એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : રેખાને ‘ઉમરાવજાન’ કુમુદિની લાખિયાએ બનાવી હતી

-ભરત ભારદ્વાજ

કુમુદિની લાખિયાનું 94 વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયું એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. ગુજરાતીઓને શેરબજારમાં પડે છે એટલો રસ શાસ્ત્રીય નૃત્ય-સંગીતમાં નથી પડતો. મોટા ભાગના ગુજરાતીઓને એ બોરિંગ લાગે છે છતાં ગુજરાતમાં શાસ્ત્રી નૃત્ય-સંગીતની પરંપરાને જીવંત રાખવામાં યોગદાન આપનારા જે કેટલાક ગણ્યાગાંઠ્યા દિગ્ગજ આવ્યા તેમાં કુમુદિનીબેન લાખિયાનું નામ સૌથી પહેલાં લેવું પડે. મૃણાલિની-મલ્લિકા સારાભાઈ, નંદન-મંજુબેન મહેતા વગેરે પણ આ કક્ષાનાં દિગ્ગજ છે કે જેમણે એક ભારતીય પરંપરાને જીવંત રાખવા માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું.

કુમુદિનીબેને કથકની પરંપરાને દેશ-વિદેશમાં લોકપ્રિયતા તો અપાવી જ પણ નવા નવા પ્રયોગો દ્વારા નવી પેઢીને તેમાં રસ લેતી પણ કરી. કુમુદિનીબેન કથકની સાથે-સાથે ભરતનાટ્યમ પણ જાણતાં હતાં, પરંતુ તેમણે પોતાની જાતને કથકને સમર્પિત કરી દીધી. ભારતમાં કથક સહિતનાં નૃત્ય સ્વરૂપ અકલ એટલે કે સોલો ગણાય છે. કુમુદિનીબેને કથકને સામૂહિક નૃત્યનું રૂપ આપીને તેની તરાહ બદલી નાખી. કથક નૃત્ય દ્વારા કહેવાતું વાર્તાકથન એટલે કે સ્ટોરી ટેલિંગ છે. તેમાં પરંપરાગત વિષયોની જ વાર્તા કહેવાતી પણ કુમુદિનીબેને નવા નવા વિષયો ઉમેરીને કથકને નવા જમાનાને અનુરૂપ બનાવીને બહુ મોટું યોગદાન આપ્યું. આપણે ત્યાં કથક નૃત્ય કોઠાવાળી, તવાયફો કરે એવી માન્યતા હતી. કુમુદિનીબેને એ માન્યતાનો ભાંગીને ભુક્કો કરવામાં મોટું યોગદાન આપ્યું અને કથક નૃત્ય પર લાગેલું આ લેબલ દૂર કર્યું.

નૃત્યક્ષેત્રે અજોડ પ્રદાન આપવા બદલ કુમુદિનીબેનને ભારત સરકારે પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એમ ત્રણેય નાગરિક સન્માનથી સન્માનિત કર્યાં પણ કુમુદિનીબેનનું અસલી સન્માન એ છે કે, કથકનો ઉલ્લેખ નીકળે ત્યારે સૌથી પહેલું જીભે ચડતું નામ કુમુદિનીબેનનું છે. ભારતમાં સિતારાદેવી સહિતની મહાન કથક નૃત્યાંગનાઓની સાથે તેમનું નામ લેવામાં આવે છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઓટો સેક્ટર પર ટેરિફ, ટ્રમ્પ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં…

કુમુદિનીબેને બહુ નાની ઉંમરે નૃત્યની સાધના શરૂ કરી દીધી હતી. કુમુદિનીબેન લાખિયા તો સરોદ વાદક રજનીકાન્ત સાથેનાં લગ્નના કારણે બન્યાં પણ એ મૂળ પારસી પરિવારમાં જન્મેલાં. તેમના પિતા પેસ્તનજી ફ્રામજી એન્જિનિયર ને માતા પેરીન ગૃહિણી હતાં. તેમનાં માતાએ નૃત્ય શીખવા માટે પ્રોત્સાહન આપ્યું તેથી એ નાની ઉંમરથી નૃત્ય શીખવા લાગેલાં. પિતા એન્જિનિયર હોવાના કારણે નોકરીઓ બદલાતી રહી તેથી લખનઊ, લાહોર વગેરે સ્થળે રહ્યાં. કુમદિનીબેન 16 વર્ષનાં હતાં ત્યારે તેઓ એ સમયના કથકના મોટા નૃત્યકાર રામ ગોપાલની નૃત્યમંડળીમાં જોડાયાં અને લંડન ગયાં.

