એકસ્ટ્રા અફેરઃ ઈરાનમાં બે આખલાની લડાઈમાં પ્રજાનો ખો…

ભરત ભારદ્વાજ
અમેરિકા વેનેઝુએલા પર હુમલો કરીને પ્રમુખ નિકોલસ માદુરોને અમેરિકા ઉઠાવી લાવ્યું તેની બબાલ મટી નથી ત્યાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બે આખલાની લડાઈમાં ઝાડનો સોથ નિકળે એમ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈની લડાઈમાં ઈરાનની પ્રજાનો ખો નિકળી રહ્યો છે.
ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલી રહ્યા છે અને હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. દુનિયામાં સૌથી વધારે શિયા મુસલમાનોની વસતી ધરાવતા ઈરાનમાં અયાતોલ્લા ખામેનેઈ સુપ્રીમ લીડર છે અને મુસ્લિમ કાયદાઓ પ્રમાણે શાસન ચાલે છે તેથી યંગસ્ટર્સને ગૂંગળામણ થાય છે. અમેરિકાએ મૂકેલા નિયંત્રણોના કારણે ઈરાનમાં બધી ચીજો પણ મળતી નથી. તેના કારણે મોંઘવારી વધી તેથી પણ લોકો ભડક્યાં છે. બલકે અમેરિકાએ ભડકાવ્યાં છે અને ખામેનેઈની સામે પ્રચંડ આંદોલન ઊભું કરી દીધું છે.
અમેરિકાએ કટ્ટરવાદી શિયાઓ જેમને ભગાડીને સત્તા પર આવેલા એ ઈરાનના શાહ મોહમ્મદ રેઝા પહેલવીના દીકરા રેઝા પહેલવીને પણ સક્રિય કરી દીધા છે. રેઝા પહેલવી લાંબા સમયથી ઈરાનમાં સત્તા કબજે કરવા મથે છે પણ ખામેનેઈના લોખંડી સકંજામાંથી ઈરાનને છોડાવવામાં સફળ થયા નથી. હવે તક મળતાં પહેલવી પણ પૂરી તાકાત સાથે કૂદી પડ્યા છે અને રેઝા પહેલવીના સમર્થકોએ હિંસાને ભડકાવવામાં મોટું યોગદાન આપ્યું છે.
અમેરિકા જેમને ઘરભેગા કરવા મથે છે એ ખામેનેઈ છેેલ્લાં 37 વર્ષથી ઈરાનમાં એકહથ્થુ સત્તા ભોગવે છે. તેમની સામે અનેક પડકારો ઊભા થયા, અમેરિકાએ તેમને ઘરભેગા કરવા ને પતાવી દેવા પણ જાત જાતનાં કાવતરાં કર્યાં પણ ખામેનેઈ ટકી ગયા છે. હવે થોડાક હજાર યંગસ્ટર્સ રસ્તા પર ઊતરીને દેખાવો કરે તેના કારણે પોતે સત્તા છોડવી પડે એ ખામેનેઈને પસંદ ના જ પડે તેથી ખામેનેઈએ આર્મી અને પોલીસને પૂરી તાકાતથી દેખાવો અને વિરોધને કચડી નાખવા ફરમાન કરી દીધું તેમાં ઈરાનમાં લાશો પડી રહી છે.
આર્મીના જવાનો અને પોલીસ જે સામે દેખાય તેને ગોળીએ દઈ રહ્યાં છે તેમાં અત્યાર સુધીમાં 500 જેટલાં સામાન્ય લોકોની લાશો પડી ગઈ છે. દેખાવકારો પણ હથિયારો લઈને મુકાબલો કરવા મથે છે તેથી 48 સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા છે. અલબત્ત આર્મી અને પોલીસ પાસે લોકો કરતાં વધારે જ હથિયારો હોય તેથી લોકો વધારે મરી રહ્યાં છે.
અમેરિકાને ઈરાન સાથે વરસોથી વાંધો છે અને આ વાંધાના મૂળમાં અમેરિકાનાં આર્થિક હિતો છે. ઈરાનમાં પહેલાં રાજાશાહી હતી અને શાહનું શાસન હતું. શાહ અમેરિકાના પીઠ્ઠુ હતા તેથી અમેરિકાને તેમના શાસનમાં ઘી-કેળાં થઈ ગયેલાં. શાહના શાસનમાં ઈરાનમાં અમેરિકનો પડ્યા પાથર્યા રહેતા હતા. તેની સામે અસંતોષ ઊભો થયો ને ક્રાંતિ થઈ પછી શિયા કટ્ટરવાદીઓનું શાસન આવ્યું તેમાં અમેરિકાનો ગરાસ લૂંટાઈ ગયો.
ઈરાનના સુપ્રીમ લીડર બનેલા ખોમેનીએ અમેરિકાની કંપનીઓને લાત મારીને તગેડી મૂકી પછી અમેરિકાએ ખોમેનીને તગેડવા સદ્દામ હુસૈનને ઊભા કરીને ઈરાન-ઈરાક યુદ્ધ કરાવ્યું પણ ઈરાન ટકી ગયું કેમ કે ઈરાન પાસે ક્રૂડ ઓઈલની જંગી કમાણી છે. ખોમેની પછી આવેલા ખામેનેઈ વધારે ખતરનાક નિકળ્યા તેમાં અમેરિકા લાખ ધમપછાડા પછી પણ ઈરાનનો લૂંટાયેલો ગરાસ પાછો નથી મેળવી શક્યું તેથી છાસવારે લોકોને ભડકાવવાના કારસા કરે છે. અત્યારે ફાટી નીકળેલી હિંસા તેનું જ નવું પ્રકરણ છે.
