એકસ્ટ્રા અફેરઃ સનાતન ધર્મના અપમાનના નામે થતાં ધતિંગો ન પોષાય...
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સનાતન ધર્મના અપમાનના નામે થતાં ધતિંગો ન પોષાય…

ભરત ભારદ્વાજ

ભારતમાં સનાતન ધર્મ અને હિંદુત્વના નામે ધતિંગો કરીને પબ્લિસિટી મેળવવાનો ધંધો જોર પકડતો જાય છે અને તેનો તાજો દાખલો સોમવારે સુપ્રીમ કોર્ટમાં જોવા મળ્યો. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI))ના વડપણ હેઠળની બેન્ચ એક કેસની સુનાવણી કરી રહી હતી ત્યારે રાકેશ કિશોર નામના એક વકીલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા CJI) બી.આર. ગવઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

કિશોરે ચીફ જસ્ટિસની બેઠક નજીક જઈને પોતાનું જૂતું કાઢીને ચીફ જસ્ટિસ પર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ ના થયો. કોર્ટના સુરક્ષા કર્મચારીઓએ દોડીને રાકેશ કિશોરને પકડી લીધો તેથી તેને ફરી તક ના મળી પણ સુરક્ષા કર્મચારીઓ કિશોરને પકડીને બહાર લઈ જતા હતા ત્યારે વકીલે એવો નારો લગાવ્યો કે સનાતન ધર્મ કા અપમાન, નહીં સહેગા હિંદુસ્તાન.

રાકેશ કિશોરે કરેલી હરકત માટે ચીફ જસ્ટિસે મધ્ય પ્રદેશના ખજુરાહોમાં આવેલા જવારી (વામન) મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અંગે કરેલી ટિપ્પણીને કારણભૂત ગણાવાઈ છે. જવારી (વામન) મંદિરમાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી તૂટેલી મૂર્તિના પુન:સ્થાપનની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. અરજદારે દાવો કર્યો હતો કે, મુઘલ આક્રમણ દરમિયાન મૂર્તિને નુકસાન થયું હતું અને ત્યારથી તે ખંડિત થયેલી સ્થિતિમાં છે. સુપ્રીમ કોર્ટે હિંદુ ભક્તોના પૂજાના અધિકારનું રક્ષણ કરવા અને મંદિરની પવિત્રતા પુન:સ્થાપિત કરવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ.

ચીફ જસ્ટિસ ગવઈએ આ અરજી ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસે એ વખતે એવી ટિપ્પણી પણ કરેલી કે, આ વાત લઈને તમે સુપ્રીમ કોર્ટમાં આવો છો, તેના બદલે તમારે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે કંઈક કરે. તમે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હોવાનો દાવો કરો છો તો ભગવાન તમારી પ્રાર્થના કેમ સાંભળતા નથી ?

ચીફ જસ્ટિસે એવી પણ સ્પષ્ટતા કરેલી કે, આ મામલો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના અધિકારક્ષેત્રનો છે તેથી અમે તેમાં દખલ ના કરી શકીએ. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ભગવાન વિષ્ણુની મૂર્તિ વરસોથી જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહેશે. અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માંગતા ભક્તો બીજા મંદિરમાં જઈ શકે છે.

જસ્ટિસ ગવઈની કોમેન્ટ સામે એ વખતે પણ ભારે હોહા કરી દેવાયેલી. ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિને સ્થાપિત કરવાની માગ કરનારા અરજદાર રાકેશ દલાલે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને પોતાની ધાર્મિક લાગણીઓનું અપમાન ગણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર ટાંપીને જ બેઠેલી જમાતે તેમાં ટાપસી પૂરાવી તેથી થોડો દેકારો મચી ગયેલો પણ કોઈએ ખુલ્લંખુલ્લા મેદાનમાં આવવાની હિંમત નહોતી કરી.

ચીફ જસ્ટિસ સામે પડવા જતાં ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ થઈ જાય ને વગર લેવેદેવે જેલની હવા ખાવાના દાડા આવી જાય એ ડરે ધર્મના અપમાનની દુહાઈઓ આપનારા બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી રહેલા. સોશિયલ મીડિયા પર હોહા કરનારામાંથી મોટા ભાગના ટૂણિયાટ હતા તેથી તેમની વાતનું કોઈ વજન ના પડ્યું ને આખી વાત હવાઈ ગયેલી.

