એકસ્ટ્રા અફેરઃ એક યોજનામાંથી નામ કાઢવાથી ગાંધીજીનું અપમાન ના થાય

ભરત ભારદ્વાજ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા)નું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે ‘વિકસિત ભારત-જી રામ જી’ કરવાનું નક્કી કર્યું એ મુદ્દે ઘમાસાણ મચ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે આ બિલ લોકસભામાં રજૂ કર્યું પછી સંસદમાં તડાપિટ બોલી અને હવે સંસદની બહાર પણ ગાંધીજીના નામે ચરી ખાવાનો ખેલ પૂરજોશમાં ચાલી રહ્યો છે.
કૉંગ્રેસ સહિતના વિપક્ષો મચી પડ્યા છે કે, મનરેગાનું નામ બદલવું એ મહાત્મા ગાંધીના વિચારોનું સીધું અપમાન છે અને સરકાર આડકતરી રીતે ગાંધીજીના નામને ભૂંસવાની કોશિશ કરી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તો સોશિયલ મીડિયા પોસ્ટમાં આક્ષેપ કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીના વિચારો અને ગરીબોના અધિકારો નડે છે તેથી મોદી સરકાર છેલ્લાં 10 વર્ષથી મનરેગાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે અને હવે તેને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ‘વીબી-જી રામ જી’ બિલ ગરીબ ગ્રામીણ પરિવારોની આજીવિકા પર હુમલો છે તેથી આ જનવિરોધી બિલનો વિરોધ કરશે.
ભાજપનું કહેવું છે કે, કૉંગ્રેસ કાગનો વાઘ કરી રહી છે અને સરકારની ગ્રામીણ પ્રજાજનો તથા ખેડૂતોને ફાયદો કરાવનારા બિલ સામે વાંધો ઉઠાવીને પાણીમાંથી પોરા કાઢી રહી છે. નવા કાયદાથી ખેડૂતો અને ગરીબો બંનેને ફાયદો થશે કેમ કેમ કે સરકાર રોજગારની ગેરંટીના દિવસો વધારી રહી છે. આ ઉપરાંત ખેતીની સીઝનમાં ખેતમજૂરો ઉપલબ્ધ રહે એવી જોગવાઈ પણ કરી રહી છે. તેના કારણે ખેડૂતો અને ખેત મજૂરો બંને ભાજપ તરફ ઢળશે એ વિપક્ષોથી સહન થતું નથી તેનો આ બધો કકળાટ છે.
ભાજપનો દાવો અર્ધસત્ય છે કેમ કે કેન્દ્ર સરકારનો ઈરાદો માત્ર ખેડૂતો અને ગરીબોનું ભલું કરવાનો નથી પણ પોતાના પરનો આર્થિક બોજ ઘટાડવાનો પણ છે. રોજગારીના દિવસો વધશે તેથી ગરીબોને ફાયદો થશે ને ખેતીની સીઝન સમયે 60 દિવસ માટે મનરેગાનો અમલ સ્થગિત કરાશે તેથી ખેડૂતોને મજૂરોની અછત નહીં પડે ને વધારે ખર્ચ નહીં કરવો પડે એ વાત સાચી પણ સામે રાજ્યો સાથે ખર્ચ વહેંચાશે તેથી કેન્દ્રનો બોજ હળવો થઈ જશે.
અત્યારે મનરેગાનો મોટા ભાગનો ખર્ચ કેન્દ્ર સરકારના માથે છે પણ નવા કાયદામાં રાજ્યો પણ એ ખર્ચ ઉઠાવે એવી જોગવાઈ છે. અત્યારે મજૂરીનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે જ્યારે સામગ્રી ખર્ચના 75 ટકા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. મોટો ખર્ચ મજૂરીનો જ છે તેથી લગભગ તમામ ખર્ચ કેન્દ્ર સરકારના માથે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. નવા કાયદામાં રાજ્યોના માથે 40 ટકા સુધી ખર્ચ નાખવાની જોગવાઈ છે તેથી કેન્દ્રનો ખર્ચ ઘટશે.
અત્યારે મનરેગા હેઠળ વરસમાં 100 દિવસ રોજગારની ગેરંટી આપવાની જોગવાઈ છે પણ નવા કાયદામાં 125 દિવસ કરવામાં આવશે તેથી રોજગારીના દિવસોમાં 25 ટકાનો વધારો થશે પણ ખર્ચનો બોજ રાજ્યો પર પણ આવી જશે તેથી કેન્દ્ર ફાયદામાં છે. આ સિવાય વાવણી અને કાપણીના સમયે રોજગાર ગેરંટી સ્થગિત કરી દેવાશે તેથી એ સમયગાળામાં પણ યોજના માટે સરકારે ખર્ચ નહીં કરવો પડે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સિડનીમાં આતંકી હુમલો, મુસ્લિમો માટેની નફરત ઘેરી બનશે
કેન્દ્ર સરકાર એ રીતે પોતાનો ફાયદો જોઈ રહી છે તેમાં બેમત નથી પણ સામે વિપક્ષો પણ ગાંધીજીનું નામ કાઢી નાખવાથી ગાંધીજીનું અપમાન થઈ જશે એવો કકળાટ રાજકીય ફાયદા માટે જ કરી રહ્યા છે. મોદી સરકારે ગાંધીજીનું નામ ના કાઢ્યું હોત તો સારું હતું પણ નવી યોજનાને નવું નામ આપવું એ તેનો અધિકાર છે તેથી તેની સામે વાંધો લેવો એ બાલિશ હરકત કહેવાય.
