એકસ્ટ્રા અફેરઃ નહેરુ ખરેખર બાબરી મસ્જિદ બાંધવા માગતા હતા?

ભરત ભારદ્વાજ
ભાજપ હમણાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે ને તેના ભાગરૂપે ગુજરાતમાં એકતા માર્ચ કાઢી છે. એકતા માર્ચમાં ભાગ લેવા માટે ગુજરાત પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક ચોંકાવનારો દાવો કરી નાખ્યો. રાજનાથસિંહના કહેવા પ્રમાણે, જવાહરલાલ નહેરુ સરકારી ખર્ચે અયોધ્યામાં બાબરી મસ્જિદ બંધાવવા માગતા હતા પણ સરદાર વલ્લભભાઈ પટેલે ઉગ્ર વિરોધ કર્યો એટલે નહેરુની મનની મનમાં રહી ગઈ, બાકી કૉંગ્રેસ શાસનમાં જ જ્યાં અત્યારે ભવ્ય રામમંદિર ઉભું છે ત્યાં બાબરી મસ્જિદ ઉભી થઈ ગઈ હોત.
રાજનાથના કહેવા પ્રમાણે, નહેરુએ સોમનાથના મહાદેવના મંદિરના જીર્ણોધ્ધાર માટે સરકારી નાણાંનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો મુદ્દો પણ ઉઠાવેલો પણ સરદાર પટેલે નહેરુની એમ કહીને બોલતી બંધ કરી દીધેલી કે, સોમનાથ મંદિરના નિર્માણ માટેના 30 લાખ રૂપિયા લોકોના દાનમાંથી આવ્યા છે, સરકારી તિજોરીમાંથી નહીં.
રાજનાથનું નિવેદન ભાજપના નેતા નરાતર જૂઠાણાં ફેલાવીને લોકોના માનસમાં ઝેર ભરવામાં કેવા પાવરધા છે તેનો વધુ એક નાદાર નમૂનો છે. નહેરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા ને સરદારે તેનો વિરોધ કર્યો તેનો કોઈ રેકોર્ડ જ નથી. બલ્કે નહેરુના કારણે જ આ મુદ્દો કોર્ટમાં ગયો અને કોર્ટે જ હિંદુઓને રામમંદિર સંકુલ આપ્યું. 1949માં સંકુલમાંથી ભગવાન રામની મૂર્તિઓ મળી પછી ફૈઝાબાદના કલેક્ટર કે.કે. નાયરને નહેરુએ યથાવત સ્થિતિ જાળવી રાખવા કહેલું.
નાયરે ધાર્મિક લાગણીઓ ભડકે અને તોફાનો ના થાય એ માટે આ મુદ્દો કોર્ટને સોંપવા કહેલું. નહેરુએ આ વાત સ્વીકારી અને મામલો કોર્ટમાં ગયો. ભગવાન રામ સહિતની મૂર્તિઓની આગળ જાળી લગાવીને તેનું રક્ષણ કરવાનું નાયરનું સૂચન પણ નહેરુએ સ્વીકારેલું. આ સત્તાવાર રેકોર્ડ પરની વાત છે, ભાજપના નેતાઓ દ્વારા કહેવાતો મૌખિક ઈતિહાસ નથી. સરદાર પટેલ બહુ મોટા હતા, મહાન હતા પણ તેમને મહાન બતાવવા માટે નહેરૂને નીચા બતાવવાની ગંદી રમત ભાજપ રમી રહ્યો છે એ આઘાતજનક છે.
રાજનાથસિંહે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી અને ભાજપે સરદાર પટેલને યોગ્ય સન્માન આપ્યું છે. મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવીને સરદાર પટેલ તરફ આદર બતાવ્યો. રાજનાથે હુંકાર પણ કર્યો કે, ભાજપ છે ત્યાં સુધી સરદાર પટેલનું નામ ભૂંસવાના પ્રયત્નો સફળ નહીં થાય.
રાજનાથસિંહની વાત હાસ્યાસ્પદ છે. ભાજપ સરદાર પટેલની વાતો કરે છે અને કૉંગ્રેસે સરદાર પટેલને અવગણે એ વાત પણ સો ટકા સાચી છે પણ ભાજપ કે મોદીને સરદાર પટેલ તરફ અપાર આદર છે એ વાત ખોટી છે. ભાજપનો સરદાર પટેલ માટેનો પ્રેમ રાજકીય સ્વાર્થવશ છે અને મોદીએ પણ કૉંગ્રેસની જેમ પોતાનું નામ મોટું કરવાના સ્વાર્થમાં સરદાર પટેલનું નામ ભૂંસ્યું જ છે. અમદાવાદમાં ઊભેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેનો આખી દુનિયાને દેખાય એવો નમૂનો છે.
મોટેરામાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1980ના દાયકામાં બંધાયું ત્યારે તેનું નામ ગુજરાત સ્ટેડિયમ હતું. પછી દેશની એકતાના શિલ્પી ને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી તેનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ કરાયેલું, અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ છે જ કે જ્યાં 1982માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાયેલી. આ બંને સ્ટેડિયમનાં નામોમાં ગૂંચવાડો ના થાય એટલે નવા સ્ટેડિયમનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ રખાયું હતું.
