એકસ્ટ્રા અફેરઃ ચીને ભારત-નેપાળના લિપુલેખ વિવાદમાં સમજદારી બતાવી…

ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારતથી આવતા માલસામાન પર 50 ટકા ટૅરિફ લાદીને ભારતને દબાવવાની કોશિશ કરી તેના કારણે ભવિષ્યમાં શું થશે એ અત્યારે ખબર નથી પણ અત્યારે ચીનનું ભારત તરફનું વલણ બિલકુલ બદલાઈ ગયું છે એ સ્પષ્ટ છે.
ચીન પણ અમેરિકાના ટૅરિફની જોહુકમીથી ત્રસ્ત છે તેથી ભારત સાથેના સંબંધો ગાઢ કરીને અમેરિકાને પાઠ ભણાવવા માગે છે.
હમણાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા ગયા ત્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગે મોદીની સરભરા અને આગતાસ્વાગતા કરી તેના પરથી સ્પષ્ટ છે કે, ચીનને ભારત સાથેના વિવાદો બાજુ પર મૂકીને આર્થિક સંબંધો ગાઢ બનાવવામાં રસ છે.
જિનપિંગે આપણાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને છ મહિના પહેલાં પત્ર લખીને આ ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સૌને ચીનના ઈરાદા વિશે શંકાઓ થતી હતી પણ કમ સે કમ અત્યારે તો ચીન જે રીતે વર્તી રહ્યું છે
તેના પરથી સ્પષ્ટ છે કે, ભારત સાથે નવી ધરી રચવા ચીન આતુર છે. ચીને ભારત અને નેપાળ વચ્ચેના લિપુલેખ વિવાદમાં વચ્ચે પડવાનો ઇનકાર કરીને સંકેત આપ્યો છે કે, ભારતનાં હિતોના મુદ્દે ચીન સતર્કતાથી વર્તી રહ્યું છે.
નેપાળી વડા પ્રધાન કેપી શર્મા ઓલી પણ મોદીની જેમ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી SCO સમિટમાં ભાગ લેવા ચીન ગયા ત્યારે ચીનના રાષ્ટ્રપતિ સમક્ષ લિપુલેખનો મુદ્દો ઉઠાવ્યો હતો. નેપાળ લિપુલેખ પર લાંબા સમયથી દાવો કરે છે
પણ ભારત એ દાવાને સ્વીકારતું નથી. નેપાળે 2020માં નવો નકશો બહાર પાડીને લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાણીને પોતાના વિસ્તાર ગણાવ્યા હતા પણ ભારતે આ નકશાને માન્ય રાખ્યો નથી.
ભારત અને ચીનના સંબંધો ગાઢ બની રહ્યા છે ને બંને દેશો હકારાત્મક પગલાં ભરી રહ્યા છે. તેના ભાગરૂપે 19 ઓગસ્ટે ભારત અને ચીને લિપુલેખ પાસને વ્યાપાર માટે ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો. નેપાળે તેનો વિરોધ કર્યો હતો અને ભારત અને ચીન વચ્ચેના કરાર સામે વાંધો ઉઠાવ્યો હતો.
એસસીઓમાં પણ ઓલીએ લિપુલેખ વિસ્તાર નેપાળનો હોવાની રેકર્ડ વગાડીને ભારત સાથેનો કરાર રદ કરવા જિનપિંગને વિનંતી કરેલી પણ જિનપિંગે એ વિનંતીને ગણકારી નથી.
મજાની વાત પાછી એ છે કે, નેપાળે ચીનના ઈશારે જ લિપુલેખ પર દાવો કરેલો ને ચીનના ખિલે કૂદાકૂદ કરતું હતું. હવે ચીનનાં પોતાનાં હિતોની વાત આવી એટલે જિનપિંગ હાથ અધ્ધર કરીને બેસી ગયા છે અને નેપાળને રામભરોસે છોડી દીધું છે.
નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયે આપેલી માહિતી પ્રમાણે, જિનપિંગે લિપુલેખને પરંપરાગત ઘાટ ગણાવ્યો છે અને નેપાળના દાવાનું ચીન સન્માન કરે છે એવું પણ કહ્યું છે પણ વચ્ચે પડવાની ઘસીને ના પાડી છે.
જિનપિંગે સાફ શબ્દોમાં કહ્યું છે કે, લિપુલેખ ઘાટનો વિવાદ ભારત અને નેપાળ વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે તેથી બંને દેશોએ પરસ્પર વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો જોઈએ, ચીન કે કોઈ ત્રીજા દેશની મદદ ના લેવી જોઈએ.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી 17 ઓગસ્ટે કાઠમંડુ ગયા ત્યારે વડા પ્રધાન ઓલી, વિદેશ મંત્રી અર્જુન રાણા દેઉબા અને વિદેશ સચિવ અમૃત બહાદુર રાયને મળ્યા હતા.
આ બેઠકમાં ભારત-નેપાળ સંબંધોને મજબૂત બનાવવા, કનેક્ટિવિટી વધારવા, વેપાર અને વિકાસ સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે નેપાળે લિપુલેખ પર દાવો પણ કર્યો હતો પણ ભારતે રાબેતા મુજબ આ દાવાને ફગાવી દીધેલો.
