એકસ્ટ્રા અફેરઃ જનરલ નારવણેના પુસ્તકને મંજૂરી નહીં આપવાનો કેન્દ્રને અધિકાર | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ જનરલ નારવણેના પુસ્તકને મંજૂરી નહીં આપવાનો કેન્દ્રને અધિકાર

ભરત ભારદ્વાજ

ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ મનોજ મુકુંદ નારવણેએ લશ્રી વડા તરીકેના કાર્યકાળ દરમિયાન લખેલા પુસ્તકનો મુદ્દો ફરી ચર્ચામાં છે. જનરલ નારવણે 2022માં લશ્કરી વડા તરીકે નિવૃત્ત થયા હતા. એ દરમિયાન તેમણે આર્મી ચીફની સાથે સાથે એક્ટિંગ ચેરમેન ઓફ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી તરીકે પણ ફરજ બજાવી હતી. આ બેવડી ભૂમિકાના તેમના અનુભવો પર લખેલું તેમનું પુસ્તક સંરક્ષણ મંત્રાલયની મંજૂરીના અભાવે અટવાયું છે.

એકાદ વર્ષ પહેલાં તેમના પબ્લિશરે પુસ્તક તૈયાર કરીને સંરક્ષણ મંત્રાલયને મોકલી આપેલું પણ પુસ્તકની સમીક્ષા ચાલી રહી છે એ બહાને મંજૂરી નથી અપાઈ. હમણાં જનરલ નારવણે એક પુસ્તક મેળામાં ગયેલા ત્યારે આ અંગે સવાલ પુછાતાં તેમણે બહુ સહજતાથી જવાબ આપ્યો કે, મારું કામ પુસ્તક લખવાનું હતું ને પ્રકાશકે સંરક્ષણ મંત્રાલયની મંજૂરી મેળવવાની હતી. મારું કામ મેં પતાવી દીધું છે ને હવે ક્યારે પુસ્તક પ્રસિદ્ધ થાય છે તેનો આધાર સંરક્ષણ મંત્રાલયની મંજૂરી પર છે.

જનરલ નારવણેનો જવાબ યોગ્ય છે પણ આ મુદ્દો દેશ માટે મહત્ત્વનો છે કેમ કે જનરલ નારવણે લશ્કરી વડા તરીકે અત્યંત આક્રમક હતા અને ચીન તથા પાકિસ્તાન અંગેના તેમના વિચારો સરકારને માફક આવે એવા નહોતા. જનરલ નારવણે લશ્કરી પગલાં દ્વારા પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું લેવું જોઈએ એવો મત ધરાવતા હતા.

સાથે સાથે એવો મત પણ ધરાવતા કે, આપણા શાસકોની નબળાઈના કારણે આપણે પીઓકે પાછું ના મેળવી શક્યા, બાકી આર્મી તો ઈશારો કરે એટલે ધડબડાટી બોલાવીને પીઓકે પાછું લેવા ટાંપીને જ બેઠું છે. જનરલ નારવણે ચીનને પણ ભારતનો મોટો દુશ્મન માનતા અને ભવિષ્યમાં ચીન ભારત માટે મોટો ખતરો બનશે એવું સ્પષ્ટ માનતા.

જનરલ બિપીન રાવત 2019માં લશ્કરી વડા તરીકે નિવૃત્ત થઈને દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) બન્યા પછી તેમના સ્થાને જનરલ મનોજ મુકુંદ નારવણે લશ્કરી વડા બન્યા હતા. જનરલ નારવણેએ નવા લશ્કરી વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો પછી પહેલી વાર મીડિયા સાથે વાત કરી ત્યારે ચીન અંગે આપણને સાફ શબ્દોમાં ચેતવેલા.

જનરલ નારવણેએ કહેલું કે, આપણે દેશના પશ્ચિમ મોરચે બહુ ધ્યાન આપીએ છીએ પણ ઉત્તરના મોરચે પણ એટલું જ ધ્યાન આપવાની જરૂર છે. આપણી પશ્ચિમ સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર એ રાજ્યો પશ્ચિમ મોરચે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલાં છે. તેથી પાકિસ્તાન સાથેની અંકુશરેખા પણ પશ્ચિમ આ મોરચે છે. ઉત્તર મોરચે નેપાળ, ભુતાન, તિબેટ, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશો સાથેની સરહદ છે પણ તેમાં મુખ્ય ચીન છે.

જનરલ નારવણેએ ચીનનો ઉલ્લેખ નહોતો કર્યો પણ તેમની વાત ચીનના સંદર્ભમાં જ હતી. જનરલ નારવણેએ સાનમાં કહી દીધેલું કે, આપણે પાકિસ્તાનની સરહદની ચિંતા કર્યા કરીએ છીએ, પાકિસ્તાન તરફથી વધારે ખતરો છે એવું માન્યા કરીએ છીએ પણ વાસ્તવમાં ચીન તરફથી વધારે ખતરો છે. પાકિસ્તાન આપણને વધારે સળીઓ કરે છે તેથી આપણે તેને મોટો દુશ્મન માનીએ છીએ પણ ચીન તેના કરતાં મોટો દુશ્મન છે અને વધારે ખતરનાક પણ હોવાથી તેને અવગણવો ના જોઈએ. ચીન ગમે ત્યારે ગમે તે કરી શકે તે જોતાં ઉત્તર મોરચે આપણે વધારે સતર્ક રહેવું જોઈએ એવો સ્પષ્ટ સંકેત જનરલે આપ્યો હતો.

