એકસ્ટ્રા અફેર : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ લાંબું ચાલે તો હાલત બગડી જાય

-ભરત ભારદ્વાજ
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પત્યું નથી ત્યાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જંગનો નવો મોરચો ખૂલી ગયો છે. શુક્રવારે સવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને અન્ય લશ્કરી ઠેકાણાઓ પર હલ્લાબોલ કરીને આર્મી ચીફ સહિતના બે ટોચના ઈરાની લશ્કરી અધિકારીઓ અને બે પરમાણુ વૈજ્ઞાનિકોને પતાવી દીધા એ સાથે જ ભડકો થઈ ગયો છે.
ઇઝરાયલનો દાવો છે કે ઇરાન ગુપ્ત રીતે પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે અને પાસે થોડા જ દિવસોમાં 15 પરમાણુ બોમ્બ બનાવી શકાય તેટલી સામગ્રી છે. ઈરાન પરમાણુ હુમલો કરીને ઈઝરાયલને નેસ્તનાબૂદ કરી નાખવા માગે છે તેથી ઈરાનને હુમલો કરતું રોકવા માટે આક્રમણ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
ઈરાને ઈઝરાયલની વાતને બકવાસ ગણાવી છે પણ પોતાના પર થયેલા હુમલા પછી શાંત નહીં રહેવાય એવો હુંકાર કરીને વળતો હુમલો કરીને ઈઝરાયલ પર મિસાઈલ છોડવા માંડ્યાં છે. ઈરાન અને ઈઝરાયલના સામસામા હુમલામાં બંને દેશોમાં તબાહી મચી છે અને બંને દેશોના નાગરિકો મરી રહ્યા છે. છેલ્લા ત્રણેક દિવસથી ચાલતા જંગમાં બંને દેશોના 300 જેટલાં લોકો ઢબી ગયાં છે. બંને દેશો રોકાવાનું નામ નથી લેતાં એ જોતાં આ તબાહી ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે.
ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે આખી દુનિયા તણાવમાં છે ત્યારે અમેરિકા તમાશો જોઈ રહ્યું છે અને વચ્ચે ડબકાં મૂક્યાં કરે છે. અમેરિકાએ પોતાને ઈઝરાયલે ઈરાન પર કરેલા આક્રમણ સાથે નાહવા નિચોવવાનો સંબંધ નહીં હોવાનો દાવો કર્યો છે પણ સાથે સાથે ઈરાન અમેરિકા પર હુમલો કરે તો તેને પતાવી દેવાની ધમકી પણ આપી છે.
અમેરિકાના પોતાને યુદ્ધ સાથે કંઈ લેવાદેવા નહીં હોવાના દાવામાં દમ નથી એ કહેવાની જરૂર નથી. ઈઝરાયલ અમેરિકાનું નજીકનું સાથી છે અને અમેરિકાની મરજી વિના ઈરાન પર આટલો મોટો હુમલો કરે એ વાતમાં માલ નથી. વાસ્તવમાં ઈઝરાયલના હુમલા પાછળ અમેરિકાનો જ હાથ છે કેમ કે અમેરિકાને ઈરાનના પરમાણુ કાર્યક્રમને રફેદફે કરી નાખવામાં રસ છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલ છે. અમેરિકાએ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બંધ કરાવવા બહુ ઉધામા કર્યા પણ ઈરાન ગાંઠતું નથી અને ખાનગીમાં પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. અમેરિકાએ પણ ઈરાનના ભીંસમાં મૂકવા જાત જાતના પ્રતિબંધો મુકાવ્યા છે.
બરાક ઓબામાએ ઈરાન સાથે સમજૂતી કરીને પ્રતિબંધો હટાવડાવ્યા હતા. બદલામાં ઈરાને પોતાનાં પરમાણુ સંશોધન સેન્ટરોના નીરિક્ષણની મંજૂરી આપી હતી. 2016માં ડોનલ્ડ ટ્રમ્પે પ્રમુખ બનતાં જ ઈરાન પર અવિશ્વાસ કરીને પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો હોવાનું દોષારોપણ શરૂ કરી દીધું હતું. ટ્રમ્પે આ રીતે ધીરે ધીરે તખ્તો ઘડીને છેવટે 2018માં પાછા પ્રતિબંધો મૂકી દીધા હતા.
ટ્રમ્પે ઈરાન પર પ્રતિબંધો મૂકવા માટે અમેરિકાના ગુપ્તચર તંત્રના રીપોર્ટનો હવાલો આપેલો, આ રીપોર્ટ પ્રમાણે, ઈરાન પોતાનો પરમાણુ કાર્યકમ ધમધોકાર ચલાવે જ છે અને પરમાણુ શસ્ત્રો બનાવવાની નજીક પહોંચી ગયું છે. યુરેનિયન એનરિચમેન્ટ એટલે કે શુદ્ધિકરણ પરમાણુ શસ્ત્રો બનાવવા માટે અનિવાર્ય છે. પરમાણુ બોમ્બ બનાવવા યુરેનિયમનું 90 ટકા એનરિચમેન્ટ કરવું પડે. ઈરાને જંગી પ્રમાણમાં યુરેનિયમ ભેગું કરીને 60 ટકા એનરિચમેન્ટના સ્તર સુધી પહોંચી ગયું છે તેથી ગમે ત્યારે ન્યુક્લિયર બોમ્બ તૈયાર કરી નાખશે. ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો આવી જાય તો અમેરિકાને જરાય ના ગાંઠે તેથી દુશ્મનને ઉગતો જ ડામવા ટ્રમ્પ ઈઝરાયલનો ઉપયોગ કરી રહ્યા છે.
