એકસ્ટ્રા અફેરઃ ચીન કેમ અમેરિકાને ગણકારતું જ નથી?
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ચીન કેમ અમેરિકાને ગણકારતું જ નથી?

ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરીને ફરી એક વાર પોતાનું સનકીપણું અને સ્વાર્થીપણું સાબિત કર્યુ છે. પહેલાં જ ચીનથી આયાત થતી ચીજો પર 30 ટકા ટૅરિફ લાદેલો જ છે. આ વધારાના 100 ટકા ટૅરિફના કારણે કુલ ટૅરિફ 130 ટકા થઈ જશે અને નવા ટૅરિફ 1 નવેમ્બરથી લાગુ થઈ જશે.

ટ્રમ્પ લાંબા સમયથી ચીનમાંથી અમેરિકન કંપનીઓને રેર અર્થ મિનરલ્સ એટલે કે દુર્લભ ખનિજોનો જથ્થો મળ્યા કરે એ માટે લટૂડાં પટૂડાં કર્યા કરતા હતા. ટ્રમ્પે થૂંકેલું ચાટીને ચીન પરના ટૅરિફ પણ ઘટાડી દીધેલા, પણ ચીને મચક ના આપી એટલે ટ્રમ્પે 100 ટકાનો તોતિંગ ટૅરિફ વધારો ઝીંકી દીધો.

ટ્રમ્પના સનકીપણા અને સ્વાર્થીપણાની સાથે સાથે ચીનના મિજાજની વાત પણ કરવી જોઈએ કેમ કે ચીને પણ દુનિયાના નવા સુપર પાવર તરીકેનો મિજાજ બતાવ્યો છે. ટ્રમ્પ દુર્લભ ખનિજો માટે રીતસર ચીનના પગમાં આળોટી ગયા હતા. ટ્રમ્પે ચીનનું નાક દબાવવા પહેલાં 145 ટકા ટૅરિફ લાદી દીધેલી, પણ ચીને ભાવ ના આપતાં સાવ પાણીમાં બેસીને ટૅરિફ સાવ 30 ટકા કરીને ચીન તરફ દોસ્તીનો હાથ લંબાવેલો, પણ ચીને ટ્રમ્પનો દોસ્તીનો હાથ ઠુકરાવીને સાબિત કર્યું છે કે, અમેરિકા હોય કે બીજો કોઈ દેશ હોય, તેને કોઈની પરવા નથી. ચીન પોતાની શરતે જ ધંધો કરે છે અને દોસ્તી પણ કરે છે, જેને આ શરતો માનવી હોય એ સામેથી આવે, બાકી જાય તેલ લેવા.

ટ્રમ્પે ચીનના માલ પર વધારાનો 100 ટેરિફ લાદવાની જાહેરાત કરી એ પાછળનું કારણ રેર અર્થ મિનરલ્સ એટલે કે દુર્લભ ખનિજો પરના ચીનનાં નવાં નિયંત્રણો છે. ચીને આ વર્ષમાં માર્ચમાં સાત દુર્લભ ખનિજોની ચીનમાંથી નિકાસ પર નિયંત્રણો મૂકેલાં ને હમણાં નવ ઑક્ટોબરે હોલ્મિયમ, એર્બિયમ, થુલિયમ, યુરોપિયમ અને યટરબિયમ એમ બીજી પાંચ દુર્લભ ખનિજોની નિકાસ પર નિયંત્રણો ઠોકી દીધાં.

અમેરિકા માટે દુર્લભ ખનિજો મહત્ત્વની છે કેમ કે સેમિક્ધડક્ટર્સ, ફાઇટર જેટ્સ સહિતનાં આધુનિક વોરફેર્સ અને બીજી તમામ અદ્યતન ટૅકનોલૉજી માટે દુર્લભ ખનિજો અનિવાર્ય છે. અમેરિકન ઓટોમોબાઈલ્સથી ઈલેક્ટ્રોનિક્સ અને આર્મી ઈક્વિકમેન્ટ્સથી માંડીને આઈટી સુધીના ધિકતી કમાણી કરાવી આપતા બધા ધંધા દુર્લભ ખનિજો પર ટકેલા છે તેથી ચીને અમેરિકાને આર્થિક રીતે તો મોટો ફટકો માર્યો જ પણ ટ્રમ્પને વધારે એ વાતે લાગી આવ્યું કે, ચીનના પ્રમુખ જિનપિંગને પોતે મળે એ પહેલાં જ ચીને આ જાહેરાત કરી નાખી.

જિનપિંગને મનાવવા માટે ટ્રમ્પ આ મહિનાના અંતમાં મળવાના હતા. સામાન્ય રીતે બે દેશના વડા મળે એ પહેલાં બંને એકબીજાને સારું લગાડવા માટે પરસ્પર ફાયદાકારક જાહેરાતો કરતા હોય છે. જિનપિંગે એવું કરવાના બદલે ટ્રમ્પને બૂચ વાગી જાય એવી જાહેરાત કરી નાખી. ચીને 12 ખનિજની નિકાસ માટે તો લાયસંસ ફરજિયાત કર્યાં જ પણ દુર્લભ ખનિજોની પ્રોસેસ માટેની ટૅકનોલૉજી બહાર મોકલવા પર પણ પ્રતિબંધ લાદી દીધો.

