એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સોમનાથ મહાદેવના પુનર્નિર્માણનું મહાકાર્ય કૉંગ્રેસીઓએ જ પાર પાડેલું…

ભરત ભારદ્વાજ

દેશમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વનો માહોલ જામ્યો છે અને સોમનાથ મહાદેવના નામે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને કૉંગ્રેસને ગાળો દેવાની મોસમ પણ પૂરબહારમાં જામી છે. સોમનાથ સ્વાભિમાનના નામે ભાજપના નેતા કૉંગ્રેસને હિંદુ વિરોધી ચિતરવા મચી પડ્યા છે. ભાજપે સત્તાવાર રીતે કહ્યું છે કે, કૉંગ્રેસે સોમનાથ મહાદેવનો વિરોધ કર્યો હતો પણ આ વાત સાવ ખોટી છે.

ભાજપનું કહેવું છે કે, સોમનાથનો વિરોધ કરવાથી માંડીને ભગવાન શ્રી રામના અસ્તિત્વનો ઈનકાર કરવા સુધીનાં કૉંગ્રેસનાં કૃત્યો એ વાતનો પુરાવો છે કે, કૉંગ્રેસ અને ખાસ તો નહેરુ-ગાંધી ખાનદાન હિંદુ વિરોધી છે. ભાજપે તો કૉંગ્રેસ પર ઐતિહાસિક તથ્યો અને દેશના સ્વાભિમાનની અવગણના કરવાનો આરોપ પણ મૂકી દીધો છે.

કૉંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું તેમાં બેમત નથી પણ કૉંગ્રેસે સોમનાથનો વિરોધ કરેલો એ વાત ઐતિહાસિક રીતે સાચી નથી. બલ્કે ભાજપ જે સોમનાથના નામે ચરી ખાવા નિકળ્યો છે એ સોમનાથના મંદિરનું પુનર્નિર્માણ કૉંગ્રેસીઓએ જ કરાવ્યું હતું એ ઐતિહાસિક હકીકત છે ને ભાજપ જેમને ગાળો આપે છે એ જવાહરલાલ નહેરુની સરકારે જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો ઠરાવ પસાર કર્યો હતો.

બીજી ઐતિહાસિક હકીકત એ છે કે, જવાહરલાલ નહેરુના વિરોધ છતાં મંદિર નિર્માણનું કામ પાર પાડનારા પણ કૉંગ્રેસીઓ જ હતા. ભાજપ નહેરુને ગાળો આપે છે, કૉંગ્રેસને હિંદુ વિરોધી ચિતરે છે પણ કૉંગ્રેસ કે કૉંગ્રેસીઓના યોગદાનને યાદ નથી કરતી. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ તો જખ મારીને લેવું પડે છે એટલે ભાજપ લે છે પણ સોમનાથ મહાદેવના પુનર્નિર્માણનું મહાકાર્ય જેમના કારણે પાર પડ્યું એવા કનૈયાલાલ મુનશીથી માંડીને શામળદાસ ગાંધી સહિતના કૉંગ્રેસીઓને ભાજપના નેતા યાદ સુધ્ધાં નથી કરતા. રાજકીય સ્વાર્થમાં આ હદનું નગુણાપણું?

જનસંઘ તો એ વખતે અસ્તિત્વમાં નહોતો પણ ભાજપનું પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અસ્તિત્વમાં હતો. ભાજપ જેમને આરાધ્ય ગણીને અત્યારે પૂજે છે એ વિનાયક દામોદર સાવરકરની હિંદુ મહાસભા પણ અસ્તિત્વમાં હતી. ભાજપના પૂર્વાવતાર જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી જવાહરલાલ નહેરુ સરકારમાં મંત્રી હતા ને હિંદુ મહાસભાના સભ્ય હતા. સંઘ કે હિંદુ મહાસભાએ સોમનાથ મહાદેવના પુનર્નિર્માણમાં કોઈ યોગદાન નહોતું આપ્યું, જે યોગદાન આપ્યું એ કૉંગ્રેસીઓએ જ આપ્યું હતું.

સોમનાથ મહાદેવના પુનર્નિર્માણનું કામ હથ પર લેનારા સરદાર વલ્લભભાઈ પટેલ પણ કૉંગ્રેસી હતા અને સરદારના નિધન પછી આ કાર્યને પાર પાડનારા કનૈયાલાલ મુનશી પણ કૉંગ્રેસી હતા. મુનશી એ વખતે નહેરુ સરકારમાં ખાદ્ય અને કૃષિ મંત્રી હતા. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે ગૃહ મંત્રાલયની સમિતિ રચી હતી. આ સમિતિના ચેરમેન તરીકે પણ કનૈયાલાલ મુનશી હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો ઠરાવ સત્તાવાર રીતે જવાહરલાલ નહેરુ સરકારે પસાર કર્યો હતો.

સરદારે 1947ના નવેમ્બરમાં સોમનાથ મહાદેવના પુનર્નિર્માણની જાહેરાત કરી તેના લગભગ પખવાડિયા પછી મહાત્મા ગાંધીને આ નિર્ણયની જાણ કરી હતી. ગાંધીજીએ આ નિર્ણયને વધાવી લીધો હતો પણ સરકારી ખર્ચના બદલે લોકો પાસેથી દાન ઉઘરાવીને મંદિરનું પુનર્નિર્માણ કરવાની સલાહ આપી હતી. સોમનાથના પુનર્નિર્માણની વાતને ટેકો આપનારા ગાંધીજી પણ કૉંગ્રેસી જ હતા ને ?

