એકસ્ટ્રા અફેરઃ પેટ્રોલમાં ઈથેનોલની ભેળસેળથી કંપનીઓને ફાયદો, દેશને નહીં

ભરત ભારદ્વાજ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના દીકરાઓના લાભાર્થે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારીને 20 ટકા કરાવી દીધું હોવાના આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે. આ આક્ષેપો વચ્ચે ગડકરીએ સફાઈ ઠોકી છે કે, માં મગજ દર મહિને 200 કરોડ રૂપિયા કમાઈ શકે તેમ છે અને મને પૈસા ક્યાંથી કમાવવા તેની ખબર છે. આ વિચારો હું મારા દીકરાઓને આપું છું અને અમે કોઈ છેતરપિંડી કરીને કમાણી કરતા નથી.
ગડકરીએ આડકતરી રીતે એવું કહી દીધું છે કે, કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધાર્યું તેના કારણે પોતાના દીકરાઓની કંપનીઓને ઘી-કેળાં થઈ ગયાં એ વાત ખોટી છે. વાસ્તવમાં અમે તો બિઝનેસ આઈડિયાને અમલમાં મૂકીને કમાણી કરી રહ્યા છીએ.
ગડકરીના પુત્રો બે મોટી ઇથેનોલ કંપનીઓના માલિક છે અને તેમને ફાયદો કરાવવા માટે ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે એવા આક્ષેપોના મારા વચ્ચે ગડકરીએ એવો દાવો પણ કર્યો કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.
ગડકરીનો દાવો સાવ હાસ્યાસ્પદ છે ને આ વાત સમજવા માટે પેટ્રોલમાં ઈથેનોલની ભેળસેળના ખેલને સમજવો પડે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ 8 ટકા બહુ પહેલાં જ કરી નાખેલું.
આ પ્રમાણ 2030માં વધારીને 20 ટકા કરવાનો નિર્ણય લીધેલો પણ 2021માં પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિને નરેન્દ્ર મોદીએ એલાન કરેલું કે, ભારત 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરતું થઈ જશે. એ વખતે પેટ્રોલ પંપ પરથી જે પેટ્રોલ ખરીદતા તેમાં 8 ટકા જેટલું ઈથેનોલ મિક્સ કરવામાં આવતું હતું.
મોદીએ આ નિર્ણય પોતાની સરકારની મોટી સિદ્ધિના કારણે લેવાયો હોય એવું ચિત્ર ઊભું કરવા કહેલું કે, 2014 સુધી દેશના પેટ્રોલમાં માત્ર દોઢ ટકો ઈથેનોલ ઉમેરાતું હતું પણ શેરડીનું ઉત્પાદન વધ્યું તેથી હવે 8.30 ટકા સુધી ઈથેનોલની પેટ્રોલમાં ભેળસેળ કરવામાં આવે છે.
ઓઈલ કંપનીઓએ 2013-14ના વર્ષમાં 38 કરોડ લિટર ઈથેનોલ ખરીદેલું જ્યારે આ જાહેરાત કરી એ વરસે 320 કરોડ લિટર ઈથેનોલ ખરીદીને અર્થતંત્રને મોટો ફાયદો કરાવ્યો છે.
ગડકરી અત્યારે કહે છે કે, આ નિર્ણયથી ખેડૂતોને બહુ ફાયદો થઈ રહ્યો છે, એ વખતે પણ એવો જ દાવો કરાયેલો. ભારતમાં શેરડી મબલક પાકે છે ને જંગી પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન થાય છે. સરકાર શેરડીના પાક પર સબસિડી આપે છે. શેરડીના વધતા પાકના કારણે સરકાર પર સબસિડીનો બોજ વધી રહ્યો છે.
શેરડીમાંથી બનતી બધી ખાંડનો નિકાલ થતો નથી. ભારતમાં ખાંડનો જંગી વપરાશ કર્યા છતાં ખાંડ વધે છે તેથી મોટા પ્રમાણમાં નિકાસ કરવી પડે છે છતાં ખાંડ ખૂટતી નથી.
આ કારણે સરકારે ઈથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને પેટ્રોલમાં ભેળવવા માંડ્યું એવા દાવા કરાયા હતા. તેના કારણે સરકાર પર સબસિડીનો બોજ ઘટશે ને પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં રાખી શકાશે એવા દાવા પણ કરાયા હતા.
આ દાવો ખોટો છે કેમ કે ઓઈલ કંપનીઓ ઈથેનોલ ખરીદે તેનાથી ખેડૂતોને નહીં પણ ઈથેનોલ બનાવનારી કંપનીઓને ફાયદો થાય છે. ઈથેનોલ બનાવતી કંપનીઓ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે શેરડી ખરીદે છે. ઈથેનોલ કંપનીઓ ખેડૂતો પાસેથી શેરડી ના ખરીદે તો એ શેરડી સરકાર કે સહકારી સુગર મિલો ટેકાના ભાવે ખરીદવાની જ છે.
