એકસ્ટ્રા અફેરઃ ધર્મના નામે સામાન્ય પ્રજાની કનડગત બધે થાય છે…

ભરત ભારદ્વાજ
ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો વિરોધ કર્યો એ ઘટનાએ ચકચાર જગાવી છે. પોતાને સાચા દેશભક્ત ગણાવતા યુવકોએ નગર કીર્તનનો રસ્તો રોકીને હાકા પ્રદર્શન કર્યું અને ‘ધીસ ઇઝ ન્યૂ ઝીલેન્ડ, નોટ ઈન્ડિયા’ એટલે કે આ ન્યૂ ઝીલેન્ડ છે, ભારત નહીં અને ‘ન્યૂ ઝીલેન્ડને ન્યૂ ઝીલેન્ડ જ રહેવા દો, આ અમારી જમીન છે, આ જ અમારું સ્ટેન્ડ છે’ એવું લખેલાં બેનરો પણ ફરકાવ્યાં.
ન્યૂ ઝીલેન્ડના સાઉથ ઓકલેન્ડના પરા મનુરિવામાં થયેલા વિરોધ પાછળ ડેસ્ટિની ચર્ચ નામનું સંગઠન છે. ‘અપોસ્ટલ બિશપ’ બ્રાયન તામાકી તેના પ્રમુખ છે. તામાકીએ પોતાના ફેસબુક પેજ પર દેખાવોના વીડિયો અને પોસ્ટ પણ મૂક્યા છે. તામાકીએ લખ્યું કે, મનુરિવામાં શીખ ધાર્મિક સરઘસને કારણે કલાકોથી ટ્રાફિક બંધ છે. રસ્તા બંધ છે, સ્થાનિક લોકોનું જીવન અસ્તવ્યસ્ત છે અને ધંધા-રોજગાર પ્રભાવિત થયા છે. પરિવારો ફસાયા. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જાહેર રસ્તા પર ખુલ્લેઆમ તલવારો અને ખંજર લઈને પુરુષો ફરી રહ્યા છે.
ભારતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને અકાલી દળના પ્રમુખ સુખબિરસિંહ બાદલે આ ઘટનાને ધાર્મિક સ્વાતંત્ર્ય પરનો હુમલો ગણાવી છે. બીજા નેતાઓએ પણ તેમાં સૂર પુરાવ્યો છે. નેતાઓ ન્યૂ ઝીલેન્ડની ઘટનાને ધાર્મિક સ્વાતંત્ર્ય અને કોમી સંવાદિતા સામે ખતરો ગણાવે છે કેમ કે તેમને શીખોની મતબેંકમાં રસ છે. વાસ્તવમાં આ ઘટના પછી દરેક ધર્મના અનુયાયીઓએ સાચો ધર્મ શું છે એ સમજવાની જરૂર છે.
ન્યૂઝીલેન્ડ સત્તાવાર રીતે ખ્રિસ્તી રાષ્ટ્ર છે અને ડેસ્ટિની ચર્ચ કટ્ટરવાદી સંગઠન છે. આ કારણે નગર કીર્તનનો વિરોધ કરવા પાછળ ડેસ્ટિની ચર્ચનો પોતાનો એજન્ડા અને ગણતરીઓ હશે પણ દુનિયાભરમાં ધર્મના નામે સામાન્ય લોકોને તકલીફ પડે એવાં કૃત્યો થાય છે તેનો ઈનકાર કરી શકાય તેમ નથી ને ભવિષ્યમાં તેના કારણે વર્ગ વિગ્રહો થઈ શકે છે એ આ ઘટનાનો બોધપાઠ છે.
ભારતમાં તો ધાર્મિક કાર્યક્રમોના કારણે સામાન્ય લોકોને પરેશાન કરવાની ફેશન જ થઈ ગઈ છે. ધર્મના મામલે બોલો તો લોકોની લાગણી દૂભાઈ જાય છે ને ધર્મને બાજુ પર મૂકીને ધર્મના અનુયાયીઓ અધર્મ એટલે કે હિંસા પર ઉતરી આવે છે. પોતાને ધર્મ પાળવાનો અધિકાર છે તો સામાન્ય લોકોને શાંતિથી રહેવાનો અધિકાર છે એ વાત તેમની જડ બુદ્ધિમાં ઉતરતી જ નથી તેથી જંગાલિયત પર ઉતરી જાય છે. તેના કારણે લોકો પરેશાની વેઠીને પણ ચૂપ રહે છે.
ભારતમાં ધર્મના નામે લોકોની કેવી કનડગત થાય છે એ આપણે જોઈએ જ છીએ. સવાર-બપોર-સાંજ મસ્જિદોમાંથી પોકારાતી અજાનના કારણે લોકો ત્રસ્ત થઈ જાય છે. નાનાં બાળકો સૂઈ ના શકે, વિદ્યાર્થીઓ વાંચી ના શકે કે બીમાર લોકો આરામ ના કરી શકે એ રીતનું અવાજનું પ્રદૂષણ મસ્જિદોમાંથી ફેલાવાય છે પણ તેને રોકવા કશું થતું નથી.
