એકસ્ટ્રા અફેરઃ ટીમ ઈન્ડિયાએ હાથ ના મિલાવ્યો તેમાં પાકિસ્તાન રઘવાયું કેમ થયું?

ભરત ભારદ્વાજ
રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાનન મેચ રમાઈ ગઈ ને ભારત સરળતાથી જીતી પણ ગયું પણ આ મેચમાં ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ ના મિલાવ્યા એ મુદ્દે નવો ડખો ઊભો થઈ ગયો છે.
પાકિસ્તાને ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાનીઓ સાથે હાથ ના મિલાવ્યા એ માટે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને નિશાન બનાવ્યા છે અને ધમકી આપી છે કે, મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપમાંથી દૂર નહીં કરાય તો અમે એશિયા કપમાંથી ખસી જઈશું.
પાકિસ્તાને સત્તાવાર રીતે આઈસીસીમાં ફરિયાદ કરેલી કે, મેચ રેફરીએ આઈસીસીની આચારસંહિતા અને ક્રિકેટની ભાવનાનું પાલન કર્યું નથી તેથી તેમને તાત્કાલિક તગેડવા જોઈએ. આ ડખામાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો પણ કૂદી પડ્યા છે અને રાબેતા મુજબ જ ક્રિકેટને રાજકારણથી દૂર રાખવું જોઈએ એવું કોરસ શરૂ કરી દીધું છે.
સામે ભારતીય ક્રિકેટરો પણ કૂદ્યા છે એટલે ધનાધની થઈ ગઈ છે. આઈસીસીએ પાકિસ્તાનની અરજીને ફગાવી દીધી છે તેથી હવે પાકિસ્તાન શું કરે છે એ જોવાનું છે પણ આ કાંડે પાકિસ્તાનીઓ કેટલા હલકા છે એ છતું કરી દીધું છે.
પાકિસ્તાને ટોસ પછી તરત જ આ ડખો ઊભો કરી દીધેલો કેમ કે ટોસ વખતે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. ટોસ પતે પછી બંને ટીમના કેપ્ટન હાથ મિલાવતા હોય છે પણ યાદવે ટોસ પછી હાથ મિલાવ્યા વિના ચાલતી પકડી હતી.
પાકિસ્તાને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને ફરિયાદ કરીને આક્ષેપ મૂક્યો હતો કે, યાદવે ખેલદિલી બતાવી નથી તેથી તેને ઠપકો આપવો જોઈએ. પાકિસ્તાને સત્તાવાર રીતે લેખિતમાં ફરિયાદ નહોતી કરી તેથી પાયક્રોફ્ટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખીને કશું ના કર્યું.
દરમિયાનમાં મેચ પતી ગઈ ને મેચ પત્યા પછી ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાનીઓ સાથે હાથ મિલાવવાના બદલે સીધો પેવલિયનનો રસ્તો પકડ્યો તેથી પાકિસ્તાન ફરી ફરિયાદ કરવા ઉપડી ગયું.
આ વખતે પાકિસ્તાને સીધી આઈસીસીને લેખિતમાં ફરીયાદ કરી તેમાં પીસીબીએ સીધો પાયક્રોફ્ટને લપેટીને આક્ષેપ કરી દીધો કે, મેચ રેફરી પાયક્રોફ્ટે જ બંને કેપ્ટનોને હાથ મિલાવવાની ના પાડી હતી. એ રીતે પાયક્રોફ્ટનું વર્તન પક્ષપાતી રહ્યું છે તેથી તેને ટૂર્નામેન્ટમાંથી દૂર કરવો જોઈએ.
ભારત સામેની કારમી હાર પછી પાકિસ્તાનની આબરૂના કાંકરા થઈ ગયા છે એટલે પાકિસ્તાન આબરૂ બચાવવા હવાતિયાં મારી રહ્યું છે. તેના ભાગરૂપે પાકિસ્તાન આ ધમકીઓ આપી રહ્યું છે એ કહેવાની જરૂર નથી કેમ કે આઈસીસીનો કોઈ એવો નિયમ જ નથી કે ટોસ પછી બંને કેપ્ટને હાથ મિલાવવો જોઈએ કે મેચ પતે પછી બંને ટીમના ખેલાડીઓ એકબીજાને પ્રેમથી હાથ મિલાવીને છૂટા પડે.
ક્રિકેટરો મેચ પછી ખેલદિલીના ભાગરૂપે હાથ મિલાવતા હોય છે ને ગળે પણ મળતા હોય છે પણ તેના માટે આઈસીસીએ કોઈ નિયમ નથી બનાવ્યો. આ સંજોગોમાં પાકિસ્તાનની ફરિયાદની કોઈ કિંમત નથી.
ભારત સામેની મેચના દેખાવે પાકિસ્તાનની આબરૂનો ધજાગરો કરી દીધો છે તેથી પાકિસ્તાન ગમે તે ભોગે એશિયા કપમાંથી ખસી જવા માગે છે. આ કારણે પાકિસ્તાન એ હદે રઘવાયું થયેલું છે કે, જે નિયમ નથી એ મુદ્દે કાગારોળ મચાવી દીધી છે.
