એકસ્ટ્રા અફેરઃ બાબરના નામે મસ્જિદોના વાવરને પોષવા જેવો નથી

ભરત ભારદ્વાજ
તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણનો પાયો નાખ્યો તેના કારણે ઊભું થયેલું કમઠાણ શાંત પડ્યું નથી ત્યાં હવે હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલ અને વેલ્ફેર ઇન્સ્ટિટ્યૂશન બનાવવાનું એલાન થયું છે. હૈદરાબાદમાં તહરીક મુસ્લિમ શબ્બન નામની સંસ્થા કામ કરે છે કે જેના વિશે અત્યાર લગી કોઈએ કશું સાંભળ્યું નહોતું. મુશ્તાક મલિક આ સંસ્થાના પ્રમુખ છે ને મલિક કઈ વાડીનો મૂળો છે એ પણ કોઈને ખબર નથી.
અચાનક ફૂટી નિકળેલા આ મુશ્તાક મલિકે બાબરી ધ્વંશની વરસીએ એલાન કરી દીધું કે, ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલ અને વેલ્ફેર ઇન્સ્ટિટ્યૂશન બનાવવામાં આવશે અને આવતા વરસે બાબરી ધ્વંશની વરસી આવે ત્યાં સુધીમાં તો બધું ફાઈનલ થઈ જશે. 6 ડિસેમ્બર, 1992ના રોજ હિંદુવાદી સંગઠનોની કારસેવા દરમિયાન બાબરી મસ્જિદનો ધ્વંસ કરી દેવાયો હતો.
શનિવારે મસ્જિદ તોડી પાડવામાં આવ્યાની 33મી વરસીએ મોટા ભાગના મુસ્લિમ આગેવાનો અને સંગઠનો શાણપણ વાપરીને ચૂપ રહ્યાં ને કોઈ કાર્યક્રમ ના આપ્યા પણ જેમને કોમવાદ ફેલાવીને મુસ્લિમોના ઠેકેદાર બનીને રાજકીય રોટલો શેકવામાં રસ છે એવા કેટલાક મુસ્લિમ આગેવાનોએ બાબરી ધ્વંસનો ખરખરો કર્યો ને મુશ્તાક મલિક તેમાંથી એક છે.
હુમાયુ કબીરમાંથી પ્રેરણા લઈને પોતાને હૈદરાબાદમાં બાબરી મસ્જિદનું સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હોવાનું ના લાગે એટલા માટે મુશ્તાક મલિકે દાવો કર્યો છે કે, પોતે છેક 2019થી હૈદરાબાદમાં બાબરી મસ્જિદનું સ્મારક બનાવવાની વાત કરે છે અને આ સ્મારક કેવી રીતે અને કેટલા સમયમાં બનાવવામાં આવશે તેની જાહેરાત અમે ટૂંક સમયમાં કરીશું.
મુશ્તાક મલિકે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નખાયો એ કાર્યક્રમનો ઉલ્લેખ કરીને વખાણ પણ કર્યાં. બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે અયોધ્યાની બાબરી મસ્જિદ જેવી જ મસ્જિદનો પાયો નાંખ્યો એ કાર્યક્રમમાં 2 લાખથી વધુ લોકોની ભીડ ઉમટી હતી. બંગાળના અલગ-અલગ જિલ્લાઓમાંથી લોકો ઈંટો લઈને આવ્યા હતા ને તેનો ઉપયોગ પાયો નાખવા માટે કરાયો. ઘણા મુસ્લિમો પોતાના માથા પર ઈંટો લઈને આવેલા તો ઘણા ટ્રેક્ટર-ટ્રોલી, રિક્ષા કે વાનમાં ઈંટો લઈને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. મલિકનું કહેવું છે કે, મુસ્લિમો સો-સો કિલોમીટર ચાલીને પહોંચ્યા એ જોઈને ગર્વ થાય છે.
