એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: બાંગ્લાદેશમાં ધર્માંધતા હાવી, ભારત માટે ખતરાની નિશાની

-ભરત ભારદ્વાજ

ભારતમાં રહેતા મુસ્લિમોનો એક નાનકડો વર્ગ ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે, અન્યાય થાય છે એવાં રોદણાં રડ્યાં કરે છે. રાજકારણીઓ આવી વાતોને હવા આપે છે ને ભારતમાં અશાંતિ ઊભી કરવા માગતાં વિદેશી પરિબળો સમયાંતરે ફાલતુ રિપોર્ટ્સ બહાર પાડીને આ માનસિકતાને પોષે છે. ભારતમાં કેટલાક લોકો મુસ્લિમો સામે બોલે છે તેનો ઈન્કાર ના કરી શકાય પણ સરકાર કે બહુમતી પ્રજા ધર્મના આધારે ભેદભાવ નથી કરતી એ વાસ્તવિકતા છે. આ દેશમાં બીજાં લોકોને મળે છે એટલી જ તકો, એ જ બધા લાભ ને સગવડો મુસ્લિમોને પણ મળે છે તેથી ભેદભાવની વાતો બકવાસ છે. એ છતાં જેમને ભેદભાવની ફરિયાદ હોય તેમણે ભારતના પાડોશી પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફ નજર નાખવી જોઈએ.

બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિંદુઓ સહિતની લઘુમતીઓની શું હાલત છે એ બધા જાણે છે પણ આપણે લઘુમતીઓની વાત નથી કરતા પણ મુસ્લિમોના જ કેટલાક સમુદાયો સાથે પણ જે ભેદભાવો થાય છે અને અત્યાચારો થાય છે એ કાળજું કંપાવી દેનારા હોય છે. આ ઓછું હોય તેમ મહિલાઓને પણ રીતસર દબાવીને રખાય છે અને મહિલાઓ પગની જૂતી હોય એવો વ્યવહાર થાય છે. મહિલાઓએ બુરખામાં જ રહેવું ને અમુક પ્રકારનાં કામો ના કરવા એવી જાત જાતની પાબંદીઓ તો છે જ પણ તેમને સામાજિક સુરક્ષા આપવાની પણ તૈયારીઓ નથી.

આ માનસિકતા પાછી થોડાંક મુઠ્ઠીભર લોકોની નથી પણ બહુમતી પ્રજાની છે. બાંગ્લાદેશમાં હમણાં મહિલા સુધારણા પંચ સામે ફાટી નિકળેલો પ્રચંડ વિરોધ તેનો તાજો પુરાવો છે. બાંગ્લાદેશમાં સગીર છોકરીઓ અને મહિલાઓ સામેના ગુનાઓમાં વધારો થયો છે. આ ગુના જાહેર કાયદો અને વ્યવસ્થાને લગતા નથી પણ ઘરેલુ હિંસા એટલે કે ડોમેસ્ટિક વાયોલન્સના છે.
મહિલાઓની મારઝૂડ કરવી, ઘરોમાં ગોંધી રાખવી, પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા ના આપવી એ માનસિકતા જૂની છે. હવે તેમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પાબંદી, બહાર ફરવા જવા પર પાબંદી સહિતની નવી નવી જાત જાતની પાબંદીઓ ઉમેરાઈ રહી છે. મહિલાઓ તેની સામે અવાજ ઉઠાવે એટલે અત્યાચારો કરાય છે.

આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર: વિદેશમાં બનેલી ફિલ્મો પર ટેરિફ, નુકસાન હોલિવૂડને થશે…

આ અત્યાચારોને રોકવા શું કરવું એ નક્કી કરવા માટે મુહમ્મદ યુનુસ સરકારે મહિલા સુધારણા પંચની રચના કરી છે. આ કમિશને તેનો રિપોર્ટ આપ્યો તેમાં મહિલાઓને પુરુષો જેવા જ અધિકારો આપીને સમાનતા આપવા અને ધર્મનિરપેક્ષ નીતિઓને પ્રોત્સાહન આપીને મહિલાઓની સ્થિતી સુધારવા સૂચનો કર્યાં છે. મહિલાઓને મિલકતમાં સમાન અધિકાર આપવા, નોકરીઓમાં સમાન તક, ફરજિયાત બુરખા પહેરવામાંથી મુક્તિ સહિતની ભલામણો કરવામાં આવી છે.

અત્યારે બાંગ્લાદેશમાં પણ ભારતની જેમ પર્સનલ લો એટલે કે અંગત-કૌટુંબિક કાયદા ધર્મના આધારે લાગુ કરવામાં આવે છે. મુસ્લિમ મહિલાઓ માટે શરિયા આધારિત કાયદા છે જ્યારે હિન્દુ મહિલાઓ માટે હિન્દુ પર્સનલ લો ય છે. અન્ય ધર્મોનાં લોકો માટે પણ તેમના ધર્મો અનુસાર કાયદા લાગુ પડે છે. મહિલા સુધારણા પંચ દ્વારા તમામ ધર્મોની મહિલાઓ માટે એક સમાન કૌટુંબિક કાયદો લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ ભલામણો સામે ભડકો થઈ ગયો છે અને કટ્ટરવાદી સંગઠનો મેદાનમાં આવી ગયાં છે. તેમને સૌથી મોટો વાંધો તો મહિલાઓને પુરુષોની સમકક્ષ ગણવા સામે જ છે. મહિલાઓને કામ કરવાની, બહાર જવાની, મોબાઈલ ફોન વગેરે વાપરવાની આઝાદી મળે તેની સામે વાંધો છે. કેટલાક કટ્ટરવાદી નેતાઓએ તો નિવેદન કર્યાં કે, આ આઝાદીઓ આપીને યુનુસ સરકાર મહિલાઓને વેશ્યાવૃત્તિ કરવાની ખુલ્લી છૂટ આપી રહી છે.

આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર : કૅનેડામાં કાર્નીની જીત ભારત માટે ફાયદાકારક

આ વિરોધની આગેવાની હિફાઝત-એ-ઇસ્લામ નામના સંગઠને લીધી છે. આ સંગઠનનું કહેવું છે કે, આ પ્રકારના કાયદા ઇસ્લામિક મૂલ્યોને નબળા પાડીને બાંગ્લાદેશનુ પશ્ચિમીકરણ કરી નાખશે. તેમના કહેવા પ્રમાણે, મહિલા સુધારણા પંચ ઇસ્લામિક આસ્થાની વિરુદ્ધ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કટ્ટરવાદીઓ યોજેલી રેલીમાં લાખો લોકો ઉમટી પડ્યાં. આ રેલીમાં એવાં ભાષણો થયાં કે, પુરુષો અને સ્ત્રીઓ ક્યારેય સમાન ન હોઈ શકે. કુરાનમાં પુરુષો અને સ્ત્રીઓ માટે જીવન જીવવાના ખાસ નિયમો જણાવાયા છે અને દરેક વ્યક્તિએ આ નિયમો પાળવા પડશે. હિફાઝત-એ-ઇસ્લામના નેતા મામુનુલ હકે તો મહિલા સુધારણા પંચના સભ્યોને સજા આપવાની માંગ કરી કેમ કે કે આ કમિશને દેશના બહુમતી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

હિફાઝત-એ-ઈસ્લામે તો યુનુસ સરકારને ચેતવણી આપી છે કે, આ મહિલા સુધારા કાયદા લાગુ કરવામાં આવશે તો તેમની હાલત પણ શેખ હસીના જેવી થશે. એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે, શેખ હસીનાને તો ભાગવા માટે સમય પણ મળ્યો હતો. યુનુસને તો ભાગવા માટે 5 મિનિટ પણ નહીં મળે. હિફાઝત-એ-ઈસ્લામે યુનસુને ખુલ્લી ધમકી આપી છે કે, યુનુસ સરકાર મહિલા સુધારા પંચની ભલામણોને અભરાઈ પર ચડાવી દેવા સહિતની તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો 23 મેના રોજ દેશભરમાં રેલીઓ કરીને યુનુસ સરકારનો મૃત્યુઘંટ વગાડવાની શરૂઆત થશે.

હિફાઝત-એ-ઇસ્લામ કૌમી ઉલેમાઓ અને મદરેસાઓના વિદ્યાર્થીઓનું બનેલું સંગઠન છે. શેખ હસીના સરકારે 2010માં યુનુસની જેમ મહિલા વિકાસની નીતિ બનાવીને મહિલાઓને અધિકારો આપવા માટે બંધારણમાં સુધારા કરવા સહિતનાં પગલાં લીધા પછી ફેબ્રુઆરી 2010માં ચટગાંવમાં રચના કરવામાં આવી હતી. ઇસ્લામના રક્ષણ અને ઇસ્લામિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાના બહાને રચાયેલું આ સંગઠન બાંગ્લાદેશમાં શરિયા કાયદાના અમલની હિમાયત કરે છે. બાંગ્લાદેશમાં કટ્ટરવાદી જમાત-એ-ઇસ્લામી રાજકીય પક્ષ છે. હિફાઝત-એ-ઇસ્લામ રાજકીય પક્ષ નથી પણ ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે. હિફાઝતને સાઉદી અરેબિયા તરફથી ભંડોળ મળે છે તેથી નાણાંની ચિંતા નથી.

હિફાઝતની ધમકી સામે શું કરવું એ યુનુસનો પ્રશ્ન છે. બાંગ્લાદેશની મહિલાઓને અધિકારો આપવા કે નહીં એ પણ બાંગ્લાદેશની આંતરિક બાબત છે પણ આ ઘટનાક્રમ ભારત માટે સારો નથી. ધર્માંધતા અને કટ્ટરવાદ બીજાં ધર્મનાં લોકો તરફ નફરત પેદા કરે છે અને તેમાંથી આતંકવાદ પેદા થાય છે. પાકિસ્તાનમાં એ જ થઈ રહ્યું છે ને હવે બાંગ્લાદેશ પણ એ જ રસ્તે છે.

શેખ હસીનાના કાર્યકાળમાં દબાઈ ગયેલા કટ્ટરવાદી અને ધર્માંધ મુસ્લિમો માથાં ઊંચકી રહ્યા છે. અત્યંત પછાત માનસિકતા ધરાવતાં આ પરિબળો ભારત માટે ભવિષ્યમાં ખતરો બની છે.

પહલગામ આતંકવાદી હુમલાના કારણે એક તરફ ભારતની સુરક્ષા સામે ઊભા થયેલા સવાલોના જવાબ નથી મળી રહ્યા ત્યાં વધી રહેલા કટ્ટરવાદના પ્રભાવના કારણે ભવિષ્યમાં બાંગ્લાદેશ પણ આતંકવાદના રસ્તે વળી શકે છે. પાકિસ્તાનમાં કટ્ટરવાદી અને ધર્માંધ મુસ્લિમો હાવી થઈ ગયા છે તેની કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ ત્યાં બાંગ્લાદેશમાં પણ એ જ સ્થિતી પેદા થઈ રહી છે એ જોતાં ભારતે વધારે સતર્ક થવું પડે.

આ પણ વાંચો…. એકસ્ટ્રા અફેર : જ્ઞાતિ આધારિત વસતિગણતરી, ભાજપે કેમ ગુલાંટ લગાવી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button