કથકમાં રામ ગોપાલને ત્યાં નૃત્યમાં પ્રયોગો થતા જોયા પછી તેમને પણ લાગ્યું કે, કથકને બિબાઢાંળ બનાવવાના બદલે પ્રયોગો જરૂરી છે. લંડનથી ભારત પાછાં આવ્યાં અને લગ્ન થયાં પછી કુમુદિનીબેન દિલ્હીમાં શંભુ મહારાજ પાસે શીખવા ગયાં. બિરજુ મહારાજના કાકા શંભુ મહારાજ કથકના મહાન કલાકાર હતા. દિલ્હીમાં ભારતીય કલા કેન્દ્રમાં ગુરુ શંભુ મહારાજ પાસે દિલ્હીમાં ચાર વર્ષ કથકની તાલીમ લીધી પછી મુંબઈ પાછાં આવીને તેમણે કથકમાં પ્રયોગો શરૂ કર્યા ને તેને જોરદાર સફળતા મળી.

કુમદિનીબેન 1960માં અમદાવાદ આવ્યાં એ પહેલાં મૃણાલિનીબેને ભરતનાટ્યમ અને કથકલી શીખવવા દર્પણ શરૂ કરેલી પણ કથક તરફ લોકોને સૂગ હતી. કુમુદિનીબેને એ સૂગ દૂર કરવાનું કામ કર્યું અને કદમ્બની સ્થાપના પછી તો તેમણે ગુજરાતમાં કથકને લોકપ્રિય બનાવવાનું અભિયાન જ છેડી દીધું જે આજેય ચાલુ છે. ગુજરાતમાં શાસ્ત્રીય ગાયક પંડિત અતુલ દેસાઈની સાથે મળીને તેમણે અદભુત રચનાઓ આપી છે. ગુજરાતમાં પહેલાં માત્ર ધનિક પરિવારોની દીકરીઓ જ નૃત્ય શીખતી હતી. કુમુદિનીબેને મધ્યમ વર્ગની દીકરીઓને પણ કથક શીખતી કરી એ તેમની મોટી સિદ્ધિ છે. કુમુદિનીબેને કરેલી પહેલના કારણે કથક વિશેની માન્યતાઓ બદલાઈ અને હજારો બહેન-દીકરીઓને જીવનને ઉત્સાહથી જીવવાનું કારણ મળ્યું તેની તોલે કશું ના આવે.

કુમુદિનીબેને ગણતરીની હિન્દી ફિલ્મો માટે પણ કોરિયોગ્રાફી કરી છે. મુઝફ્ફર અલીની ‘ઉમરાવજાન’ તેમાં સૌથી યાદગાર છે. કુમદિનીબેન કેટલાં મોટાં નૃત્યકાર હતાં તેની નાની ઝલક અભિનેત્રી રેખાના કારણે વધારે જાણીતી ફિલ્મ ‘ઉમરાવજાન’માં જોવા મળે છે. ખય્યામના યાદગાર સંગીતથી મઢી ‘ઉમરાવજાન’માં રેખાએ નૃત્યોમાં આંખોથી જે અદાઓ બતાવી છે તેનો યશ કુમુદિનીબેનને જાય છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સાંસદોના ભ્રષ્ટાચાર સામે મેદાને પડો, પગારા વધારા સામે નહીં

