એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: ‘સંચાર સાથી’ ફરજિયાત, કંસાર કરવા જતાં થૂલી થઈ ગઈ…

ભરત ભારદ્વાજ

નવા તમામ મોબાઇલ ફોનમાં ‘સંચાર સાથી’ પહેલાંથી ઈન્સ્ટોલ કરવાના કેન્દ્ર સરકારના આદેશ સામે એક તરફ વિપક્ષોએ બાંયો ચડાવી છે તો બીજી તરફ મોબાઈલ ફોન બનાવતી કંપનીઓમાં પણ કચવાટ છે. તેમાં પણ એપલે તો સીધી બાંયો ચડાવીને સરકારનો આ આદેશ માનવાનો ઈન્કાર જ કરી દીધો છે. બીજી મોબાઈલ ફોન કંપનીઓ પણ આ જ વલણ અપનાવે એવી પૂરી શક્યતા છે તેથી ભારે સંઘર્ષ નક્કી છે.

આ વિરોધના પગલે મોદી સરકાર ઢીલી પડી ગઈ છે પણ પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા આદેશ પાછો નથી લીધો. તેના બદલે એવી ગોળગોળ વાત કરી છે કે, આ એપ રાખવી ફરજિયાત નથી પણ ફોનમાંથી એપ અનઈન્સ્ટોલ કરી શકાશે. મતલબ કે, મોબાઈલ કંપનીઓએ તો ‘સંચાર સાથી’ એપ નાંખીને જ ફોન વેચવા પડશે પણ ગ્રાહકને પસંદ ના પડે તો એપને ડીલીટ કરી શકે છે. મોબાઈલ ફોન કંપનીઓ આ વાત માનવા તૈયાર નથી તેથી આ મુદ્દે સંઘર્ષ થવાનાં એંધાણ છે.

કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બરે સ્માર્ટફોન કંપનીઓને આદેશ આપ્યો હતો કે, હવે પછી તમામ સ્માર્ટફોન કંપનીઓએ પોતાના ફોનમાં કેન્દ્ર સરકારની સાયબર સેફ્ટી એપ ’સંચાર સાથી’ પહેલાંથી ઇન્સ્ટોલ કરીને જ ફોન વેચવા પડશે. જૂના ફોનમાં સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ઇન્સ્ટોલ કરાવવાનો પણ કંપનીઓને આદેશ અપાયો હતો. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે, સાયબર ફ્રોડ, નકલી આઇએમઇઆઇ નંબર અને ફોનની ચોરીને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. સંચાર સાથી એપ કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલું સાયબર સિક્યોરિટી એપ છે અને લગભગ વરસ પહેલાં એટલે કે 17 જાન્યુઆરી 2025ના રોજ લોન્ચ કરાઈ હતી. સંચાર સાથી એપ દ્વારા અત્યાર સુધીમાં 7 લાખથી વધુ ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ પાછા મળી ચૂક્યા છે એવો સરકારનો દાવો છે.

આ એપને મળેલી જોરદાર સફળતાના કારણે સરકારે બધા ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવાનું નક્કી કરી નાખ્યું પણ વિપક્ષોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી સરકાર લોકોની જાસૂસી કરવા માટે ‘સંચાર સાથી’નું તૂત ઊભું કરી રહી છે. લોકોને મદદ કરવાની આડમાં ભાજપ લોકોની વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને પેગાસસ જાસૂસી કાંડનો બીજો અધ્યાય માંડી રહી છે. ‘સંચાર સાથી’ નાંખીને સરકાર લોકોની પ્રાઈવસી પર સીધો હુમલો કરી રહી છે કેમ કે આ એપ દ્વારા લોકોની રજેરજ માહિતી સરકાર પાસે પહોંચી જશે. ‘સંચાર સાથી’ના માધ્યમથી લોકોની બેંકિંગથી માંડીને બેડરૂમ સુધીની બધી એક્ટિવિટી પર સરકાર નજર રાખશે ને તેનો ઉપયોગ લોકોને સાણસામાં લેવા માટે કરાશે એવો વિપક્ષોનો આક્ષેપ છે.

મોબાઈલ કંપનીઓને વાંધો એ છે કે, પહેલાંથી બનાવી રાખેલા મોબાઈલ ફોનમાં હવે એપ ઈન્સ્ટોલ કરવી પડે એ ના પરવડે. સરકારે તેમને 90 દિવસનો સમય આપ્યો છે પણ જે ફોન બજારમાં પહેલાં જ મોકલાઈ ગયા છે એ ફોનમાં એપ ઈન્સ્ટોલ ના કરી શકાય. આ કંઈ શાકભાજી બનાવવાની નથી કે, ઈચ્છા થઈ એટલે બજારમાં શાક લઈ આવ્યા ને સમારીને પછી વઘારી દીધું એટલે બધું તૈયાર. ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવા માટે પહેલાંથી તેની સ્પેસ સહિતની વ્યવસ્થા કરવી પડે. કંપનીઓને એ વાંધો પણ છે કે, પહેલાં સરકારે એવો આદેશ આપેલો કે, આ એપ કદી અનઈન્સ્ટોલ નહીં થાય. આ તો હોહા થઈ પછી ટેલીકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુલાંટ લગાવી દીધી, બાકી પહેલાં તો સરકાર કંપનીઓને ફરજ પાડવાના મૂડમાં જ નહોતી.

