એકસ્ટ્રા અફેરઃ ભારત-પાકિસ્તાન મેચના વિરોધમાં લોકો રસ્તા પર કેમ ના ઉતર્યાં?

ભરત ભારદ્વાજ
એશિયા કપ 2025માં રવિવારે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ ગઈ અને આ વાંચતા હશો ત્યારે મેચનું પરિણામ પણ આવી ગયું હશે. આપણે આ પરિણામ શું આવ્યું તેની વાત કરવી નથી પણ આ મેચના વિરોધમાં ઊભા કરાયેલા માહોલની વાત કરવી છે.
મેચ પહેલાં મીડિયા અને સોશિયલ મીડિયા પર એવો જોરદાર પ્રચાર ચાલ્યો કે આ મેચનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને ભારત પાકિસ્તાન સામે રમે તેની સામે લોકોમાં ભારે આક્રોશ છે.
કાશ્મીરમાં 22 એપ્રિલે પહલગામ હુમલો થયો તેમાં 30 ભારતીયોની હત્યા થઈ હતી. ભારતે આ હત્યાનો બદલો લેવા માટે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધરેલું. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે, હજુ ઓપરેશન સિંદૂર ખતમ થયું નથી ને છતાં ભારત કેમ પાકિસ્તાન સામે રમી રહ્યું છે એવા સવાલ પણ ઊભા કરાયા.
આ આક્રોશની નેતાઓ પર અસર પડી કે ના પ્રજા પર અસર પડી ને મેચ પતી પણ ગઈ કેમ કે ભારત પાકિસ્તાન સામે રમ્યું તેની સામે લોકોમાં આક્રોશ હોવાના દાવા થાય છે પણ આ આક્રોશ નેતાઓનાં નિવેદનો, મીડિયા અને સોશ્યલ મીડિયા સિવાય ક્યાંય દેખાતો નથી.
આ દેશમાં 150 કરોડ લોકો છે અને પાકિસ્તાન સામે ભારત રમે તેનો વિરોધ હોય તો એક કરોડ લોકો તો બહાર નિકળીને તેનો વિરોધ કરે કે ના કરે? સામાન્ય લોકો વિરોધ નથી કરી રહ્યાં તેનાં બે કારણ હોઈ શકે.
પહેલું કારણ માનસિક નામર્દાનગી અને બીજું કારણ લોકોને ખરેખર ભારત-પાકિસ્તાન રમે તેની સામે વાંધો નથી. સાચું કારણ શું છે એ ખબર નથી પણ લોકો રસ્તા પર ના ઉતર્યાં તેથી દેખીતો વિરોધ નથી એવું માનવું પડે.
ચાર નેતા નિવેદનો આપે કે, સોશ્યલ મીડિયા પર 40 લાખ લોકો કોમેન્ટ્સ કરીને કશું પણ કહે તેના કારણે ભારત-પાકિસ્તાન મેચ સામે દેશભરમાં વિરોધ છે એવો ના કાઢી શકાય.
રવિવારે સાંજે ભારત-પાકિસ્તાનની મેચ ચાલતી હતી ત્યારે ઓછામાં ઓછા એક કરોડ લોકો તો લાઈવ મેચ જોતા જ હતા. એટલા લોકો મેચનો વિરોધ કરવા આખા દેશમાં પણ ભેગા થયા નથી.
અસાદુદ્દીન ઓવૈસીથી માંડીને અરવિંદ કેજરીવાલ સુધીના નેતાઓએ પાકિસ્તાન સામે રમવા બદલ મોદી સરકારની ઝાટકણી કાઢી. દેશ કરતાં પૈસો વધારે વહાલો છે કે શું એવા સવાલ કર્યા પણ આ નિવેદનોની બહુ કિંમત નથી કેમ કે આ બધા વિપક્ષી નેતા છે.
વિપક્ષી નેતાઓનું કામ જ સરકારની ઝાટકણી કાઢવાનું છે ને અસાદુદ્દીન ઓવૈસીથી માંડીને અરવિંદ કેજરીવાલ સુધીના નેતા એ જ કરી રહ્યા છે. મોદી સરકારે પાકિસ્તાન સામે રમવાનો નિર્ણય લઈને દેશ સાથે ગદ્દારી કરી છે એવું સ્થાપિત કરીને રાજકીય ફાયદો મેળવવાનો તેમનો ઈરાદો છે તેથી નેતાઓ નિવેદન કરે તેને ગંભીરતાથી ના લેવાય.
સોશ્યલ મીડિયા પર પણ રાજકીય પક્ષો અને નેતાઓના પાલતુ કે ભક્તો વધારે હોય છે તેથી સોશ્યલ મીડિયા પર કશું ટ્રેન્ડ કરે એ જનાક્રોશ ના કહેવાય.
સોશ્યલ મીડિયા મશીન છે ને મશીનને માણસો જ ઓપરેટ કરતા હોય છે તેથી ગમે તે મુદ્દાને ટ્રેન્ડ કરાવી શકાય છે. સોશ્યલ મીડિયા પર કરાતો વિરોધ નહીં પણ લોકો રસ્તા પર નિકળીને વિરોધ કરે એ જ અસલી વિરોધ છે ને અસર તેની જ પડે છે. નેપાળ તેનું તાજું ઉદાહરણ છે.