આ વાતના અઠવાડિયાં પછી જનરલ નારવણેએ પત્રકાર પરિષદ સંબોધી તેમાં કહેલું કે, વર્ષો પહેલાં આપણી સંસદે ઠરાવ પસાર કરેલો કે, સમગ્ર કાશ્મીર ભારતનું છે તેથી કિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પણ ભારતનું જ છે. ભારતની સંસદ ઈચ્છતી હોય કે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પણ ભારત સાથે આવી જાય તો અમને એ પ્રકારના આદેશ આપવા પડે. આ પ્રકારનો આદેશ અમને મળશે તો અમે ચોક્કસ કાર્યવાહી કરીશું.

જનરલ નારવણેએ 2020માં આર્મી ડેની ઉજવણી વખતે પીઓકે પાછું લેવા માટે આર્મી તૈયાર હોવાનો હુંકાર પણ કરેલો. જનરલ મનોજ મુકુંદ નારવણેએ સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે, ભારતીય લશ્કર આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે ને જે લોકો આતંકવાદને પોષે છે એ લોકો યાદ રાખે કે, ભારતીય લશ્કર પાસે આતંકવાદનો સામનો કરવાના બીજા પણ ઘણા વિકલ્પો છે. આ વિકલ્પો અજમાવતાં અમને જરાય ખચકાટ નહીં થાય ને ભારતીય લશ્કર ભવિષ્યમાં કોઈ પણ જંગ લડવા માટે તૈયાર છે.

જનરલે પાકિસ્તાનને ચીમકી જ આપી હતી કે, ભારતીય લશ્કર હવે પાકિસ્તાન કોઈ સળી કરે તેની રાહ જોતું બેસી રહેશે એવા ભ્રમમાં ના રહે. જનરલ નારવણે એ સીધેસીધી પીઓકે પર ચડાઈ કરવાની વાત નહોતી કરી ના કરી શકે પણ આડકતરી રીતે કહી જ દીધું છે કે, પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે તો ભારતીય લશ્કરે પીઓકેમાં ઘૂસીને તેને કબજે કરવાનો વિકલ્પ પણ અજમાવવો પડશે.

જનરલ નારવણેએ આ વાતો જાહેરમાં કરી હતી અને વારંવાર પીઓકેનો મુદ્દો છેડીને સ્પષ્ટ કરેલું કે, ભારતીય લશ્કર પીઓકેમાં ઘૂસીને પાકિસ્તાની લશ્કરને ખદેડીને ત્યાં ભારતનો ઝંડો ફરકાવવા માગે છે. પીઓકે ભારતનું જ છે પણ ભારતનો તેના પર કબજો નથી. આ કારણે ભારતીય લશ્કર અકળાય છે. ભારતીય લશ્કરની ધીરજ ખૂટી રહી છે ને આપણું લશ્કર પીઓકે પર કબજો કરીને આતંકવાદ તથા પાકિસ્તાનની કનડગતની સમસ્યાનો કાયમી નિવેડો લાવી દેવા માગે છે.

જનરલે સરકાર સાથેની બેઠકમાં પણ ચીનના ખતરા અને પીઓકે કબજે કરવા લશ્કરી કાર્યવાહી કરવા સહિતના વિચારો મૂક્યા હોઈ શકે પણ કેન્દ્ર સરકાર તેના માટે તૈયાર ના થઈ હોય એ શક્ય છે. નારવણે એ વખતે લશ્કરી વડા હતા તેથી જાહેરમાં તેની ચર્ચા ના કરી હોય પણ અત્યારે પુસ્તકમાં એ વાતોનો ઉલ્લેખ કર્યો હોય એવી પ્રબળ શક્યતા છે. આ વાતોના કારણે સરકારની ઈમેજને નુકસાન થાય એવો ખતરો હોવાથી મોદી સરકાર પુસ્તકને પરવાનગી ના આપતી હોય એવું માની શકાય.

અલબત્ત કેન્દ્ર સરકાર એ વાતો બહાર ના આવવા દેવા માગતી હોય તો એ તેનો અધિકાર છે. આ મુદ્દો માત્ર સરકારની ઈમેજનો નથી પણ દેશની સુરક્ષાને લગતો પણ છે. સાથે સાથે બીજા દેશો સાથેના સંબંધોને લગતો પણ છે તેથી અત્યંત સંવેદનશીલ છે.

સરકાર સંવેદનશીલ મુદ્દાઓ છેડાય ને નવી બબાલ ના થાય એ માટે જનરલ નારવણેના પુસ્તકને પ્રસિદ્ધ ના થવા દેતી હોય તો તેમાં કશું ખોટું નથી. દેશનાં હિતો જાળવવાં એ સરકારની મુખ્ય ફરજ છે ને એ ફરજ બજાવવા માટે કોઈ પુસ્તકનું પ્રકાશન રોકવાનો તેને અધિકાર છે જ. જનરલ નારવણે પણ આ વાત સમજે જ છે તેથી તેમણે કોઈ વિવાદ ઊભો ન થાય તેની કાળજી રાખીને સરકાર જે નક્કી કરે એ શિરોમાન્ય એવું વલણ અપનાવ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button