એકસ્ટ્રા અફેર : ધનખડના રાજીનામાનો બહુ વસવસો કરવા જેવો નથી...

એકસ્ટ્રા અફેર : ધનખડના રાજીનામાનો બહુ વસવસો કરવા જેવો નથી…

ભરત ભારદ્વાજ

જગદીપ ધનખડે દેશના ઉપરાષ્ટ્રપતિપદ અને રાજ્યસભાના ચેરમેનપદેથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમીનો માહોલ છે. 74 વર્ષના જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના દિવસે પૂરો થવાનો હતો પણ તેમણે સ્વાસ્થ્યનાં કારણોસર બે વર્ષ પહેલાં જ રાજીનામું આપી દીધું છે. ધનખડે રાષ્ટ્રપતિ ડો. દ્રૌપદી મુર્મૂને ને લખેલા પત્રમાં પોતે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને અને ડોક્ટરની સલાહનું પાલન કરીને તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી રહ્યા હોવાનો દાવો કર્યો છે પણ વિપક્ષોને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું છે.

કૉંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં ધનખડના અણધાર્યા રાજીનામાની પાછળ ઘણાં રહસ્યો છૂપાયેલાં હોવાનો દાવો કર્યો છે. મજાની વાત પાછી એ છે કે, કૉંગ્રેસ અત્યાર લગી ધનખડને પક્ષપાતી અને લોકશાહીના સિદ્ધાંતોને મજાકરૂપ બનાવી દેનારા સભાપતિ ગણાવતી હતી. ધનખડ આઝાદ ભારતના સંસદીય લોકશાહીના 72 વર્ષના ઇતિહાસમાં દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા કે જેમને હોદ્દા પરથી દૂર કરવા માટે તેમની સામે ઈમ્પિચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગ લાવવામાં આવ્યો હતો.

કૉંગ્રેસની આગેવાનીમાં વિપક્ષો ડિસેમ્બર 2024માં ધનખડ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યા હતા. આ ઈમ્પિચમેન્ટ મોશનને પછીથી ટેક્નિકલ કારણોસર નકારી કાઢવામાં આવી હતી પણ કૉંગ્રેસ સહિતના વિપક્ષે ધનખડ સામે પક્ષપાતી હોવાનો આક્ષેપ મૂકીને કહ્યું હતું કે, ધનખડ રાજ્યસભાના ચેરપર્સન તરીકે નહીં પણ ભાજપના નેતા તરીકે વર્તીને વિપક્ષના અવાજ અને તેમના સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને દબાવી દે છે.

હવે એ જ કૉંગ્રેસ કહી રહી છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના હિતમાં ધનખડને પોતાનો વિચાર બદલવા માટે મનાવવા જોઈએ. કૉંગ્રેસના કહેવા પ્રમાણે ધનખડ ઉપરાષ્ટ્રપતિપદે ચાલુ રહેશે તો દેશના ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે. બીજા વિપક્ષી સાંસદોએ પણ ધનખડના રાજીનામા પાછળ ભેદભરમ હોવાની આશંકા વ્યક્ત કરી છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે આખો દિવસ કામ કર્યા પછી ધનખડે રાજીનામું ધર્યું તેના કારણે પણ વિપક્ષોને મોકો મળી ગયો છે.

ધનખડના રાજીનામાં માટે ખરેખર આરોગ્યનું કારણ જવાબદાર હોય તો ધનખડની પ્રસંશા કરવી જોઈએ કેમ કે ભારતમાં ભાગ્યે જ સત્તામાં બેઠેલો કોઈ માણસ આરોગ્યના કારણસર હોદ્દો છોડીને જગા કરે છે. સત્તામાં બેઠેલાં મોટા ભાગનાં લોકોની માનસિકતા હોદ્દા પર ચીટકી રહેવાની અને સરકારી ખર્ચે દવા-દારૂ કે સારવાર કરાવી લેવાની હોય છે. તેમાં કશું ખોટું નથી કેમ કે એ બધા લાભ નિયમ પ્રમાણે જ મળે છે પણ એ લાભ જતા કરવાની માનસિકતા બતાવવી મોટી વાત છે. ધનખડની ટર્મમાં બે વર્ષ બાકી હતાં એ જોતાં બાકીની ટર્મ સરકારી બંગલામાં રહીને, સરકારી ખર્ચે સારવાર કરાવીને અને સરકારી ખર્ચે ઘર પણ ચલાવીને ધનખડ આરામથી રહી શક્યા હોત.

જો કે ધનખડે ખરેખર આરોગ્યના કારણે રાજીનામું આપ્યું કે કેમ એ શંકાસ્પદ છે કેમ કે તેમની તબિયત એટલી ખરાબ નથી જ કે કામ ના કરી શકે. થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમમાં તેમની તબિયત અચાનક બગડી જતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા પણ એ પછી એ સ્વસ્થ છે. સોમવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ધનખડે રાજ્યસભાના ચેરમેન તરીકેની ફરજ પણ બજાવી હતી.