જિનપિંગની જાહેરાતે ટ્રમ્પને આખી દુનિયાની નજરમાં હાસ્યાસ્પદ બનાવી દીધા. ચીનના પ્રહાર સામે ટ્રમ્પ કશું કરી શકે તેમ નહોતા એટલે ખિસિયાની બિલ્લી ખંભા નોંચે એ હિસાબે ટ્રમ્પે ટૅરિફ લાદવાની જાહેરાત કરી નાખી.
ચીનને તેનાથી ફરક પડતો નથી કેમ કે ટ્રમ્પે 145 ટકા ટૅરિફ લાદ્યા ત્યારે પણ ચીનાઓનું રૂવાડું ફરક્યું નહોતું. ટ્રમ્પ હજુ 145 ટકા પર તો પહોંચ્યા પણ નથી એ જોતાં ચીનના પેટનું પાણીય નહીં હાલે. ટ્રમ્પ હજુ વધારે ટેરિફ લાદી શકે પણ ચીન તેનો એવો જ જવાબ આપશે.

ટ્રમ્પે પહેલાં 145 ટકા ટૅરિફ લાદ્યા ત્યારે ચીને પણ ઈંટનો જવાબ પથ્થરથી આપીને અમેરિકાના માલ પર એટલા જ ટૅરિફની જાહેરાત કરેલી. અત્યારે પણ ચીન વળતો પ્રહાર કરીને અમેરિકાના માલ પર ટૅરિફ લાદશે જ. ટ્રમ્પ નાક બચાવવા નવા ટૅરિફ લાદશે ને સામે ચીન પણ એ જ કરશે તેથી આ જંગ હવે લાંબો ચાલશે.

ચીન અને અમેરિકાના આ જંગમાં આપણે ચીન પાસેથી ઘણું શીખવાની જરૂર છે. અમેરિકાએ ટેરિફ લાદ્યા પછી આપણે સ્વદેશીની પિપૂડી વગાડ્યા કરીએ છીએ, પણ આપણી પાસે સ્વદેશીના નામે કશું નથી તેથી હજુય અમેરિકા સહિતના દેશોના માલ પર નિર્ભર છીએ. તેના કારણે આપણે ત્યાં સ્વદેશી વાતો સિવાય ક્યાંય દેખાતી નથી.

આપણે અમેરિકા સામે તો હરફ પણ ઉચ્ચારી શકતા નથી ત્યારે ચીન કોઈ ફડાકા મારવાના બદલે કે વાતો કરવાના અમેરિકા સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરે છે. આપણે અમેરિકા જેવા દેશને પણ ચીન ગણકારતું નથી ને રીતસરની દાદાગીરી કેમ કરી શકે છે એ સમજવાની પણ જરૂર છે.

ચીનની દાદાગીરી પાછળનું કારણ વરસોની મહેનત છે. વિશ્વમાં કુલ 17 ખનિજો દુર્લભ મનાય છે અને દુર્લભ ખનિજો પર ચીનનું નિયંત્રણ છે. વિશ્વના દુર્લભ ખનિજોના જથ્થામાંથી 70 ટકા ચીન પાસે છે અને આ દુર્લભ ખનિજોને પ્રોસેસ કરીને તેમનો ઉદ્યોગોમાં ઉપયોગ કરવાની પ્રક્રિયામાં 90 ટકા પર ચીનનું નિયંત્રણ છે. અમેરિકા સહિતના દેશો પણ જે નથી કરી શકતા એ ચીન કરી શકે છે તેનું કારણ ચીનની નેતાગીરીનું વિઝન છે.

અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે અણુ બૉમ્બ બનાવવા માટેનો મેનહટ્ટન પ્રોજેક્ટ હાથ ધર્યો ત્યારે દુનિયાનાં લોકોને દુર્લભ ખનિજોનું મહત્ત્વ સમજાયું. આ દુર્લભ ખનિજોના જોરે દુનિયા પર રાજ કરી શકાય છે એ અમેરિકાએ સાબિત કર્યું.

ચીન એ વખતે પછાત હતું, પણ 1980ના દાયકામાં ચીનના પ્રીમિયર ડેંગ ઝિયાઓપિંગે ચીનના ઔદ્યોગિકીકરણની પ્રક્રિયા હાથ ધરી ત્યારે આ દુર્લભ ખનિજો પોતાને ત્યાં ક્યાં મળે એ માટેનાં મિશન હાથ ધરેલાં. એ જમાનામાં કોમ્પ્યુટર્સ અને આઈટી આવી ગયેલાં તેથી દુર્લભ ખનિજોનો વ્યાપ વધ્યો. ચીન સમજી ગયેલું કે, તેના પર પોતાનો કબજો હશે તો દુનિયા પર રાજ કરી શકાશે ને અત્યારે એ જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

આપણી કમનસીબી છે કે, આપણા નેતાઓને કઈ જમીન ખોદવાથી દુર્લભ ખનિજો મળશે તેના કરતાં કઈ મસ્જિદ ખોદવાથી મંદિર મળશે તેમાં વધારે રસ છે. આપણા યુવાઓને પણ આપણા રિસોર્સિસનો ઉપયોગ કરીને દેશને કઈ રીતે પ્રગતિ કરાવવી તેનું સંશોધન કરવાના બદલે મોતીલાલ નહેરૂ મુસ્લિમ હતા કે નહીં ને જવાહલાલ નહેરૂને કેટલાં લફરાં હતાં એ શોધવામાં વધારે રસ પડે છે.
આ રસ ના બદલાય ત્યાં સુધી આપણે ચીન જેવી દાદાગીરી ના કરી શકીએ.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ અમેરિકામાં શટડાઉન, ટ્રમ્પ જીદે ચડે તો અમેરિકનોની હાલત બગડી જાય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button