એકસ્ટ્રા અફેર: ચૂંટણી પંચે રાહુલના ગંભીર આક્ષેપોના જવાબ તો આપ્યા જ નહીં

- ભરત ભારદ્વાજ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અંતે ચૂંટણી પ્રક્રિયામાં થયેલી કહેવાતી ગરબડના પુરાવા રજૂ કરીને આક્ષેપ કરેલો કે, ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટા પાયે ઘાલમેલ કરી છે અને બોગસ મતદારોની મદદથી ચૂંટણી જીતી છે.
ચૂંટણી પંચે આ આક્ષેપોને બોગસ ગણાવેલા અને શનિવારે પત્રકાર પરિષદ બોલાવી ત્યારે લાગતું હતું કે, ચૂંટણી પંચ રાહુલના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દેશે પણ એવું કશું થયું નહીં. ઊલટાનું ચૂંટણી પંચે રાહુલના આક્ષેપોના જવાબમાં પકડાવી દીધેલી પ્રેસ નોટના કારણે રાહુલના આક્ષેપોમાં દમ છે અને ચૂંટણી પંચનો પગ કુંડાળામાં પડેલો છે એવી શંકા વધુ ઘેરી બની છે.
ચૂંટણી પંચે રાહુલના આક્ષેપોના જવાબમાં બહાર પાડેલી પ્રેસ નોટમાં એકદમ સરકારી રાહે જવાબ અપાયા છે અને ભારતમાં મતદાર યાદી કઈ રીતે બને છે તેનું જ્ઞાન પિરસવામાં આવ્યું છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને નેતાઓને મત ચોરીના આક્ષેપો કરવા બદલ કડક ચેતવણી આપી છે પણ જે આક્ષેપો થયા છે તેનો કોઈ જવાબ આપ્યો નથી.
રાહુલ ગાંધીના આક્ષેપો અત્યંત ગંભીર છે કેમ કે રાહુલે ચૂંટણી પંચ નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી કરાવતું નથી અને ભાજપને ફાયદો કરાવવા માટે ચૂંટણી પંચને પ્રદૂષિત કરી રહ્યું છે એવું આળ જ મૂકી દીધું છે. પંચે આ દેશનાં લોકોને પોતે કોઈ ચોક્કસ પાર્ટીના દલાલ તરીકે નહીં પણ બંધારણીય સંસ્થા તરીકે આ દેશમાં લોકશાહીના જતન માટે કામ કરે છે તેનો અહેસાસ કરાવવો જોઈએ પણ તેના બદલે ચૂંટણી પંચે સાવ ઉડાઉ જવાબો આપ્યા છે. દેશની લોકશાહી ખતરામાં છે એવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે પંચ બીજી બધી વાતોની પારાયણ માંડીને બેસી ગઈ છે.
ચૂંટણી પંચે સાવ વાહિયાત અને હાસ્યાસ્પદ વાત તો એ કરી છે કે, મતદાર યાદીમાં ભૂલો રહી ગઈ હતી તો ભૂલોની ફરિયાદ, દાવા અને વાંધા રજૂ કરવા માટે ચૂંટણી પંચે નક્કી કરેલા નિર્ધારિત સમયગાળામાં કરવા જોઈતા હતા. આ સમયગાળા દરમિયાન વાંધા નોંધાવવામાં આવ્યા હોત તો ચૂંટણી નોંધણી અધિકારી તેની તપાસ કરીને સુધારી શક્યા હોત પણ નિર્ધારિત સમયગાળામાં વાંધા રજૂ ના કરાયા એટલે હવે કંઈ ના થઈ શકે.
ચૂંટણી પંચના કહેવા પ્રમાણે, ભૂતકાળની ચૂંટણીઓની મતદાર યાદી અંગે અત્યારે હોહા કરાઈ રહી છે પણ યોગ્ય સમયે ધ્યાન દોરવામાં નહોતું આવ્યું કે કોઈ રજૂઆત કરવામાં આવી ન હતી. ચૂંટણી પંચે ડહાપણ પણ ડહોળ્યું છે કે, ભવિષ્યમાં કોઈને કોઈ વાંધો હોય તો તેમણે નિર્ધારિત પ્રક્રિયા અને સમયમર્યાદામાં વાંધો ઉઠાવવો પડશે. પંચ સીધેસીધું એવું લોકોને કહી રહ્યું છે કે, ગરબડ થઈ હોય તેની પાછળથી રજૂઆત કરો તો કંઈ નહીં થાય.
આ દલીલ સાંભળીને ખરેખર આઘાત લાગે છે. પંચે નક્કી કરેલી સમયમર્યાદામાં રજૂઆત ના કરાઈ એટલે ખોટું કર્યું હોય એ પણ સાચું માની લેવાનું ? ભલા માણસ, યોગ્ય સમયે ખબર ના પડી એટલે ભ્રષ્ટાચાર થયો નથી એવું કહેવાય ? ને એ ભ્રષ્ટાચાર સામે પગલાં ના લઈ શકાય ?