આ સંજોગોમાં ઈથેનોલનું ઉત્પાદન વધ્યું તેના કારણે ખેડૂતોને કોઈ ફાયદો નથી પણ સુગર પ્લાન્ટ્સને એટલે કે ઈથેનોલ બનાવતી કંપનીઓને ફાયદો છે. ગડકરીના દીકરા નિખિલ અને સારંગ મહારાષ્ટ્રમાં આવા 17 સુગર પ્લાન્ટ ધરાવે છે તેથી સૌથી મોટો ફાયદો તેમને જ છે. નિખિલ અને સારંગની કંપનીઓ સિયાન એગ્રો અને માનસ એગ્રો ધડાધડ નોટો છાપી રહી છે.
સિયાન ઈન્ડસ્ટ્રીઝ નિખિલ ચલાવે છે અને આ કંપનીની આવક એક જ વર્ષમાં 30 ગણી વધી ગઈ છે. મોદી સરકારે 1 એપ્રિલથી પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારીને 20 ટકા કર્યું પછી સિયાન એગ્રોએ 2025-26ના પહેલા ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલ-જૂનના 3 મહિનામાં જ 510 કરોડ રૂપિયાની આવક અને 52 કરોડથી વધુનો નફો નોંધાવ્યો છે, 2024-25ના પહેલા ત્રણ મહિનામાં કંપનીની આવક માત્ર 17 કરોડ રૂપિયા હતી ને એક જ વર્ષમાં વધીને સીધી 512 કરોડ થઈ ગઈ એ મોદી સરકારના નિર્ણયને આભારી છે.
ઈથેનોલ પેટ્રોલમાં ભેળવવાથી કોઈ નુકસાન થતું નથી એવો ઓઈલ કંપનીઓ દાવો કરે છે પણ આ દાવો સાવ ખોટો છે. ઈથેનોલ ભેળવવાથી પેટ્રોલની પડતર કિમત ચોક્કસ ઘટે પણ વાહનના એન્જિનની પત્તર ખંડાઈ જાય છે. તેના કારણે એવરેજ પણ ઘટે છે.
એકલું ઈથેનોલ બહુ અસરકારક ફ્યુઅલ છે પણ પેટ્રોલમાં ભેળસેળ કરવાથી વાહનના એન્જિન પર બહુ ખરાબ અસર પડતી હોવાથી યુરોપમાં ગેસોલિન એટલે કે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવા પર પ્રતિબંધ છે. અમેરિકામાં 2 ટકાથી વધારે પ્રમાણમાં ઈથેનોલ ભેળવવા પર પ્રતિબંધ છે.
પેટ્રોલમાં ઈથેનોલ ભેળવીને ઓઈલ કંપનીઓ સામાન્ય લોકોને બે રીતે લૂંટી રહી છે. સૌથી પહેલાં તો વાહનોનાં એન્જિનને નુકસાન કરીને આવરદા ઘટાડી રહી છે અને બીજું એ કે, ઈથેનોલના કારણે પડતર કિમત ઘટી તેનો લાભ લોકોને નથી આપી રહી. એન્જિનને નુકસાન થાય એટલે લોકોએ સર્વિસ માટે વધારે નાણાં ખર્ચવા પડે.
જે વાહન 10 વર્ષ ચાલી શકે તેમ હોય એ જ વાહન 8 વર્ષ કે 9 વર્ષ ચાલે. તેના કારણે આર્થિક બોજ વધવાનો જ છે. ઇથેનોલ બ્લેન્ડિંગને કારણે એવરેજમાં ઘટાડો થાય છે એ તો રીતસરની લૂંટ જ છે કેમ કે લોકો એ જ ભાવમાં ઓછી એવરેજ આપતું પેટ્રોલ ખરીદી રહ્યા છે.
કોઈ પણ ફ્યુઅલની ક્ષમતાને કેલરિફિક વેલ્યૂ કહેવામાં આવે છે. બળતણના સંપૂર્ણ દહન દરમિયાન મુક્ત થતી ઉષ્મા ઊર્જાના પ્રમાણને બળતણનું કેલરીફિક મૂલ્ય કહેવામાં આવે છે. જેમ કેલરીફિક વેલ્યૂ વધારે તેમ બળતણ વધારે એવરેજ આપે.
પેટ્રોલની કેલરીફિક વેલ્યુ 46.4 છે જ્યારે ઇથેનોલની કેલરીફિક વેલ્યૂ 29.7 છે. હવે 20 ટકા ઈથેનોલ ભેળવાય એટલે પેટ્રોલ 7 ટકા ઓછી એવરેજ આપતું થઈ જાય. આપણે ઓછી એવરેજ આપતું પેટ્રોલ જૂના ભાવે જ ખરીદી રહ્યા છીએ.
ઈથેનોલ ભેળવવાથી દેશને પણ બહુ મોટો ફાયદો નથી કેમ કે એવરેજ ઓછી મળે એટલે પેટ્રોલ વધારે વપરાશે તેથી વિદેશી હૂંડિયામણ વધારે ખર્ચવું પડે. બીજી તરફ શેરડી ઈથેનોલ બનાવવામાં વપરાય એટલે ખાંડની નિકાસમાંથી થતી આવક પણ ઘટશે.
આ પણ વાંચો…ઇથેનોલ પોલિસી મુદ્દે નીતિન ગડકરી પર કોંગ્રેસના પ્રહાર: “પિતા નીતિ બનાવે છે અને દીકરાઓ કમાણી કરે છે’