એકસ્ટ્રા અફેર : મોહમ્મદ સિરાજ: 24 કલાકમાં વિલનમાંથી સુપરહીરો…

ભરત ભારદ્વાજ
ઓવલમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની સીરિઝની છેલ્લી ટેસ્ટ જીતીને ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટ ચાહકોનો દિવસ સુધારી દીધો. આ જીત સાથે ભારતે ટેસ્ટ સીરિઝ તો 2-2થી સરભર કરી જ પણ છેલ્લાં છ વર્ષથી ઈંગ્લેન્ડ સામે સીરિઝ નહીં હારવાનો રેકેોર્ડ પણ અખંડ રાખ્યો. બાકી આગલા દિવસે જો રૂટ અને હેરી બ્રુકે આપણા બોલરોનાં છોતરાં ફાડી નાંખતી બેટિંગ કરી પછી ભારતના મોંમાંથી જીતનો કોળિયો છિનવાઈ ગયેલો લાગતો હતો.
સદનસીબે ચોથા દિવસે છેલ્લે છેલ્લે આપણા બોલરોએ જો રૂટ અને હેરી બ્રુક બંનેને આઉટ કરીને જીતની શક્યતા ઊભી કરેલી પણ છતાં પલ્લુ ઈંગ્લેન્ડ તરફ નમેલું હતું કેમ કે ઈંગ્લેન્ડે 35 રન જ કરવાના હતા ને તેની 4 વિકેટો બાકી હતી. છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે શરૂઆત ધમાકેદાર કરી પણ પછી મોહમ્મદ સિરાજ અને પ્રસિધ્ધ ક્રિષ્ણાએ સપાટો બોલાવીને ઈંગ્લેન્ડના બેટ્સમેનને વારાફરત રવાના કરીને 35 રન પણ ન કરવા દીધા.
આ જીત પછી મોહમ્મદ સિરાજ ચોતરફ છવાયેલો છે કેમ કે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં પાંચ વિકેટો લઈને સિરાજે મેઈન ડિસ્ટ્રોયરનું કામ કર્યું છે. સિરાજની વાહવાહી યોગ્ય છે કેમ કે જીતનો અસલી હીરો મોહમ્મદ સિરાજ છે પણ પ્રસિધ્ધ ક્રિષ્ણા પણ યશનો સિરાજ જેેટલો જ હકદાર છે. સિરાજે પહેલી ઈનિંગમાં 4 ને બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈને કુલ 9 વિકેટો લીધી જ્યારે પ્રસિધ્ધ ક્રિષ્ણાએ બંને ઈનિંગમાં 4-4 મળીને 8 વિકેટ લીધી છે.
સિરાજ છવાઈ ગયો કેમ કે છેલ્લા દિવસે પડેલી 4 વિકેટમાંથી 3 વિકેટ સિરાજે લીધી અને 7 જ રન બાકી હતા ત્યારે ડેન્જરસ બની ગયેલા ગસ એટક્ધિસની દાંડી ઉડાવીને ભારતને જીત અપાવી દીધી પણ એ પહેલાં જીતનો તખ્તો સિરાજ ને ક્રિષ્ણા બંનેએ સાથી મળીને તૈયાર કરેલો. ભારતની જીતમાં સૌથી મોટો અવરોધ એવા જો રૂટને આગલા દિવસે ક્રિષ્ણાએ જ આઉટ કરેલો તેથી ક્રિષ્ણા પણ સિરાજ જેટલો જ હકદાર છે.
ઓવલની જીતમાં વોશિંગ્ટન સુંદર અને આકાશદીપને બધા ભૂલી ગયા પણ ભારતની બીજી ઈનિંગમાં બંનેએ કરેલી બેટિંગે જ મોટો ફરક પાડી દીધો. નાઈટ વોચમેન તરીકે આવેલા આકાશદીપે 94 બોલ રમીને ફટકારેલા 66 રન અને વોશિંગ્ટન સુંદરે છેલ્લે છેલ્લે કરેલી તોફાની બેટિંગના કારણે જ ભારત ઈંગ્લેન્ડને પડકારજનક સ્કોર આપી શક્યું.
આકાશદીપને એ રીતે પણ યાદ કરી લેવો જોઈએ કેમ કે ચોથા દિવસે દેવાવાળી કરી રહેલા બ્રુકને આકાશે આઉટ કરેલો. બાકી બ્રુક જે રીતે રમતો હતો એ જોતાં મેચ પાંચમા દિવસ લગી ખેંચાશે જ નહીં એવું લાગતું હતું.
બીજી ઈનિંગમાં ભારતીય ટોપ ઓર્ડરમાંથી યશસ્વી જયસ્વાલને બાદ કરતાં બાકીના બધા બેટ્સમેને ધોળકું ધોળેલું. રાહુલ 7, સાઈ સુદર્શન 11, શુભમન ગિલ પણ 11 અને કરૂણ નાયર 17 રન કરીને આઉટ થયા ત્યારે ભારતના હાલ પહેલી ઈનિંગ જેવા જ થશે ને ઈંગ્લેન્ડ સરળતાથી જીતી જશે એવું લાગતું હતું પણ પહેલાં યશસ્વી જયસ્વાલે અને પછી રવિન્દ્ર જાડેજાએ છેડો સંભાળ્યો અને પૂંછડિયાઓએ તેને સાથ આપ્યો તેમાં ભારત સારો સ્કોર કરી શક્યું. આકાશદીપે ત્રીજા દિવસની શરૂઆતનો કપરો સમય કાઢી નાખ્યો એ રીતે તેની બેટિંગ અત્યંત નિર્ણાયક કહેવાય.
