એકસ્ટ્રા અફેરઃ ધર્મેન્દ્રએ હિંદી ફિલ્મોના હીરોને મરદાના બનાવ્યા?

ભરત ભારદ્વાજ
હિંદી ફિલ્મોના અત્યંત લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રના નિધન સાથે એક યુગ પૂરો થઈ ગયો. હિંદી ફિલ્મ સિનેમાના પહેલા હી-મેન, મેચો મેન સહિતનાં બિરૂદોથી નવાજાયેલા ધર્મેન્દ્રે શોલે સહિતની એક-એકથી ચડિયાતી જબરદસ્ત સુપરહીટ ફિલ્મો આપીને હિદી સિનેમાને લોકપ્રિય બનાવવામાં બહુ ભારે યોગદાન આપ્યું.
ધર્મેન્દ્રના માથે રાજેન્દ્ર કુમાર, રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચનની જેમ કદી સુપરસ્ટારનું છોગું ના લાગ્યું પણ સામે કદી તેમનો યુગ પણ પૂરો ના થયો. હિંદી સિનેમામાં સ્ટાર્સ આવ્યા, સુપરસ્ટાર્સ પણ આવ્યા ને જતા રહ્યા પણ ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર જ રહ્યા. હિંદી સિનેમાની સૌથી સફળ ફિલ્મ શોલે' સફળતાની રીતે ધર્મેન્દ્રની કારકિર્દીનું સર્વોચ્ચ શિખર છે પણશોલે’ની પહેલાં અને પછી પણ ધર્મેન્દ્રનો દબદબો હતો અને હંમેશાં રહ્યો.
ધર્મેન્દ્રના સમકાલીન કલાકારોમાંથી મોટા ભાગના બહુ લાંબો સમય પહેલાં જ પરવારી ગયા છે અને તેમના પછીની પેઢીના કલાકારો પણ નવરા થઈ ગયા છે. અમિતાભ બચ્ચન હજુ સક્રિય છે પણ બચ્ચને વચ્ચે લાંબો બ્રેક લઈ લીધેલો જ્યારે ધર્મેન્દ્ર નોન-સ્ટોપ સાડા છ દાયકા લગી ફિલ્મોમાં કામ કરતા રહ્યા. 1960થી 2004 સુધીનાં 45 વર્ષ સુધી તો એક પણ વર્ષ એવું નથી ગયું કે જ્યારે ધર્મેન્દ્રની બે-ત્રણ ફિલ્મો રિલીઝ ના થઈ હોય.
1980ના દાયકામાં ધર્મેન્દ્રે માર-ધાડવાળી ફિલ્મો ધડાધડ સાઈન કરવા માંડી પછી તો વરસમાં 10-10 ફિલ્મો રિલીઝ થતી ને ઘણાં વરસમાં તો 12 ફિલ્મો રિલીઝ થયેલી. મતલબ કે, દર મહિને સરેરાશ એક ફિલ્મ રિલીઝ થઈ છે. 2004 પછી ક્વોન્ટિટી ઘટી છતાં દર વરસે સરેરાશ એક ફિલ્મની બેસે એટલી ફિલ્મો તો ધર્મેન્દ્રે કરી જ છે.
ધર્મેન્દ્રે 1960માં આવેલી દિલ ભી તેરા હમ ભી તેરે’થી શરૂ કરીને 2024માં આવેલીતેરી બાતોં મે ઐસા ઉલઝા જિયા’ સુધીમાં 65 વર્ષની કારકિર્દીમાં 300થી વધારે ફિલ્મો કરી અને દિનેશ વિજાનની `ઈક્કીસ’ આવતા વરસે રિલીઝ થવાની છે એ જોતાં ધર્મેન્દ્રની હિંદી સિનેમામાં હાજરી તેમની અંતિમ વિદાય પછી પણ વર્તાશે.