મલિકે દાવો કર્યો કે, બાબરી મસ્જિદ રામમંદિર તોડીને બનાવાઈ હતી તેના કોઈ પુરાવા નથી કેમ કે બાબરના અવસાનના 60 વર્ષ પછી રામચરિત માનસ લખનારા સંત તુલસીદાસે તેમના ગ્રંથમાં અયોધ્યામાં રામમંદિર તોડાયું હોવાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. મલિકે એકદમ હાસ્યાસ્પદ વાત એ કરી કે, બાબરી મસ્જિદ નામ મોગલ આક્રમણખોર બાબરના નામ પરથી પડ્યું એમ માનવાને કોઈ કારણ નથી કેમ કે બાબરી મસ્જિદ બાંધવા માટે બાબરે નાણાં આપેલો એવો કોઈ ઉલ્લેખ નથી.
બાબર પછી હુમાયુનું રાજ આવ્યું અને પછી અકબર શહેનશાહ બનેલો. અકબરના મહેલમાં હિંદુ રીતિ-રિવાજો પળાતા હતા અને પ્રાર્થનાઓ પણ થતી હતી. જોધાબાઈ અકબરના મહેલમાં રહેતાં હતાં પ્રાર્થનાઓ અને હવન થતા હતા. અકબરના શાસનકાળમાં તુલસીદાસ જીવંત હતા અને તુલસીદાસ અકબર સાથે વાત કરી શકતા હતા. માનસિંહ અકબરના સેનાપતિ હતા અને તુલસીદાસ આ વિશે તેમને પણ પૂછી શક્યા હોત પણ તુલસીદાસની રામાયણમાં આવી કોઈ વાત આવતી નથી કે બાબરે રામમંદિર તોડ્યાનો ઉલ્લેખ નથી તેથી બાબરે મંદિર તોડ્યું એ વાતને માની ના શકાય.
મલિકનું તો એવું પણ કહ્યું કે, અયોધ્યાના બાબર નામના કોઈ સ્થાનિક વ્યક્તિએ મસ્જિદ બનાવવા નાણાં આપ્યાં હોય ને તેના નામ પરથી બાબરી મસ્જિદ નામ અપાયું હોય એ શક્ય છે.
મલિકે એવો દાવો પણ કર્યો કે, બાબરી મસ્જિદ રામમંદિર તોડીને બનાવાઈ હતી એ રાજકીય કુપ્રચાર સિવાય કંઈ નથી અને ભાજપ-આરએસએસ પોતાના ફાયદા માટે આ કુપ્રચાર ચલાવે છે. આ દેશને વિભાજિત કરવા માટેનો રાજકીય પ્રોપેગેન્ડા છે અને તેના કારણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અને દલિતો વચ્ચેનો ભાઈચારો તૂટી ગયો છે અને નફરતના બીજ વાવવામાં આવ્યા છે.
મલિકની બધી વાતો માંડવી શક્ય નથી પણ તેમણે બાબરનો બચાવ કર્યો છે એ આઘાતજનક છે. બાબરના શાસનમાં રામ જન્મભૂમિ મંદિર તોડાયું હોવાના ઘણા પુરાવા મળે છે અને ઘણાં લખાણોમાં તેનો ઉલ્લેખ છે. ઈતિહાસકારોએ બાબરે રામમંદિર તોડ્યું તેનો ઉલ્લેખ કર્યો છે અને આ ઈતિહાસકારો હિંદુ નહીં મુસ્લિમ હતા. 1525માં બાબરે ભારત પર આક્રમણ કર્યું અને 1526માં દિલ્હીની ગાદી કબજે કરી. 1528માં તેના એક સેનાપતિ મીર બકીએ અયોધ્યા પર હુમલો કર્યો ત્યારે રામજન્મભૂમિ મંદિર તોડી મસ્જિદ બનાવી તેવું કહેવાય છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારત-રશિયા ગાઢ દોસ્તીનો પાયો નહેરુએ નાખેલો
મીર બકીએ રામજન્મભૂમિ મંદિર કેમ તોડ્યું તે વિશે મૌલવી અબ્દુલ કરીમે પર્શિયનમાં લખેલી બુકમાં લખ્યું છે. આ લખાણ પ્રમાણે, બાબર કલંદર નામના સૂફી સંતનો વેશ ધારણ કરીને અયોધ્યા આવેલો. બાબર શાહ જલાલ તથા સૈયદ મુસા આશિકાન નામના સૂફી સંતોને મળ્યો હતો. તેમણે બાબરને ભારત પર આક્રમણમાં મદદ કરવાની ખાતરી આપી પણ બદલામાં રામ જન્મભૂમિ મંદિર તોડવાની શરત રાખી હતી.
