એકસ્ટ્રા અફેરઃ અમેરિકા વેનેઝુએલાની જેમ ઈરાન પર પણ હલ્લાબોલ કરી શકે…

ભરત ભારદ્વાજ
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલે છે અને યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે પણ ખુલ્લેઆમ યુદ્ધ થતું નથી. અમેરિકાના ઈશારે ઈઝરાયલ ઈરાન પર હુમલા કર્યા કરે છે પણ અમેરિકા સીધા હુમલા કરતું નથી. અમેરિકાએ મિડલ ઈસ્ટમાં પોતાનું લશ્કર ઉતારી દીધું છે. અરબી સાગર અને રેડ સીમાં ફાઈટર જેટ સાથેનું વિમાનવાહક જહાજ ઞજજ અબ્રાહમ લિંકન, ઞજજ થિયોડોર રૂઝવેલ્ટ અને અનેક મિસાઈલોને તોડી પાડતાં યુદ્ધ જહાજો તૈનાત કર દીધાં છે.
આ ઉપરાંત પોતાના સાથી એવા કતાર, બહેરીન, સાઉદી અરેબિયા, ઇરાક અને જોર્ડનના લશ્કરી મથકો પર યુએસ એરફોર્સનાં પ્લેન તૈનાત કરી દેવાયાં છે. અમેરિકા અત્યારે તો ઇરાનનાં પરમાણુ મથકો. લશ્કરી મથકો અને કમાન્ડ સેન્ટરો પર સમુદ્ર અને આકાશ બંનેથી હુમલો કરવાની સ્થિતિમાં હોવા છતાં સીધો હુમલો કરતું નથી ને હવે અમેરિકા અચાનક હરકતમાં આવી ગયું છે.
હવે અમેરિકાએ ઈરાનમાં રહેતા તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની ચેતવણી આપતાં અમેરિકાએ પોતે ઈરાન પર હલ્લાબોલ કરવાની તૈયારી કરી દીધી હોવાનું મનાય છે. અમેરિકન દૂતાવાસે ઈરાનમાં અમેરિકનો જરાય સલામત નથી એ કારણ આપ્યું છે પણ વૈશ્વિક બાબતોના નિષ્ણાતોના મતે, ડોનલ્ડ ટ્રમ્પ વેનેઝુએલામાં મળેલી સફળતાના કારણે ઈરાનમાં પણ એ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને ક્રૂડ ઓઈલના ભંડાર પર કબજો કરવાની ફિરાકમાં છે.
અમેરિકાએ તેની ચેતવણીમાં કહ્યું છે કે, ઇન્ટરનેટ બ્લેકઆઉટ ચાલુ રહેવાની સંભાવના છે તેથી પરિવાર અને મિત્રો સાથે સંપર્ક માટે અન્ય રીતો પણ વિચારી રાખો. ઈન્ટરનેટ બ્લેકઆઉટ મોટા ભાગે યુદ્ધની સ્થિતિમાં જ લાંબો સમય રહે તેથી અમેરિકાએ આડકતરી રીતે ઈરાન પર હુમલાની તૈયારી કરી દીધાનું અર્થઘટન કરાઈ રહ્યું છે.
વેનેઝુએલામાં નિકોલસ માદુરો બહુ બળુકા નહોતા તેથી ટ્રમ્પે તાત્કાલિક હુમલો કરી દીધેલો જ્યારે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોવાની આશંકાના કારણે ટ્રમ્પ ખચકાતા હતા. અમેરિકન ઈન્ટેલિજન્સે ટ્રમ્પને ઈરાનનાં પરમાણુ શસ્ત્રોથી ગભરાવાની જરૂર નથી એવી બાંહેધરી આપી એટલે ટ્રમ્પની હિંમત ખૂલી ગઈ છે અને ટ્રમ્પ આરપારની લડાઈ લડીને ઈરાનના ક્રૂડ ઓઈલના ભંડાર પર કબજો કરવા થનગની રહ્યા છે. તેના ભાગરૂપે અમેરકિનોને ઈરાનથી નીકળવા કહી દેવાયું છે એવું કહેવાય છે.
અમેરિકા સત્તાવાર રીતે આ વાત માનવા તૈયાર નથી તેથી સુરક્ષાનું બહાનું કાઢ્યું છે. અમેરિકી દૂતાવાસે અમેરિકન નાગરિકોને અપીલ કરી છે કે, ઈરાનમાં સુરક્ષાની સ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ છે તેથી શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડી દો. અમેરિકાની સરકારે તો જે અમેરિકન નાગરિકો પાસે માન્ય અમેરિકી પાસપોર્ટ નથી તેમને ઈરાન છોડ્યા પછી નજીકના અમેરિકી દૂતાવાસમાંથી પાસપોર્ટ બનાવવાની સલાહ પણ આપી છે. આ સલાહનો મતલબ એ થયો કે, અમેરિકન નાગરિકોએ ઈરાનમાંથી બહાર નીકળવા માટે હવાઈ મુસાફરી પર જ નિર્ભર રહેવાની જરૂર નથી પણ જે રસ્તે નીકળાય એ રસ્તે બહાર નીકળો. અમેરિકા પોતાના નાગરિકોને ભાગ્યે જ આવી સલાહ આપે છે.
