેતાં આખી દુનિયા ઉંચીનીચી થઈ ગઈ છે. ભારત પણ ઊંચુંનીચું થઈ ગયું છે કેમ કે, આ બિલમાં રશિયા સાથે ધંધો કરનારા તમામ દેશોને ઝપટમાં લેવાની જોગવાઈ છે. ખાસ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશોનો વારો પડી જશે. અને ભારત, ચીન અને બ્રાઝિલ પર 500 ટકા સુધી ટૅરિફ ઠોકી દેવાય એવી જોગવાઈ છે.
ભારત અમેરિકાએ લાદેલા 50 ટકા ટૅરિફમાં જ હાંફવા માંડ્યું છે તો 500 ટકા ટૅરિફ લદાય તો શું થાય એ વિચારે ચિંતા થાય એ સ્વાભાવિક છે. આપણે સાવ લાંબા જ થઈ જઈએ ને અમેરિકામાં નિકાસ સાવ બંધ જ થઈ જાય.
ટ્રમ્પ લાંબા સમયથી રશિયા સાથે ધંધો કરનારા દેશોને ચીમકી આપ્યા કરે છે. યુક્રેન યુદ્ધ પછી અમેરિકા અને યુરોપના દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છતાં રશિયા પડ્યું નથી કેમ કે દુનિયાના ભારત સહિતના ઘણા દેશોને સાધીને રશિયાએ પોતાના અર્થતંત્રને ટકાવી રાખ્યું છે. આ દેશો રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે. તેથી રશિયા પાસે રોકડ આવ્યા કરે છે.
અમેરિકાને લાગે છે કે, આ કારણે રશિયાને યુદ્ધ લડવામાં મદદ મળી રહી છે. તેથી સૌથી પહેલાં રશિયાને મળતો આ રોકડનો પ્રવાહ બંધ કરવો જરૂરી છે. ટ્રમ્પે એ માટે ટૅરિફ લગાવ્યા પણ તેની ધારી અસર થઈ નથી તેથી હવે `સેન્ક્શનિંગ ઓફ રશિયા એક્ટ 2025′ પસાર કરીને રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર 500 ટકા ટૅરિફ લાદવાનું હથિયાર ટ્રમ્પ પાસે હાથવગું થઈ જશે. આ હથિયાર બતાવીને ટ્રમ્પ ભારત સહિતના દેશોને બિવડાવીને ધાર્યું કરાવવા માગે છે.
અત્યારે જે શક્યતા છે એ પ્રમાણે, અઠવાડિયામાં આ બિલ પસાર થઈ જશે. બિલ પસાર થાય ને ટ્રમ્પ 500 ટકા ટૅરિફ ઠોકી દે તો ભારતના અર્થતંત્રની બુંદ બેસી જાય તેમાં બેમત નથી. અમેરિકાએ ભારત પર 25 ટકા ટૅરિફ અને રશિયન ઓઈલની ખરીદી માટે વધારાની 25 ટકા પેનલ્ટી લગાવી તેમાં જ ભારતને અમેરિકામાં પોતાનો સામાન વેચવામાં મુશ્કેલીઓ પડી જ રહી છે.
500 ટકા ટૅરિફ લદાય તો ભારતનો એક પૈસાનો માલ અમેરિકામાં ના જાય. પાંચ ગણા ઉંચા ભાવે કોણ માલ ખરીદે? મતલબ કે ભારતની નિકાસ ઝીરો થઈ જાય. અમેરિકા સાથે અત્યારે ભારતનો વેપાર સરપ્લસ ચાલે છે. 500 ટકા ટૅરિફ લદાય તો નિકાસ જ બંધ થઈ જાય ને ભારતની મોટી મોટી કંપનીઓને ફટકો પડી જાય તેથી આ બિલ ભારત માટે ખતરનાક છે.
ટ્રમ્પે ટૅરિફ લાદી તેના કારણે ભારતને કોઈ અસર થઈ નથી કે ભારત અમેરિકાને ઘૂંટણિયે નથી પડી ગયું એવી છાપ ઉભી કરવા મથામણ ચાલે છે પણ આ બંને વાતો ખોટી છે. ટ્રમ્પના ટૅરિફના કારણે ભારતની નિકાસને લગભગ 25 ટકા ફટકો પડી ગયો છે એવું સત્તાવાર આંકડા કહે છે. ગ્લોબલ ટ્રેડ રીસર્ચ ઈનિશિયેટિવના આંકડા પ્રમાણે, 2025ના જુલાઈમાં ભારતે અમેરિકામાં 8 અબજ ડૉલરની નિકાસ કરી હતી.