શહરીયારે ‘ઉમરાવજાન’ આફરીન થઈ જવાય એવી ગઝલો અને નઝમો લખી. તેમાં એક શેર છે, ‘ઈક સિર્ફ હમીં મય કો આંખો સે પિલાતે હૈં, કહને કો તો દુનિયા મેં મયખાને હજારોં હૈં’. રેખાએ આખી ફિલ્મમાં આ શેરને તાદૃશ્ય કરી દીધેલો પણ રેખાને આ અદાઓ કુમુદિનીબેને શીખવાડેલી. કથકની બારીકાઈને કુમુદિનીબેને કઈ હદે આત્મસાત કરેલી તેનું ‘ઉમરાવજાન’ શ્રેષ્ઠ ઉદાહરણ છે. મુઝફ્ફર અલીએ પોતે સ્વીકાર્યું છે કે, કુમુદિનીબેન ના હોત તો રેખા ‘ઉમરાવજાન’ ના બની શકી હોત.

વરસો પછી જે.પી. દત્તાએ ‘ઉમરાવજાન’ બનાવી ત્યારે રેખાના સ્થાને ઐશ્વર્યા રાયને ‘ઉમરાવજાન’ બનાવી હતી અ કોરિયોગ્રાફી કુમુદિનીબેનની શિષ્યા વૈભવી મર્ચન્ટને સોંપી હતી. વૈભવી પણ કમાલની કોરિયોગ્રાફર છે ને ઐશ્વર્યા તો ટાઈમલેસ બ્યુટી છે પણ ‘ઉમરાવજાન’ના કુમુદિનીબેન-રેખા જેવો જાદુ ના વૈભવી પેદા કરી શકી કે ના ઐશ્વર્યા રાય. કુમુદિનીબેનની કથક કલાની શ્રેષ્ઠતાનો આ પરચો હતો.

કુમુદિનીબેને 1985ની જયા પ્રદા અને ગિરીશ કર્નાડની સુર સંગમ ફિલ્મની કોરિયોગ્રાફી પણ કરેલી. શાસ્ત્રીય નૃત્ય પર આધારિત સુર સંગમના નિર્દેશક દક્ષિણના દિગ્ગજ ડિરેક્ટર કે. વિશ્વનાથ હતા કે જેમણે હિંદીમાં સરગમ, કામચોર, જાગ ઉઠા ઈન્સાન વગેરે ફિલ્મો બનાવી. સુર સંગમ મુઝફ્ફર અલીની ‘ઉમરાવજાન’ જેવી સુપરહીટ નહોતી પણ કોરિયોગ્રાફીની રીતે આ ફિલ્મ માસ્ટરપીસ છે. મુઝફ્ફર અલીએ 2015માં અવધની તવાયફની લવ સ્ટોરી પરથી જાનિસાર ફિલ્મ બનાવી ત્યારે તેમણે ફિલ્મની કોરિયોગ્રાફી કુમુદિનીબેનને સોંપેલી પણ જાનિસાર ‘ઉમરાવજાન’ ના બની શકી તેથી ફિલ્મની કોઈ નોંધ ના લેવાઈ પણ કુમુદિનીબેને અદભુત કોરિયોગ્રાફી કરેલી. પાકિસ્તાનમાં જન્મેલી પરનિયા કુરેશી આ ફિલ્મની હીરોઈન હતી કે જેની કોઈ બીજી ફિલ્મ આવી નહીં. પરનિયા પરણીને અમેરિકા જતી રહી છે ને અમેરિકન નાગરિક બની ગઈ છે. પરનિયા ટ્રેઈન્ડ ડાન્સર હતી ને તેની પાસે કુમુદિનીબેને અદભુત કામ લીધેલું.

જો કે કુમુદિનીબેનનું મુખ્ય યોગદાન તો કથકની પરંપરાને જીવંત રાખીને લોકપ્રિય બનાવવાનું છે. ગુજરાતમાં ને ખાસ તો અમદાવાદમાં છોકરીઓને કથકમાં રસ લેતી કરી. કુમુદિનીબેન પાસેથી શીખેલી સેંકડો શિષ્યાઓ આજે એ પરંપરાને આગળ ધપાવી રહી છે અને ભારતીય નૃત્યનાં નવ સ્વરૂપોમાંથી એક એવા કથકને જીવંત રાખવામાં યોગદાન આપી રહી છે એ કુમુદિનીબેનની મોટી સિદ્ધિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button