પાકિસ્તાનને રઘવાટનો અંદાજ એ વાત પરથી પણ આવે કે, હાથ મિલાવવાના મુદ્દે ફરિયાદમાં વિલંબ કરવા બદલ પાકિસ્તાની બોર્ડે તેના ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓપરેશન્સ ઉસ્માન વહાલાને સસ્પેન્ડ કરી દીધા છે.
પાકિસ્તાન બોર્ડના કારભારીઓનું માનવું છે કે, ઉસ્માન વહાલાએ ટોસ વખતે જ આઈસીસીને સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવાની જરૂર હતી. તેના બદલે તેમણે રેફરીને મૌખિક ફરિયાદ કરીને સંતોષ માન્યો અને ફરિયાદ નોંધાવવામાં વિલંબ કર્યો. આ ગુસ્તાખીથી ખિજવાયેલા પીસીબીના ચેરમેન મોહસીન નકવીએ વહાલાને લાત મારીને તગેડી મૂક્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તો પાણીમાંથી પોરા કાઢી જ રહ્યું છે પણ ભારતીય ક્રિકેટ ટીમનું વર્તન પણ હાસ્યાસ્પદ જ કહેવાય. બલકે એક પ્રકારનો દંભ જ કહેવાય કેમ કે પાકિસ્તાન સામે 40 ઓવર સુધી ક્રિકેટ રમતી વખતે આપણને દેશપ્રેમ યાદ નથી આવતો પણ પાકિસ્તીના ક્રિકેટરો સાથે હાથ મિલાવવાનું આવે ત્યારે જ આપણને દેશપ્રેમનો ઊભરો આવી જાય છે.
પાકિસ્તાન સામેની મેચ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન કેપ્ટન સલમાન અલી આગા સહિતના પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ ના મિલાવવા મુદ્દે જ્ઞાન પિરસેલું કે, કેટલીક બાબતો રમતગમતની ભાવનાથી ઉપર હોય છે અને ટીમ મેનેજમેન્ટે બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા બીસીસીઆઇ અને ભારત સરકારની સંમતિથી આ નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પહલગામ હુમલાના પીડિતોને પડખે છે અને પાકિસ્તાન સામેની આ જીત ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત છે.
યાદવને સવાલ કરવો જોઈએ કે, દેશપ્રેમ રમતગમતની ભાવનાથી ઉપર છે કે નહીં ? ખરેખર દેશપ્રેમની ભાવના હોય તો પાકિસ્તાન સાથે રમવું જ શું કરવા જોઈએ ? આપણને વાંધો જે દેશ સામે છે એ જ દેશનું પ્રતિનિધિત્વ કરતી ટીમ સામે રમવામાં આપણને વાંધો નથી નડતો એ કેવો દેશપ્રેમ ? પાકિસ્તાન સામે મેચ રમતી વખતે આપણને આતંકવાદ પણ યાદ આવતો નથી કે દેશભક્તિ પણ નથી ઊભરાતી પણ ક્રિકેટરો સાથે હાથ મિલાવવામાં આપણને બધું નડવા માંડે છે.
એક બીજો મુદ્દો પણ ભૂલવા જેવો નથી. આપણે એશિયા કપમાં કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની સ્પર્ધાઓમાં પાકિસ્તાન સામે રમીએ છીએ કેમ કે પાકિસ્તાન સામે ના રમીએ તો ક્રિકેટની ન્યાત બહાર થઈ જઈએ ને ન્યાત બહાર થઈએ એટલે બોર્ડને ક્રિકેટમાંથી થતી તોતિંગ કમાણી બંધ થઈ જાય. સવાલ એ પણ છે કે, આપણા માટે નાણાં વધારે મહત્ત્વનાં છે કે દેશપ્રેમ ?
આપણામાં એટલો જ દેશપ્રેમ હોય તો તડ ને ફડ કરીને આઈસીસીને પણ કહી દેવું જોઈએ કે, અમે પાકિસ્તાન સામે નહીં રમીએ. આપણે પાકિસ્તાન સામે ના રમીએ તેના કારણે જે તે સ્પર્ધામાં પાકિસ્તાનને પોઈન્ટની રીતે થોડો ફાયદો થાય એવું બને. તેનાથી આપણને કોઈ ફરક ના પડવો જોઈએ કેમ કે સવાલ દેશનો છે, દેશપ્રેમનો છે.
આપણું બોર્ડ આવો દેશપ્રેમ નથી બતાવી શકતું કેમ કે બોર્ડ માટે દેશપ્રેમ કરતાં નાણાં વધારે મહત્ત્વના છે.
આ પણ વાંચો…આઇસીસીની લપડાક પછી પાકિસ્તાન ઊંધા માથે પટકાયુંઃ એશિયા કપની બહાર થઈ જવાની ધમકી પાછી ખેંચી