સરદાર પટેલે આ સલાહ સ્વીકારી અને જામ સાહેબે દાન આપવાની જાહેરાત કરી પછી દાનનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો તેથી નાણાંની કોઈ મુશ્કેલી પડી નહીં. નાનજી કાલિદાસ મહેતા સહિતના ગુજરાતીઓએ જંગી દાન આપ્યું તેથી સરકાર પાસેથી મદદ લેવાની જરૂર જ ના પડી એ છતાં ઉત્તર પ્રદેશની કૉંગ્રેસ સરકારે સ્વૈચ્છિક રીતે બહુ મોટું આર્થિક યોગદાન આપેલું.

ઉત્તર પ્રદેશ એ વખતે યુનાઈટેડ પ્રોવિન્સમાં હતું ને કૉંગ્રેસના ગોવિંદ વલ્લભ પંત મુખ્યમંત્રી હતા. પહેલાં યુનાઈટેડ પ્રોવિન્સ અને પછી યુપી સરકાર અને ઈન્ડિયન સુગર સિન્ડિકેટ વચ્ચે થયેલા કરાર પ્રમાણે, સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે સિન્ડિકેટ એક મણ ખાંડના વેચાણમાંથી છ આના એટલે કે 40 પૈસા આપતી હતી. કૉંગ્રેસી મુખ્યમંત્રીએ સત્તાવાર રીતે સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે લાખો રૂપિયા એકઠા કરી આપ્યા હતા. જવાહરલાલ નહેરુની ના છતાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેનારા દેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ પણ કૉંગ્રેસી હતા. ડૉ. પ્રસાદ સાથે હાજર રહેલા સાત પ્રધાનો પણ કૉંગ્રેસી જ હતા.

જવાહરલાલ નહેરુએ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનાં રોડાં નાંખેલો એવું ઈતિહાસ નથી કહેતો પણ ભાજપના નેતા કહે છે. સરદાર વલ્લભભાઈ પટેલના નિધન પછી નહેરુનું વલણ બદલાયું હતું એ સાચું છે પણ એ વલણ સરકારમાં બેઠેલા લોકો સોમનાથ મહાદેવના પુનર્નિર્માણમાં સામેલ થાય તેના વિરોધ પૂરતું મર્યાદિત હતું.

નહેરુએ સોમનાથ મહાદેવના પુનર્નિર્માણના કામને રોકવાનો કદી પ્રયત્ન નહોતો કર્યો કે, આ કામમાં રોકાયેલા લોકોની સાથે ક્નિનાખોરી નહોતી બતાવી. સરદારના નિધન પછી સોમનાથ મહાદેવના પુનર્નિર્માણના મહાકાર્યને પાર પાડનારા કનૈયાલાલ મુનશી નહેરુ સરકારમાં મંત્રીપદે ચાલુ જ રહેલા. બલ્કે પછીથી નહેરુએ મુનશીને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવેલા.

સોમનાથ મહાદેવના પુનર્નિર્માણનું કાર્ય પૂરું થાય પછી પ્રાણપ્રતિષ્ઠા સરદારના હાથે થવાની હતી. સરદારના નિધનના કારણે મુનશીએ જવાહરલાલ નહેરુને નિમંત્રણ આપ્યું પણ તેમણે ઈનકાર કરી દીધો હતો એ વાત સાચી છે. મુનશીએ એ પછી રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો સંપર્ક કર્યો ને ડૉ. પ્રસાદ હાજર રહેવાના હોય તો જ પોતે નિમંત્રણ આપશે એવી સ્પષ્ટ વાત કરી હતી.

ડૉ. પ્રસાદે હા પાડી પછી તેમને રોકવા નહેરુએ ભારે ધમપછાડા કરેલા એ વાત સાવ સાચી છે. સી. રાજગોપાલાચારી અને ડૉ. રાધાકૃષ્ણન સહિતના મહાનુભાવો તેમની સાથે જોડાયેલા પણ એ કૉંગ્રેસી નહોતા. કૉંગ્રેસમાંથી બહુ ઓછા લોકો નહેરુની સાથે હતા ને સામે મંદિરના કાર્યમાં સંખ્યાબંધ કૉંગ્રેસીઓ જોડાયેલા હતા એ જોતાં કૉંગ્રેસને કઈ રીતે સોમનાથ વિરોધી ગણી શકાય ? કૉંગ્રેસનાં પાપ ઓછાં નથી પણ જે કર્યું નથી તેનું આળ મૂકવું એ અનૈતિકતા કહેવાય.

નહેરુએ જે કર્યું એ બદલ કૉંગ્રેસને હિંદુ વિરોધી ગણી શકાતી હોય તો ભાજપને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદઅલી ઝીણાનો પ્રશંસક ગણી શકાય ? ભાજપના પ્રમુખ તરીકે લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનમાં ઝીણાની કબર પર માથું ટેકવીને ફૂલ ચડાવી જ આવ્યા હતા ને ?

સોમનાથ હિંદુ સ્વાભિમાન અને ગર્વનું પ્રતીક છે. તેને રાજકારણના કાદવથી ખરડીને ગંદુ કરવાની જરૂર નથી. ભાજપના નેતા દરેક વાતમાં મતબેંકનું રાજકારણ ઘૂસાડીને વિકૃત માનસિકતા બતાવી રહ્યા છે. કમ સે કમ સોમનાથ મહાદેવના મંદિરને તો આ વિકૃતિથી દૂર રાખો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button