એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : રાણા સાંગા મહાન હતા, છે અને રહેશે રામજીલાલના બકવાસથી શું ફરક પડે છે?

-ભરત ભારદ્વાજ

ભારતમાં ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવાની ફૅશન થઈ ગઈ છે. જેને ઇતિહાસમાં કશી ખબર પડતી નથી કે જેમણે ઇતિહાસ વાંચ્યો જ નથી એવા લોકો પણ ઇતિહાસ વિશે ફેંકાફેંક કરે છે. વૉટ્સએપ પર તો આવા ઇતિહાસવિદોનો રાફડો ફાટેલો છે. એ લોકો ઇતિહાસના નામે એવી એવી વાતો લઈ આવે છે કે જે સાંભળીને આપણું મગજ ચકરાઈ જાય. રાજકારણીઓ તો ઇતિહાસની પત્તર ખાંડીને પોતાના સ્વાર્થ માટે મનફાવે એવાં જૂઠાણાં ફેલાવવામાં સૌથી વધારે માહિર છે.

પહેલાં કૉંગ્રેસ અને ડાબેરીઓ આ મામલે વર્લ્ડ ચેમ્પિયન હતા, પણ છેલ્લાં કેટલાંક વરસોથી આ તાજ ભાજપ અને હિંદુવાદી સંગઠનોના માથે છે. એ લોકોએ અત્યારે ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવામાં ને ઇતિહાસને નામે વૉટ્સએપ પર જૂઠાણાં ફેલાવવામાં બધાને પાછળ છોડી દીધા છે, પણ બીજા નેતાઓ પણ પાછળ નથી તેનું તાજું ઉદાહરણ ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમને રાણા સાંગા વિશે પ્રગટ કરેલું મહાજ્ઞાન છે.

રાણા સાંગા મેવાડના રાજા હતા ને તેમનું મૂળ નામ મહારાણા સંગ્રામ સિંહ હતું. રામજીલાલ સુમને દાવો કર્યો છે કે, રાણા સાંગા ‘ગદ્દાર’ હતા કેમ કે તેમણે મોગલ બાદશાહ બાબરને ઇબ્રાહીમ લોદીને હરાવવા માટે ભારત પર આક્રમણ કરવા નિમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો:એકસ્ટ્રા અફેર : ઔરંગઝેબની કબર તોડવાથી શું? તેને ઉઘાડો પાડો…

ઔરંગઝેબ મામલે હમણાં બબાલ ચાલી રહી છે તેમાં રામજીલાલને ઔરંગઝેબ પર હેત ઊભરાઈ આવેલું કેમ કે સમાજવાદી પાર્ટીની મતબૅન્ક મુસ્લિમોની છે. આ મતબૅન્કને સાચવવા માટે તેમણે જ્ઞાન પીરસ્યું કે, ભારતીય મુસ્લિમો બાબરને પોતાનો આદર્શ નથી માનતા. ભારતીય મુસ્લિમો પયગંબર મુહમ્મદ અને સૂફી પરંપરાનું પાલન કરે છે, પણ મારો સવાલ છે કે, બાબરને અહીં કોણ લાવ્યું? રાણા સાંગાએ બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા ભારત પર આક્રમણ કરવા નિમંત્રણ આપ્યું હતું. આ સંજોગોમાં મુસ્લિમોને બાબરના વંશજ કહેવામાં આવતા હોય તો હિન્દુઓ દેશદ્રોહી રાણા સાંગાના વંશજ ગણાવા જોઈએ. આપણે બાબરની ટીકા કરીએ છીએ, પણ રાણા સાંગાની ટીકા કેમ નથી કરતા?

રામજીલાલ સુમનના બકવાસ સામે ભડકો થઈ ગયો છે. ભાજપ અને હિંદુવાદી સંગઠનો મેદાનમાં આવી ગયાં છે તો અખિલેશ યાદવ પોતાના સાંસદના સમર્થનમાં કૂદ્યા છે. અખિલેશનું કહેવું છે કે, રામજીલાલ સુમને ઇતિહાસના પુસ્તકમાં લખાયેલી વાતનો ઉલ્લેખ કર્યો છે તેથી ખોટું કશું કહ્યું નથી. અખિલેશ લોકો સામે અડધું સત્ય રજૂ કરી રહ્યા છે. રાણા સાંગાએ બાબરને ભારત આવવા નિમંત્રણ આપેલું એવો ઉલ્લેખ એક જ પુસ્તકમાં છે અને આ પુસ્તક ‘બાબરનામા’ છે.

બાબરે પોતાની આત્મકથા અથવા સંસ્મરણો, ‘બાબરનામા’માં રાણા સાંગાના આમંત્રણનો ઉલ્લેખ કર્યો છે, પણ તેની કોઈ વિગતો આપી નથી. રાણા સાંગા વતી કોણ નિમંત્રણ આપવા આવેલું એવો કોઈ ઉલ્લેખ નથી. બાબરની રાજધાની કાબુલ હતી ને આજની જેમ ફોન તો હતા નહીં કે રાણા સાંગાએ ફોન ઘુમાવીને બાબર સાથે વાત કરીને ભારત આવવા કહી દીધું હોય? બાબરને નિમંત્રણ આપવા કોઈને તો મોકલ્યો જ હોય, પણ એવો ઉલ્લેખ નથી.