મુસ્લિમો જ આ ન્યુ સન્સ ફેલાવે છે એવું નથી, બીજાં ધર્મનાં લોકો પણ પાછળ નથી. આપણે ત્યાં અત્યારે ભગવાન રામની ભક્તિનો જુવાળ આવી ગયો છે તેથી સવારના પહોરમાં 5-6 વાગે ભક્તોની ટોળીઓ ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની ધૂન બોલાવતી નિકળી પડે છે. બીજા ભગવાનોને પણ વહેલી સવારે ધૂન બોલાવીને રીઝવવાના પ્રયત્નો થાય છે.
આ ભક્તજનોને ભગવાન બહેરા છે એવું લાગતું હશે એટલે શક્ય એટલા મોટા અવાજે ધૂન બોલાવે છે તેના કારણે નાનાં બાળકો કાચી ઊંઘમાંથી જાગી જાય છે ને રોકકળ કરી મૂકે છે. વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન ના આપી શકે કે વૃધ્ધ-બીમાર આરામ ના કરી શકે એ તકલીફ પણ વેઠવી પડે જ છે.
મોટાં મોટાં સ્પીકરો લગાવીને કરાતી કથાઓ કે મોડી રાત લગી ચાલતાં ભજન-કીર્તન પણ લોકોની ઊંઘ બગાડવાનું કામ કરે જ છે. જૈનોની શોભાયાત્રાઓના કારણે ટ્રાફિક જામ થઈ જાય ને લોકો કલાકોના કલાકો અટવાઈ જાય એવું બને જ છે. બીજા ધર્મનાં લોકોની શોભાયાત્રાઓ વગેરેના કારણે પણ આ સમસ્યા સર્જાય જ છે. ગણેશોત્સવ વખતે રસ્તા પર મંડપો બાંધીને મૂર્તિની સ્થાપના કરી દેવાય ને મોડે સુધી મોટા અવાજે ગીતો વાગે તેના કારણે લોકો ત્રસ્ત થાય જ છે.
આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ ધર્મના નામે આ રીતે જાહેરમાં ન્યુસન્સ ઊભું કરવાનું ચલણ ભારતમાં તો બહુ પ્રચલિત છે. પોલીસનું કામ આ બધું રોકવાનું છે પણ પોલીસ પણ સમજદાર છે તેથી ધર્મના મામલામાં ટાંગ નથી અડાડતી. પોલીસ બધું રોકવા જાય તો તેમની પણ ધોલાઈ થઈ જાય તેથી પોલીસ પણ ચૂપચાપ તમાશો જુએ છે.
જાહેર રસ્તાઓ પર નિકળતી શોભાયાત્રાઓ વગેરે તો પોલીસ મંજૂરી વિના જ નિકળતી હોય છે છતાં પોલીસ આંખ આડા કાન કરે છે કેમ કે પેટ ચોળીને શૂળ શું કરવા ઊભું કરવું ? પોલીસો પણ અંતે તો માણસો જ છે તેથી આંખ આડા કાન કરીને બધું ચાલવા દે છે.
ન્યૂ ઝીલેન્ડમાં પણ અત્યાર લગી આ બધું ચાલતું જ હતું પણ ડેસ્ટિની ચર્ચનું ધ્યાન ગયું ને તેણે પોતાના એજન્ડા માટે આ મુદ્દાને પકડી લીધો. ડેસ્ટિની ચર્ચે સામાન્ય લોકોની તકલીફોને પોતે સમજે છે એવું બતાવવા માટે કીર્તન રોકીને દેખાવો કરી દીધા. તેના કારણે શીખોની લાગણી દુભાઈ પણ બીજા લોકો ખુશ છે. સોશ્યલ મીડિયા પરની પોસ્ટ્સ જોઈને તો કમ સે કમ એવું લાગે જ છે.
ભારતમાં પણ ક્યારેક ક્યારેક ધાર્મિક કાર્યક્રમોના કારણે પડતી તકલીફો સામે અવાજ ઊઠે છે પણ એ અવાજ કાં એક ધર્મનાં લોકોને નિશાન બનાવીને ઉઠાવાય છે કાં એવા રસ્તા અપનાવાય છે કે લોકોની તકલીફો વધે. અત્યારે મસ્જિદોની અજાન સામે અવાજ ઊઠે છે પણ એવા જ અવાજ હિંદુ કે બીજાં ધર્મના લોકોના કાર્યક્રનો સામે ઉઠતા નથી.
ભૂતકાળમાં મુસ્લિમો રસ્તા પર નમાઝ પઢવા બેસી જતા તેના કારણે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ સર્જાતી તેની સામે આક્રોશ પેદા થયો ત્યારે તેના જવાબમાં હિંદુઓએ રસ્તા પર સાંજે મહાઆરતીઓ શરૂ કરી દીધેલી. આ મહાઆરતીઓના કારણે પણ ટ્રાફિક જામ થવા માંડેલો ને લોકો રાડ પાડી ગયેલાં.આ બધું જોતાં એવું લાગે કે, જેમ ચાલે છે એમ ચાલવા દેવામાં જ મજા છે. વિરોધ કરીને નવી મુસીબત વહોરવા કરતાં એડજસ્ટ થઈ જવું ને આ દેશનાં લોકો વરસોથી એ જ કરે છે.

