એકસ્ટ્રા અફેર : સોનિયાનું દોઢડહાપણ, ગાઝા મુદ્દે કૉંગ્રેસનાં બેવડાં ધોરણ...

એકસ્ટ્રા અફેર : સોનિયાનું દોઢડહાપણ, ગાઝા મુદ્દે કૉંગ્રેસનાં બેવડાં ધોરણ…

-ભરત ભારદ્વાજ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી કૉંગ્રેસ ગાઝાપટ્ટીનાં લોકો પર હેત બતાવી રહ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગાઝાપટ્ટી પર હુમલા બદલ ઈઝરાયલની ઝાટકણી કાઢવી જોઈએ એવી રેકર્ડ પણ કૉંગ્રેસીઓ છાસવારે બગાડ્યા કરે છે. કૉંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ દેશના એક ટોચના હિંદી અખબારમાં લેખ લખીને પાછી એ જ પારાયણ માંડી છે. સોનિયાએ ગાઝામાં ઈઝરાયલે કરેલી નાકાબંદી સામે મૂક પ્રેક્ષક બની રહેવા બદલ મોદી સરકારની ટીકા કરી છે અને મોદી સરકારે નૈતિક કાયરતાની પરાકાષ્ઠા બતાવી હોવાનો આક્ષેપ કર્યો છે.

સોનિયા ગાંધીએ લખ્યું છે કે, ઇઝરાયલી સંરક્ષણ દળોએ ગાઝા પર લશ્કરી નાકાબંધી લાદીને દવાઓ, ખોરાક અને બળતણનો પુરવઠો ક્રૂરતાથી અવરોધી દીધો છે. ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં બેફામ બોમ્બમારો કરીને માળખાગત સુવિધાઓનો વિનાશ કર્યો છે અને નાગરિકોની બેફામ હત્યા કરી છે. ઈઝરાયલે ગાઝામાં માનવસર્જિત દુર્ઘટના સર્જી છે અને નાકાબંધીએ દુર્ઘટનાને વધુ ભયાનક બનાવી દીધું છે. ઈઝરાયલે લોકોને ભૂખમરાથી મરવા માટે મજબૂર કરવાની રણનીતિ અપનાવી એ નિ:શંકપણે માનવતા વિરુદ્ધ ગુનો છે ત્યારે મોદી સરકારે સ્પષ્ટ અને સાહસિક બનીને તેની ટીકા કરવી જોઈએ. સોનિયા ગાંધીએ લાંબોલચ્ચક લેખ લખ્યો છે ને તેમાં બહુ બધું લખ્યું છે પણ એ વાતોનો ટૂંક સાર એ જ છે કે, ઈઝરાયલના અત્યાચારો સામે ચૂપ રહીને મોદી સરકાર સાવ માટીપગી સાબિત થઈ છે.

સોનિયાએ લખેલી વાતોમાં નવું કશું નથી. ગાઝા મુદ્દે કૉંગ્રેસના વલણનો તેમાં પડઘો છે ને તેને માટે કૉંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ જવાબદાર છે. કૉંગ્રેસને એમ જ લાગે છે કે, ઈઝરાયલની ટીકા કરવાથી મુસ્લિમો રાજી થાય છે તેથી તટસ્થતાને બાજુ પર મૂકીને કૉંગ્રેસ ગાઝા મામલે ઈઝરાયલની ટીકા જ કર્યા કરે છે. વરસો પહેલાં કૉંગ્રેસનું એ વલણ યોગ્ય હતું કેમ કે ઈઝરાયલ વર્સીસ આરબોનો જંગ હતો.

સાઉદી અરેબિયા સહિતના તમામ આરબ દેશો ઈઝરાયલની વિરુદ્ધ હતા તેથી ભારતને ઈઝરાયલની પડખે રહેવાનું પરવડે તેમ નહોતું. ભારતને ક્રૂડ ઓઈલની જરૂર હતી ને આરબ દેશોની ગરજ હતી. ઈઝરાયલની તરફદારી કરવા જતાં ક્રૂડ ઓઈલનો પુરવઠો બંધ થઈ જાય ને આપણે રઝળી જઈએ. ભારત પોતાનાં હિતો સાચવવા માટે પેલેસ્ટાઈનની રચનાને પણ ટેકો આપતું ને તેમાં કશું ખોટું નહોતું.

હવે સ્થિતિ અલગ છે કેમ કે આરબ દેશોને ઈઝરાયલ સામે એટલો વાંધો નથી. બલકે સાઉદી અરેબિયા સહિતના દેશો તો ઈઝરાયલ સાથે ગાઢ સંબંધો બનાવી રહ્યા છે. તેનું કારણ એ છે કે, વરસોના યુદ્ધ પછી સાઉદી અરેબિયા સહિતના દેશોને પણ સમજાયું છે કે, ઈઝરાયલ સામે લડીને કોઈ કાંદા કાઢવાના નથી. આ જંગના કારણે શાંતિ હણાય છે અને બંનેને નુકસાન થાય છે એટલે સારાસારી રાખીને રહેવામાં મજા છે. આ કારણે ઈઝરાયલ સાથે સંબંધો રાખનારા દેશો સામે પણ આરબો આકરું વલણ અપનાવતા નથી.

