એકસ્ટ્રા અફેરઃ પાકિસ્તાન-અમેરિકાની દોસ્તી ખનિજો પૂરતી મર્યાદિત નથી…

ભરત ભારદ્વાજ
ડોનલ્ડ ટ્રમ્પ એક તરફ ભારતને ભીંસમાં લેવા માટે જાત જાતના ફતવા બહાર પાડી રહ્યા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને પડખામાં લઈને ફરી પાકિસ્તાન સાથેના સંબંધો ગાઢ કરવા પણ મથી રહ્યા છે. પાકિસ્તાનને માટે તો અમેરિકાની પંગતમાં બેસવા મળે તેનાથી રૂડું કંઈ નથી, તેથી પાકિસ્તાન અમેરિકાને રાજી રાખવા જે કંઈ થાય એ બધું કરી છૂટી રહ્યું છે. તેના ભાગરૂપે પાકિસ્તાને દુર્લભ ખનિજોનો એટલે કે રેર અર્થ મિનરલ્સનો નાનો જથ્થો અમેરિકાને મોકલી આપ્યો છે.
ગયા મહિને અમેરિકન કંપની યુએસ સ્ટે્રટેજિક મેટલ્સ (યુએસએસએમ) સાથે પાકિસ્તાને 50 કરોડ ડૉલરનો સોદો કર્યો હતો. આ કરાર હેઠળ અમેરિકાની કંપની પાકિસ્તાનમાં ખનિજોના સંશોધન અને પ્રક્રિયા માટે લેબોરેટરીઓ બાનવશે અને ખનિજોને બહાર કાઢીને શુદ્ધ કરવા માટેની સવલતો ઊભી કરશે. પાકિસ્તાને આ કરારના અમલની શરૂઆત કરીને રેર અર્થ મિનરલ્સ અમેરિકા મોકલ્યું છે પણ શું મોકલ્યું અને કેટલા પ્રમાણમાં મોકલ્યું તેનો ફોડ નથી પાડ્યો.
રસપ્રદ વાત પાછી એ છે કે, રેર અર્થ મિનરલ્સ સાથે લશ્કરને કોઈ લેવાદેવા નથી પણ અમેરિકાની કંપનીને પાકિસ્તાની આર્મીની એક શાખા એવી ફ્રન્ટિયર વર્ક્સ ઓર્ગેનાઇઝેશન (એફડબલ્યુઓ) મદદ કરી રહ્યું છે. તેની મદદથી રેર અર્થ મિનરલ્સના નમૂના તૈયાર કરવામાં આવ્યા છે અને અમેરિકા મોકલાયા છે. પાકિસ્તાન આર્મીની સંડોવણીના કારણે ખરેખર ખનિજો મોકલાયા કે બીજું કશું મોકલાયું એ રામ જાણે પણ આ ઘટનાક્રમ ભારત માટે ખુશ થવા જેવો નથી તેમાં કોઈ શંકા નથી.
પાકિસ્તાન આર્મીની સંડોવણીથી સ્પષ્ટ છે કે, પાકિસ્તાન અને અમેરિકાની દોસ્તી માત્ર રેર અર્થ મિનરલ્સ પૂરતી મર્યાદિત નથી પણ તેનાથી ઉપર છે. આમ પણ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનમાં અમેરિકાને જે કરવું હોય એ કરવા માટે લાલ જાજમ પાથરીને બેસી ગઈ છે.
પાકિસ્તાનની આર્મી અમેરિકન આર્મી સાથે હાથ મિલાવવા માટે ઊંચીનીચી થઈ રહી છે અને શાહબાઝ શરીફ સરકાર રેર અર્થ મિનરલ્સ જ નહીં પણ અમેરિકા જ્યાં આંગળી મૂકે એ બધું પાકિસ્તાન સરકારને હવાલે કરવા તૈયાર છે. તેના ભાગરૂપે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના સલાહકારોએ ગયા અઠવાડિયે બલુચિસ્તાનમાં પાસની શહેરમાં નવું પોર્ટ વિકસાવવા માટે અમેરિકાને અરજ કરી છે.
મુનિરના માણસોએ દરખાસ્ત મૂકી છે કે, પાકિસ્તાન ઇચ્છે છે કે અમેરિકન રોકાણકારો બલુચિસ્તાનના પાસની શહેરમાં નવું પોર્ટ ડેવલપ વિકસાવે અને તેનું સંચાલન પણ કરે. પાસની શહેર અરબી સમુદ્રના તટ પર આવેલું છે તેથી અમેરિકા ત્યાં બંદર વિકસાવે તેના કારણે ભારત ભીંસમાં આવે એ કહેવાની જરૂર નથી.
પાકિસ્તાને છાસ લેવા જવું ને દોણી સંતાડવા જેવો ઘાટ કરીને એવો દાવો કર્યો છે કે, અમેરિકા માત્ર વેપાર અને ખનિજ સંશોધન માટે બંદર વિકસાવે એવું પાકિસ્તાન ઈચ્છે છે. બાકી અમેરિકાને પાસની શહેરમાં લશ્કરી થાણું સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ વાત ગળે ઉતરે એવી નથી કેમ કે અમેરિકાએ ખાલી વેપાર કરવો હોય તો ભારત અને યુરોપના દેશો છે જ. બાકી પાકિસ્તાનમાં વેપાર કરીને કશું કમાવાનું નથી.