નેપાળમાં સરકારના ભ્રષ્ટાચાર, સગાંવાદ વગેરે સામે લાંબા સમયથી સોશ્યલ મીડિયા પર લોકો આક્રોશ વ્યક્ત કરતાં હતાં પણ તેની કોઈ અસર નહોતી પડતી. કે.પી. શર્મા ઓલીની સરકારે સોશ્યલ મીડિયા પરના વિરોધને બંધ કરવા માટે તેના પર પ્રતિબંધ મૂક્યો ને ભડકેલાં લોકો રસ્તા પર આવી ગયાં તેમાં તો ઓલીએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું ને નેપાળમાં સત્તાપલટો થઈ ગયો. ભારત-પાકિસ્તાન સામે એવો કોઈ વિરોધ નથી તેથી બીજે ગમે ત્યાં વિરોધ કરાય તેની કોઈ અસર ના પડે.
ભારત-પાકિસ્તાન મેચ સામે કેટલાક ક્રિકેટરો અને પહલગામ હુમલામાં મોતને ભેટેલાં લોકોનાં સગાંએ પણ કર્યો છે. જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં તેમનો આક્રોશ અને પીડા સમજી શકાય તેમ છે પણ તેમણે એક વાસ્તવિકતાને સ્વીકારવાની જરૂર છે કે, આ દેશની પ્રજામાં તમારી પીડાને સમજવા જેટલી સંવેદના નથી અને તમારા વિરોધમાં સાથ આપવા જેટલી મર્દાનગી પણ નથી.
આ દેશની પ્રજા બહુ બહુ તો સોશ્યલ મીડિયા પર પાકિસ્તાન સામે મર્દાનગી બતાવી શકે પણ તમારાં સ્વજનોની હત્યા કરનારા પાકિસ્તાન સામે મેચ રમવાનો નિર્ણય લેનારી સરકાર સામે બાંયો ચડાવીને મેદાનમાં ઉતરવાની અને સરકારને પાકિસ્તાન સામે નહીં જ રમવાની ફરજ પાડવા જેટલી મર્દાનગી નથી જ તેથી તેમણે પોતાની પીડા મીડિયા કે સોશ્યલ મીડિયામાં વ્યક્ત કરીને જ સંતોષ માનવો પડશે, આ દેશનાં લોકો એક મીણબત્તી સળગાવીને સહાનુભૂતિ બતાવવાથી વધારે કશું કરી શકે તેમ નથી. નસોમાં વહેવું લોહી સાવ પાણી થઈ ગયું હોય ત્યાં શું અપેક્ષા રાખવાની?
ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો પણ પાકિસ્તાન સામે ના રમવું જોઈએ એવું જ્ઞાન પિરસી રહ્યા છે પણ એ લોકોની વાતની કોઈ કિંમત નથી કેમ કે તેમનામાં સિદ્ધાંતનિષ્ઠા નથી. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગૌતમ ગંભીર છે.
ગૌતમ ગંભીર ભાજપનો સાંસદ હતો ત્યારે પાકિસ્તાન સામે ઝેર ઓકતો અને નિર્દોષ ભારતીયોની હત્યા કરનારા પાકિસ્તાન સાથે ના રમવું જોઈએ એવી સુફિયાણી વાતો કરતો. આ જ ગૌતમ ગંભીર અત્યારે ભારતીય ટીમનો કોચ છે ને ભારતની ટીમ પાકિસ્તાન સામે રમે તેની સામે તેને કોઈ વાંધો નથી.
હરભજનસિંહ 2008ના મુંબઈ પરના આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સામે ઓછામાં ઓછી 25 મેચ રમ્યો હશે ને હવે પાકિસ્તાન સામે ના રમવું જોઈએ એવું ડહાપણ ડહોળી રહ્યો છે ત્યારે સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી જેવું લાગે છે. ભજજીનો દેશપ્રેમ અચાનક જાગૃત થઈ ગયો છે કેમ કે અત્યારે આમ આદમી પાર્ટીનો રાજ્યસભાનો સભ્ય છે.
બીજા ક્રિકેટરોની પણ આ જ સ્થિતિ છે. પાકિસ્તાને પહલગામ કરતાં પણ ભીષણ આતંકવાદી હુમલા કર્યા છે ને 1999માં તો કારગિલમાં ઘૂસીને ભારતનો પ્રદેશ પચાવી પાડવા પ્રયત્ન કરેલો. આપણા 500 કરતાં વધારે સૈનિકોના જીવ લીધા હતા ને છતાં પાકિસ્તાન સામે રમનારા ક્રિકેટરો હવે પાકિસ્તાન સામે ના રમવું જોઈએ એવું કહે ત્યારે વરવું લાગે છે.
આ પણ વાંચો…ભારતનો જયજયકાર…