એકસ્ટ્રા અફેર: લોર્ડ્સમાં હાર: યુવા ટીમે ભૂતકાળની ભૂલ દોહરાવી

- ભરત ભારદ્વાજ
લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં હાર પછી એજબેસ્ટનની બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી ત્યારે લાગેલું કે, શુભમન ગિલની યુવા ભારતીય ટીમ ભૂતકાળની ટીમો કરતાં અલગ ટેમ્પરામેન્ટ ધરાવે છે. લોર્ડ્સ પર રમાયેલી ત્રીજી ટેસ્ટમાં હાર પછી લાગે છે કે, આ ટીમ પાસે ટેમ્પરામેન્ટ છે પણ આ ટેમ્પરામેન્ટનો ઉપયોગ ભૂતકાળની ભૂલોને નહીં દોહરાવવા માટે કરવાની સમજ નથી.
લોર્ડ્સમાં બોલરોના જોરદાર પ્રદર્શન પછી ભારત માટે ઐતિહાસિક જીતની તક હતી પણ ભારતીય ટીમના કહેવાતા ધુરંધરોએ બેજવાબદારીભરી બેટિંગ કરીને એ તક વેડફી નાંખી. ભૂતકાળમાં ભારતીય બેટ્સમેન ધીરજથી પિચ પર ટકી રહેવાના બદલે હીરોગીરી કરવાના ચક્કરમાં આઉટ થતા. આપણે ઘણી મેચો એ રીતે હારેલા. લોર્ડ્સમાં પણ એ જ ઈતિહાસનું પુનરાવર્તન થયું ને 193 રન જેવો મામૂલી સ્કોર આપણી ટીમ ચેઝ ના કરી શકી. ઈંગ્લેન્ડના બોલરોએ અસામાન્ય બોલિંગ નથી કરી પણ આપણે સામાન્ય બેટિંગ પણ ના કરી શક્યા તેમાં હારી ગયા.
આપણા ગુજરાતી બાપુ રવિન્દ્ર જાડેજાએ 4 કલાક કરતાં વધારે સમય પિચ પર ઊભા રહીને ઈંગ્લેન્ડના બોલરોના આક્રમણને ખાળીને ક્લાસિક ઈનિંગ રમી બતાવી. બાપુએ 181 બોલમાં અણનમ 61 રન કરીને સાબિત કર્યું કે, ધીરજ અને મક્કમતા હોય તો પિચ પર ઊભા રહી શકાય છે અને રન પણ કરી શકાય છે. કમનસીબે, કે. એલ. રાહુલને બાદ કરતાં બીજો કોઈ ધુરંધર બેટ્સમેન એવો ટેમ્પરામેન્ટ ના બતાવી શક્યો. આપણા ટોપ ઓર્ડરમાંથી બીજા બે બેટ્સમેને જ બાપુ જેવો ટેમ્પરામેન્ટ બતાવ્યો હોત ને કલાક-કલાક ઊભા રહીને પચાસેક રનની એક જ સારી પાર્ટનરશિપ કરી હોત તો લોર્ડ્સ ટેસ્ટ ભારતના નામે લખાઈ ગઈ હોત.
ભારતના ટોપ ઓર્ડરમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંત ત્રણેય જબરદસ્ત ફોર્મમાં રમે છે એ જોતાં ત્રણેય પાસેથી વધારે નહીં તો વીસ-પચ્ચીસ રનની આશા તો રખાય જ. તેના બદલે ત્રણેયે મળીને 15 રન કર્યા. યશસ્વી જયસ્વાલ સાવ ખરાબ શોટ રમીને આઉટ થયો. ભારતે 193 રનનો સ્કોર જ ચેઝ કરવાનો હતો એ જોતાં કોઈ ઉતાવળ કરવાની જરૂર જ નહોતી. નવા બોલ પર પુલ શોટ મારવા જાઓ એટલે બોલ પિચની આસપાસ ઉછળી જ જાય એ વાત દરેક ઓપનિંગ બેટ્સમેન જાણતો જ હોય છે છતાં જયસ્વાલ આ શોટ રમ્યો એ તેની અપરિપક્વતા કહેવાય. જયસ્વાલ ગયો પછી ગિલ, કરૂણ નાયર અને પંતે પણ મક્કમતા બતાવી હોત તો કદાચ બીજા કોઈએ બેટિંગમાં આવવાની જરૂર જ ના પડી હોત. રાહુલ એક છેડો સાચવીને રમતો જ હતો તેથી બીજા છેડે તેને સાથ આપવાની જ જરૂર હતી.
આપણા ટોપ ઓર્ડરના બેટ્સમેન કરતાં તો સાવ પૂંછડિયા નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ વધારે દૃઢ મનોબળવાળા સાબિત થયા. રેડ્ડીએ સવા કલાક ખેંચી કાઢેલા ને 14 રન કર્યા જ્યારે જસપ્રિત બુમરાહ પૂરી 104 મિનિટ અને સિરાજ 64 મિનિટ ઊભો રહ્યો. રેડ્ડી તો ઓલરાઉન્ડર છે એટલે એ ટક્યો તેનું બહુ આશ્ર્ચર્ય નથી પણ બુમરાહ અને સિરાજે બતાવેલા ટેમ્પરામેન્ટને સલામ મારવી જોઈએ.
