એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ઓટો સેક્ટર પર ટેરિફ, ટ્રમ્પ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં…

ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશોના અમેરિકામાં જતા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને 2 એપ્રિલની તારીખ પણ નક્કી કરી નાંખી છે. 2 એપ્રિલ આડે હવે આંગળીના વેઠે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ભારત સરકાર ટ્રમ્પને ટેરિફ નહીં લાદવા વિનવી રહી છે અને મંત્રણાઓ પર મંત્રણા કરી રહી છે ત્યારે ટ્રમ્પે ફરી એક વાર ટેરિફની ચાબુક ચલાવી દીધી છે. ટ્રમ્પે ટેરિફના નવા વારમાં અમેરિકામાં આવતા ઓટો સેક્ટરના માલ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ડોનલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત હેઠળ અમેરિકામાં આવતી કાર અને કારના પાર્ટ્સ બંને પર 25 ટકા ટેરિફ લાગશે.

ઓવલ ઓફિસમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, યુએસમાં ઈમ્પોર્ટ કરવામાં આવતી તમામ વિદેશી કાર પર હવે 25 ટકા ટેરિફ લાદવામાં આવશે અને આ કામચલાઉ નિર્ણય નથી, પરંતુ કાયમી નિર્ણય છે. ટ્રમ્પે એલાન કર્યું છે કે, ઓટો સેક્ટર પરના નવા ટેરિફ 2 એપ્રિલથી અમલમાં આવશે. તેમાં સૌથી પહેલાં કાર પર ટેરિફ લાગશે. વાહનોની આયાત કરતા વ્યવસાયો પર 3 એપ્રિલથી લાગશે જ્યારે ઓટો પાર્ટ્સ પર મે મહિનામાં અથવા તેના પછી ટેરિફ લાગશે. ટ્રમ્પનો દાવો છે કે, ઓટો સેક્ટરની આયાત પર 25 ટકા ટેરિફના આ પગલાંથી કાર ઉદ્યોગ જબરદસ્ત વિકાસ કરશે અને તેનાથી અમેરિકામાં નોકરીઓ અને રોકાણને વેગ મળશે.

ટ્રમ્પના કહેવા પ્રમાણે, આ નિર્ણયથી અમેરિકામાં નવી ફેક્ટરીઓ ખુલશે. કેનેડા અને મેક્સિકોમાં બનતા વિવિધ ઓટો પાર્ટ્સ અને તૈયાર વાહનો હવે યુએસમાં જ બનશે તેથી અમેરિકામાં મેન્યુફેક્ચરિગ સેક્ટરને વેગ મળશે. વ્હાઇટ હાઉસને અપેક્ષા છે કે, આ નિર્ણયથી આવકમાં વાર્ષિક 100 અબજ ડોલરનો વધારો થશે. અમેરિકાએ ગયા વર્ષે લગભગ 80 લાખ કારની આયાત કરી હતી. તેના આધારે ટ્રમ્પની ઓફિસ આ ગણતરી કરી રહી છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ખાનગી રિસોર્ટના ફેશન શોને ધાર્મિક લાગણી સાથે શું લેવાદેવા?

વિશ્લેષકોના મતે, ટ્રમ્પની વાતો શેખચલ્લી જેવી છે અને તેનાથી અમેરિકાને ફાયદો નથી થવાનો પણ ભારે નુકસાન થશે. આ પગલાંથી અમેરિકામાં કાર ઉત્પાદન કામચલાઉ રીતે બંધ થશ કેમ કે વિદેશથી મંગાવાતા ઓટો પાર્ટ્સ મોંઘા થશે. અમેરિકન કાર કંપનીઓ મોટા ભાગના ઓટો પાર્ટ્સ અન્ય દેશોમાંથી આયાત કરે છે. કારની કિમતોમાં વધારો થશે કેમ કે ટેરિફના કારણે ઓટો પાર્ટ્સ મોંઘા પડશે. આ ટેરિફથી વાહન ઉત્પાદકોના ખર્ચમાં વધારો થશે તેથી વેચાણમાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય સાથી દેશો સાથેના સંબંધોમાં તણાવ આવશે.

વિશ્લેષકોની વાત સાચી છે કેમ કે ટ્રમ્પની જાહેરાતે ગભરાટ ફેલાવી જ દીધો છે. બિઝનેસ જગતમાં ફેલાતા ગભરાટનું પ્રતિબિંબ સૌથી પહેલાં શૅરબજાર પર પડે છે તેથી દુનિયાભરનાં શૅરબજારોમાં ઓટો કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો છે. ભારતમાં ટોચની કંપની ટાટા મોટર્સના શેર લગભગ 6 ટકા ઘટી ગયા કેમ કે ટાટા મોટર્સ અમેરિકામાં મોટા પ્રમાણમાં કાર વેચે છે.

