એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: કટોકટીની ટીકા: થરૂરે કૉંગ્રેસને આયનો બતાવી દીધો…

ભરત ભારદ્વાજ

કૉંગ્રેસના સાંસદ શશિ થરૂર લાંબા સમયથી કૉંગ્રેસની નેતાગીરીને અકળાવ્યા કરે છે. કૉંગ્રેસ સંગઠનની નબળાઈઓની જાહેરમાં ચર્ચા કરવાથી માંડીને નરેન્દ્ર મોદીનાં વખાણ કરવા સહિતની પ્રવૃત્તિઓના કારણે કૉંગ્રેસનો એક વર્ગ થરૂરને કૉંગ્રેસમાંથી તગેડી મૂકવાની માગ પણ કરે છે ત્યારે થરૂરે આ માગ પ્રબળ બને એવું વધુ એક કારણ પૂરૂૂં પાડીને 1975માં ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટોની આકરી ઝાટકણી કાઢી છે.

મલયાલમ દૈનિક દીપિકામાં કટોકટી પર એક લેખમાં થરૂરે , 25 જૂન 1975થી 21 માર્ચ 1977 દરમિયાન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને ભારતના ઇતિહાસનું કાળું પ્રકરણ ગણાવીને લખ્યું છે કે, શિસ્ત અને વ્યવસ્થા માટે કરવામાં આવેલા પ્રયાસો ક્રૂરતાના કૃત્યોમાં ફેરવાઈ ગયા જેને વાજબી ઠેરવી શકાય નહીં. થરૂરે એમ પણ લખ્યું છે કે, કટોકટીને ફક્ત ભારતના ઇતિહાસના કાળા પ્રકરણ તરીકે યાદ રાખવી જોઈએ નહીં પણ કટોકટીમાંથી શીખેલા પાઠને સંપૂર્ણ રીતે સમજવા જોઈએ.

થરૂરે લખ્યું છે કે, ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ બળજબરીથી નસબંધી ઝુંબેશ ચલાવીને કટોકટી દરમિયાન અત્યાચારનું એક કુખ્યાત ઉદાહરણ પૂરું પાડ્યું. નસબંધીના મનસ્વી ટાર્ગેટને પૂરા કરવા ગરીબ લોકો પર અત્યાચારો ગુજારાયા અને ગ્રામીણ વિસ્તારોમાં હિંસા અને બળજબરીનો ઉપયોગ કરવામાં આવ્યો. નવી દિલ્હી જેવાં શહેરોમાં, ઝૂંપડપટ્ટીઓને નિર્દયતા અને ક્રૂરતાથી તોડી પાડીને હજારો લોકોને બેઘર બનાવવામાં આવ્યા અને લોકોના કલ્યાણને ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું. થરૂરે એવી ટકોર પણ કરી છે કે, લોકશાહી હળવાશથી લેવાની વસ્તુ નથી પણ કિંમતી વારસો છે કે જેને સતત સંવર્ધન અને સાચવણીની જરૂર પડે છે.

થરૂરે આખો લાંબો લેખ લખ્યો છે. આ લેખનો ટૂંક સાર એ જ છે કે, કૉંગ્રેસે કટોકટી વખતે લોકશાહીને અભરાઈ પર ચડાવી દીધી હતી અને સંજય ગાંધીએ અત્યાચારો કરવામાં કોઈ કસર નહોતી છોડી. થરૂરે લખેલી વાતો સો ટકા સાચી છે કેમ કે કટોકટી કાળમાં સંજય ગાંધી અને તેમના ચમચાઓએ બેફામ બનીને લોકશાહીના સિદ્ધાંતોની પત્તર ખાંડી દીધી હતી. સંજય સત્તાવાર રીતે કોઈ હોદ્દા પર નહોતો છતાં સુપર પ્રાઈમ મિનિસ્ટર તરીકે વર્તતો હતો. કૉંગ્રેસીઓ સંજય ગાંધીના પગોમાં આળોટી ગયા હતા અને કરોડરજજુ વિનાના બનીને વર્તતા હતા.

સંજયને સૂઝે એ તુક્કો કાયદો બની જતો ને તેના ચમચાઓને ગમે એ નિયમ બની જતો. એ વખતે ટીવી ચેનલો કે ડિજિટલ મીડિયા તો નહોતું પણ અખબારોનો અવાજ દબાવી દેવા માટે સેન્સરશિપ લાદી દેવાઈ હતી. ઈન્દિરા ગાંધી સરમુખત્યારની જેમ વર્તતાં અને જેમણે લોકશાહીનું ગળું દબાવી દેવાના પ્રયાસો સામે અવાજ ઉઠાવ્યો એ બધાંને ઉઠાવીને જેલમાં નાંખી દેવાયા હતા.

વિપક્ષી સાંસદોને જેલમાં ધકેલીને પોતાની કઠપૂતળી જેવા સાંસદોના જોરે બંધારણ બદલી દેવાયું હતું. બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર ના કરી શકાય પણ ઈન્દિરા ગાંધીએ એ પાપ પણ કરી નાંખેલું. બંધારણીય જોગવાઈઓ બદલીને અને કાયદા સુધારીને ઇન્દિરા ગાંધીની સત્તા સામે કોઈ પડકાર જ ના રહે એવી સ્થિતિ પેદા કરી દેવાઈ હતી એ જોતાં કટોકટી કાળને દેશના ઈતિહાસનું સૌથી કલંકિત પ્રકરણ ગણવામાં જરાય અતિશયોક્તિ નથી.

