એકસ્ટ્રા અફેરઃ મોદીનાં માતાનો વીડિયો હલકી માનસિકતાની નિશાની…

ભરત ભારદ્વાજ
બિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાને કૉંગ્રેસના મંચ પરથી ગાળ અપાઈ એ શરમજનક ઘટના તાજી છે ત્યાં બિહાર કૉંગ્રેસે મોદી અને મોદીનાં માતા હીરાબાના સંવાદનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા જનરેટ કરાયેલો વીડિયો મૂકીને ફરી નીચ હરકત કરી છે.
ભાજપે આ વીડિયો સામે વાંધો લઈને કૉંગ્રેસ ગાંધીવાદીના બદલે `ગાલીવાદી’ પાર્ટી બની ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે આઘાતજનક રીતે કૉંગ્રેસે આ વીડિયોનો બચાવ કર્યો છે.
ભાજપનું કહેવું છે કે, મોદીનાં માતા હીરાબાને ચૂંટણીના રાજકારણમાં ઢસડીને કૉંગ્રેસ સાવ નીચલી પાયરીએ ઉતરી ગઈ છે. સામે કૉંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ પવન ખેરાએ સવાલ કર્યો છે કે, એક માતા પોતાના પુત્રને ખખડાવે કે શિખામણ આપે તેમાં અપમાનજનક શું છે?
ખેરાના દાવા પ્રમાણે, વીડિયોમાં મોદીનાં માતાનું કોઈ રીતે અપમાન કરાયું નથી કે મોદીનાં માતા માટે કોઈ ખરાબ શબ્દ વપરાયો નથી. વીડિયોમાં એક માતા પોતાના પુત્રને શિખામણના બે શબ્દો કહે છે ને એ તો ભારતની પરંપરા છે એ જોતાં તેમાં કશું વાંધો લેવા જેવું નથી.
ખેરાના બકવાસ અને કૉંગ્રેસની નીચતાની વાત કરતાં પહેલાં બિહાર કૉંગ્રેસે મૂકેલા વીડિયોમાં શું છે તેની વાત કરી લઈએ. બિહાર કૉંગ્રેસના એકસ એકાઉન્ટ પર મુકાયેલા 36 સેકન્ડના વીડિયોની શરૂઆત મોદી સૂવા માટે પથારી તરફ જઈ રહ્યા હોય એવા સીનથી થાય છે. મોદી પથારી તરફ જતાં જતાં બોલે છે કે, આજની વોટચોરી પતી ગઈ છે. હવે સૂવા જાઉં છું.
બીજા સીનમાં મોદી પથારી પર સૂતા દેખાય છે અને મોદીને સપનામાં માતા હીરાબા દેખાય છે. હીરાબા મોદીને ખખડાવે છે અને કહે છે કે, પહેલાં તો તેં મને નૉટબંધીની લાંબી લાઈનમાં ઊભી રાખી, તેં મારા પગ ધોવાની રીલ બનાવડાવી અને હવે બિહારમાં મારા નામે રાજકારણ રમી રહ્યા છો, તું મારા અપમાનનાં બેનર અને પોસ્ટર્સ છપાવડાવી રહ્યો છે.
તું બિહારમાં ફરી નૌટંકી કરવાની કોશિશ કરી રહ્યો છે. રાજકારણ રમવા માટે હજુ કેટલો નીચે ઉતરીશ ? આ સાંભળીને મોદી અચાનક જાગી જાય છે અને આમતેમ જોવા લાગે છે એ સાથે જ રીલ પૂરી થાય છે.
મીડિયાનો એક વર્ગ વીડિયોમાં મોદી જેવો દેખાતો પુરુષ અને હીરાબા જેવાં દેખાતાં વૃદ્ધા હોવાનો ઉલ્લેખ કરે છે પણ બંને પાત્રો મોદી કે હીરાબા જેવાં દેખાતાં નથી પણ મોદી અને હીરાબા જ છે. કૉંગ્રેસે પોતે આ વાત સ્વીકારી છે તેથી વીડિયો વિશે કોઈ ગેરસમજમાં રહેવા જેવું નથી.
આ વીડિયો મોદી અને હીરાબાનો જ છે અને વીડિયોમાં મુકાયેલો કાલ્પનિક સંવાદ મોદી-હીરાબા વચ્ચે થયો છે એવું બતાવવા માટે જ કોંગ્રેસે આ વીડિયો બનાવડાવ્યો છે એ વિશે કૉંગ્રેસ બિલકુલ સ્પષ્ટ છે તેથી લોકો પણ સ્પષ્ટ છે.
કૉંગ્રેસ છાસ લેવા જતાં દોણી સંતાડવાના બદલે આખી દુનિયાને દેખાય એ રીતે દોણી લઈને નિકળી છે તેથી વીડિયો કોના વિશે છે અને શું કરવા બનાવાયો છે એ વિશે કોઈ ભ્રમ રાખવા જેવો નથી.
કૉંગ્રેસનો બચાવ છે કે, વીડિયોમાં કશું વાંધાજનક નથી ને મોદીનાં માતા હીરાબા વિશે અપમાનજનક શબ્દો નથી. આ વાત સાવ સાચી છે પણ સવાલ એ છે કે, ચૂંટણી પ્રચારમાં હીરાબાને ઢસડવાની શું જરૂર?
