એકસ્ટ્રા અફેરઃ તેજસ્વીએ શાણપણ વાપરી કૉંગ્રેસને માપમાં રાખી...
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ તેજસ્વીએ શાણપણ વાપરી કૉંગ્રેસને માપમાં રાખી…

ભરત ભારદ્વાજ

બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થવા આડે ગણીને 20 દિવસ બાકી રહ્યા છે ત્યાં અંતે મહાગઠબંધનની ભવાઈનો અંત આવ્યો ખરો. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), કૉંગ્રેસ સહિતના પક્ષોના બનેલા શંભુ મેળા એટલે કે મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીથી માંડીને મુખ્યમંત્રીપદના ઉમેદવાર સુધીના મુદ્દે સુલહ થઈ ગઈ ને આરજેડીના તેજસ્વી યાદવને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરી દેવાયા.

તેજસ્વી મુખ્યમંત્રી બને તો વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના મુકેશ સાહની અને કૉંગ્રેસના કોઈ નેતા નાયબ મુખ્યમંત્રી બને એવું પણ નક્કી થયું છે. બેઠકોની વહેંચણીના મુદ્દે કડાકૂટ પતી નથી. 11 બેઠકો પર મહાગઠબંધનના 7 પક્ષો સામસામે લડવાના છે છતાં મહાગઠબંધનના નેતાઓએ તમાચો મારીને ગાલ લાલ રાખવા માટે જબરદસ્ત એકતાની દુહાઈઓ આપી દીધી.

આ કહેવાતી જબરદસ્ત એકતા મહાગઠબંધનને જીતાડશે કે નહીં એ ખબર નથી પણ આ ભવાઈએ કૉંગ્રેસના નેતાઓને ભાજપને હરાવવામાં નહીં પણ પોતાનો અહમ સંતોષવામાં રસ છે એ ફરી છતું કરી દીધું. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ ચૂંટણીની જાહેરાત પહેલા જ બેઠકોની વહેંચણીનો મામલો નિપટાવી દીધેલો ને નીતિશ કુમારના નેતૃત્વમાં લડવાનું એલાન કરી નાખેલું.

બીજી તરફ મહાગઠબંધનમાં ભેંસ ભાગોળે છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ જેવી હાલત હતી. ક્યો પક્ષ કેટલી બેઠકો પર લડશે એ નક્કી નહોતું ને કોણ મુખ્યમંત્રી બનશે ને કોણ નાયબ મુખ્યમંત્રી બનશે એ મુદ્દે તલવારો તણાઈ ગયેલી. બેઠકોની વહેંચણી અને મુખ્યમંત્રીપદના દાવેદાર એ બંને મુદ્દે કૉંગ્રેસ અને આરજેડી સામસામે આવી ગયેલાં. કૉંગ્રેસ નમતું જોખવા રાજી નહોતી ને આરજેડી બિહાર કૉંગ્રેસના નેતાઓને ગણકારતી નહોતી એટલે કૉંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગેહલોતને પટણા દોડાવવા પડેલા.

મહાગઠબંધનના બીજા નેતા પણ પોતપોતાની હુશિયારી ઠોકવામાં પડેલા. વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના મુકેશ સાહની સહિતના નેતા પોતપોતાનું હાંક્યે રાખતા હતા તેથી તેથી આ સંઘ કાશીએ નહીં પહોંચે એવું લાગતું હતું પણ સુલહ કરાવવામાં હોંશિયાર ગેહલોતે મહાગઠબંધનના નેતાઓને મળીને ચોકઠાં ફિટ કરી દીધાં.

ગેહલોતે આરજેડીના વડા તેજસ્વી યાદવને મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે સ્વીકારી લીધા ને મુકેશ સાહનીને તેજસ્વીના ડેપ્યુટી તરીકે સ્વીકારીને એલાન કરી નાખ્યું કે, અમારી સરકાર બનશે તો મુકેશ સાહની નાયબ મુખ્યમંત્રી બનશે. કૉંગ્રેસ નેતા અશોક ગેહલોતે મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સમાં એવું એલાન પણ કરી નાંખ્યું છે કે, મહાગઠબંધનની સરકાર રચાશે તો પછાત સમુદાયના અન્ય કોઈ નેતાને પણ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

ગેહલોતે પછાત સમુદાયના આ નેતા કોણ હશે તેનો ફોડ નથી પાડ્યો પણ આ નેતા બિહાર કૉંગ્રેસ પ્રમુખ રાજેશ કુમાર હશે એ કહેવાની જરૂર નથી. દલિત નેતા રાજેશ કુમાર અત્યારે બિહાર વિધાનસભાના સભ્ય છે તેથી તેમને જ આગળ કરાશે એ સ્પષ્ટ છે.

મહાગઠબંધનની 50 મિનિટ ચાલેલી સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સમાં આરજેડી, કૉંગ્રેસ અને વીઆઈપી સહિત 7 પક્ષના 14 નેતાએ હાજરી આપી હતી પણ તેમાં બેઠકોની વહેંચણી મુદ્દે ચોખવટ ના કરાઈ એ જોતાં ડખા ચાલુ જ છે એ સ્પષ્ટ છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થવાનું છે ને બંને તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની તારીખ પતી ગઈ છે.

અત્યારની સ્થિતિએ મહાગઠબંધનના 7 પક્ષના 243 બેઠકો માટે 254 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આરજેડી મહાગઠબંધનમાં સૌથી મોટો પક્ષ છે તેથી આરજેડીએ 143, કૉંગ્રેસે 61, સીપીઆઈ(એમ)એ 20, સીપીઆઈએ 9, સીપીએમએ 6 અને મુકેશ સાહનીની વીઆઈપીએ 15 ઉમેદવારો ઉભા રાખ્યા છે એ જોતાં મહાગઠબંધનમાં સામેલ પક્ષોના ઉમેદવારો 11 બેઠકો પર સામસામે ટકરાશે.

