એકસ્ટ્રા અફેર: મોહસિન નક્વી સીધાદોર: વાર્યા ના વળે એ હાર્યા વળે

– ભરત ભારદ્વાજ
ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને પાકિસ્તાનના ઈન્ટિરિયર મિનિસ્ટર મોહસિન નક્વીના કિસ્સામાં આ વાત સો ટકા સાચી સાબિત થઈ છે. એશિયા કપની ફાઈનલ પછી ચેમ્પિયનને અપાતી ટ્રોફી વિજેતા ભારતીય ક્રિકેટ ટીમને આપવાના બદલે પોતાના રૂમમાં મુકાવી દેનારા નક્વીએ અંતે એશિયા કપની ટ્રોફી દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની ઓફિસમાં જમા કરાવી દીધી.
આ ટ્રોફી હવે ઔપચારિક રીતે ભારત મોકલવામાં આવશે અથવા દુબઈમાં ભારતીય અધિકારીને સોંપવામાં આવશે. ભારતીય અધિકારી ટ્રોફી ભારતમાં મોકલી આપે પછી તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની ઓફિસમાં મોકલી અપાશે અને નક્વીએ નાલાયકી કરીને ઊભા કરેલા ડખાનો અંત આવી જશે.
નક્વીએ રવિવારે રમાયેલી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનની કારમી હાર પછી તાયફો કરીને ભારતીય ટીમને ટ્રોફી નહોતી આપી. આ મુદ્દે જોરદાર વિવાદ થયો પછી ભારતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)માં રજૂઆત કરવું નક્કી કર્યું તેમાં જ નક્વી દોડતા થઈ ગયા. આ મામલો આઈસીસીમાં જાય તો એશિયન ક્રિકેટ કાઉન્સિલની ને નક્વીની બંનેની આબરૂનો ફાલુદો થઈ જાય કેમ કે નક્વી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પણ ચેરમેન છે. ઈજ્જતનો કચરો રોકવા નક્વીએ એસીસીની વાર્ષિક સામાન્ય સભામાં આ મુદ્દો સામસામે બેસીને ઉકેલવા તૈયારી બતાવી હતી.
જો કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં પણ નક્વીએ ઓછાં નાટક નહોતાં કર્યાં. મોહસિન નક્વીએ પોતે કશું જાણતા જ ના હોય એવો ડોળ કરીને સાવ જૂઠાણું પણ ચલાવેલું કે, ભારતીય બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને લેખિતમાં જાણ કરી જ નહોતી કે, ભારતીય ટીમ મારી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. નક્વીના દાવા પ્રમાણે પોતાને ભારતીય ટીમ પોતાના હાથે ટ્રોફી લેવા નથી માગતી એ વાતની ખબર જ નહોતી તેથી પોતે કોઈ કારણ વગર કાર્ટૂનની જેમ ત્યાં ઊભા રહ્યા હતા તેથી અપમાનિત થયાની લાગણી થવાથી પોતે ટ્રોફી પોતાના રૂમમાં મુકાવી દીધી હતી.
ભારતના રાજીવ શુક્લા અને આશિષ શેલારે નક્વીને આડે હાથ લીધા પછી પણ નક્વીએ પોતે કશું ખોટું કર્યું હોવાનું સ્વીકારવાના બદલે પોતાનું જ વાજું વગાડ્યા કર્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડના હોદ્દેદારોએ નકવીને આડે હાથ લીધા છતાં નક્વીએ ભારતને ભિડાવવા એશિયન ક્રિકેટ કાઉન્સિલના સભ્યો નક્કી કરી એવું કરવા પોતે તૈયાર હોવાનો દાવ ખેલેલો. તેમાં નક્વીનો ઈરાદો ભારતને નીચું બતાવવાનો જ હતો કેમ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં ઉચકૂચિયા સભ્યોની ભરમાર છે અને આરબ રાષ્ટ્રોની સંખ્યા વધારે છે. એ બધા પાકિસ્તાનના પડખે રહે તો ભારતને પછડાટ આપવાની નક્વીની મેલી મુરાદ હતી પણ ભારતે બધા સભ્યો નહીં પણ ટેસ્ટ ક્રિકેટ રમતા સભ્યો નક્કી કરે એ કરવાનો આગ્રહ રાખ્યો.
ભારતે નક્વી આ વાત ના માને નક્વી સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવીને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેનપદેથી દૂર કરવાની ધમકી આપી. સાથે સાથે ભારતીય અધિકારીઓએ કથિત ટ્રોફી ચોરીની ફરિયાદ યુએઈ પોલીસમાં નોંધાવવાની ધમકી પણ આપી તેમાં નક્વી ઢીલાઢસ થઈ ગયા. ભારતને બતાવી દેવા માટે કરેલી લુખ્ખાગીરીના કારણે યુએઈમાં ટ્રોફી ચોરી બદલ ફરિયાદ થાય તો ભારે ભવાડો થઈ જાય એટલે નક્વીએ ભારતીય ક્રિકેટ બોર્ડ સામે શરણાગતિ સ્વીકારી લીધી.
