એકસ્ટ્રા અફેરઃ ભારત બીજું ઈઝરાયલ બને તેમાં કશું ખોટું નથી | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારત બીજું ઈઝરાયલ બને તેમાં કશું ખોટું નથી

  • ભરત ભારદ્વાજ

એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાનની મેચ પછી ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ ના મિલાવ્યા એ મુદ્દે ઘમાસાણ ચાલુ છે ત્યાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારત સામે ઝેર ઓકીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. શાહિદ આફ્રિદીએ લવારો કર્યો છે કે, ભારત નવું ઇઝરાયલ બનવાની કોશિશ કરી રહ્યું છે અને મોદી સરકાર હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમીને માહોલ બગાડી રહી છે.

એશિયા કપમાં ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાનીઓ સાથે હાથ ના મિલાવ્યા એ અંગે આફ્રિદીએ જ્ઞાન પિરસ્યું છે કે જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી આ પ્રકારનું રાજકારણ રમાતું રહેશે. આફ્રિદીનો દાવો છે કે, ભારતીય ક્રિકેટરોનો કોઈ વાંક નથી પણ તેમને તો ઉપરથી ફરમાન આવેલું કે, પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવે. સોશ્યલ મીડિયા પર પહેલેથી જ ભારત અને પાકિસ્તાનની મેચનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચાલી રહી હતી.

આ ઝુંબેશના કારણે નકારાત્મક માહોલ ઊભો કરી દેવાયેલો તેથી બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) અને ક્રિકેટરોએ પાકિસ્તાનીઓ સાથે હાથ ના મિલાવ્યા. આફ્રિદીએ રાહુલ ગાંધીનાં વખાણ કરીને તેમને હકારાત્મક વલણ ધરાવતા નેતા ગણાવીને ડહાપણ ડહોળ્યું છે કે, રાહુલ ગાંધી વાતચીતથી તમામ દેશો અને ખાસ તો પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા માગે છે.

આફ્રિદી મોદી વિરૂદ્ધ કે ભારત વિરૂદ્ધ બોલ્યો હોય એવું પહેલી વાર નથી બન્યું. આફ્રિદી કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બનાવવાનાં દિવાસ્વપ્નો તો જોયા કરે જ છે પણ મોદી વિરોધી લવારા પણ કરી ચૂક્યો છે. આફ્રિદીએ બે વર્ષ પહેલાં મોદીને અત્યાચારી કહ્યા હતા. 2020માં આફ્રિદીએ મોદીને કાયર અને માનસિક રીતે બીમાર ગણાવીને કહેલું કે, મોદીને ધર્મનો રોગ છે.

પાકિસ્તાની સૈનિકોને મળવા ગયેલા આફ્રિદીએ કહેલું કે, દુનિયામાં એક ખૂબ મોટો રોગચાળો કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે પણ તેનાથી પણ મોટી બીમારી મોદીના હૃદય અને મનમાં છે. આ બીમારી ધર્મની છે. મોદી ધર્મના આધારે રાજકારણ રમી રહ્યા છે.

આફ્રિદી મોટો નેતા નથી કે એવો પ્રભાવશાળી વ્યક્તિ નથી કે જેનાં નિવેદનોના કારણે દુનિયાની તરાહ બદલાઈ જાય એ જોતાં તેના નિવેદનનું સત્તાવાર રીતે કોઈ મહત્ત્વ નથી પણ આ લવારા પાકિસ્તાનમાં એક વર્ગને ભારત તરફ કઈ હદે દ્વેષ છે એ બતાવે છે તેથી તેની વાત કરવી જરૂરી છે. આફ્રિદી સહિતના હલકા એવું ચિત્ર ઊભું કરવા મથી રહ્યા છે કે, મોદીના કારણે સમસ્યા છે પણ વાસ્તવમાં સમસ્યા પાકિસ્તાનના આતંકવાદના કારણે છે.

આફ્રિદી મોદી પર ધર્મનું રાજકારણ રમવાનો આક્ષેપ મૂકે છે ત્યારે વરવો લાગે છે. પાકિસ્તાન આતંકવાદીઓને જિહાદની પટ્ટી પઢાવીને ભારતમાં નિર્દોષોની હત્યા કરાવે છે ને આફ્રિદી ધર્મના નામે રાજકારણની વાત કરે તેનાથી હાસ્યાસ્પદ બીજી વાત કઈ હોય? પાકિસ્તાન ભારતીયોની હત્યા કરાવવાનું બંધ કરી દે, આતંકવાદીઓને પોષવાનું બંધ કરી દે તો ભારતીયોને હાથ મિલાવવામાં નહીં પણ ગળે મળવામાં પણ વાંધો નથી.

આફ્રિદીએ એવું જ્ઞાન પણ પિરસ્યું છે કે, ભારત બીજું ઈઝરાયલ બની રહ્યું છે. આ વાત સાચી હોય તો ભારતે ગર્વ અનુભવવો જોઈએ કેમ કે કોઈ દેશ તમારાં નિર્દોષ લોકોની હત્યા કરે તેની સામે બાયલા બનીને બેસી રહેવા કરતાં ઈઝરાયલની જેમ લે બુધું ને કર સીધુંની નીતિ અપનાવવી તેમાં કશું ખોટું નથી. પાકિસ્તાન આપણાં લોકોને મારે ને આપણે ચૂપ ના બેસી શકીએ ને?