બાબરે એ શરત માન્ય રાખી હતી તેથી મોગલ સલ્તનતની સ્થાપના કરી પછી મીર બકીને મોકલીને રામમંદિર તોડાવીને તેના સ્થાને મસ્જિદ બનાવડાવીને પોતાનું વચન પાળ્યું હતું. મૌલવી અબ્દુલ કરીમના પૌત્ર મૌલવી ગફ્ફારે પર્શિયન બુકનો ઉર્દૂમાં અનુવાદ કર્યો તેમાં આ બધી વિગતો છે. 1932માં છપાયેલી મૂળ બુકમાં બહુ વિસ્તૃત રીતે આ લખાયેલું છે ને આ પુસ્તક અયોધ્યાના લાલા સીતારામ પાસે સચવાયેલું છે. મુશ્તાક મલિક સહિતના નમૂનાઓએ આ ઈતિહાસ વાંચવાની જરૂર છે.
મુશ્તાક મલિક રામચરિતમાનસનો હવાલો આપે છે એ પણ હાસ્યાસ્પદ છે. રામચરિત માનસ ભગવાન રામનું અવધી ભાષામા કહેવાયેલું જીવનચરિત્ર છે, ઈતિહાસનું પુસ્તક નથી તેથી તેમાં અયોધ્યાનું રામમંદિર તોડી પાડ્યાનો ઉલ્લેખ ના હોય તેના કારણે બાબરે રામમંદિર નહોતું તોડ્યું એવું ના કહેવાય. અકબર હિંદુ ધર્મને માન આપતો તેના કારણે તેનો દાદો પણ માન આપતો એ વાત પણ હમ્બગ જ કહેવાય.
ખેર, આ બધી વાતોને કાને ધરવા જેવી નથી કે મહત્ત્વ આપવા જેવી નથી પણ બાબરી મસ્જિદનો જે વાવર શરૂ થયો છે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ દેશમાં મંદિર બનાવી શકાય છે, ગુરદ્વારા બનાવી શકાય છે, ચર્ચ બનાવી શકાય છે ને મસ્જિદ પણ બનાવી શકાય છે તેથી હુમાયુ કબીર કે મુશ્તાક મલિક મસ્જિદ બનાવે એ ગેરકાયદેસર નથી ને ખોટું પણ નથી પણ બાબરના નામે આ ખેલ કરાઈ રહ્યા છે એ ખોટું છે.
બાબરી મસ્જિદ જેવા ભૂલાઈ ગયેલા પ્રકરણને ફરી ઉખેળીને મુસ્લિમોમાં ઉશ્કેરાટ પેદા કરવાના કારસા થઈ રહ્યા છે એ ખતરનાક છે. આ કારસાઓને મુસ્લિમોએ નિષ્ફળ બનાવવા જોઈએ કેમ કે તેના કારણે કબીર કે મલિકને ફાયદો થઈ શકે પણ મુસ્લિમોને ફાયદો નથી થવાનો. ઊલટાનું સમાજમાં વૈમનસ્ય વધશે ને ઝેર વધશે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ઈન્ડિગોનો ભવાડો, પેસેન્જર્સ લૂંટાઈ ગયા પછી સરકાર જાગી