ઓક્ટોબરમાં આ નિકાસ ઘટીને 6.31 અબજ ડૉલર થઈ ગઈ છે. મતલબ કે, લગભગ બાવીસ ટકાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં તો આ નિકાસ 30 ટકાથી વધારે ઘટીને 5.50 અબજ ડૉલર જ થઈ ગઈ હતી. ભારતે રશિયા પાસેથી ક્રૂડ લેવાનું ઓછું કરવા માંડ્યું તેથી ટ્રમ્પને દયા આવી તેમાં કેટલાંક અટવાયેલા ટ્રેડ ડીલ ક્લીયર થયા તેથી નિકાસ થોડી વધી છે પણ આ સ્થિતિ કાયમી રહેવાની નથી. ટ્રમ્પનું ફરી છટક્યું છે એ જોતાં ગમે ત્યારે તલવાર વિઝાશે જ.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ અમેરિકા પછી ચીન: બધાંને જશ ખાટવો છે પણ પુરાવા ક્યાં?
મોદી ટ્રમ્પને ઘોળીને પી ગયા છે ને ભારતનો વટ ઓછો નથી થવા દીધો એવી વાતોમાં પણ દમ નથી. ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાની પેનલ્ટી ટૅરિફ સિવાય લાદી તેના મૂળમાં રશિયા પાસેથી ક્રુડ ઓઈલની મોટા પાયે ખરીદી છે. ટ્રમ્પે ચીમકી આપી છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરે તો હજુ વધારે ટૅરિફ લદાશે. આ ધમકીના પગલે ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી છે એવું વિશ્વની ટોચની ન્યૂઝ એજન્સી રોઇટર્સનો રિપોર્ટ કહે છે.
આ રિપોર્ટ નુસાર, ભારતની રશિયન ઓઈલ આયાત નવેમ્બરમાં લગભગ 17.7 લાખ બેરલ પ્રતિદિન હતી કે જે ડિસેમ્બરમાં ઘટીને લગભગ 12 લાખ બેરલ પ્રતિદિન રહી ગઈ છે. મતલબ કે, ભારતની આયાતમાં એક જ મહિનામાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. નજીકના ભવિષ્યમાં આ આયાત ઘટીને 10 લાખ બેરલ પ્રતિદિનથી પણ નીચે જતી રહેશે એવો રિપોર્ટમાં દાવો કરાયો છે. ભારત 2012થી રશિયા પાસેથી જંગી પ્રમાણમાં ક્રૂડ ખરીદે છે અને 2021 પછી પહેલી વાર ભારતની ખરીદી ઘટી છે તેનું કારણ ટ્રમ્પની ધમકીની અસર છે.
ભારત રાજદ્વારી રીતે પણ ટ્રમ્પને મનાવવા તો મથી જ રહ્યું છે. રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું છે કે, ગયા મહિને પોતે ભારતના અમેરિકા ખાતેના રાજદૂત વિનય મોહન કવાત્રાને મળ્યા ત્યારે કવાત્રાએ પોતાને વિનંતી કરેલી કે, ટ્રમ્પ ભારતના માલ પર લાદેલી 25 ટકા ટૅરિફ માફ કરે એ માટે પ્રયત્ન કરજો. ગ્રાહમના કહેવા પ્રમાણે, કવાત્રાએ ભારત અને અમેરિકાના ટ્રેડ ડીલની ગાડી પાટે ચડાવવા માટે મથવા પણ પોતાને વિનંતી કરી હતી.
ભારત અમેરિકા સામે ઝૂકે તેમાં ખોટું નથી કેમ કે રશિયા કરતાં ભારતનાં આર્થિક હિતો અમેરિકા સાથે વધારે પ્રમાણમાં જોડાયેલાં છે. રશિયા ભારતને સસ્તું ક્રૂડ આપે છે પણ ભારત પાસેથી જંગી પ્રમાણમાં માલ લઈ શકતું નથી કેમ કે રશિયા પાસે મોટું માર્કેટ નથી. તેની સામે અમેરિકા રીઝે તો ભારત માટે મોટા પ્રમાણમાં પોતાનો માલ ઠાલવવાની તક આવી જાય. તેના કારણે ભારતના અર્થતંત્રની શિકલ જ બદલાઈ જાય. ટૂંકમાં ભારત માટે અમેરિકા સાથેના આર્થિક સંબંધો વધારે ફળદાયી છે જ ને ભારત સરકારે આ વાત સ્વીકારવી જોઈએ.
ટ્રમ્પ 500 ટકા ટૅરિફ લાદી દે તો જખ મારીને તેના પગમાં પડવું જ પડશે તેના કરતાં અત્યારે જ વટનાં ગાજર ખાવાના બદલે અમેરિકા સાથે સારાસારી રાખવા માટે મથીએ છીએ એવું સ્વીકારવું જોઈએ. આ વાતનો સ્વીકાર કરવામાં નાના થઈ જવાના નથી પણ સરકાર આ વાત સ્વીકારતી નથી. તેના બદલે ભારત વિશ્વગુરૂ છે ને આખી દુનિયા ભારતના પગમાં આળોટે છે એવું ભ્રામક ચિત્ર ઊભું કરવા ફાંફાં મરાય છે. તેના કારણે લોકોને નુકસાન થઈ રહ્યું છે, દેશને નુકસાન થઈ રહ્યું છે.