હીરાબા ગુજરી ગયાં છે, હયાત નથી ને જીવ્યાં ત્યાં લગી રાજકારણ સાથે તેમને નાહવા-નિચોવવાનો સંબંધ નહોતો એ જોતાં તેમને રાજકારણથી દૂર જ રાખવાં જોઈએ.
કૉંગ્રેસ મોદી પર પ્રહાર કરે તેમાં કશું ખોટું નથી પણ તેના માટે મોદીનાં માતાના નકલી વીડિયોનો ઉપયોગ કરવો એ હલકી માનસિકતા કહેવાય. ચૂંટણી જીતવા માટે હરીફો પર પ્રહાર કરવા એ લોકશાહી છે પણ કોઈનાં પરિવારજનોને ખોટી રીતે ઢસડવાં લોકશાહી નથી.
મોદીનાં કોઈ સગાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય કે બીજું કશું ખોટું કર્યું હોય તેને મુદ્દો બનાવી શકાય પણ હીરાબાને કઈ રીતે ઢસડી શકાય ?
બિહાર કૉંગ્રેસે આ વીડિયો મુદ્દે ભારે હોહા થઈ પછી આંતરિક તપાસની જાહેરાત કરી એ પણ નાટક જ છે કેમ કે પહેલાં તો પવન ખેરાએ તેનો ખુલ્લો બચાવ જ કરેલો. રાહુલ ગાંધીની વોટ યાત્રા વખતે કૉંગ્રેસના મંચ પરથી હીરાબા વિરુદ્ધ ગંદી ગાળો બોલાઈ ત્યારે પણ કૉંગ્રેસના તારિક અનવરે તેનો બચાવ કરેલો.
27 ઓગસ્ટે દરભંગામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા માટેના સ્વાગત મંચ પરથી હીરાબા ઉપરાંત મોદીને ગાળ આપવામાં આવી હતી. પોલીસે 28 ઓગસ્ટે ગાળ આપનારા મોહમ્મદ રિઝવીની ધરપકડ કરી. પંકચરની દુકાન ચલાવતા રિઝવીના સમર્થનમાં તારિક કૂદી પડેલા.
ભાજપના નેતા અત્યારે કાગારોળ મચાવી રહ્યા છે પણ એ પણ દૂધે ધોયેલા તો નથી જ. મોદીની વાહવાહી માટે તેમણે પણ એઆઈની મદદથી કાલ્પનિક વીડિયો બનાવીને મૂકેલા જ છે. ઓપરેશન સિંદૂર પછી ઈન્દિરા ગાંધી મોદીની વાહવાહી કરતાં હોય ને મોદીને અસલી શેર ગણાવતાં હોય એવો વીડિયો બનાવીને વાઇરલ કરાયેલો.
ભાજપે બે વર્ષ પહેલાં ઈન્દિરા ગાંધીને હિટલર જેવી મૂછો સાથે દર્શાવતો વીડિયો બનાવેલો. હિટલર જેવી મૂછો ધરાવતાં ઈન્દિરા ગાંધી કટોકટી લાદવાની જાહેરાત કરતાં હોય એવો વીડિયો વાઇરલ થયેલો. એ પહેલાં જવાહરલાલ નહેરુ કાશ્મીર સહિતના મુદ્દે પોતે ભયંકર ભૂલો કરી હોવાનું સ્વીકારતા હોય એવા કાલ્પનિક વીડિયો પણ વાઇરલ કરાયેલા જ છે.
આ પૈકી કેટલાક વીડિયો ભાજપે સત્તાવાર રીતે બનાવેલા. જવાહરલાલ અને ઈન્દિરા બંને ગુજરી ગયાં છે ત્યારે તેમને નામે આવા કાલ્પનિક ને બોગસ વીડિયો બનાવવા એ પણ નીચતા જ કહેવાય તેથી ભાજપે પણ કૉંગ્રેસ જેવી નીચતા આચરી જ છે. રાહુલ અને સોનિયાના જ્યોર્સ સોરોસ સાથેના ફેક ફોટોથી માંડીને બીજાં જે જૂઠાણાં ચલાવ્યાં તેનો તો કોઈ હિસાબ જ નથી.
કમનસીબે ભાજપ ને કૉંગ્રેસ બંનેની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજા કરે એ છિનાળું જેવી છે. બંનેને બીજા કરે ત્યારે નૈતિકતા, સિધ્ધાંતો ને જાતજાતના સદ્ગુણો યાદ આવી જાય છે પણ પોતે આ ગંદવાડ ફેંકવાનું બંધ કરીને સ્થિતિ સુધારી શકે છે એ નથી સૂઝતું. બંને બીજાને જ્ઞાન આપવામાં માને છે પણ પોતે સદ્ગુણી થવા તૈયાર નથી.
આ પણ વાંચો…બિહારમાં ભાજપનો મોટો આરોપ, કહ્યું કોંગ્રેસે પીએમ મોદીના માતાનું અપમાન કર્યું