ચૂંટણી પંચની દલીલને માન્ય રાખીએ તો આ દેશમાં ભ્રષ્ટાચાર બદલ કોઈ કેસ જ ના કરી શકાય. ભ્રષ્ટાચાર થયો હોય કે ખોટું થયું હોય તો તેની તાત્કાલિક ખબર પડી જાય એ જરૂરી નથી પણ જ્યારે પણ ખબર પડે ત્યારે એ માટે પગલાં લેવાવાં જોઈએ. આ બહુ સાદી વાત સ્વીકારવાના બદલે ચૂંટણી પંચ નિર્ધારિત સમયગાળામાં વાંધા રજૂ ના કરાયા એટલે હવે કંઈ ના થાય એવું વાજું વગાડી રહ્યું છે એ શરમજનક છે.
ચૂંટણી પંચની આ દલીલ પંચને શંકાના દાયરામાં લાવનારી છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયી હોય તો આજે નહીં પણ દસ વરસે પણ વાંધો ઉઠાવાય ત્યારે જવાબ આપવાની કે ખુલાસો કરવાની પંચની તૈયારી હોવી જોઈએ. તેના બદલે પંચ નિર્ધારિત સમયગાળાની રેકર્ડ વગાડ્યા કરે છે તેથી એવું લાગે છે કે, પંચને જૂની વાતો પર ઢાંકપિછોડો કરવામાં રસ છે. ઢાંકપિછોડો ત્યારે જ કરવો પડે જ્યારે કશુંક ખોટું થયું હોય.
ચૂંટણી પંચના બચાવમાં સૌથી વધારે કઠે એવી વાત તો એ છે કે, રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોનો પંચે કોઈ જવાબ નથી આપ્યો. રાહુલ ગાંધીએ બેંગલુરૂ લોકસભા મતવિસ્તારમાં આવતી મહાદેવપુરા વિધાનસભા બેઠકની મતદારયાદી રજૂ કરીને તેમાં 1.06 લાખ બોગસ મતદારો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલે આક્ષેપ કર્યો હતો કે, કર્ણાટકમાં ઘણાં બધાં બૂથોની મતદારયાદીમાં એક જ વ્યક્તિનું નામ વારંવાર છે, ઘણી જગ્યાએ મતદારોના ફોટા નથી અને ઘણા કેસમાં મતદારોનાં સરનામાં નકલી છે.
રાહુલે મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં થોડાક મહિનામાં જ લાખો મતદારોના નામ યાદીમાં ઉમેરવામાં આવ્યાં હતાં એવો દાવો કરીને આક્ષેપ કર્યો હતો કે, મહારાષ્ટ્રમાં પણ 40 લાખ મતદારો રહસ્યમય છે અને કર્ણાટક તથા મહારાષ્ટ્ર એ બંને રાજ્યોની મતદારયાદીમાં શંકાસ્પદ મતદારો છે.
ચૂંટણી પંચ આ મુદ્દે સાવ મૌન રહ્યું છે. રાહુલે પંચે આપેલી મતદાર યાદી જ રજૂ કરી છે પણ પંચે ના તો તેના વેરિફિકેશનની તૈયારી બતાવી છે કે ના એ મુદ્દે કોઈ ખુલાસો આપ્યો છે. બિહારમાં સાત કરોડથી વધારે મતદારો છે અને ચૂંટણી પંચ સાત કરોડ મતદારોના વેરિફિકેશનની ક્વાયત માંડીને બેઠું છે પણ રાહુલે ઉલ્લેખ કર્યો એ એક વિધાનસભા મતવિસ્તારના મતદારોના વેરિફિકેશન માટે તૈયાર નથી તેનો અર્થ શો થાય ? એ જ કે ચૂંટણી પંચને વેરિફિકેશન કરવામાં જરાય રસ નથી પણ ઢાંકપિછોડો કરવામાં રસ છે.
લોકશાહી દેશમાં ચૂંટણીની પ્રક્રિયા પારદર્શક અને શંકાથી પર હોવી જોઈએ પણ ચૂંટણી પંચનું વર્તન અને વલણ જોયા પછી લાગે છે કે, ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવામાં નિષ્ફળ ગયું છે. આ સંજોગોમાં હવે સુપ્રીમ કોર્ટ જ છેલ્લો આશરો છે. બિહારમાં વોટર વેરિફિકેશન સામે લાલ આંખ કરીને સુપ્રીમ કોર્ટે જેમનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નંખાયાં તેમની તમામ વિગતો જાહેર કરવાનો આદેશ આપીને ચૂંટણી પંચને તેની ફરજ અને જવાબદારીનું ભાન કરાવ્યું છે. રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોના મુદ્દે પણ સુપ્રીમ કોર્ટ એવું જ વલણ લઈને ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ સ્થાપિત કરે એ જરૂરી છે કેમ કે હવે ચૂંટણી પંચ ભરોસાને પાત્ર નથી.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ જીએસટીમાં ઘટાડાથી મોંઘવારી ઘટશે, સામાન્ય લોકોને ફાયદો…