ઓલીને એમ હતું કે, જિનપિંગને ફરિયાદ કરીશું તો ચીન ભારત પર દબાણ લાવશે પણ જિનપિંગે સાવ હાથ અધ્ધર કરીને પોતાને કશી લેવાદેવા જ નથી એવું કહી દેતાં ઓલી વિલા મોંઢે હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો કરીને પાછા આવી ગયા છે.
ચીન મદદ કરી શકે તેમ નથી ને ભારત સામે ભિડાવાની નેપાળની તાકાત નથી એટલે નેપાળે હવે ઢીલાઢફ થઈને ભારત સાથે મંત્રણાની ઈચ્છા વ્યક્ત કરી છે. નેપાળના વડા પ્રધાન ઓલી 16 સપ્ટેમ્બરે ભારત આવવાના છે ને એ વખતે આ મુદ્દો ઉઠાવશે.
આ પહેલાં ઓલીની ભારત યાત્રાનો કાર્યક્રમ ઘણી વાર જાહેર કરાયેલો પણ લિપુલેખ મુદ્દે નેપાળ કોઈ સમાધાન કરવા તૈયાર નથી એવું બતાવવા ઓલીની ભારત યાત્રા વારંવાર મુલતવી રખાઈ હતી. હવે ઓલી વાંકા વળીને ભારત આવશે.
ઓલી ભારત આવીને લિપુલેખ મુદ્દો ઉઠાવે તો પણ કશું વળવાનું નથી કેમ કે આ વિસ્તાર ભારતનો જ છે. હિમાલયમાં આવેલ લિપુલેખ પાસ મારફતે ભારત-ચીન વચ્ચે સદીઓથી વ્યાપાર થાય જ છે. બાયન્સ, દરમા અને ચૌંડાસ ઘાટીના વેપારીઓ 10મી સદીથી આ પાસ દ્વારા વેપાર કરે છે એવો ઈતિહાસમાં ઉલ્લેખ છે.
બ્રિટિશ શાસનકાળ દરમિયાન લિપુલેખ પાસ ભારત અને ચીન વચ્ચેનો મોટા ભાગનો વ્યાપાર આ પાસ મારફતે થતો હતો. 5,334 મીટરની ઊંચાઈએ આવેલા ધારચુલા પાસેનો લિપુલેખ પાસ ભારત-નેપાળ સરહદ પર આવેલો છે. આદિ કૈલાશ અને માનસરોવરનો પરંપરાગત માર્ગ એવો ધારચુલા રોડ તિબેટને લિપુલેખ પાસ સાથે જોડે છે.
ભારત અને ચીન વચ્ચે 1962માં યુદ્ધ થયું ત્યારે ભારતે લિપુલેખ પાસ બંધ કરી દીધેલો કે જેથી ચીના ઘૂસણખોરી ના કરી શકે. ચીને બહુ વિનવણીઓ કરી પછી 1997માં આ રસ્તો ખોલાયો ત્યારે નેપાળે પહેલી વખત ડખો ઊભો કરેલો.
નેપાળે એવો મુદ્દો ઊભો કર્યો કે, નકશામાં બતાવાઈ છે એ મુખ્ય કાલી નદી નથી પણ કાલાપાની વિસ્તારમાં પશ્ર્ચિમે આવેલ નદી મુખ્ય કાલી નદી છે તેથી કાલાપાની વિસ્તાર નેપાળનો છે.
નેપાળે ઓમ પર્વતને સરહદ તરીકે સ્વીકારવાનું નવું તૂત પણ ઊભું કરેલું. એ પછી નેપાળ ક્યારેક ક્યારેક આ વાત કરતું પણ બહુ મોટા ડખા નહોતા થયા કેમ કે નેપાળ અને ભારત વચ્ચે સારા સંબંધો હતા. ચીન પોતાને ખાઈ ના જાય એટલા માટે નેપાળે ભારત સાથે કરાર કરેલા.
નેપાળમાં વરસો લગી ભારતતરફી નેપાળ કૉંગ્રેસનું શાસન હતું તેના કારણે પણ આ મુદ્દે બંને દેશ વચ્ચે ચકમક નથી ઝરી પણ જેવો નેપાળમાં ચીનની પીઠ્ઠુ સામ્યવાદીઓનો પ્રભાવ વધ્યો કે લમણાઝીંક શરૂ થઈ ગઈ.
નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના કે.પી. સિંહ ઓલી વડા પ્રધાન બન્યા પછી નેપાળના વિદેશ પ્રધાન મહેન્દ્ર બહાદુર પાંડેએ દાવો કરેલો કે, નેપાળના રાજા મહેન્દ્રે આ વિસ્તાર ભારતને ખેરાતમાં આપી દીધેલો, બાકી આ વિસ્તાર તો અમારો જ હતો.
ટૂંકમાં ચીનના ઈશારે જ નેપાળે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું, બાકી લિપુલેખ મુદ્દે કોઈ વિવાદ જ નહોતો. હવે ચીન ચાવી નહીં મારે તો આ વિવાદ આપોઆપ શમી જશે.
આ પણ વાંચો…ભારત – નેપાળ ખટરાગ વધી રહ્યો છે