બીજું એ કે, કૉંગ્રેસ સહિતના પક્ષોએ પણ ગાંધીજીના સિદ્ધાંતોને કેટલા સાચવ્યા છે એ આપણી નજર સામે છે તેથી કૉંગ્રેસગાંધીજીના નામે રડારોળ કરે ત્યારે કૂંડું કથરોટને હસતું હોય એવું લાગે છે. ગાંધીજી એટલા સસ્તા પણ નથી કે, એક યોજનામાંથી નામ નિકળે એટલે અપમાન થઈ જાય. ગાંધીજી મહામાનવ છે અને માન-અપમાનથી પર છે તેથી તેમના નામે આ બધાં નાટકો ન કરવાં જોઈએ.
મનરેગાની ચર્ચાએ રાજકારણીઓ કઈ રીતે કાચિંડાની જેમ રંગ બદલી શકે છે તેનો નમૂનો પણ ભાજપનાં સાંસદ કંગના રણૌતે પૂરો પાડ્યો. કંગના રણૌતે મનરેગાનું નામ બદલવાથી મહાત્મા ગાંધીનું અપમાન થાય છે એ વાતને બકવાસ ગણાવીને મહાત્મા ગાંધીનાં ગુણગાન ગાયાં.
કંગના મેડમના કહેવા પ્રમાણે, મહાત્મા ગાંધીએ ભગવાન રામ પરના ગીત રઘુપતિ રાઘવ રાજા રામને પ્રચલિત કરીને આખા દેશને સંગઠિત કર્યો હતો અને તેને રાષ્ટ્રગીત બનાવ્યું હતું એ જોતાં મહાત્મા ગાંધીના નામે ભગવાન રામનું નામ અપાય તેને અપમાન ના કહી શકાય. બલકે મહાત્મા ગાંધીનાં જ સપનાને પૂરા કરવા માટે મનરેગાને ભગવાન શ્રીરામનું નામ આપવામાં આવી રહ્યું છે.
કંગના મેડમે રઘુપતિ રાઘવ રાજા રામને રાષ્ટ્રગીત ગણાવ્યું તેને નાદાનિયત અને અજ્ઞાન ગણાવીને માફ કરી દઈએ ને તેની ચર્ચા ના કરીએ પણ ગાંધીજી વિશેની તેમની વાતો વિશે વાત કરવી જરૂરી છે કેમ કે આ જ કંગના રણૌત ગાંધીજી વિશે ઘણું એલફેલ બોલી ચૂક્યાં છે. ભાજપભક્તિમાં લીન અને નવી નવી હિંદુવાદના રંગે રંગાયેલી કંગનાએ 2021માં એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે, દેશને અસલી આઝાદી 2014માં મળી જ્યારે 1947માં મળેલી આઝાદી તો ભીખ હતી. મતલબ કે, નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા પછી જ દેશને સાચી આઝાદી મળી છે.
ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ આ વાત સામે વાંધો લીધો હતો અને સવાલ કર્યો હતો કે, દેશની આઝાદી માટે લડનારા શહીદ મંગલ પાંડેથી માંડીને રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો તિરસ્કાર કરીને કંગના જે માનસિકતા બતાવી રહી છે તેને ગાંડપણ કહું કે દેશદ્રોહ?
આ સવાલથી ભડકેલી કંગનાએ ટ્વિટ કરીને વરૂણને જવાબ આપ્યો કે, મેં સ્પષ્ટ કર્યું છે કે, 1857માં આઝાદીની પહેલી લડાઈ લડાઈ તેને દબાવી દેવાઈ હતી. એ પછી બ્રિટિશ શાસને પોતાના અત્યાચાર અને ક્રૂરતાને વધારી દીધાં. પછી એક સદી પછી ગાંધીના ભીખના કટોરામાં આપણને આઝાદી આપી દીધી…..જાઓ અને રડ્યા કરો. ગાંધીજી આ દેશના રાષ્ટ્રપિતા છે ને કંગનાએ આપણા રાષ્ટ્રપિતા માટે ગાંધીજી શબ્દ પણ વાપરવાનું સૌજન્ય પણ નહોતું બતાવ્યું ને માત્ર ‘ગાંધી’ લખ્યું હતું. કંગનાએ એ પછી પણ ગાંધીજી વિશે ખરાબ ઉચ્ચારણો કર્યા છે. હવે એ જ કંગના ગાંધીજીનાં સપનાના ભારતની વાતો કરે છે એ સાંભળીને સુખદ આશ્ચર્ય થાય છે.
કંગનાનું આ હૃદય પરિવર્તન કેમ થયું તેની તેને જ ખબર પણ આપણા માથે કેવા રાજકારણીઓ બેઠા છે તેનો આપણે વિચાર કરવાની જરૂર છે. જેમના વિચારોમાં સાતત્ય નથી ને જે લોકો પવન જોઈને સઢ બદલી નાખે છે એવા કંગના જેવા શોભાના ગાંઠિયા જેવા નેતાઓ આપણા માથે મરાયેલા છે કે જેમના માટે ગઈ કાલના ‘ગાંધી’ આજે મહાન નેતા બની ગયા છે અને રઘુપતિ રાઘવ રાજા રામ રાષ્ટ્રગીત બની ગયું છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ રૂપિયાનું સતત ધોવાણ, દેશને મજબૂત આર્થિક નેતાગીરીની જરૂર