અમેરિકા સીધી રીતે ઈરાનનાં પરમાણુ મથકો પર હુમલો કરવા નથી માગતું કેમ કે ઈરાન વળતો હુમલો કરે તો અમેરિકામાં ખાનાખરાબી થાય એટલે ટ્રમ્પે ઈઝરાયલને સોપારી આપી છે.
ઈઝરાયલે ઈરાન પર ધડબડાટી બોલાવીને ઈરાનનાં પરમાણુ મથક સાફ કરી કરવા માંડયું છે તેથી યુદ્ધ ભલે ઈઝરાયલ લડી રહ્યું હોય પણ ઉદ્દેશ અમેરિકાનો પાર પડી રહ્યો છે.
અમેરિકા પોતાનું વર્ચસ્વ જાળવવા દુનિયાને નવા યુદ્ધમાં ધકેલી રહ્યું છે ને તેની ખરાબ અસર ભારત સહિતના દેશો પર તો પડશે જ પણ યુદ્ધ લાંબું ચાલશે તો મિડલ ઈસ્ટ તો સાવ તબાહ થઈ જશે. મધ્ય પૂર્વ એશિયા એટલે કે મિડલ ઈસ્ટની કુલ વસતી 50 કરોડની આસપાસ છે. આ વિસ્તારમાં એક તરફ યમન અને ગાઝા જેવા દુનિયાના સૌથી ગરીબ દેશો છે તો બીજી તરફ પેટ્રો ડોલરના કારણે ઘિંગા બનેલા અતિ સમૃધ્ધ દેશો પણ છે.
મિડલ ઈસ્ટમાં સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, યુએઈ, બહરીન, ઈઝરાયલ વગેરે દુનિયાના અતિ ધનિક દેશો છે. કતાર, યુએઈ, સાઉદી અરેબિયા, બહરીન, ઈઝરાયલમાં માથાદીઠ આવક 50 હજાર ડોલરથી વધારે છે ને તેના પરથી જ તેની સમૃદ્ધિનો ખ્યાલ આવે. કતારમાં તો માથાદીઠ આવક 1.25 લાખ ડોલર (લગભગ 1.10 કરોડ રૂપિયા) છે. મતલબ કે, વ્યક્તિદીઠ માસિક સરેરાશ આવક 9 લાખ રૂપિયા છે.
મિડલ ઈસ્ટ વિશ્વમાં ક્રૂડ ઓઈલના સપ્લાયમાં કેન્દ્રસ્થાને હોવાથી આ વિસ્તારમાં જરાય અસ્થિરતા સર્જાય કે તરત ક્રુડ ઓઈલના ભાવ ભડકે બળવા માંડે. અશાંતિ અને અરાજકતાના કારણે ક્રૂડ ઓઈલની સપ્લાય પણ અવરોધાય તેથી આખી દુનિયાના અર્થતંત્ર પર અસર પડે. મિડલ ઈસ્ટમાં અત્યારે અરાજકતાની સ્થિતિ છે જ કેમ કે મિડલ ઈસ્ટના કુલ 16 દેશમાંથી ઈઝરાયલ, ઈરાન, ઈરાક, સીરિયા, યમન, લેબેનોન અને પેલેસ્ટાઈન એમ 7 દેશ યુદ્ધગ્રસ્ત છે. સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન, જોર્ડન, બહરીન, તુર્કી, ઈજીપ્ત અને સાયપ્રસ એ દેશો યુદ્ધથી અલિપ્ત છે પણ ઈરાન અને ઈઝરાયલલ યુદ્ધ લાંબું થાય તો ત્યાં પણ અસર થાય જ છે. ઈજીપ્ત, સાયપ્રસ અને તુર્કી કદાચ બચી જાય પણ બાકીના દેશોમાં યુદ્ધની અસર થશે ને તબાહી પણ થશે.
દુનિયાના બધા દેશોમાં ટ્રાન્સપોર્ટેશન હજુય પેટ્રોલ-ડીઝલ આધારિત હોવાથી ચીજોના ભાવ આસમાને પહોંચે ને સામાન્ય લોકોનો મરો થઈ જાય. ઈરાન અને ઈઝરાયલ બંને સમૃદ્ધ દેશો છે ને આ બે આખલાની લડાઈમાં ગરીબ દેશોનો ખો નિકળી જાય. આ સંજોગોમાં ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ કોઈ પણ સંજોગોમાં રોકાય એ દુનિયાના હિતમાં છે. અમેરિકાને દુનિયાની કંઈ પડી નથી પણ પોતાના સ્વાર્થની પડી છે તેથી દુનિયા આખીને તબાહી તરફ ધકેલી રહ્યું છે.
આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના તુક્કાએ ભારત માટે તક ઊભી કરી દીધી