તેમાંથી 6 બેઠકો પર આરજેડી અને કૉંગ્રેસના ઉમેદવારો એકબીજાની સામે છે જ્યારે બીજી ત્રણ બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારોની બીજા સાથી પક્ષોના ઉમેદવારો સામે ટક્કર છે તેથી કોંગ્રેસ કુલ નવ બેઠકો પર પોતાના સાથી પક્ષોના ઉમેદવારો સામે લડી રહી છે. આ કહેવાતી ફ્રેન્ડલી ફાઈટ એટલે કે મૈત્રીપૂર્ણ લડાઈની ચૂંટણીનાં પરિણામો પર શું અસર થશે એ ખબર નથી પણ તેના કારણે કૉંગ્રેસનો અહંકાર છતો થઈ જ ગયો.

મહાગઠબંધનમાં પડેલા ડખા માટે કૉંગ્રેસ જવાબદાર હતી કેમ કે કૉંગ્રેસ બેઠકોની વહેંચણી અને મુખ્યમંત્રીપદના દાવેદાર એ બંને મુદ્દે અડી ગયેલી. કૉંગ્રેસને તેજસ્વીને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવામાં વાંધો નહોતો પણ વધારે બેઠકો લેવા માટે આરજેડીનું નાક દબાવવા એ મુદ્દે પણ અક્કડ વલણ અપનાવી લીધેલું.

કૉંગ્રેસને 243 બેઠકોમાંથી 61 બેઠકો જોઈતી હતી જ્યારે આરજેડી તેને 40 બેઠકોથી વધારે આપવા તૈયાર નહોતી. આરજેડી કૉંગ્રેસના બદલે વીઆઈપી સહિતના પક્ષોને વધારે બેઠકો આપવા માગતી હતી તેમાં કૉંગ્રેસને વાંકુ પડી ગયેલું. આરજેડી કૉંગ્રેસને 40 બેઠકોથી વધારે આપવા નહોતી માગતી તેનું કારણ 2020નો અનુભવ છે.

2020માં કૉંગ્રેસના કારણે જ મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી નહોતી મળી ને તેજસ્વી યાદવ લટકી ગયેલા. 2020માં ભાજપને 74 બેઠકો જ્યારે આરજેડીને 75 બેઠકો મળી હતી. સ્પષ્ટ બહુમતી માટે 122 બેઠકો જોઈએ પણ કૉંગ્રેસે ધોળકું ધોળ્યું તેમાં મહાગઠબંધનને 110 બેઠકો જ મળતાં સ્પષ્ટ બહુમતીમાં તેનો પનો 12 બેઠકો માટે ટૂંકો પડી ગયો હતો.

કૉંગ્રેસે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવો દેખાવ કર્યો હતો. બિહાર વિધાનસભાની 243 બેઠકોમાંથી આરજેડી 144, કૉંગ્રેસ 70 અને ત્રણ ડાબેરી પક્ષો 29 બેઠકો પર લડેલાં. આ પૈકી આરજેડી 75 અને ડાબેરીઓએ 16 બેઠકો જીતીને શાનદાર દેખાવ કર્યો હતો પણ કૉંગ્રેસે માત્ર 19 બેઠકો જીતી હતી. કૉંગ્રેસે 2015માં 29 બેઠકોમાં પણ 10નો ઘટાડો કર્યો તેમાં મહાગઠબંધન પછડાયું.

તેજસ્વીએ કૉંગ્રેસને અધધધ 70 બેઠકો આપીને બહુ મોટી ભૂલ કરેલી ને તેનાં પરિણામ તેણે ભોગવ્યાં. કૉંગ્રેસે તેના ભાગની 70માંથી 30 બેઠકો જીતી હોત તો મહાગઠબંધન સ્પષ્ટ બહુમતીની નજીક હોત ને ઓવૈસીની મદદથી તેજસ્વી સરકાર રચી શક્યા હોત. કૉંગ્રેસે 40 બેઠકો પર જ લડવાનું નક્કી કર્યું હોત ને 30 બેઠકો તેજસ્વીને આપી દીધી હોત તો પણ મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હોત પણ કૉંગ્રેસે જીદ કરીને 70 બેઠકો લીધી તેમાં તેજસ્વી બાવાનાં બેઉ બગડ્યાં.

તેજસ્વી 2020ની ભૂલ ફરી દોહરાવવા નહોતા માગતા એ શાણપણ કહેવાય. કૉંગ્રેસના બદલે નાના નાના પક્ષોને વધારે બેઠકો આપવાની તેમની વ્યૂહરચના યોગ્ય છે કેમ કે કૉંગ્રેસનો એવો જબરદસ્ત જનાધાર રહ્યો નથી. સામે વીઆઈપી અને ડાબેરી પક્ષો મર્યાદિત વિસ્તારોમાં પ્રભાવ ધરાવે છે પણ જીતવાની તાકાત કૉંગ્રેસ કરતાં વધારે ધરાવે છે. તેજસ્વી આ વાત સમજે છે પણ કૉંગ્રેસ પોતાની મર્યાદા સમજવા તૈયાર નથી તેમાં મહાગઠબંધન હાસ્યાસ્પદ બની ગયું છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ મોદીએ વચન પાળ્યું, હવે પૂરો લાભ લોકોને મળે એ જરૂરી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button