એકસ્ટ્રા અફેર : ટ્રમ્પ છે ત્યાં સુધી ભારતીયોએ અપમાનિત થવું પડશે…

- ભરત ભારદ્વાજ
અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડીને હાથકડી પહેરાવીને ભારત મોકલી દેવામાં આવ્યો એ ઘટનાએ સોશિયલ મીડિયા પર હોબાળો ખડો કરી દીધો છે. ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈને સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો તેમાંથી વિરોધ શરૂ થયો ને છેલ્લા બે દિવસથી આ ઘટના trend કરી રહી છે.
જૈને `એક્સ’ પર લખેલું કે, મેં નેવાર્ક એરપોર્ટ પર યુવાન ભારતીય વિદ્યાર્થીને હાથકડી પહેરાવીને રડતો જોયો. તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરાઈ રહ્યો હતો. વિદ્યાર્થી હરિયાણવીમાં કહી રહ્યો હતો કે, હું પાગલ નથી અને આ લોકો મને પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જૈને લખ્યું છે કે, આ વિદ્યાર્થી પોતાનાં સપનાં પૂરાં કરવા અમેરિકા આવ્યો હતો, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. એક બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ) તરીકે હું મારી જાતને નિ:સહાય અને ભાંગી પડેલો અનુભવું છું.
જૈનના કહેવા પ્રમાણે, આ વિદ્યાર્થીને શા માટે દેશનિકાલ કરવામાં આવ્યો તે સ્પષ્ટ નથી પણ દરરોજ આવા 3-4 કિસ્સા બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા કિસ્સાઓ ઘણા વધી ગયા છે. આ છોકરાં સવારે વિઝા લઈને ફ્લાઇટ દ્વારા અમેરિકા આવે છે પણ કોઈ કારણોસર ઇમિગ્રેશન અધિકારીઓને આગમનનું કારણ સમજાવી શકતા નથી તેથી સાંજની ફ્લાઇટ દ્વારા ગુનેગારોની જેમ હાથ-પગ બાંધીને પાછા ભારત મોકલી દેવામાં આવે છે. જૈને ભારતીય દૂતાવાસ, અમેરિકા અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને હસ્તક્ષેપ કરવા અપીલ કરીને લખ્યું છે કે, આ વિદ્યાર્થીઓ સાથે શું થઈ રહ્યું છે તેની કોઈએ તપાસ કરવી જોઈએ.
જૈને બતાવેલી સંવેદનશીલતાને લોકોએ બિરદાવી છે અને અમેરિકા સામે આક્રોશ ઠલવાઈ રહ્યો છે. અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ સાથે અત્યંત અમાનવીય વર્તન કરી રહી છે એવી ફરિયાદોનો ઢગલો થઈ ગયો છે. આ ફરિયાદોમાં દમ છે કેમ કે ડોનલ્ડ ટ્રમ્પની સરકાર કોઈ પણ નોટિસ વિના અને સાવ ફાલતુ કારણો આપીને વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરી રહી છે.
પેલેસ્ટાઇનને ટેકો આપવાથી માંડીને ટ્રાફિક ઉલ્લંઘન જેવા બકવાસ કારણોસર વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરીને તેમને પોતપોતાના દેશમાં મોકલાઈ રહ્યા છે એ હકીકત છે તેથી અમેરિકા સામેનો આક્રોશ અયોગ્ય નથી, પણ તેનો ઉપાય પણ નથી. કમ સે કમ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ છે ત્યાં લગી તો આ પ્રકારની ઘટનાઓ બનવાની જ છે.
ટ્રમ્પને પ્રમુખ બન્યે હજુ છ મહિના પણ પૂરા થયા નથી ને તેમની સાડા ત્રણ વર્ષની મુદત બાકી છે એ જોતાં હજુ ઓછામાં ઓછાં સાડા ત્રણ વર્ષ સુધી તો વિદેશી વિદ્યાર્થીઓએ આ પ્રકારના વર્તન માટે તૈયાર રહેવું પડશે. ટ્રમ્પના સ્થાને ડેમોક્રેટિક પાર્ટીનો કોઈ નેતા પ્રમુખપદે આવે તો સ્થિતી ચોક્કસ બદલાશે, પણ ટ્રમ્પના બદલે તેમની જ રીપબ્લિકન પાર્ટીનો આવો જ કોઈ માથાફરેલ પ્રમુખ આવી ગયો તો અપમાન અને યાતનાનો આ સમય હજુ લંબાઈ શકે છે.
ટ્રમ્પને અમેરિકામાં વિદેશીઓ ધોળા ધરમેય ખપતા નથી. તેમાં પણ ભારતીયો ટ્રમ્પનું સૌથી સોફ્ટ ટાર્ગેટ છે કેમ કે ભારતીયો અમેરિકનોની વ્હાઈટ કોલર જોબ છિનવી રહ્યા છે એવું તેમને લાગે છે. આઈટી સેક્ટરની સારા પગારની નોકરીઓથી માંડીને ગેસ સ્ટેશન, ફૂડ આઉટલેટ્સ વગેરેની નોકરીઓ ભારતીયોને મળે છે કેમ કે ભારતીયો અમેરિકનોની જેમ વર્ક ટુ રૂલના બદલે વધારાના કલાકો પણ કામ કરી લે છે, ઓવરટાઈમ માગતા નથી, ઓછા પગારમાં પણ કામ કરી લે છે. આ કારણે અમેરિકન નોકરીદાતાઓ ભારતીયોને પસંદ કરે છે. ટ્રમ્પ તેમને કશું કરી શકે તેમ નથી એટલે ભારતીયો પર દાઝ કાઢે છે.
ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા વિદેશીઓને હાંકી કાઢવાના બહાને તેમણે વિદેશીઓને ભગાડવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલુ કરી દીધો છે. ટ્રમ્પ શરૂઆતમાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વિના અમેરિકામાં ઘૂસેલા વિદેશીઓની જ કાઢવાની વાત કરતા હતા ને તેમાં કશું ખોટું નહોતું.
ગેરકાયદે રીતે ઘૂસનારા લોકોને કોઈ દેશ ના સંઘરે. ભારતમાં પણ ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓ કે રોહિંગ્યાઓને કાઢી મૂકવા માટે કાર્યવાહી થાય જ છે તેથી ટ્રમ્પ એ મુદ્દે ખોટા નહોતા, પણ ધીરે ધીરે ટ્રમ્પે કાયદેસરના વિઝા લઈને આવેલા વિદેશીઓને પણ ઝપટમાં લેવા માંડ્યા છે. ટ્રમ્પની ઝપટે સૌથી વધારે વિદ્યાર્થીઓ ચડી રહ્યા છે. વિદેશી વિદ્યાર્થીઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ચકાસણી કરીને અમેરિકામાં રહીને અમેરિકન સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરે છે એવા આક્ષેપો મૂકીને તેમને તગેડવામાં આવી રહ્યા છે.
ટ્રમ્પ સરકારની આ કાર્યવાહી કાયદેસર નથી, પણ ટ્રમ્પને કોઈ રોકી શકે તેમ નથી. ટ્રમ્પના માથે અમેરિકાને ફરી મહાન બનાવવાનું ભૂત સવાર છે અને વિદેશીઓ તેમાં સૌથી મોટો અવરોધ છે એવી તેમની માનસિકતા થઈ ગઈ છે એટલે ટ્રમ્પ રોક્યા રોકાવાના નથી. ટ્રમ્પના વલણે અમેરિકન તંત્રને છાકટું બનાવી દીધું છે. વિદેશીઓને અપમાનિત કરવાનો આદેશ ના આપ્યો હોય પણ ચા કરતાં કીટલી ગરમ હોય એમ અમલ કરનારી એજન્સીઓ વિદેશીઓને સાવ કચરાની જેમ ટ્રીટ કરી રહી છે. તંત્રમાં કામ કરનારા લોકોને એમ જ લાગે છે કે, વિદેશીઓ સાથે ગમે તે રીતે વર્તવાનો તેમને અધિકાર છે કેમ કે એ માટે કોઈ સજા થવાની નથી કે કોઈ તેમનો જવાબ પણ માગવાનું નથી તેથી તેમને કોઈ રોકી શકે તેમ નથી.
અમેરિકા ખોટું જ કરી રહ્યું છે એ હકીકત છે પણ આપણે એ પણ વિચારવાની જરૂર છે કે, ભારતીયો શા માટે અમેરિકા તરફ ભાગે છે અને વારંવાર આ પ્રકારની અપમાનિત થવાની ઘટનાઓ બની રહી હોવા છતાં આ પ્રવાહ કેમ રોકાતો નથી? કેમ કે ભારતીયોની આંખો ઉઘડી રહી નથી ને અમેરિકા તેમને હજુ સ્વર્ગ જ લાગી રહ્યું છે. આ સ્વર્ગનું સુખ માણવા ભારતીયો અમેરિકા ભાગી રહ્યા છે ને તેમાંથી સંખ્યાબંધ ધોયેલા મૂળાની જેમ પાછા આવી રહ્યા છે છતાં ભારતીયોનો અમેરિકા માટેનો મોહ ઘટતો નથી.
હવે આમાં સરકાર શું કરી શકે? આ સમસ્યા સરકારની નહીં પણ લોકોની માનસિકતાની છે. સરકાર બહુ બહુ તો અમેરિકા સામે વાંધો લે કે વિરોધ નોંધાવે, પણ અમેરિકા આવા વાંધા કે વિરોધને ગણકારે એ વાતમાં માલ નથી. આ સંજોગોમાં ભારતીયો જ વિવેકબુદ્ધિ વાપરે અને અમેરિકાનો મોહ છોડે એ જરૂરી છે.
ભારતીયોએ સમજવાની જરૂર છે કે, અમેરિકા બદલાયું છે. હવે ભારત બદલાયું છે એવો પ્રચાર પણ જોરશોરથી થાય છે. કમનસીબી એ છે કે, ભારત બદલાયું છે તેના પર ભારતીયોને વિશ્વાસ નથી ને અમેરિકા બદલાયું છે તે નજર સામે હોવા છતાં તેનો સ્વીકાર કરવા ભારતીયો તૈયાર નથી.
આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના તુક્કાએ ભારત માટે તક ઊભી કરી દીધી