ભારતે 112 રનમાં 8 વિકેટ ખોઈ દીધેલી એટલે સવાસો રનમાં તો પડીકું થઈ જશે એવું લાગતું હતું પણ જાડેજા બાપુ બુમરાહ અને સિરાજની મદદથી છેક 170 રન લગી ખેંચી ગયા. લંચ પછી પતી જાય એવી લાગતી મેચ ટી બ્રેક પછી પણ ખેંચાઈ ગઈ ને એક તબક્કે તો એવું લાગવા માંડેલું કે, ભારત આ મેચ જીતી શકે છે. સિરાજ જે રીતે ડગ્યા વિના બેટિંગ કરતો હતો ને જાડેજા બાપુ ઠંડે કલેજે જામેલા હતા તેના કારણે મેચ પાછી ભારતના હાથમાં આવી ગયેલી લાગતી હતી.
કમનસીબે સિરાજ આઉટ થઈ ગયો ને તક જતી રહી. સિરાજ પાછો સારા બોલમાં આઉટ થયો નથી પણ કમનસીબીભરી રીતે નજર હટી તો દુર્ઘટના ઘટીની જેમ જરાક આઉટ થયો તેથી આ હારનો વધારે અફસોસ થાય. વધારે અફસોસ એ વાતનો થાય કે, રવિન્દ્ર જાડેજાની મહેનત પર પાણી ફરી વળ્યું. રવિન્દ્ર જાડેજા બેટિંગમાં આવ્યો ત્યારે ભારતની 5 વિકેટો 71 રનમાં જતી રહેલી ને ઈંગ્લેન્ડની ટીમ જોશમાં હતી પણ બાપુએ એકલા હાથે ઈંગ્લેન્ડના જોશ પર પાણી ફેરવી દીધું એમ કહીએ તો ચાલે.
બાપુએ સાતમા નંબરે બેટિંગમાં આવીને ટીમને ઉગારી પણ જીતાડી ગયા હોત તો એક કાયમનું સંભારણું બની ગયું હોત. બાપુને લોકો કિંગ ઓફ લોર્ડ્સ તરીકે યાદ કરત પણ જાડેજાના નસીબમાં એ જશ નહીં લખાયેલો હોય. જાડેજાએ 2019ના વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે આવી જ જબરદસ્ત ઈનિંગ રમીને ભારતને જીતના આરે લાવી દીધેલું પણ મહેન્દ્રસિંહ ધોની આઉટ થયો ને ભારત હારી ગયેલું. આ વખતે તો જાડેજાએ પોતે કોઈ ભૂલ ના કરી પણ બીજાની ભૂલોના કારણે ઈતિહાસ રચવાની તક છિનવાઈ ગઈ.
યોગાનુયોગ લોર્ડ્સ પર આપણે 14 જુલાઈએ હાર્યા ને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે આ હારને નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં ઈંગ્લેન્ડની હાર સાથે જોડીને આપણને ચીંટિયો ભરી લીધો. 13 જુલાઈ 2002ના રોજ લોર્ડ્સ મેદાન પર મોહમ્મદ કૈફ અને યુવરાજ સિંહની જાદુઈ ઇનિંગની મદદથી ભારતે ફાઈનલમાં 325 રનનો તોતિંગ સ્કોર ચેઝ કરીને ઇંગ્લેન્ડને હરાવીને નેટવેસ્ટ સિરીઝ પર કબજો જમાવ્યો હતો. એ વખતે લોર્ડ્સની બાલ્કનીમાં ઊભા રહીને ગાંગુલીએ પોતાનું ટી-શર્ટ ઉતારીને હવામાં લહેરાવીને ઈંગ્લેન્ડના એન્ડ્રુ ફ્લિનટોફને જવાબ આપ્યો હતો. ફ્લિંનટોફે 3 ફેબ્રુઆરી 2002ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતને હરાવીને પોતાનું ટી-શર્ટ કાઢીને મેદાનમાં દોડ લગાવી હતી. લોર્ડ્સની બાલ્કનીમાંથી ટી-શર્ટ લહેરાવીને ગાંગુલીએ જવાબ આપેલો.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: અમદાવાદ પ્લેન ક્રેશ, પાઇલટ્સને બલિના બકરા બનાવાશે?
બેન સ્ટોકે મેચ પત્યા પછી કહ્યું કે, પાંચમા દિવસની રમત શરૂ થઈ એ પહેલાં પોતે જોફ્રા આર્ચર સહિતના ટીમના ખેલાડીઓને આ મેચના ક્લિપિંગ બતાવીને કહેલું કે, 23 વર્ષ પહેલાં ભારતે લોર્ડ્સ પર જીત મેળવીને કરેલા જશ્નનું પુનરાવર્તન ના થવું જોઈએ. પોતાની ટીમે આ વાતને ગંભીરતાથી લઈને ભારતને ના જીતવા દીધું. ગાંગુલીએ પોતે સ્વીકારેલું કે, લોર્ડ્સમાં જીત્યા પછી ટી-શર્ટ ઉતારીને સેલિબ્રેટ કરવું યોગ્ય નહોતું પણ ફાઈનલમાં ઝહીર ખાને વિનિંગ શોટ મારતાં જ હું મારી જાતને રોકી શક્યો નહોતો.
લોર્ડ્સ પર ભારત જીત્યું હોત તો કદાચ ફરી એ જ સેલિબ્રેશન જોવા મળી શક્યું હોત.