આફ્રિદીએ રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં તેને ભાજપે મુદ્દો બનાવીને સવાલ કર્યો છે કે, દરેક ભારત વિરોધી વ્યક્તિને રાહુલમાં મિત્ર કેમ દેખાય છે? ભાજપના નેતા અમિત માલવિયાનું કહેવું છે કે, ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની અને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાની વાતો કરવાની એક પણ તક નહીં છોડનારા શાહિદ આફ્રિદીએ અચાનક રાહુલ ગાંધીની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું છે.

ભારતના દુશ્મનો તમારી પ્રશંસા કરવાનું શરૂ કરે ત્યારે ભારતના લોકોને ખબર પડી જાય છે કે તમારી વફાદારી કઈ તરફ છે. ભાજપના એક બીજા નેતા એન.વી. સુભાષે પણ સવાલ કર્યો છે કે, રાહુલ ગાંધી, તેમના મિત્ર અસદુદ્દીન ઓવૈસી સાથે મળીને એશિયા કપમાં પાકિસ્તાનની હારનો શોક મનાવી રહ્યા છે? દુબઈમાં ભારત જોરદાર દેખાવ કરીને જીત્યું પણ રાહુલ કે ઓવૈસીએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન નથી આપ્યા. બીજી તરફ રાહુલ ગાંધી તેમના સાથીઓ સાથે મળીને હંમેશાં પાકિસ્તાની સેનાની પ્રશંસા કરે છે.

ભાજપના બીજા નેતાઓએ પણ આ મુદ્દે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરીને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. આ પ્રહારો ભાજપના નેતાઓની હલકી માનસિકતા બતાવે છે. આફ્રિદીએ રાહુલનાં વખાણ કર્યાં તેના કારણે રાહુલ પાકિસ્તાનતરફી થઈ ગયા એવો દાવો એ વાતનો પુરાવો છે કે, ભાજપના કેટલાક નેતાઓમાં કોઈ પણ વાતને તોડીમરોડીને રજૂ કરવાની માનસિક વિકૃતિ છે અને તેમની દુનિયા રાહુલ ગાંધીથી આગળ વધતી જ નથી.

ભાજપના નેતાઓની થિયરી પ્રમાણે તો નરેન્દ્ર મોદી પણ પાકિસ્તાનતરફી કહેવાય કેમ કે ઈમરાન ખાનથી માંડીને સાજિદ તરાર સુધીના સંખ્યાબંધ પાકિસ્તાનીઓ મોદીની પ્રસંશા કરી ચૂક્યા છે. પાકિસ્તાનની પ્રજા મોદીનાં વખાણ કરતી હોય એવા તો સંખ્યાબંધ વીડિયો ફરે છે. પાકિસ્તાનીઓ મોદીનાં વખાણ કરે એટલે મોદીની દેશભક્તિ શંકાસ્પદ થઈ જાય? બિલકુલ નહીં ને આ વાત રાહુલ ગાંધીને પણ લાગુ પડે જ છે.

ભાજપ રાહુલ ગાંધીને જે ધારાધોરણો લાગુ પાડે છે એ જ ધારાધોરણો લાગુ પાડવા જાય તો મોદી પણ ભારત વિરોધી થઈ જાય કેમ કે મોદી ભારતની મેથી મારવામાં કોઈ કસર નહીં છોડનારા ડોનલ્ડ ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવે છે. ટ્રમ્પે પોતે ભારતના મિત્ર નથી એ વારંવાર સાબિત કર્યું છે છતાં મોદીએ બુધવારે પોતાના જન્મદિને ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવ્યા. તેના કારણે મોદી ભારત વિરોધી થઈ ગયા?

ભાજપના નેતાઓએ થોડીક વિવેકબુદ્ધિ બતાવવાની જરૂર છે. દરેક વાતમાં હલકું રાજકારણ રમવા ના ઊતરી પડવાનું હોય ને દેશનું આંતરિક રાજકારણ અલગ વાત છે જ્યારે બહારનાં લોકોની વાત આવે ત્યારે દેશ આખો એક છે એ બતાવવાનું હોય છે એટલી સાદી સમજ કેળવવાની જરૂર છે.

આફ્રિદી જેવા ટૂણિયાટોનાં નિવેદનોને આધારે આ દેશના એક જનપ્રતિનિધિ પર પાકિસ્તનતરફી હોવાનો કે પાકિસ્તાન તરફ વફાદારી હોવાનો સિક્કો લગાવી દેવો એ નીચતા કહેવાય. ભાજપના નેતાઓએ આ નીચતા છોડવાની જરૂર છે.

આપણ વાંચો:  એકસ્ટ્રા અફેરઃ ટીમ ઈન્ડિયાએ હાથ ના મિલાવ્યો તેમાં પાકિસ્તાન રઘવાયું કેમ થયું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button