થોડાંક વરસો પહેલાં આ સ્ટેડિયમ તોડીને નવું સ્ટેડિયમ બનાવાયું ને તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું. મતલબ કે, સરદાર પટેલનું નામ ભૂંસીને તેના સ્થાને નરેન્દ્ર મોદીના નામની તકતી લગાવી દેવાઈ. ભાજપ અને મોદીએ આ હરકત દ્વારા સરદાર પટેલ તરફ કેવો આદર બતાવ્યો એ રામ જાણે પણ આ હરકત કૉંગ્રેસની હરકતોથી કોઈ રીતે અલગ નથી.
ભાજપે ભૂતકાળમાં પણ આવું અપકૃત્ય કર્યું જ છે. 1990ના દાયકામાં ભાજપના નેતાઓએ અમદાવાદ એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવા સામે વિરોધ કરેલો. શંકરસિંહ વાઘેલા એ વખતે મુખ્યમંત્રી હતા ને દેવ ગૌડા વડા પ્રધાન હતા. શંકરસિંહ સરકારે અમદાવાદ એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવાની દરખાસ્ત મૂકી તેને દૈવ ગૌડાએ મંજૂર કરી નાખી હતી.
ભાજપે તેનો ઉગ્ર વિરોધ કરેલો. ગુજરાતનાં પહેલાં મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતની ભાજપની મહિલા નેતાઓ બ્લાઉઝમાં છુપાવીને કાળા વાવટા લઈને એરપોર્ટ પહોંચેલી ને ગૌડા સામે વિરોધ કરેલો કેમ કે ભાજપ અમદાવાદ એરપોર્ટનું નામ તેના પૂર્વાવતાર જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીના નામ પરથી આપવા માગતો હતો.
આ બંને બહુ જાણીતી ઘટનાઓ છે ને તેના પરથી જ ભાજપને ખરેખર સરદાર પટેલ તરફ કેવો ને કેટલો આદર છે તેની ખબર પડી જાય. મોદીએ નામના મોહમાં સરદાર પટેલનું નામ ભૂંસી નાખ્યું એ નજર સામે છે એ જોતાં સરદાર પટેલને ભાજપે યોગ્ય સન્માન આપ્યું એ વાત માની ના શકાય. કૉંગ્રેસે સરદાર પટેલના યોગદાનને અવગણીને એ મોટા ના થાય એવા કારસા કર્યા હોવાના આક્ષેપો ભાજપ એકાદ દાયકાથી કર્યા કરે છે. સરદાર પટેલના યોગદાનને ભાજપે લોકો સુધી પહોંચાડ્યું એવો દાવો પણ ભાજપ કરે છે.
આ બંને વાત સાચી છે પણ સામે સરદાર પટેલના નામનો ભાજપે વિરોધ કરેલો ને સ્ટેડિયમમાંથી તો સરદાર પટેલનું નામ જ ભૂંસી નખાયું એ વાત પણ સાચી છે. સ્ટેડિયમની બાજુમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલનું નામ હજુ સરદારના નામે છે પણ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સાથે જોડાયેલું સરદાર પટેલનું નામ ભૂંસી દેવાયું એ સરદાર પટેલના ચાહકોનો આત્મા કકળી ઊઠે એવી વાત છે. સ્ટેડિયમને સરદાર પટેલનું નામ ભાજપે નહોતું આપ્યું પણ ભાજપે ભૂંસી ચોક્કસ નાખ્યું. તેના પરથી જ ભાજપનો સરદાર પ્રેમ સમજી જાઓ.
ભાજપે રાજકીય સ્વાર્થ ખાતર તો રાજકીય સ્વાર્થ ખાતર પણ સરદારને ફરી યાદ કર્યા ને તેમના યોગદાનને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીને તેમનું નામ ફરી રમતું કર્યું તેની પણ નોંધ લેવી જ જોઈએ. બાકી કૉંગ્રેસે સરદાર પટેલનું નામોનિશાન ભૂંસાવી દેવા બનતું બધું જ કરેલું. કૉંગ્રેસ નહેરુ-ગાંધી ખાનદાનની બાપીકી પેઢી બની ગઈ પછી બધા નેતાઓને હાંસિયામાં ધકેલીને ખાનદાનનું મહિમાગાન થયું. સરદાર પટેલ પણ તેમાંથી એક હતા તેથી કૉંગ્રેસનું પાપ મોટું છે. આ કારણે ભાજપે સરકાર પટેલ તરફ બતાવેલા અનાદરની બે-ચાર ઘટનાઓને યાદ નથી રાખતા. સામાન્ય લોકોનું ઈતિહાસનું જ્ઞાન મર્યાદિત હોય છે અને યાદદાસ્ત પણ ટૂંકી હોય છે તેથી પણ આ બધી વાતો ભૂલાઈ ગઈ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ બંગાળમાં બાબરી મસ્જિદ, મતબેંકના રાજકારણનો નવો અધ્યાય…