ટાટા મોટર્સની માલિકીની જગુઆર લેન્ડ રોવરની નિકાસમાં 22 ટકા હિસ્સો અમેરિકામાં વેચાતી કારનો હોવાથી ટ્રમ્પના 25 ટકા ટેરિફની સીધી અસર ટાટા મોટર્સને થશે. ટાટા મોટર્સે 2024માં વિશ્વભરમાં 4 લાખ કારનું વેચાણ કર્યું હતું અને તેમાં 22 ટકા એટલે કે લગભગ 88 હજાર કાર અમેરિકામાં વેચાઈ હતી. કંપની લેન્ડ રોવરની કારનું મેન્યુફેક્ચરિગ મુખ્યત્વે બ્રિટનમાં કરે છે પણ હેડક્વાર્ટર ભારતમાં છે તેથી ભારતમાં તેની અસર થાય એ સ્વાભાવિક છે. ભારતની મહિન્દ્રા, આઈશર સહિતની અમેરિકામાં આયાત કરાતી કારોના શેર પણ તૂટ્યા છે.

બીજા દેશોમાં પણ કાર કંપનીના શેરના ભાવોમાં કડાકો બોલી ગયો છે. બીજા દેશોની વાત છોડો પણ અમેરિકામાં પણ ઓટો કંપનીના શેર તૂટી ગયા છે. બુધવારે અમેરિકન ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે જીપ અને ક્રાઇસ્લરના માલિક સ્ટેલાન્ટિસના શેર પણ લગભગ 3.6 ટકા ઘટ્યા હતા. બીજી કંપનીઓના શેરોના ભાવ પણ ઘટ્યા છે કેમ કે ટ્રમ્પના ટેરિફના તુક્કાને કારણે આ કંપનીઓને પણ અસર થશે જ. આ કંપનીઓના પ્લાન્ટ ભલે અમેરિકામાં હોય ને કારનું ઉત્પાદન પણ અમેરિકામાં થતું હશે પણ કાર માટેના ઓટો પાર્ટ્સ વિદેશથી જ આવે છે.

મોટી કંપનીઓને એ જ સસ્તું પડે કેમ કે કાર માટેની નાની નાની ચીજો બનાવવા એ લોકો કંઈ પ્લાન્ટ ના નાંખે. એક કારમાં સો-બસો નટ-બોલ્ટ્સ જોઈતા હોય તો એ બહારથી મંગાવવા જ સસ્તા પડે, તેના માટે ફેક્ટરી ના નંખાય. દુનિયાભરમાં કોઈ પણ પ્રોડક્ટ બનાવતી કંપની એ રીતે જ કામ કરતી હોય છે. ટ્રમ્પને પણ આ વાતની ખબર છે એટલે તેમણે પણ ઓટો પાર્ટ્સ પર તાત્કાલિક ટેરિફ નથી લાદ્યો પણ તેનાથી મોટો ફરક નહીં પડે. આ તો આજનું મોત કાલ પર ઠેલવાની વાત છે એટલે ગભરાટ તો ફેલાયો જ છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઔરંગઝેબની કબર તોડવાથી શું? તેને ઉઘાડો પાડો…

અમેરિકાના વરસોના સાથી એવા યુરોપિયન યુનિયનના દેશો અને કેનેડા પણ આ નિર્ણયથી ધૂંઆપૂંઆ છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ તો ટેરિફ લાદવાના ટ્રમ્પના નિર્ણયની ટીકા કરીને કહ્યું છે કે આ અમારા પર સીધો હુમલો છે પણ અમે અમારા કામદારો અને કંપનીઓની સુરક્ષા કરીશું જ. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને પણ અમેરિકાના નિર્ણયને ખરાબ ગણાવીને કહ્યું કે ટેરિફ કોઈ પણ સેક્ટર માટે પણ ખરાબ છે અને ગ્રાહકો માટે પણ ખરાબ છે. ભારતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી પણ ભારતની લાગણી અલગ નહીં જ હોય કેમ કે ભારતના ઓટો સેક્ટરને પણ મોટી અસર થશે જ.

ટ્રમ્પના નિર્ણયોને જોતા લાગે છે કે, સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં આવી ગયા છે અને અમેરિકાને સરભર ના થાય એવું નુકસાન કરીને જ જંપશે. ટ્રમ્પ એકદમ અહંકારી રીતે વર્તી રહ્યા છે અને દુનિયાના બધા દેશોને પોતાની ગરજ હોવાથી પોતાના પગમાં આળોટી જશે એવું માને છે. ટ્રમ્પનો આ બહુ મોટો ભ્રમ છે અને આ ભ્રમ દૂર થાય એ જરૂરી છે. એ માટે ટ્રમ્પની દાદાગીરીનો ભોગ બનેલા દેશોએ એક થવું પડે. અમેરિકાની વસતી 35 કરોડ છે અને અમેરિકા સમૃદ્ધ દેશ છે તેથી બહુ મોટું બજાર છે એ સાચું પણ ટ્રમ્પ દાદાગીરી કર્યા કરે તો તેમને બાજુએ મૂકીને બધા દેશોએ એકબીજા માટે પોતપોતાનાં બજારો ખોલવાં પડે. તેના કારણે આર્થિક રીતે ફટકો પડશે એટલે અમેરિકાની સાન આપોઆપ ઠેકાણે આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button