આખો દિવસ સંસદની કાર્યવાહીમાં વ્યસ્ત પણ રહ્યા હતા તેથી તેમની તબિયત સાવ નાદુરસ્ત છે એવું માની શકાય તેમ નથી. અલબત્ત આ બધા વ્યક્તિગત નિર્ણયો છે. સાવ સ્વસ્થ લાગતી વ્યક્તિની તબિયત ખરેખર સારી ના હોય એવું બને. તબિયત સારી હોય તો પણ તબિયત વધારે ના બગડે એટલે કોઈ વ્યક્તિ ધંધા-ધાપા છોડીને આરામ કરવાનું પસંદ કરે એ પણ શક્ય છે. ધનખડના કિસ્સામાં શું કારણ છે તેની આપણને ખબર નથી પણ કારણ જે પણ હોય, ધનખડના નિર્ણયને વ્યક્તિગત માનીને માન આપવું જોઈએ.

ભારતમાં ઉપરાષ્ટ્રપતિ બંધારણીય રીતે બીજા નંબરનો મોટો હોદ્દો છે. આ હોદ્દા પરની વ્યક્તિ રાજીનામું ધરી દે એ મોટી વાત તો કહેવાય જ પણ ધનખડના જવાથી બહુ ફરક પડવાનો નથી કેમ કે ધનખડ શોભાના ગાંઠિયાથી વધારે કંઈ નહોતા. ધનખડના જવાનો વસવસો એટલે પણ કરવા જેવો નથી કે ધનખડ ઉપરાષ્ટ્રપતિપદના હોદ્દાનું ગૌરવ જળવાય એ રીતે નહોતા વર્ત્યા. ધનખડની ઉપરાષ્ટ્રપતિપદ માટે પસંદગી થઈ એ પહેલાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.

ધનખડે બંગાળના રાજ્યપાલ તરીકે તેમણે કેન્દ્ર સરકારના ઈશારે મમતા બેનરજીની કનડગત કરવામાં કોઈ કસર નહોતી છોડી. મમતા બેનરજી મુસ્લિમો પર ઓળઘોળ હોવાનો આડકતરો આક્ષેપ કરતાં ધનખડે કહેલું કે, મમતા સરકાર ફક્ત એક ચોક્કસ વર્ગને જ મદદ કરે છે જ્યારે દેશનું બંધારણ બધા સાથે સમાન વર્તનની વાત કરે છે એ જોતાં મમતા સરકાર બંધારણની વિરુદ્ધ વર્તી રહી છે.

ધનખડે જાન્યુઆરી 2022માં, બંગાળને લોકશાહીની ગેસ ચેમ્બર ગણાવી હતી. ધનખડ બંગાળ સરકારના વહીવટમાં દખલ કરતા, વિધાનસભાએ પસાર કરેલાં બિલોને પણ રોકી રાખતા હતા. રાજ્યપાલ તરીકનું ગૌરવ જાળવવાના બદલે ધનખડ કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે જ વર્ત્યા કરતા હતા ને આ જ લાયકાતના કારણે તેમને ઉપરાષ્ટ્રપતિપદે પસંદ કરાયા હતા.

ઉપરાષ્ટ્રપતિપદે બેઠા પછી ધનખડ ઠાવકા અને ગૌરવપૂર્ણ બનશે એવી અપેક્ષા હતી પણ તેના બદલે એ બંગાળના રાજ્યપાલ તરીકે વર્તતા હતા એ રીતે જ વર્તતા રહ્યા. ભાજપ સરકારની ચાપલૂસી કરવા માટે ધનખડ ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ પણ બેફામ નિવેદનો કરવા માંડેલા. સુપ્રીમ કોર્ટ મનમાની કરે છે અને બંધારણની ’કલમ 142’ પરમાણુ મિસાઇલ બની ગઈ છે તેથી લોકશાહી સામે ખતરો છે એવા તેમના દાવાએ હલચલ મચાવી દીધી. ધનખડે કોલેજીયમ સિસ્ટમ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. ધનખડે સુપ્રીમ કોર્ટ સુપર પાર્લામેન્ટ તરીકે વર્તીને પોતાની મર્યાદા ઓળંગી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ધનખડનાં રાજકીય નિવેદનોનાં કારણે ભારે વિવાદો થયા હતા. ધનખડ મોદી સરકારની ચાપલૂસી માટે ન્યાયતંત્રને બિનજરૂરી વિવાદોમાં ઢસડી રહ્યા હોવાના આક્ષેપો થયા હતા પણ તેનાથી ડગ્યા વિના ધનખડે બેફામ નિવેદનો કરતાં જ રહ્યા હતા. ભાજપની ચાપલૂસીમાં ધનખડ એ હદે લિપ્ત થઈ ગયેલા કે, ઘણા તો તેમને ભાવિ રાષ્ટ્રપતિ માનવા માંડેલા. આ કારણે જ હવે અચાનક તેમને વૈરાગ્ય આવી ગયો ને આરોગ્યની ચિંતા થઈ આવી એ વાત લોકોના ગળે ઉતરતી નથી પણ શું થાય ?

પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ભાજપ સરકારે ભ્રષ્ટાચારી રોબર્ટને 11 વર્ષમાં કશું ના કર્યું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button