એકસ્ટ્રા અફેર : સરફરાઝ મુસ્લિમ હોવાના કારણે ટીમમાં પસંદ નથી થતો?

- ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણીઓની માનસિકતા અત્યંત હલકી છે. તેમને સમાજમાં કોઈ પણ ભોગે ભાગલા પાડીને રાજકીય ફાયદો મેળવવામાં જ રસ હોય છે. કૉંગ્રેસનાં ડો. શમા મોહમ્મદ અને આ મામલે એવરગ્રીન અસદુદ્દીન ઓવૈસીએ ક્રિકેટર સરફરાઝ ખાન વિશે બકવાસ કરીને આ હલકી માનસિકતાનો પરિચય આપ્યો છે.
સરફરાઝ ખાન હમણાં ભારતીય ટીમની બહાર છે. મંગળવારે સાઉથ આફ્રિકા એ સામે રમનારી ભારત એ ટીમ જાહેર થઈ તેમાં પણ સરફરાઝનું નામ નથી. તેના પગલે ડો. શમાએ ટ્વિટ કરી છે કે, ખાલી પૂછું જ છું કે, સરફરાઝને તેની ખાન અટકના કારણે ભારતીય ટીમમાં પસંદ નથી કરાયો એવું નથી ને ? ગૌતમ ગંભીરનું આ અંગે વલણ કેવું છે એ બધાં જાણે છે. ગૌતમ ગંભીર ભાજપના સાંસદ રહી ચૂક્યા છે તેથી શમા એવું સૂચવવા માગે છે કે, ભાજપના રાજમાં ક્રિકેટમાં પણ કોમવાદ આવી ગયો છે અને મુસ્લિમોને અન્યાય કરાઈ રહ્યો છે.
અસદુદ્દીન ઓવૈસીએ પણ એક રાષ્ટ્રીય અખબારમાં સરફરાઝની બાદબાકી સામે સવાલ કરતા લેખની લિંક મૂકીને મમરો મૂક્યો છે. ઓવૈસીએ કોઈ કોમેન્ટ કરી નથી પણ બીજા કોઈ ક્રિકેટરની નહીં ને એક મુસ્લિમ ક્રિકેટરની પસંદગી ના થઈ તેની જ વાત માંડીને ઓવૈસી શું કહેવા માગે છે એ કોઈને સમજાવવાની જરૂર નથી.
ઓવૈસી સાહેબને તો કોઈ ઓળખાણની જરૂર જ નથી પણ ડો. શમા મોહમ્મદનો થોડો પરિચય મેળવી લઈએ કેમ કે શમા બહુ જાણીતું નામ નથી. 52 વર્ષનાં શમા ડેન્ટિસ્ટ છે અને 2015માં કૉંગ્રેસમાં જોડાયાં એ પહેલા થોડા સમય માટે ઝી ટીવીમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. કેરળના કન્નુર જિલ્લામાં જન્મેલાં ડો, શમાએ પ્રાથમિક શિક્ષણ કુવૈતની ઇન્ડિયન સ્કૂલમાં લીધું છે કેમ કે તેમના પિતા કુવૈત રહેતા હતા.
સદ્દામ હુસૈનના ઈરાકી લશ્કરે 1990માં કુવૈત પર આક્રમણ કર્યું ત્યારે કુવૈતમાં ફસાયેલા ભારતીય પરિવારોમાં શમાનો પરિવાર પણ હતો. ભારત સરકારે આ પરિવારોને કુવૈતથી બહાર કાઢીને ભારત લાવીને વસાવ્યા ને એ રીતે 17 વર્ષની ઉંમરે શમા કુવૈતથી પાછાં આવ્યાં. શમાએ ભારતમાં બારમું ધોરણ પાસ કરીને મેંગલોરની યેનેપોયા યુનિવર્સિટીમાં બેચલર ઓફ ડેન્ટલ સાયન્સમાં એડમિશનન લીધું.
ડેન્ટલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પછી લાંબા સમય સુધી શમાએ ડેન્ટિસ્ટ તરીકે કામ કર્યું પણ તેનાથી કંટાળ્યાં એટલે પત્રકાર બન્યાં ને છેવટે રાજકારણી બની ગયાં. કૉંગ્રેસે તેમને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવેલાં અને અત્યારે પણ ટીવી ચેનલો પરની ચર્ચામાં ભાગ લેવા માટેની કૉંગ્રેસની પેનલમાં ડો. શમાનું નામ છે.
શમા મોહમ્મદને ક્રિકેટમાં કેટલી ખબર પડતી હશે તેની તેમને જ ખબર પણ આ પહેલાં પણ ક્રિકેટ વિશે બકવાસ કરીને બખેડો ખડો કરી ચૂક્યાં છે. માર્ચ 2025માં શમા મોહમ્મદે એક્સ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માને જાડિયો અને ભારતનો સૌથી અપ્રભાવશાળી કેપ્ટન ગણાવીને પોતાની પાર્ટીની જ ખફગી વહોરી લીધી હતી.
સોશ્યલ મીડિયા પર લોકો તૂટી પડતાં કૉંગ્રેસે શમાને આ પોસ્ટ ડિલિટ કરવાની ફરજ પાડી હતી પણ શમાએ પડ્યા પછીય ટંગડી ઊંચી રાખીને પોતાની ટ્વિટનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું હતું, શમાનો બચાવ હતો કે, પોતે રોહિતની સરખામણી અગાઉના કેપ્ટનો સાથે કરીને તેને જાડિયો કહ્યો હતો.