પાકિસ્તાન ભૂખડી બારસ દેશ છે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ની ખેરાત પર તો દાડા કાઢે છે ત્યારે અમેરિકા ત્યાં રોકાણ કરીને લાખના બાર હજાર કરવાનો ધંધો કરે એ વાતમાં માલ નથી. બીજું એ કે, અમેરિકા લોકશાહી ના હોય એ સિવાયના દુનિયાના કોઈ દેશમાં ખાલી વેપાર કરવા જતું જ નથી. આ દેશોમાં અમેરિકાને લશ્કર મોકલીને પોતાનો કંટ્રોલ કરવામાં જ રસ હોય છે કે જેથી દુનિયાને પોતાના ઈશારે નચાવી શકાય.
પાકિસ્તાનને પાસની શહેરમાં અમેરિકા બંદર વિકસાવે તેમાં એટલા માટે રસ છે કે, ભારતની મેથી મારી શકાય. ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો મજબૂત બની રહ્યા છે અને ઈરાનના ચાબહાર બંદરના સંચાલનનો કોન્ટ્રાક્ટ ભારતને મળ્યો છે. તેના કારણે ભારતને આર્થિક રીતે મોટો ફાયદો થશે. અમેરિકા બંદર વિકસાવે તો સ્વાભાવિક રીતે જ એ બંદર જોરદાર જ હોય. તેના કારણે ચાબહાર બંદરની ચમક ઝાંખી પડે ને ભારતને ફટકો પડે. અમેરિકા તેનું સંચાલન પણ કરે તેનો અર્થ એ થયો કે, અમેરિકા સાથેનો બધો વ્યાપાર આ બંદરેથી થશે તેથી પાકિસ્તાનમાં જંગી પ્રમાણમાં રોજગારી પેદા થાય.
અમેરિકાને પાસની બંદર વિકસાવવામાં રસ પડી શકે છે કેમ કે પાસની ચીને વિકસાવેલા ગ્વાદર બંદરથી માત્ર 112 કિમી દૂર છે. અમેરિકાને પાકિસ્તાનના તાંબુ અને એન્ટિમની સહિતની ખનિજો સરળતાથી પહોંચે એ માટે તો પાસની બંદર મહત્ત્વનું છે જ પણ ચીનને ફટકો મારી શકાય એ માટે પણ પાસની બંદર મહત્ત્વનું સાબિત થાય. અમેરિકાની સ્પર્ધા અત્યારે ચીન સાથે છે તેથી આર્થિક રીતે ચીનને પાછળ પાડી શકાય એવી કોઈ પણ દરખાસ્તમાં અમેરિકાને રસ પડે જ છે. અલબત્ત અમેરિકાના રસ સાથે તેનાં લશ્કરી હિતો પણ જોડાયેલાં હોય છે કેમ કે અમેરિકા કોઈના પર ભરોસો કરતું નથી.
અમેરિકા પોતાના રોકાણની સુરક્ષા માટેની બંદોબસ્ત પોતે જ કરે છે. આ બંદોબસ્તના ભાગરૂપે અમેરિકન લશ્કર પણ પાકિસ્તાનમાં આવશે જ. અમેરિકાને રેર અર્થ મિનરલ્સ બલુચિસ્તાનમાંથી મળી રહ્યાં છે અને બલુચિસ્તાનમાં તો પહેલેથી પાકિસ્તાન સામે હથિયારો ઉઠાવીને લોકો લડી રહ્યાં છે. પાકિસ્તાને ચીનને બલુચિસ્તાનમાં ઘુસાડ્યું તેની સામે તેમને વાંધો છે તો અમેરિકાને ઘુસાડવા સામે એ લોકો ચૂપ રહેશે એ વાતમાં માલ નથી. આ સંજોગોમાં પોતાની રક્ષા માટે અમેરિકાનું લશ્કર પાકિસ્તાનમાં આવશે ને અમેરિકાનાં જહાજ અરબી સમુદ્રમાં ફરતાં થઈ જશે.
ભારત માટે આ બંને સ્થિતિ સારી નથી. ભૂતકાળમાં અમેરિકાના લશ્કરે પાકિસ્તાનમાં ધામા નાંખ્યા તેના કારણે ભારતમાં આતંકવાદ વકર્યો હતો. અમેરિકનો પણ દૂધે ધોયેલા નથી અને હથિયારોની હેરફેર કરે જ છે. અમેરિકાનું લશ્કર પાકિસ્તાનમાં હશે તો ભારતમાં આતંકવાદ ફેલાવતાં સંગઠનો સુધી તેમનાં હથિયારો પહોંચશે જ ને ભારતની તકલીફ વધશે.
અમેરિકાનાં જહાજો મારફતે આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરીનો ખતરો પણ છે તેથી અમેરિકાની પાકિસ્તાન સાથેની દોસ્તી ભારત માટે સારા સંકેત નથી પણ ટ્રમ્પને રોકી શકાય તેમ નથી. ટ્રમ્પ ગમે તે રીતે પોતાનું ધાર્યું કરાવવા માગે છે પણ ભારત તેમની શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી તેથી પાકિસ્તાનને પડખામાં લઈને ભારતની મેથી મારવા ઉતાવળા થયા છે. ભારતે તેની સામે સતર્ક થવું પડે કેમ કે ભૂતકાળમાં અમેરિકાની પાકિસ્તાન સાથેની દોસ્તી ભારતને બહુ ભારે પડેલી છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ અમેરિકામાં શટડાઉન, ટ્રમ્પ જીદે ચડે તો અમેરિકનોની હાલત બગડી જાય