એકસ્ટ્રા અફેર : ગણેશ વિસર્જને બ્લાસ્ટની ધમકી, લોકોની સતર્કતા જરૂરી…

ભરત ભારદ્વાજ
શનિવારે ગણપતિ વિસર્જન હોવાથી આખો દેશ ગણેશમય છે ત્યારે જ મુંબઈમાં ગણેશ ઉત્સવના સમાપન સમયે ડઝનબંધ બોમ્બ બ્લાસ્ટ કરીને ભારે તબાહી વેરવાની ધમકી આપતો મેસેજ મળતાં મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ છે.
ધમકીભર્યા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે 38 વાહનોમાં `સુસાઈડ બોમ્બર’ મૂકવામાં આવ્યા છે. ગણેશ વિસર્જન વખતે જ આ બોમ્બ ફૂટશે અને આખા શહેરને હચમચાવી નાખશે.
10 દિવસનો ગણેશ ઉત્સવ હવે આખા દેશમાં ઉજવાય છે પણ મુંબઈમાં અલગ જ માહોલ હોય છે. મુંબઈ માટે તો ગણેશ વિસર્જન સૌથી મોટો તહેવાર છે અને ગણેશ વિસર્જનના દિવસે આખું મુંબઈ હિલોળે ચડે છે.
ભગવાન ગણેશની હજારો મૂર્તિનાઓના વિસર્જનના ઉત્સવમાં લાખો લોકો ભાગ લે છે ત્યારે જ મુંબઈમાં મોતનો નગ્ન નાચ ખેલવાની ધમકી આપતો વોટ્સએપ મેસેજ પોલીસને મળતાં મુંબઈ હાઈ એલર્ટ પર છે.
ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે એટલે અનંત ચતુર્દશીના દિવસે હુમલા કરવાની ધમકી આપતો મેસેજ ટ્રાફિક-પોલીસના સત્તાવાર વ્હોટ્સએપ નંબર પર મળ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈમાં 38 વાહનમાં હ્યુમન બોમ્બ મૂકવામાં આવ્યા છે અને તેમના વિસ્ફોટથી આખું મુંબઈ હચમચી જશે.
મુંબઈમાં વિસ્ફોટ કરવા માટે 400 કિલો છઉડ નો ઉપયોગ કરાશે અને 1 કરોડ લોકોના જીવ જઈ શકે છે. `લશ્કર-એ-જેહાદી’ નામના કોઈએ નામ પણ સાંભળ્યું નથી એવા સંગઠન તરફથી અપાયેલી ધમકીમાં એવો દાવો પણ કરાયો છે કે, 14 પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘૂસી ગયા છે કે જે ભારતે કદી ના જોઈ હોય એવી તબાહી વેરશે.
આ ધમકી પછી મુંબઈ પોલીસ ધંધે લાગી ગઈ છે. એક તરફ જે વોટ્સએપ નંબર પરથી આ મેસેજ મોકલવામાં આવ્યો છે તેને ટે્રસ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ને બીજી તરફ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરાયાં છે.
મુંબઈ ભારતનું સૌથી ગીચ વસતી ધરાવતું શહેર છે ને ગણેશ ઉત્સવના કારણે આખા શહેરમાં હકડેઠઠ ભીડ જામેલી હોય છે તેથી સર્ચ ઓપરેશન અઘરું છે પણ તેના વિના છૂટકો નથી કેમ કે આ મુદ્દો લોકોના જીવ સાથે સંકળાયેલો છે તેથી તેમાં કોઈ ચાન્સ ના લઈ શકાય.
મુંબઈ પોલીસ સતર્કતા બતાવી રહી છે એ જરૂરી છે કેમ કે મુંબઈ પહેલેથી આતંકવાદીઓના ટાર્ગેટ પર રહ્યું છે. મુંબઈ જેટલા ભીષણ આતંકવાદી હુમલા બીજા કોઈ શહેરમાં થયા નથી. મુંબઈને ટાર્ગેટ કરીને આખા ભારતમાં ખોફ ફેલાવી શકાય છે એ તો મુંબઈને વારંવાર ટાર્ગેટ કરવાનું કારણ છે જ પણ મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાથી મુંબઈમાં અશાંતિ સર્જીને દેશના અર્થતંત્રને ફટકો મારવાની મેલી મુરાદ પણ તેની પાછળ હોય છે.
ભૂતકાળમાં દેશના જ ગદ્દારોની મદદથી આ મેલી મુરાદને બર લાવવામાં આતંકવાદી સફળ પણ થયા છે. 1993ના બોમ્બ બ્લાસ્ટ કે 2008નો ભીષણ હુમલો તેેનાં ઉદાહરણ છે.
કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી મુંબઈ પર આતંકવાદી હુમલો થયો નથી એ સાં છે પણ તેના કારણે સાવ નચિંત ના થઈ જવાય. દેશમાં હજુ ગદ્દારો ભરેલા જ છે ને તક મળે તો દેશને બરબાદ કરવાની તક છોડે તેમ નથી એ જોતાં તમામ સાવચેતી જરૂરી છે.
ગણેશ વિસર્જન સમયે જ બ્લાસ્ટની ધમકી અપાઈ છે તેથી તેની ગંભીરતા વધી જાય છે કેમ કે એ વખતે સૌથી વધારે ભીડ હોય છે. આ ખતરાને સમજીને પોલીસ તો પોતાનું કામ કરી જ રહી છે પણ લોકો પણ સમજદારીથી કામ લે એ જરૂરી છે. આતંકવાદીઓની ધમકીથી ડરીને લોકો ઘરોમાં ભરાઈ રહે એ શક્ય નથી પણ બહાર નીકળે ત્યારે લોકો શિસ્ત અને સંયમ બતાવે ને પોલીસને સહકાર પણ આપે એ જરૂરી છે.
વધારે ભીડ હોય એ વખતે નાનો કાંકરીચાળો પણ મોટી દુર્ઘટના સર્જી શકે એવો આપણો અનુભવ છે. ભારતમાં ધાર્મિક પ્રસંગે ઊમટતી ભીડ વખતે નાની અફવાના કારણે પણ લોકો ડરીને ભાગવા માંડે ને ધક્કામુકીમાં મોટા પ્રમાણમાં લોકોના જીવ ગયા હોય એવી ઘટનાઓનો તોટો નથી.
ગણેશ વિસર્જન દરમિયાન બોમ્બ ના મુકાયા હોય પણ આ રીતે લોકોમાં ગભરાટ ફેલાવીને ધક્કામુકકી કરાવવાનો કારસો હોય એવું પણ બને તેથી સાવચેતી જરૂરી છે. કઈ પણ શંકાસ્પદ દેખાય તો લોકો તરત પોલીસને જાણ કરવાની સતર્કતા બતાવે એ જરૂરી છે.
આમ તો ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ખોખલી ધમકીઓ આપીને પોલીસ અને એજન્સીઓને દોડતા કરવાનો વાવર છે અને આ ધમકી પણ એ જ પ્રકારની સાબિત થાય એવી આશા રાખીએ. થોડાક સમય પહેલાં ફ્લાઈટ્સમાં બોમ્બ મુકાયા હોવાના ફોન લગભગ દરરોજ આવતા.
ફલાણી ફ્લાઈટમાં બોમ્બ મુકાયો છે ને ઢીંકણી ફ્લાઈટને ઉડાવી દઈશુંં એ પ્રકારના સાવ ખોટ્ટેખોટ્ટા ફોન કરાતા તેમાં પોલીસ ને બીજી એજન્સીઓ તો ધંધે લાગતી જ પણ સામાન્ય લોકો પણ પરેશાન થઈ જતાં હતાં. પોલીસ બોમ્બ છે કે નહીં તેની તપાસ કરે તેમાં ફ્લાઈટ મોડી પડે ને લોકોનો સમય બગડતો.
કલાકોની તપાસ ને આખું વિમાન ઉપરનીચે કર્યા પછી કશું ના મળે એવું તમામ કેસોમાં બનેલું તેથી આ બધી ધમકીઓ સાવ પોકળ સાબિત થઈ હતી છતાં હજુ નવી ધમકી આવે તો તેને ગંભીરતાથી લેવી જ પડે કેમ કે સવાલ લોકોની સલામતીનો છે.
મુંબઈમાં પણ થોડા સમય પહેલાં આ રીતે છત્રપતિ શિવાજી ટર્મિનસને ઉડાવી દેવાની ધમકી મળી જ હતી. 26 જુલાઈએ ધમકી મળેલી કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ધમકી આપનારે કહેલું કે, સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવશે અને જોરદાર ધડાકા થશે.
આ ધમકીના પગલે દોડતી થયેલી પોલીસે આખું સ્ટેશન ફેંદી નાખ્યું હતું પણ પોલીસને તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. આ પ્રકારની ધમકીઓ બીજાં શહેરોમાં પણ મળી છે પણ કશું થયું નથી. આ પ્રકારની ધમકીઓ આપનારા વિકૃત માનસિકતા ધરાવનારા લોકો હોય છે.
આ લોકોમાં કશું કરવાની તાકાત હોતી નથી તેથી પોકળ ધમકીઓ આપીને અને લોકોને પરેશાન કરીને પિશાચી આનંદ મેળવે છે. તેમની માનસિકતા આપણે બદલી શકવાના નથી પણ આ ધમકી પણ પોકળ સાબિત થાય ને ગણેશ વિસર્જનનો ઉત્સવ નિર્વિઘ્ને પાર પડે એવી આશા રાખીએ.