શમાએ એવો સવાલ પણ કરેલો કે, મારી વાતમાં શું ખોટું છે? શમાએ ભારતના બંધારણે આપેલા વાણી સ્વાતંત્ર્યના અધિકારની દુહાઈ આપીને પોતાને ગમે તે કહેવાનો અધિકાર છે એવો વાહિયાત બચાવ પણ કર્યો હતો. શમાબેન ભૂલી ગયેલાં કે, વાણી સ્વાતંત્ર્યનો અધિકાર કોઈના વિશે વ્યક્તિગત ખરાબ ટિપ્પણી કરવાની છૂટ નથી આપતો. કોઈ આવી છૂટ લે તો એ બદનક્ષી ગણાય છે.
ડો. શમાની રોહિત શર્મા વિશેની કોમેન્ટ વ્યક્તિગત હતી તેથી તેને હજુય માફ કરી દેવાય કેમ કે રોહિત શર્મા વિશે ઘણાં લોકો ડો. શમા જેવો જ મત ધરાવતાં હશે પણ સરફરાઝ ખાન અંગે ડો. શમાની કોમેન્ટ અક્ષમ્ય છે કેમ કે આ બકવાસ કરીને ડો. શમા હળાહળ કોમવાદી માનસિકતા બતાવી રહ્યાં છે. સરફરાઝ ખાનને મુસ્લિમ હોવાના કારણે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન નથી મળી રહ્યું એવું કહીને ડો, શમા આ દેશના મુસ્લિમોના માનસમાં ઝેર ભરવાની નીચ હરકત કરી રહ્યાં છે.
ડો. શમાની નીચ હરકત વિશે વાત કરતાં પહેલાં સરફરાઝ ખાનના છેલ્લા કેટલાક સમયના દેખાવ વિશે વાત કરી લઈએ. સરફરાઝ ખાન સારો બેટ્સમેન છે અને ઘરેલુ ક્રિકેટમાં રનના ઢગલા ખડકે છે તેમાં બેમત નથી પણ આંતરરષ્ટ્રીય ક્રિકેટમાં તેનો દેખાવ એવો જોરદાર નથી એ પણ હકીકત છે. સરફરાઝે રણજી ટ્રોફી સહિતની ઘરેલુ સ્પર્ધાઓમાં રનના ઢગલા ખડક્યા પછી 2024માં તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ને અત્યાર સુધીમાં સરફરાઝ 6 ટેસ્ટ રમ્યો છે. આ 6 ટેસ્ટમાં સરફરાઝે 37.10 રનની એવરેજથી 371 રન બનાવ્યા છે.
સરફરાઝ ટોપ ઓર્ડર બેટ્સમેન છે એ જોતાં આ એવરેજ બહુ સારી નથી. તેની એવરેજ ઓછામાં ઓછી 50 રનની આસપાસ હોવી જોઈએ. સરફરાઝે 6 ટેસ્ટમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે. સરફરાઝે ઇંગ્લેન્ડ સામેની પોતાની પહેલી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી ને પછી એક અડધી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ સામેનો તેનો દેખાવ સારો હતો પણ ન્યૂ ઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં તેનો દેખાવ સાવ શરમજનક હતો.
સરફરાઝ પહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં ઝીરો રને ઉડેલો. બીજી ઈનિંગમાં 150 રન ફટકારીને જોરદાર દેખાવ કર્યો પણ પછીની 4 ઈનિંગ્સમાં કુલ 21 રન કર્યા. ભારતીય ટોપ બેટિંગે ધોળેલા ધોળકાના કારણે ન્યૂ ઝીલેન્ડ પહેલી વાર ભારતીય ધરતી પર ટેસ્ટ સીરિઝ જીત્યું.
આ નામોશીના કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવાને દરવાજો બતાવીને નવી ટીમ બનાવાઈ. શુભમન ગિલની આ ટીમે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ ડ્રો કરી અને હમણાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બંને ટેસ્ટ જીતી લીધી. આ નવી ટીમના બધા ખેલાડી સારું રમે છે ત્યારે તેમનાં પત્તાં કાપીને સરફરાઝને ના લેવાય ને ?
ડો. શમા અને ઓવૈસી જેવાં લોકોની વિચારશક્તિ હિંદુ-મુસ્લિમથી આગળ વધી જ નથી શકતી કેમ કે આ કૉંગ્રેસની વિચારધારા છે. ભૂતકાળમાં મોહમ્મદ અઝહરુદ્દીન સટ્ટા કાંડમાં ફસાયો પછી તેણે લવારો કરેલો કે, હું મુસ્લિમ છું એટલે મને બદનામ કરવા આ બધી વાતો કરાય છે. ભલા માણસ, તને વરસો લગી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રાખ્યો ત્યારે તને મુસ્લિમ છું એ વાત યાદ નહોતી ને હવે આ વાત યાદ આવી ગઈ ? અઝહરુદ્દીન પછીથી કૉંગ્રેસનો સાંસદ બનેલો ને અત્યારે તેલંગાણા કૉંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છે. ટૂંકમાં આ કૉંગ્રેસી માનસિકતા છે, બાકી આ દેશમાં માત્ર મુસ્લિમ હોવાના કારણે કોઈને અન્યાય થાય એવો માહોલ જ નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: પાકિસ્તાનનો ધામા નાખીને પડેલા અફઘાનોથી છુટકારો શક્ય જ નથી


