એકસ્ટ્રા અફેર : ભારતને ટ્રમ્પની મધ્યસ્થીની કોઈ જરૂર નથી

-ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલી લશ્કરી કાર્યવાહીના કારણે બંને દેશોમાં તણાવનો માહોલ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા મેદાનમાં આવ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ઓફર કરી છે. ડોનલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેનો વધતો સંઘર્ષ બંધ થાય એવી ઈચ્છા વ્યક્ત કરીને કહ્યું છે કે, બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે મદદ કરવા માટે પોતે તૈયાર છે. ટ્રમ્પે મધ્યસ્થીની ઓફરની સાથે સાથે એવો દાવો પણ કર્યો કે, ભારત અને પાકિસ્તાન બંને સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરી રહ્યા છે પણ હું ઇચ્છું છું કે તેઓ હવે રોકાઈ જાય. બંને દેશ એકબીજા સાથે ખરાબ વર્તન કરી ચૂક્યા છે તેથી આશા છે કે હવે લડવાનું બંધ કરે.
ટ્રમ્પની વાત બકવાસ છે કેમ કે ભારતે પાકિસ્તાન સાથે કોઈ ખરાબ વર્તન કર્યું નથી. અત્યારે ભારત જે કરી રહ્યું છે એ પોતાની સુરક્ષા માટે કરી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદીઓને મોકલીને ભારતમાં લાશો પાડ્યા કરે અને ભારત કંઈ ના કરે એ શક્ય નથી. ભારતને પાકિસ્તાન સાથેના સંબંધોમાં પણ રસ નથી ને પાકિસ્તાન દુનિયાના એક ખૂણામાં પડ્યું પડ્યું સડ્યા કરે તો પણ ભારતને કોઈ ફરક નથી પડતો પણ પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે ને ભારત કશું પણ કર્યા વિના બેસી રહે એ શક્ય નથી. ટ્રમ્પે ખરેખર તો પાકિસ્તાને આતંકવાદી હુમલો કરાવ્યો એટલે ભારતે લશ્કરી કાર્યવાહી કરવી પડી એવું કહેવું જોઈએ પણ તેના બદલે એ જુદી જ વાત કરી રહ્યા છે. પોતાની સુરક્ષા માટે કંઈ પણ કરવાનો ભારતને અધિકાર છે.
ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ખંજવાળ પહેલી વાર નથી ઉપડી. ટ્રમ્પ પહેલાં પણ આ વાત કરી ચૂક્યા છે ને ભારત તેમને ધુતકારી ચૂક્યું છે છતાં ટ્રમ્પ સુધરતા નથી. પાછા બેશરમ બનીને મધ્યસ્થીની વાત લઈને દોડી આવ્યા છે. ટ્રમ્પને દુનિયાના મોટા ભા બનવાની ખંજવાળ છે એટલે એ બધે કડછો માર્યા કરે છે પણ ભારતને કોઈ મધ્યસ્થીની જરૂર નથી. ભારત પોતાની સમસ્યાનો ઉકેલ પોતાની રીતે શોધવા સક્ષમ છે.
બીજું એ કે, ભારત અને પાકિસ્તાનના સંબંધો મંત્રણાથી સારા થાય કે કાશ્મીર મામલો ચર્ચાથી ઉકેલાય એ સમય જ પસાર થઈ ગયો છે. ત્રીજા પક્ષની કે ચોથા પક્ષની મધ્યસ્થીની વાત તો પછી આવે છે પણ પહેલાં પાકિસ્તાનનું જે વલણ છે એ જોતાં જ કાશ્મીર મામલે હવે કોઈ પણ પ્રકારની ચર્ચા કે મંત્રણાનો અર્થ નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ભારતે ટેરર નેટવર્કનો ખાતમો કરીને જંપ લેવો જોઈએ
આઝાદી સમયે જમ્મુ અને કાશ્મીરનું જોડાણ ભારત સાથે થયેલું એ હિસાબે આખું કાશ્મીર ભારતનું છે તેમાં જરાય શંકા નથી પણ આપણા શાસકોની બડફાગીરીના કારણે આપણે ત્રીજા ભાગનું કાશ્મીર ખોયું. છેલ્લાં 71 વર્ષથી આ કાશ્મીર પર પાકિસ્તાનનો કબજો છે. પાકિસ્તાને ભારતને ભિડાવવા માટે એવું તૂત ઊભું કરી દીધું કે, કાશ્મીરીઓને તો ભારત સાથે રહેવું જ નથી પણ ભારતે બળજબરીપૂર્વક તેમને પોતાની સાથે બાંધી રાખ્યા છે. કાશ્મીરમાં જનમત લેવો જોઈએ એવું વાજું પણ પાકિસ્તાન વગાડ્યા કરે છે.
ભારત પાસેથી કાશ્મીર પડાવી લેવા માટે પાકિસ્તાને ચાર વાર તો ભારત પર આક્રમણ કર્યાં. એ સિવાય પાકિસ્તાન ભારત સામે વરસોથી પરોક્ષ યુદ્ધ તો લડ્યા જ કરે છે. કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદી કેમ્પ ચલાવે છે. આ કેમ્પોમાં તૈયાર થયેલા આતંકવાદીઓને મોંઘાદાટ ને અત્યાધુનિક હથિયારો પકડાવીને કાશ્મીર મોકલે છે.