સામાન્ય રીતે દુનિયામાં ક્યાંય પણ અમેરિકાના નાગરિકો ફસાય તો અમેરિકાની સરકાર પોતે ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે કૂદી પડતી હોય છે પણ ઈરાનના કિસ્સામાં અમેરિકાની સરકારે પણ હાથ અધ્ધર કરી દીધા છે. અમેરિકન એમ્બેસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકન નાગરિકોએ સરકારના ભરોસે બેસી રહેવાના બદલે પોતાની મેળે જ ઈરાનમાંથી બહાર નીકળવું પડશે કેમ કે ઈરાનમાં એ હદે અંધાધૂંધી અને અશાંતિ છે કે, અમેરિકન સરકારના હાથ પણ બંધાયેલા છે. અમેરિકાએ એવી સલાહ પણ આપી છે કે, તાત્કાલિક નીકળવું શક્ય ન હોય તો સુરક્ષિત જગ્યાએ રહીને ખોરાક, પાણી, દવાઓ અને જરૂરી સામાનનો સ્ટોક રાખો. ઇન્ટરનેટ બ્લેકઆઉટ ચાલુ રહેવાની સંભાવના છે તેથી પરિવાર અને મિત્રો સાથે સંપર્ક માટે અન્ય રીતો પણ વિચારી રાખો.
અમેરિકાની સરકારની એ વાત ખોટી નથી કે ઈરાનમાં ખતરો વધ્યો છે પણ આ ખતરો લાંબા સમયથી છે જ. ઈરાનમાં લાંબા સમયથી સરકાર વિરોધી આંદોલન ચાલે છે. તેના કારણે રસ્તાઓ બંધ છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે જાહેર પરિવહન ઠપ્પ છે, ઇન્ટરનેટ અને મોબાઇલ-લેન્ડલાઇન સેવાઓ વારંવાર ખોરવાઈ રહી છે. મોટા ભાગની એરલાઇન્સે ઈરાન આવતી-જતી ફ્લાઇટ્સને મર્યાદિત અથવા રદ કરી દીધી છે તેથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
ઈરાનમાં અત્યારે દેખાવકારો અને સરકાર સામસામે આવી ગયા છે. ખામેનીએ પોતાની સામેનો બળવો સત્તાપલટામાં ના ફેરવાય એટલા માટે આર્મી અને પોલીસને દેખાવોને કચડી નાખવા અને દેખાવકારોને પતાવી દેવા સૂચના આપી છે તેથી ક્યારે ક્યાં ગોળી વાગી જાય એ નક્કી નહીં. આ સંજોગોમાં અમેરિકન એમ્બેસીના અધિકારીઓ ફસાયેલા અમેરિકનોને બચાવવા માટે નીકળે તો તેમની પણ ટિકિટ કપાઈ જાય.
ઈરાનના સત્તાવાળા માને છે કે, ઈરાનમાં અત્યારે સળગેલી હોળી અમેરિકાએ સળગાવી છે. અમેરિકાના ઈશારે દેખાવકારો કૂદી રહ્યા છે તેથી પોલીસ અને આર્મીને અમેરિકા સામે વધારે પ્રેમભાવ છે તેથી અમેરિકન નાગરિકો અમેરિકી પાસપોર્ટ બતાવે કે અમેરિકા સાથે સંબંધ બતાવે તો પણ પોલીસ કે આર્મી તેમને જેલમાં ઉઠાવીને નાખી દે એવો ખતરો છે. ઈરાનમાં અંદરના ભાગમાં કોઈ અમેરિકનને જેલભેગો કરી દેવાય તો પછી તેનો કોઈ અતોપતો જ ના રહે કેમ કે મીડિયા કે સોશ્યલ મીડિયા ત્યાં સુધી પહોંચી શકતું નથી. આ સ્થિતિ તો બહુ મહિનાઓથી છે તેથી અમેરિકાને હવે અચાનક પોતાના નાગરિકોની ચિંતા થઈ એ વાત ગળે ઊતરે એવી નથી.
અમેરિકાનો ઈરાનના ક્રૂડ ભંડારો પર વરસોથી ડોળો છે. ઈરાન વિશ્વમાં સૌથી મોટા ક્રૂડ ભંડારો ધરાવતા દેશોમાંથી એક છે પણ શિયા ધર્મગુરુઓનો કબજો હોવાથી અમેરિકા ઈરાનમાં ઘૂસી શકતું નથી. અમેરિકા સાઉદી અરેબિયા સહિતના કટ્ટરવાદી સુન્ની મુસ્લિમ દેશેનો પંપાળે છે તેના કારણે પણ શિયાઓ અમેરિકાને દુશ્મન માને છે. આ કારણે બંનેની દુશ્મનાવટ સમય વિતે છે તેમ ગાઢ બની છે. સમય વિતતાં અમેરિકાનું વર્ચસ્વ પણ દુનિયા પર ઘટ્યું છે ને ટ્રમ્પ અમેરિકાનું વર્ચસ્વ ફરી સ્થાપિત કરવા દુનિયાભરમાં ક્રૂડના ધંધા પર કબજો કરવા હવાતિયાં મારી રહ્યા છે. તેના ભાગરૂપે પહેલાં વેનેઝુએલાને પાડી દીધું ને હવે ઈરાન પર હુમલો કરી જ શકે છે.
અમેરિકાએ ઈરાનને દબાવવા બહુ મથામણ કરી પણ ફાવ્યું નથી. અમેરિકા અને ઈરાને શુક્રવારે ઓમાનમાં વાતચીત કરવા સંમતિ દર્શાવી તેમાં પણ અમેરિકાની ઈરાનના મિસાઈલ કાર્યક્રમને વાટાઘાટોમાં સામેલ કરવાની વાત ઈરાને સ્વીકારી નથી. ઈરાન એ મુદ્દે સ્પષ્ટ છે કે, વાતચીત ફક્ત પરમાણુ મુદ્દા સુધી મર્યાદિત રહેવી જોઈએ. આ સંજોગોમાં વાટાઘાટો સફળ ના થાય ને અમેરિકા હુમલો કરી નાખે એવું બને.