ચીફ જસ્ટિસે વાતને વાળી લેવા માટે ચોખવટ કરેલી કે, પોતે તમામ ધર્મને માન આપે છે અને કોઈ ધર્મ માટે ખરાબ લાગણી નથી ધરાવતા. પોતાની કોમેન્ટ ધાર્મિક અને પુરાતત્વીય બાબતોમાં સુપ્રીમ કોર્ટ કશું ના કરી શકે એ બતાવવા માટે હતી તેથી તેને ખોટી રીતે લેવાની જરૂર નથી. ચીફ જસ્ટિસની કોમેન્ટ પછી આ મુદ્દો શાંત પડી ગયેલો ત્યાં હવે રાકેશ કિશોરના જૂતાકાંડના કારણે આ મુદ્દા તરફ પાછું લોકોનું ધ્યાન ખેંચાયું છે.

કેટલાંક લોકોનું કહેવું છે કે, વકીલ રાકેશ કિશોરે ચીફ જસ્ટિસ પર કાગળ ફેંકવાનો પ્રયાસ કરેલો. કેટલાક લોકોનું કહેવું છે કે, રાકેશ કિશોર વકીલ નથી પણ સામાન્ય માણસ છે જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાકેશ કિશોર 2011થી સુપ્રીમ કોર્ટમાં રજિસ્ટર્ડ વકીલ છે. આ બધી વાતો મહત્ત્વની નથી. રાકેશ કિશોર વકીલ છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી કે જૂતું ફેંક્યું કે કાગળ ફેંક્યા એ પણ મહત્ત્વનું નથી. મહત્ત્વનો મુદ્દો દેશના ચીફ જસ્ટિસ પર હુમલાનો પ્રયાસ છે અને આ પ્રયાસ સનાતન ધર્મના બહાને થયો એ છે.

પહેલી વાત એ કે, ચીફ જસ્ટિસે ભગવાન વિષ્ણુ કે સનાતન ધર્મના બીજા કોઈ દેવી-દેવતા સામે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નથી. ચીફ જસ્ટિસે ખંડિત મૂર્તિને સ્થાપિત કરાવવા માટે ભગવાન પાસે જવા કે ભગવાનને પ્રાર્થના કરવા કહ્યું તેમાં સનાતન ધર્મનું શું અપમાન થઈ ગયું ? ચીફ જસ્ટિસે ખંડિત મૂર્તિને છોડીને બીજા મંદિરમાં જવાનું કહ્યું તેમાં સનાતન ધર્મના અપમાનની વાત ક્યાં આવી ? વાંધો પાડવો હોય તો ગમે તે વાતે પાડી શકાય પણ ચીફ જસ્ટિસની ટિપ્પણીમાં ક્યાંય ધર્મના અપમાનની વાત જ નથી.

બીજું એ કે, આ રીતે મંદિરોમાં ખંડિત થયેલી મૂર્તિઓને ફરી સ્થાપિત કરાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું છે પણ નહીં. ખજુરાહો સહિતનાં સ્થળો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના તાબા હેઠળ છે અને એએસઆઈ કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરે છે. કેન્દ્ર સરકાર ઈચ્છે તો દેશભરમાં જ્યાં પણ આવી ખંડિત મૂર્તિઓ છે તેમનું સમારકામ કરાવી શકે છે. તેના માટે કાયદા કે નિયમોમાં ફેરફાર કરવા પડે તો એ કરવાની કેન્દ્ર સરકારને સત્તા છે.

આ સંજોગોમાં રજૂઆત કરવી હોય તો કેન્દ્ર સરકાર સમક્ષ કરવી જોઈએ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) સમક્ષ કરવી પણ તેના બદલે બધા નમૂના સુપ્રીમ કોર્ટમાં હાલ્યા આવે છે. સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદા બતાવે કે તેમની વાત ના માને ત્યારે ફાલતું વાતના વાંધા ઊભા કરીને ધર્મના અપમાનનો ઝંડો પકડીને ઊભા થઈ જાય છે. આ જ નમૂનાઓને ચૈતન્યાનંદ જેવા હલકટો ધર્મના નામે માસૂમ હિંદુ દીકરીઓને હવસનો શિકાર બનાવે ત્યારે સનાતન ધર્મનું અપમાન નથી લાગતું. સનાતન ધર્મના નામે અધમ આચરણ કરનારાં સામે જૂતાં ફેંકવા કે વિરોધ કરવા પણ કોઈ મરદનો લાલ મેદાનમાં નથી આવતો.

આ પ્રકારની ઘટનાઓને પોષવા જેવી બિલકુલ નથી કેમ કે તેના કારણે આ દેશમાં કાયદાનું રાજ જ નહીં રહે. કોઈ પણ વ્યક્તિ પોતાની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો ઝંડો લઈને ઊભો થઈ જાય ને જૂતું લઈને કોઈને પણ મારવા મેદાનમાં આવી જાય તો કાયદો અને વ્યવસ્થા કઈ રીતે રહેશે?

આ પણ વાંચો…CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ: બાર કાઉન્સિલે વકીલનું લાઇસન્સ રદ્દ કર્યું…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button