આઝાદ ભારતના ઈતિહાસના સૌથી કલંકિત પ્રકરણ એવી કટોકટીને 50 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે લખેલા લેખમાં થરૂરે કૉંગ્રેસને ઈતિહાસની કડવી વાસ્તવિકતાનો આયનો બતાવી દીધો એ ઘણા નેતાઓને ગમ્યું નથી. થરૂરને કૉંગ્રેસમાં કાઢી મૂકવાનો ગણગણાટ પાછો શરૂ થયો છે પણ કૉંગ્રેસની નેતાગીરીની તકલીફ એ છે કે, થરૂરને કમ સે કમ આ મુદ્દે તગેડી શકે તેમ નથી. કટોકટીનો ઈતિહાસ ખુલ્લી કિતાબ છે. ઈન્દિરા ગાંધીએ કરેલું મહાપાપ અને સંજય ગાંધીના અત્યાચારોની વાતો અડધી સદી જ જૂની છે તેથી તેને નકારી શકાય એમ નથી.

સંજયના અત્યાચારોના કારણે કૉંગ્રેસ પોતે જ એટલો અપરાધભાવ અનુભવે છે કે, સંજય ગાંધીનું નામ પણ લેતી નથી. સંજય ગાંધી એક સમયે ઈન્દિરા ગાંધીના રાજકીય વારસ ગણાતા હતા, પણ કૉંગ્રેસે તેમને કોરાણે મૂકી દીધા છે. કૉંગ્રેસ પોતે સાવ વખારમાં નાંખી દીધેલા ઘણા નેતાઓને વચ્ચે વચ્ચે યાદ કરી લે છે, પણ સંજયનું નામ પણ લેતી નથી. તેનું કારણ એ જ છે કે, સંજયને યાદ કરાય એ સાથે જ કટોકટીની કલંકિત કથા પણ યાદ આવે તેથી કૉંગ્રેસે સંજયના નામનું નાહી નાંખીને તેને બાજુ પર જ મૂકી દીધો છે. કટોકટીની વાત કરતાં પણ કૉંગ્રેસ ખચકાય છે તેથી તેની ટીકા કરનારા થરૂરને કાઢવા જાય તો કૉંગ્રેસ કટોકટીનો બચાવ કરે છે એવું ચિત્ર ઉભું થાય. તેના કારણે ભાજપને મોટો મુદ્દો મળી જાય એટલે થરૂરને કટોકટીની ટીકા કરવા બદલ કાઢી મૂકાય એવી શક્યતા નથી.

થરૂરને કૉંગ્રેસ કાઢી ના શકે એ માટે બીજું કારણ પણ છે. થરૂરે આ લેખથી અલગ પોતાના સોશિયલ મીડિયા પર એક સર્વે પણ મૂક્યો છે. આ સર્વે પ્રમાણે 2026માં યોજાનારી કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ની ભવ્ય જીત થશે જ્યારે હાલના મુખ્યમંત્રી પિનારાયી વિજયનના નેતૃત્વ હેઠળના ડાબેરી મોરચાને કારમી પછડાટ મળશે. સર્વેમાં યુડીએફના મુખ્યમંત્રીપદના દાવેદારોમાં શશિ થરૂૂર સૌથી આગળ છે. લગભગ 28 ટકા મતદારોએ થરૂર પર કળશ ઢોળ્યો છે. આ સર્વેની વિગતો સોશિયલ મીડિયામાં મૂકીને થરૂરે કૉંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે પોતાનો દાવો રજૂ કરી દીધો છે તેમાં શંકા નથી.

થરૂરે કટોકટી વિરોધી લેખ અને આ સર્વે દ્વારા કૉંગ્રેસ નેતૃત્વ સાથે આરપારની લડાઈ લડવાનું નક્કી કરી લીધું હોય એવું લાગે છે. થરૂરે સંકેત આપ્યો છે કે, મારી લાયકાતની કદર કરો નહિંતર આ પ્રકારની પરિસ્થિતી માટે તૈયાર રહો. થરૂર ચાર ટર્મથી થિરૂવનંથપુરમ બેઠક પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાય છે. કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે અને બુધ્ધિશાળી તથા અભ્યાસુ વ્યક્તિ તરીકેની પોતાની છાપ ધરાવે છે. થરૂરની લાયકાતો વિશે ઘણું લખી શકાય તેમ છે ને એ મુખ્યમંત્રી બનવાને લાયક છે તેમાં બેમત નથી. કેરળ દેશનું સૌથી શિક્ષિત રાજ્ય છે એ જોતાં થરૂર જેવા ઉચ્ચ શિક્ષિતને કૉંગ્રેસ પોતાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવે તો તેની અસર પણ પડે તેથી થરૂરના દાવો ખોટો નથી. આ દાવો સ્વીકારવાના બદલે કૉંગ્રેસ તેમને તગેડી મૂકે તો લોકો કૉંગ્રેસની નેતાગીરી સામે સવાલ કરવા માંડે એ જોતાં કૉંગ્રેસ હાલના તબક્કે થરૂરને કાઢવાનું જોખમ લે એ વાતમાં માલ નથી.

આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : ભાજપની નેતાગીરીને હિંદીનું વળગણ કેમ છે ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button