વાસ્તવમાં બાબરે રાણા સાંગાની મદદ માગી હતી કેમ કે રાણા સાંગા અને ઇબ્રાહીમ લોદી વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર હતી અને રાણા સાંગાએ લોદીને ઘણી વાર હરાવ્યો હતો. બાબરે પોતે ચાર વાર લોદીને હરાવવા કોશિશ કરેલી પણ ફાવ્યો નહોતો. બાબરે 1503માં, પછી 1504માં, 1518માં અને 1519માં ભારત પર હુમલો કર્યો હતો, પણ સફળ થઈ શક્યો નહોતો, તેથી રાણા સાંગાની મદદથી લોદીને હરાવીને દિલ્હી સલ્તનત પર કબજો કરવા માગતો હતો, પણ રાણાએ આ ઑફર નકારી કાઢેલી.

બીજી એક મહત્ત્વની વાત એ છે કે, બાબરનામામાં બાબરને ભારત આવવા માટે કહેણ મોકલનારા બીજા લોકોની મુલાકાતોની વિસ્તૃત વિગતો લખાયેલી છે. પંજાબનો ગવર્નર દૌલત ખાન દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદીની જગ્યા લેવા માંગતો હતો. ઇબ્રાહીમ લોદીનો કાકો અલ્લાઉદ્દીન લોદી પણ સલ્તનત કબજે કરવા માંગતો હતો. સુલતાન સિકંદર લોદીનો ભાઈ આલામખાન લોદી પણ બાદશાહ બનવા થનગનતો હતો. આ લોકોએ ભેગા થઈને ઇબ્રાહીમ લોદીને હરાવવા માટે બાબરની મદદ માંગી હતી.

આલમ ખાન 1523માં કાબુલમાં બાબરના દરબારમાં પણ ગયો હતો. આલમ ખાન લોદીએ બાબરને ભારતમાં રાજકીય અસ્થિરતા હોવાની માહિતી આપીને કહેલું કે, લોહા ગરમ હૈ માર દો હથોડા. આલમ ખાનની વાત પર ભરોસો કરવાના બદલે બાબરે જાતે પોતાનો દૂત પંજાબ મોકલ્યો હતો. દૂતે બાબર માટે અનુકૂળ સંજોગો હોવાનો રીપોર્ટ આપતાં બાબરે રાણા સાંગાને પોતાને સાથ આપવા કહેણ મોકલેલું, પણ સાંગા તૈયાર નહોતા થયા.

બાબરે 1526માં ઇબ્રાહીમ લોદી પર હુમલો કર્યો ને લોદીને હરાવીને સત્તા કબજે કરી. રાણા સાંગા સામે અનેક વાર હારીને નબળા પડી ગયેલા ઇબ્રાહીમ લોદીને પાણીપતના યુદ્ધમાં બાબરે ખરાબ રીતે હરાવીને હિન્દુસ્તાનની ગાદી પર કબજો કરી લીધો હતો. એ પછી બાબરે રાણા સાંગાને હરાવવા આક્રમણ કર્યું ત્યારે રાણા સાંગાએ બાબરને હરાવેલો. આ ઇતિહાસ છે ને વરસોથી લીલા કલરનાં ચશ્માં પહેરીને બધું જોવા માટે ટેવાયેલા રામજીલાલ સુમન આ ઇતિહાસ જાણતા હોય તોપણ તેનો ઉલ્લેખ ના જ કરે. ખેર, તેનાથી કોઈ ફરક પડતો નથી કેમ કે કોઈ રામજીલાલ સુમન કે અખિલેશ યાદવના કહેવાથી ઇતિહાસ બદલાઈ જવાનો નથી.

આ પણ વાંચો:એકસ્ટ્રા અફેર : હિંદુ ધર્મસ્થાનોના વિવાદનો ઉકેલ વર્શિપ એક્ટની નાબૂદી

રાણા સાંગા ભારતના મહાનતમ રાજાઓમાંથી એક હતા ને તેમની બહાદુરીને રાજસ્થાનના રાજાઓનો ઇતિહાસ લખનારા જેમ્સ ટોડ જેવા અંગ્રેજ ઇતિહાસકારે પણ વખાણી છે. રાણા સાંગા તો રામજીલાલ સુમન નહોતા ત્યારે પણ મહાનતમ યોદ્ધા હતા જ ને રામજીલાલ સુમન નહીં હોય ત્યારે પણ રહેવાના છે. રાણા સાંગાની મહાનતા અને વીરતાનાં પુસ્તકો લખાયાં છે એ વાંચશો તો ખ્યાલ આવશે કે, સાંગા ઇતિહાસપુરુષ હતા, ઇતિહાસ રચનારા મહાન માણસ હતા ને એક રાજકારણીના સર્ટિફિકેટની તેમને જરૂર નથી.

કમનસીબી એ છે કે, ભારતના રાજકારણીઓ પોતાની મર્યાદા સમજતા નથી અને પોતાના સ્વાર્થ ખાતર બીજાને ગાળો દેવાની હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યા કરે છે. રામજીલાલ સુમન તો છીંડે ચડેલા ચોર છે, બાકી આ માનસિકતા બધા રાજકારણીઓમાં છે. ભાજપ પણ જવાહરલાલ નહેરુ સહિતના કૉંગ્રેસના નેતાઓને ગાળો આપીને એ ધંધો કરે જ છે ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button