આકાશના આઉટ થયા પછી શુભમન ગિલ, કરુણ નાયર અને જયસ્વાલ પણ ઝડપથી આઉટ થતાં ભારતનો સ્કોર 6 વિકેટે 273 રન થઈ ગયેલો. એ વખતે ભારત 300 રનના સ્કોરને પણ પાર કરશે કે કેમ તેમાં શંકા હતી પણ ભારતની છેલ્લી 4 વિકેટે 123 રન ઉમેર્યા. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર છે ને વિકેટકીપર ધ્રુવ જુરેલ સારો બેટ્સમેન છે તેથી તેમની પાસેથી સારી બેટિંગની અપેક્ષા હોય જ ને એ અપેક્ષા ફળી પણ પૂંછડિયાઓએ અપેક્ષા કરતાં વધારે સારી બેટિંગ કરી.
રવિન્દ્ર જાડેજા અને ધ્રુવ જુરેલે પોતાની ભૂમિકા સારી રીતે ભજવી. જાડેજા બાપુએ 53 ને ધ્રુવે 34 રન કરીને ભારતનો સ્કોર 350ને પાર કરાવ્યો પણ 357ના સ્કોરે ઉપરાછાપરી બે વિકેટો ગુમાવી ત્યારે 400ની નજીક સ્કોર થવાની કોઈને આશા નહોતી.
વોશિંગ્ટન સુંદરે એ વખતે ખભા ઊંચકીને કરેલી તોફાની બેટિંગે ભારતને 400ની નજીક જ ના લાવી દીધું પણ બહુ મોટો ફરક પાડી દીધો. સુંદરે 46 બોલમાં 4 સિક્સર ને 4 બાઉન્ડ્રી સાથે 53 રન ઠોકીને કરેલ બેટિંગનું ભારતની જીતમાં મહત્વનું યોગદાન છે. સુંદરે 4 ઓવરમાં 39 રન ઠોક્યા તેમાં ભારત 396 રને પહોંચ્યું ને ઈંગ્લેન્ડને 374 રનનો પડકારજનક સ્કોર આપી શક્યું. બાકી આ 40 રન ઓછા થયા હોત તો ભારતના બોલરોએ વધારે પરસેવો પાડવો પડ્યો હોત.
ભારત ઓવલ ટેસ્ટ જીતીને સીરિઝ ડ્રોમાં ખેંચી શક્યું એ મોટી સિદ્ધિ છે કેમ કે પહેલાં કદી એવું બન્યું નથી. ભારત 1932થી ટેસ્ટ ક્રિકેટ રમે છે એ જોતાં 93 વર્ષ થયાં. આ 93 વર્ષના ઈતિહાસમાં ભારતે વિદેશની ધરતી પર પાંચમી ટેસ્ટ જીતી હોય એવું કદી નહોતું બન્યું. પહેલી વાર ભારત કમબેક કરીને ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું. ભારતની જીત એ રીતે પણ મહત્ત્વની કહેવાય કે જસપ્રિત બૂમરાહ અને રીષભ પંતની ગેરહાજરીમાં ભારત જીત્યું છે.
છેલ્લાં કેેટલાંક વરસોમાં વિદેશની ધરતી પરની ભારતની મોટા ભાગની યાદગાર જીતમાં જસપ્રિત બૂમરાહ અને રીષભ પંતનું મુખ્ય યોગદાન રહેતું. ઓવલ ટેસ્ટમાં બંને નહોતા છતાં ભારત જીતી ગયું. ત્રીજી મહત્ત્વની વાત એ છે કે, જૂના જોગીઓની વિદાય પછીની પહેલી સીરિઝ હતી ને ભારત સાવ નવા ખેલાડીઓ સાથે ઉતરેલું છતાં સીરિઝ હાર્યા નથી પણ ડ્રો કરીને બરાબરી પર રહ્યા છે.
ભારતની જીત પછી એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે, ભારત કા અબ્દુલ સિર્ફ પંક્ચર હી નહીં બનાતા લેકિન ઈંગ્લેન્ડ મેં ભારત કો જીતાતા ભી હૈ. સિરાજે આગલા દિવસે હેરી બ્રુકનો કેચ પકડ્યો પણ તેનો પગ બાઉન્ડ્રીને અડકી ગયો ને પછી બ્રુકે આપણી પથારી ફેરવી નાખતી તોફાની બેટિંગ કરી.
તેના કારણે સિરાજના માથે જોરદાર માછલાં ધોવાયેલાં. ભારત મેચ હારી જ ગયું હોય એ રીતે સિરાજને વિલન ચિતરી દેવાયેલો. સિરાજ વિરોધી કોમેન્ટ્સમાં કેટલીક કોમેન્ટ્સ સિરાજ મુસ્લિમ હોવા અંગે પણ થયેલી. આ વિકૃત માનસિકતા કહેવાય ને સિરાજે ભારતને જીતાડીને તેનો કદી ના ભૂલાય એવો જવાબ આપી દીધો છે. આશા રાખીએ કે, મુસ્લિમોની દેશભક્તિ સામે શંકા કરનારા કંઈક શીખશે ને ભવિષ્યમાં વિકૃત માનસિકતાનું પ્રદર્શન નહીં કરે.
આ પણ વાંચો…પાંચમી ટેસ્ટનો હીરો સાબિત થયેલો ફાસ્ટ બોલર મોહંમદ સિરાજ કેટલા કરોડોનો માલિક છે ખબર છે?