અમેરિકા ધમકીઓ આપ્યા કરે છે પણ વેનેઝુએલાની જેમ ઈરાન પર આક્રમણ કરી દેતું નથી તેનું કારણ પરમાણુ શસ્ત્રોનો ડર છે. ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને ગુપ્ત રાખવામાં સફળ રહ્યું છે પણ અમેરિકા હુમલો કરે તો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી નાખે એવી અમેરિકાને આશંકા છે. ઈરાન સત્તાવાર રીતે પરમાણુ શસ્ત્રો વિકસાવ્યાં હોવાનો ઈનકાર કરે છે પણ અમેરિકાને લાગે છે કે, ઈરાને બહુ પહેલાંથી પરમાણુ શસ્ત્રો વિકસાવી લીધાં છે. ઈરાને 1990ના દાયકામાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના પિતામહ મનાતા ડૉ. અબ્દુલ કાદિરની મદદથી પરમાણુ શસ્ત્રો વિકસાવી લીધાં હોવાનું કહેવાય છે.
અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે બહુ ધમપછાડા કરી જોયા પણ ઈરાનને રોકી શક્યું નથી. ઈરાનના પરમાણુ મથકોની વારંવાર તપાસથી માંડીને આર્થિક પ્રતિબંધો સુધીના બધા દાવ અમેરિકાએ અજમાવી જોયા પણ ઈરાનને નાથી શક્યું નથી. ઈરાન પર જાત જાતનાં આર્થિક નિયંત્રણો અત્યારે પણ લદાયેલાં છે. ઈરાકના ક્રૂડ ઓઈલની ખરીદી કરવા પર તો સંપૂર્ણ પ્રતિબંધ છે. ભારત પહેલાં ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હતું. તેના બદલામાં ઈરાન ભારત પાસેથી ઘઉં અને બીજી ચીજો લેતું તેથી ભારત માટે ઈરાન સાથેનો ક્રૂડનો વ્યાપાર બહુ ફાયદાકારક હતો.
અમેરિકાએ ઈરાનનું નાક દબાવવા માટે ભારત સહિતના દેશો સાથેનો વ્યાપાર બંધ કરાવી દીધો છે. તે્ના કારણે ઈરાન આર્થિક ભીંસમાં આવી જશે એવું અમેરિકાને લાગતું હતું પણ એવું ના થયું અને ઈન્ટેલિજન્સ રીપોર્ટ પ્રમાણે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ખાનગીમાં ધમધોકાર ચાલી રહ્યો છે. આ કારણે જ અમેરિકા ઈઝરાયલને ચાવી મારીને ઈરાન પર નાના નાના હુમલા કરાવ્યા કરે છે પણ અમેરિકા ઈરાનને સીધું છંછેડતું નથી કે મોટો હુમલો કરતું નથી.
અમેરિકાનો ડર અકારણ પણ નથી. ઈરાનમાં કટ્ટરવાદી શિયાઓનું રાજ છે. દુનિયામાં શિયાઓનું શાસન હોય એવો ઈરાન એક માત્ર દેશ છે તેથી ઈરાનના સર્વેસર્વા ખામેનેઈ દુનિયાભરના શિયા મુસ્લિમો માટે સૌથી મોટા નેતા છે. દુનિયાભરના શિયાઓ ખામેનેઈનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હોય છે. ઈરાનમાંથી સત્તા જાય તો ખામેનેઈનો કોઈ ભાવ ના પૂછે અને દુનિયાના કોઈ અંધારિયા ખૂણામાં સબડ્યા કરવું પડે તેથી ખામેનેઈ પોતાનું સામ્રાજ્ય સાચવવા માટે કોઈપણ હદે જઈ શકે. હું તો મરું પણ તનેય રાંડ કરું એવું નક્કી કરીને અમેરિકા સામે પરમાણુ શસ્ત્રો પણ વાપરી શકે.
આ ખતરો ટાળવા અમેરિકાએ ઈરાનમાં ખામેનેઈના શાસન સામે લોકોમાં જ અસંતોષ પેદા કરીને સત્તાપલટાનો સલામત રસ્તો અપનાવ્યો છે કેમ કે તેમાં અમેરિકાએ કશું ગુમાવવાનું નથી. અમેરિકા પાસે નાણાંની કમી નથી તેથી નાણાં વેરીને પોતાના ટટ્ટુઓને રસ્તા પર ઉતારીને અરાજકતા અને અંધાધૂંધી ઊભી કરી દીધી છે. સામે ખામેનેઈ પણ સત્તા ટકાવવા માટે મરણિયા બન્યા છે તેથી પોતાની સામે પડેલાંને પતાવી દેવા પર ઉતરી આવ્યા છે. ખામેનેઈને કોઈ રોકી શકે તેમ નથી એ જોતાં હજુ કેટલાં લોકોની લાશો પડશે એ ખબર નથી ને આ લડાઈ ક્યારે પતશે એ પણ ખબર નથી.