આ બધું મફતમાં થતું નથી ને પાકિસ્તાને અબજો રૂપિયાનું આંધણ કરવું પડે છે. આતંકવાદીઓ સિવાય પોતાના પીઠ્ઠુ એવા રાજકારણીઓને પણ તેણે પોષવા પડે છે ને એ બધા ધોળા હાથી પણ સસ્તામાં પડતા નથી. એ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ગાજતો રહે એ માટે પણ પાકિસ્તાને દર વર્ષે મોટું આંધણ કરવું પડે છે.
વરસો સુધી આ બધું કર્યા પછી હવે પાકિસ્તાન પીઓકેમાંથી ખસી જાય એ શક્ય નથી ને ભારત માટે તો કાશ્મીર પ્રતિષ્ઠાનો નહીં પણ આત્મગૌરવ અને દેશાભિમાનનો મુદ્દો છે. ભારત માટે કાશ્મીર એક રાજ્ય કે પ્રદેશ નથી પણ આ દેશનું ગૌરવ છે, દેશનું નાક છે. ભારતને કાશ્મીર પાછું આખું જ જોઈએ છે ને આખું કાશ્મીર ભારતને જ મળવું જોઈએ તેમાં કોઈ શંકા નથી પણ પાકિસ્તાન તેણે પચાવેલું કાશ્મીર છોડી દે ખરું ? બિલકુલ ના છોડે. આપણે પાકિસ્તાન સાથે ગમે તેટલી મંત્રણા કરીએ પણ આપણી માગણી તો એક જ રહેવાની કે, આખું કાશ્મીર અમને મળવું જોઈએ. પાકિસ્તાન એ માટે કદી તૈયાર ના થાય એ જોતાં કોઈ પણ મંત્રણાનો અર્થ નથી. બલકે લશ્કરી કાર્યવાહી અને આતંકવાદનો સફાયો જ એકમાત્ર ઉપાય છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: બાંગ્લાદેશમાં ધર્માંધતા હાવી, ભારત માટે ખતરાની નિશાની
પાકિસ્તાનમાં આતંકવાદ ફૂલ્યોફાલ્યો તેમાં અમેરિકાનું પણ મોટું યોગદાન છે. પાકિસ્તાન પહેલેથી આતંકવાદના રવાડે ચડેલું જ હતું પણ સોવિયેત રશિયાના લશ્કરને અફઘાનિસ્તાનમાંથી તગેડવા અમેરિકાએ પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરવા માંડ્યો પછી આતંકવાદ પ્રબળ બન્યો. દુનિયાભરના આતંકવાદીઓ પાકિસ્તાનમાં ઠલવાયા અને પાકિસ્તાન આતંકવાદનો વૈશ્વિક અડ્ડો બની ગયું. આ આતંકવાદીઓને અમેરિકાનાં હથિયાર મળ્યાં અને અમેરિકાએ આપેલા ડોલરમાંથી જ આતંકવાદી છાવણીઓ ઊભી થઈ. પાકિસ્તાન તો પહેલેથી ભિખારી દેશ છે. તેનું આતંકવાદી નેટવર્ક ચલાવવાનું ગજું જ નહોતું પણ અમેરિકાના કારણે તેનામાં આર્થિક સધ્ધરતા અને હિંમત બંને આવ્યાં. અત્યારે પાકિસ્તાન દુનિયામાં આતંકવાદનો સૌથી મોટો અડ્ડો બની ગયું છે.
અમેરિકાએ પોતે કરેલા આ પાપનું પ્રાયશ્ર્ચિત કરવું જોઈએ અને પાકિસ્તાનમાંથી ચાલતા આતંકવાદી નેટવર્કનો સંપૂર્ણ સફાયો કરવામાં ભારતને દિલથી મદદ કરવી જોઈએ. તેની શરૂઆત ભારતને પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું અપાવવાથી કરવી જોઈએ. પીઓકેમાં ધમધમતા આતંકવાદી અડ્ડા બંધ થાય તો આપોઆપ આતંકવાદ બંધ થઈ જાય કેમ કે પાકિસ્તાન બીજે ક્યાંય આતંકવાદી કેમ્પ ચલાવી શકે તેમ નથી. એક સમયે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ પ્રેરિત આતંકવાદી અડ્ડા ધમધમતા પણ તાલિબાને પાકિસ્તાન સામે બાંયો ચડાવી પછી પાકિસ્તાન માટે એ વિસ્તારમાં ટકવું પણ મુશ્કેલ થઈ ગયું છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી સહિતનાં સંગઠનો પણ પાકિસ્તાનની બરાબર બજાવી રહ્યાં છે તેથી પાકિસ્તાન માટે પીઓકે સિવાય બીજો કોઈ આરો જ નથી.
ટ્રમ્પ અમેરિકાનાં પાપોનું પ્રાયશ્ર્ચિત કરીને ભારતને પીઓકે પાછું અપાવે તો આતંકવાદ સાફ થઈ જાય. ટ્રમ્પે કરવું હોય તો એ કરે, બાકી મધ્યસ્થીની ભારતને જરૂર નથી.