એપલને એ પણ વાંધો છે કે, કંપનીની આંતરિક પૉલિસી કોઈપણ સરકારી કે થર્ડ-પાર્ટી એપને ફોનના વેચાણ પહેલાં પ્રી-ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપતી નથી. પૉલિસી કંઈ ધર્મગ્રંથ નથી કે તેને બદલી જ ના શકાય પણ એપલને ખબર છે કે, ભારત સરકારને તેની ગરજ છે તેથી એ પણ અક્કડ વલણ અપનાવી રહી છે. એપલનું વલણ આ પ્રકારનું જ છે ને અગાઉ પણ એપલનો એન્ટી-સ્પામ એપ મુદ્દે સરકાર સાથે ટકરાવ થયો જ હતો. એપલ દુનિયાભારમાં પોતાની શરતે કામ કરે છે અને ભારતમાં ઝૂકી જાય તો તેની આબરૂ જાય તેથી પણ એપલ અક્કડ છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે, વિપક્ષો પાણીમાંથી પોરા કાઢીને ખોટો વિરોધ કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અત્યારે નકલી ઈન્ટરનેશનલ મોબઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી આઇએમઇઆઇ નંબરથી થતા કૌભાંડોનો રાફડો ફાટ્યો છે અને નેટવર્કના દુરુપયોગની થોકબંધ ફરિયાદો આવી રહી છે. તેમને રોકવા માટે આ એપ જરૂરી છે. ભારત વિશ્વનું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે અને ભારતમાં 1.2 અબજથી વધુ મોબાઈલ યુઝર્સ છે. મોબાઈલ ફોન ચોરાય ત્યારે તેને ટ્રેક કરવામાં 15 અંકનો યુનિક કોડ એવો આઇએમઇઆઇ નંબર કામ લાગે છે પણ મોબાઈલ ચોરો ડુપ્લિકેટ આઇએમઇઆઇ નંબર ઉભો કરી દે છે.

મોબાઈલ ફોનને ક્લોન કરીને બનાવાયેલા ડુપ્લિકેટ આઇએમઇઆઇ નંબરના કારણે ચોરાયેલા ફોનને ટ્રેક કરી શકાતો નથી. આ મોબાઈલ બ્લેક માર્કેટમાં વેચી દેવાય છે.

ઘણા કિસ્સામાં ફોનનો ઉપયોગ કૌભાંડો, અપરાધો, આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે પણ થાય છે. ‘સંચાર સાથી’ આ ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરીને તેનો દુરૂપયોગ રોકે છે તેથી દેશની સુરક્ષા માટે પણ આ એપ ફાયદાકારક છે. એપ ફોનમાં હશે તો તેનો આઇએમઇઆઇ ચેક કરીને તરત બ્લોક કરી શકાશે. તેથી તેના દુરૂપયોગની શક્યતાને ધરમૂળથી નાબૂદ કરી દેવાશે. આ એપ પોલીસને ડિવાઇસ ટ્રેસ કરવામાં મદદ કરશે તેથી ગુનાઈત પ્રવૃત્તિઓમાં થતો ચોરાયેલા ફોનનો ઉપયોગ પણ રોકી શકાશે.

સૈદ્ધાંતિક રીતે સરકારની વાત સાચી છે પણ સરકારે કુલડીમાં ગોળ ભાંગીને ખાનગીમાં આદેશ આપ્યો તેમાં કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી જેવો ઘાટ થઈ ગયો. સરકારે કંપનીઓને ખુલ્લંખુલ્લા આદેશ આપ્યો હોત તો આટલું મોટું કમઠાણ ના થયું હોત પણ સરકારે કોઈને ખબર ના પડે એ રીતે ફરમાન કર્યું તેમાં લોચો થઈ ગયો. તેના કારણે સરકારની દાનત સામે પણ શંકાઓ થઈ રહી છે અને વિપક્ષોને પણ મોકો મળી ગયો છે. મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ પણ આ શંકાને સમર્થન આપે છે કેમ કે ભૂતકાળમાં સરકાર સોશિયલ મીડિયાને નાથવા માટે પણ હવાતિયાં મારી ચૂકી છે. તેના કારણે સરકાર સારું કામ કરવા જાય તો પણ ખોરી દાનત હોય એવું જ લાગે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button