જો કે એશિયાના ટેસ્ટ રમતા દેશોને પોતાની તરફ ખેંચીને ભારતને પછડાટ આપવા તેમણે છેક સુધી તો ધમપછાડા કર્યા જ. એશિયા ક્રિકેટ કાઉન્સિલમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એમ પાંચ ટેસ્ટ ક્રિકેટ રમતા સભ્યો છે. આ પૈકી બાંગ્લાદેશ અત્યારે પાકિસ્તાનના ખોળામાં બેઠેલું છે તેથી એ પાકિસ્તાનની સાથે રહેશે એ નક્કી હતું. બીજી તરફ શ્રીલંકા ભારતની સાથે જ રહેશે એ પણ નક્કી હતું તેથી બધો આધાર અફઘાનિસ્તાન પર હતો. નક્વીએ અફઘાનિસ્તાનને પોતાની તરફ ખેંચવા મથામણ કરી જોઈ પણ અફઘાનિસ્તાન પાકિસ્તાનની પંગતમાં બેસવા તૈયાર જ ના થયું. એ સ્વાભાવિક છે કેમ કે અફઘાનિસ્તાનને મળેલો ટેસ્ટ પ્લેઈંગ નેશનનો દરજજો જ ભારતને આભારી છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારતની દવાઓ ના મળે તો અમેરિકા બરબાદ થાય ખરું?
અફઘાનિસ્તાનના ક્રિકેટરોને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવાની મંજૂરી મળી છે તેના કારણે અફઘાનિસ્તાનને ઘી-કેળાં છે તેથી અફઘાનિસ્તાન ભારતને નારાજ કરવા તૈયાર ના જ થાય. અફઘાનિસ્તાનના વલણના કારણે પણ બાકીના ત્રણ દેશો વિરૂદ્ધ જ જશે ને પોતાની આબરૂનો ધજાગરો થશે એ નક્વીને ખબર પડી ગઈ તેથી તેમણે આ પાંચ દેશો ટ્રોફી આપવી કે નહીં તે નક્કી કરે એ વાતમાં સહમતિ બતાવી પણ એવો નિર્ણય લેવાનો આવે એ પહેલાં ટ્રોફી કાઉન્સિલને મોકલી આપી.
નક્વીએ શરણાગતિ સ્વીકારી લીધી તેના કારણે હાલ પૂરતો આ વિવાદ પર ભલે પડદો પડી ગયો હોય પણ નક્વીનું વલણ એ વાતનો પુરાવો છે કે, પાકિસ્તાનના ક્રિકેટરો કે ક્રિકેટના કારભારીઓ ક્રિકેટમાં રાજકારણ ના લાવવું જોઈએ એવી ગમે તેટલી સુફિયાણી વાતો ભલે કરે પણ ભારત માટે તેમના મનમાં ભારોભાર ઝેર ભરેલું જ છે. એવું ના હોત તો નક્વીએ કોઈ ભવાડો ના કર્યો હોત ને ખેલદિલી બતાવીને બીજા કોઈને હાથે ભારતને ચેમ્પિયનની ટ્રોફી અપાવીને આ ટંટો ઊભો ના થવા દીધો હોત.
ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો પછી ટ્રોફી પર ભારતનો અધિકાર હતો. નક્વીએ આ અધિકારનું માન જાળવવાના બદલે સાવ આડોડાઈ કરીને ટ્રોફી પોતાના બાપનો માલ હોય એ પ્રકારનું વર્તન કર્યું. એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તરીકે એશિયા કપ સુખરૂપ પતી જાય અને કોઈ ડખો ના થાય એ જોવાની તેમની જવાબદારી હતી. એ માટે જરૂર પડે તો થોડુંક નમતું જોખી લેવામાં એ નાના બાપના નહોતા થઈ જવાના પણ નક્વી એ ગૌરવ ના જાળવી શક્યા. તેના બદલે તેમણે પોતાના વ્યક્તિગત અહમ અને ભારતદ્વેષી માનસિકતાને વધારે મહત્ત્વ આપ્યું.
નક્વી તો છીંડે ચડેલા ચોર છે પણ પાકિસ્તાનમાં ક્રિકેટ સાથે સંકળાયેલાં બધા લોકો આ રીતે જ વર્તે છે. એ લોકો ભારતને ભાત ભાતની સુફિયાણી સલાહો આપવા બેસી જાય છે પણ પોતે એ નથી વર્તતા. કોઈ ને કોઈ રીતે ભારત તરફનો તેમનો અણગમો અને દ્વેષ બહાર આવી જ જાય છે. આ સંજોગોમાં ભારતે નક્વી સાથે જે કંઈ કર્યું એ યોગ્ય જ છે. તેના કારણે પાકિસ્તાનીઓની માનસિકતા નથી બદલાવાની એ ખબર છે પણ આ માનસિકતાની દુનિયાને ખબર પડે એ પણ જરૂરી છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: નકવીના હાથે ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ના જ લેવી જોઈએ