કૉંગ્રેસ જૂના દિવસોમાં સ્થગિત થયેલી છે અને મુસ્લિમ તુષ્ટિકરણથી આગળ તેની બુદ્ધિ ચાલતી નથી એટલે હજુય ઈઝરાયલ વિરોધી વલણ અપનાવે છે. તેના કારણે પોતે આતંકવાદને સમર્થન આપી રહી છે અને ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ વર્તી રહી છે એ સમજવાની વિવેકબુદ્ધિ પણ કૉંગ્રેસમાં નથી. ગાઝામાં ચાલી રહેલો જંગ હમાસ અને ઈઝરાયલ વચ્ચે છે અને હમાસ એક આતંકવાદી સંગઠન છે. ગાઝામાં મોંકાણ મંડાઈ તેના મૂળમાં 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસે ઈઝરાયલ પર કરેલો હુમલો જવાબદાર હતો. ગાઝાનાં લોકો જે કંઈ ભોગવી રહ્યા છે એ આ આતંકવાદી હુમલાનાં ફળ છે.

ઈઝરાયલ ભવિષ્યમાં હમાસ તરફથી કોઈ ખતરો ના રહે એટલે તેનો કાયમ માટે તેનો કાંટો કાઢી નાખવા મથે છે તેના કારણે ગાઝાનાં લોકોને તકલીફ પડી રહી છે એ વાત સાચી છે, પણ તેમાં ઈઝરાયલનો વાંક કાઢી શકાય તેમ નથી. કોઈ પણ દેશ પોતાની સુરક્ષા માટે પોતાને અનુકૂળ આવે એ રીતે વર્તવા મુક્ત છે ને ઈઝરાયલ એ જ કરી રહ્યું છે. હમાસના આતંકવાદીઓ ગાઝામાં છૂપાઈને હુમલા કરી રહ્યા છે તેથી ઈઝરાયલ ગાઝાને ટાર્ગેટ કરી રહ્યું છે. આ જંગ છે ને જંગમાં લોકો મરતાં જ હોય છે. ઈઝરાયલ જંગ બંધ કરી દે તો તેના નાગરિકો મરશે તેથી ઈઝરાયલનું કાયમ માટે કંકાસ બંધ કરી દેવાનું વલણ યોગ્ય જ છે.

સોનિયાનો લેખ કૉંગ્રેસનાં બેવડાં ધોરણોનો પણ પુરાવો છે. હમાસે ઈઝરાયલ પર કરેલા હુમલાની ટીકા કરીને શરૂઆત કરી છે કે જેથી કૉંગ્રેસ હમાસના મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા કરાતાં આતંકવાદી કૃત્યો સામે ચૂપ રહે છે એવી ટીકા ના થાય પણ એ સિવાય હમાસ કે તેના દ્વારા કરાતાં આતંકવાદી કૃત્યો વિશે મૌન સેવ્યું છે. હમાસ સહિતનાં સંગઠનો આતંકવાદી કૃત્યો બંધ કરે તો ગાઝા કે પેલેસ્ટાઈનમાં કોઈ સમસ્યા જ ના સર્જાય પણ મોદી સરકારને નૈતિક કાયર કહેનારાં સોનિયામાં આ વાત કરવાની નૈતિકતા નથી.

ઈઝરાયલના આક્રમક વલણના કારણે ગાઝાનાં લોકોની હાલત ખરાબ છે તેમાં બેમત નથી. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ગાઝા સાવ ખતમ થઈ ગયું છે અને લોકો ભૂખમરાથી પિડાઈ રહ્યાં છે એ વાત પણ સાચી છે. ગાઝાનાં લોકોની ખરાબ હાલતનો ચિતાર આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલાં વાઇરલ થઈ હતી. મોહમ્મદ જાવેદ નામના યુવકે પોસ્ટમાં દાવો કરેલો કે, તેણે પારલે-જીનું પેકેટ 24 યુરો એટલે કે લગભગ 2300 રૂપિયામાં ખરીદ્યું.

ભારતમાં માત્ર 50 રૂપિયામાં મળતું બિસ્કિટનું પેકેટ પહેલાં દોઢ યુરો એટલે કે લગભગ 150 રૂપિયામાં મળતું પણ યુદ્ધના કારણે ચીજોની અછત હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય માણસને આ ભાવે બિસ્કિટ પેકેટ ખરીદવું ના પરવડે પણ દીકરી રાવિફને બિસ્કિટ બહુ ભાવે છે તેથી જાવદે ખરીદી લીધું. પારલેનું તો ઉદાહરણ આપ્યું પણ ગાઝામાં બધી ચીજોના ભાવ આસમાને છે એવું એ વખતે લખેલું. ખાંડ એક કિલોના 5000 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે જ્યારે બટાટાના ભાવ કિલોના 2000 રૂપિયા છે. આટલા રૂપિયા ખર્ચવા છતાં જોઈતી ચીજો મળતી નથી એવી પણ ફરિયાદ હતી.

આ ફરિયાદ મહિનાઓ પહેલાંની છે અને અત્યારે તો નાકાબંદીના કારણે સ્થિતિ સાવ ખરાબ હશે જ પણ તેનો ઉપાય નથી. બીજા દેશના નિર્દોષોનાં લોહી વહાવનારાંને પનાહ આપો તેની કિંમત ચૂકવવી તો પડે ને?

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસના મોઢે અઘોષિત કટોકટીની વાત શોભતી નથી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button