ધર્મેન્દ્ર જેવો હેન્ડસમ હીરો હિંદી સિનેમાના ઈતિહાસમાં બીજો કોઈ આવ્યો નથી તેથી ધર્મેન્દ્રને હી-મેન કે મેચો મેન સહિતનાં વિશેષણો મળે તેમાં કશું ખોટું નથી. ધર્મેન્દ્ર એ જમાનાના હી-મેન હતા જ્યારે ભારતમાં જીમમાં જઈને કે પાવડરો ખાઈને બોડી બનાવવાનું ચલણ નહોતું. સિક્સ પેક કે એઈટ પેક એબ્સ જેવા શબ્દો ચલણમાં નહોતા ને પ્રેમનાથ કે સજજન જેવા અપવાદરૂપ કલાકારોને બાદ કરતાં ફિટ એક્ટર્સ જ નહોતા.
ધર્મેન્દ્ર ફિલ્મોમાં આવ્યા ત્યારે દિલીપ કુમાર, રાજકપૂર, દેવ આનંદની ત્રિપુટીના વર્ચસ્વના દિવસો પતી ગયેલા. આ ત્રિપુટીમાં દેવ આનંદ હેન્ડસમ હતા પણ રાજકપૂર કે દિલીપ કુમાર તો યુવાનીમાં પણ એકદમ તરોતાજા યુવાન નહોતા લાગતા. હિંદી ફિલ્મોમાં મમરાના કોથળા જેવા એક્ટર્સ હીરો બનતા કે જેમની ચરબી ગમે ત્યાંથી છલકાઈને બહાર આવી જતી. જે નવા હીરો આવેલા એ બધા પણ મરદાના નહોતા લાગતા.
એક તરફ પ્રદીપ કુમાર અને ભારત ભૂષણ જેવા હીરો હતા કે જે કદી યુવાન લાગતા હશે કે કેમ તેમાં જ શંકા છે ને બીજી તરફ શમ્મી કપૂર અને રાજેન્દ્ર કુમાર જેવા નવા ઊભરી રહેલા હીરો હતા કે જે પ્રદીપ કુમાર અને ભારત ભૂષણ જેવા સાવ ચોયણા છાપ નહોતા પણ મરદાના પણ નહોતા લાગતા.
ધર્મેન્દ્ર આ બધાથી અલગ હતા ને તેમને જોઈને પહેલી વાર હિંદી સિનેમાના દર્શકોને સાચા અર્થમાં હેન્ડસમ કોને કહેવાય એ વાતનો અહેસાસ થયો. સાવ મડદાલ હીરો સાથે ફિલ્મો કરતી મીનાકુમારી સહિતની એક્ટ્રેસીસને પણ આ વાતનો અહેસાસ થયો તેથી ધર્મેન્દ્ર એ જમાનાની હીરોઈનોમાં પણ છવાઈ ગયેલા. 1960ના દાયકાની શરૂઆતમાં ધર્મેન્દ્ર સાથે કામ કરીને તેમનું સાનિધ્ય પામવા હીરોઈનોમાં પડાપડી થતી.
1960ના દાયકામાં ફિલ્મી મેગેઝિનોમાં ધર્મેન્દ્રના હીરોઈનો સાથેના ગરમાગરમ રોમાન્સની ગોસિપો છપાતી ને એ વાંચવા પડાપડી થતી. હીરોઈનોમાં ગરમ ધરમ તરીકે જાણીતા થઈ ગયેલા ધર્મેન્દ્ર સાથે કામ કરનારી તમામ હીરોઈન તેમના પ્રેમમાં પડી જતી એવું કહેવાતું.
આ તો ધર્મેન્દ્રની ઈમેજની વાત કરી પણ ધર્મેન્દ્રનું હિંદી ફિલ્મોમાં યોગદાન પહેલા મરદાના હીરોથી બહુ વધારે છે. ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મોમાં ઘણી બધી રીતે ટ્રેન્ડ સેટર છે. જે જમાનામાં કહેવાતા મોટા હીરો હીરોઈન પ્રધાન ફિલ્મોમાં કામ કરવાથી દૂર ભાગતા એ જમાનામાં ધર્મેન્દ્રે આવી ફિલ્મોમાં કામ કરવાની હિંમત બતાવેલી. શર્મિલા ટાગોર સાથેની અનુપમા, નૂતન સાથેની બંદિની, મીના કુમારી સાથેની ફૂલ ઔર પથ્થર વગેરે આવી ફિલ્મો છે.
ધર્મેન્દ્ર પોતાની કારકિર્દીમાં એકદમ સફળ થઈ ગયેલા ત્યારે પણ હેમા માલિની સાથેની રઝિયા સુલતાન કરીને તેમણે આ હિંમતનાં દર્શન કરાવ્યાં જ હતાં. હિન્દી ફિલ્મોમાં અત્યારે હીરોમાં બોડી બતાવવા માટે શર્ટ કાઢીને ઊભા રહી જવાનો ટ્રેન્ડ છે ને આ ટ્રેન્ડની શરૂઆત પણ ધર્મેન્દ્રે કરી હતી. એ જમાનાના બીજા કોઈ હીરો પાસે બતાવવા જેવું બોડી જ નહોતું તેથી બધા શરમાતા પણ મીનાકુમારી સાથેની ફૂલ ઔર પથ્થરમાં શાકા બનતા ધર્મેન્દ્રએ પડદા પર શર્ટ કાઢીને સનસનાટી મચાવી દીધેલી ને સિસકારા પણ કઢાવી દીધેલા.
ધર્મેન્દ્રે કારકિર્દીની શરૂઆત રોમેન્ટિક ફિલ્મોથી કરી હતી ને 1970ના દાયકામાં ટે્રન્ડ બદલાતાં એક્શન ફિલ્મો તરફ વળ્યા પછી સુપરહીટ ફિલ્મોની વણઝાર કરી નાખી પણ એ પહેલાં ધર્મેન્દ્ર પોતાના અભિનયથી પણ સૌને પ્રભાવિત કરી ચૂક્યા હતા. સત્યકામ તો ધર્મેન્દ્રની કારકિર્દીમાં માઈલસ્ટોન જ છે પણ એ સિવાય પણ ધર્મેન્દ્રે અનેક ફિલ્મોમાં લાજવાબ અભિનય કર્યો છે.
ધર્મેન્દ્રની ઈમેજ રોમેન્ટિક હીરોમાંથી એક્શન હીરો તરીકેની બની રહી હતી ત્યારે પણ તેમણે ચૂપકે ચૂપકે, પ્રતિજ્ઞા વગેરે ફિલ્મોમાં અદભુત કોમેડી કરીને પોતાની એક્ટિંગ રેન્જનો પરચો આપેલો. હિંદી ફિલ્મોમાં સૌથી સંવેદનશીલ અને અલગ જ પ્રકારની ફિલ્મો બનાવનારા સર્જકોમાં એક નામ ઋષિકેશ મુખરજીનું છે. ઋષિદા સાથે ધર્મેન્દ્રએ અનુપમા, મંઝલી દીદી, સત્યકામ, ગુડ્ડી, ચૂપકે ચૂપકે, ચૈતાલી એમ છ ફિલ્મો કરી. ઋષિદા જેની સાથે આટલી બધી ફિલ્મોમાં કામ કરે તેની એક્ટિંગમાં દમ તો હોય ને ?
ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલાં ગીતોની વાત કરવા બેસીએ તો એક લેખ પણ નાનો પડે એટલાં અદભુત ગીતો તેમના પર ફિલ્માવાયાં છે તેથી તેની વાત નથી કરતા. યુ ટ્યુબ પર સર્ચ કરીને એ ગીતો સાંભળશો તો ધર્મેન્દ્રની સંગીત વિશેની સમજની પણ ખબર પડશે. ધર્મેન્દ્રની 65 વર્ષની કારકિર્દીને એક લેખમાં સમેટવી અઘરી છે પણ ટૂંકમાં એટલું જ કહી શકાય કે, ધર્મેન્દ્ર જેવો હીરો હિંદી સિનેમામાં કોઈ આવ્યો તો નથી જ પણ ભવિષ્યમાં આવશે પણ નહીં.

