યુવતીએ દારૂ પીધો એટલે તેના પર રેપ કરી શકાય?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
અલ્લાહાબાદ હાઈકોર્ટે એક સગીર છોકરી પર બળાત્કારના પ્રયાસ મુદ્દે આપેલા ચુકાદાનો આઘાત શમ્યો નથી ત્યાં બળાત્કારના જ એક કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના જ જજે કરેલી ટિપ્પણીઓના કારણે ફરી વિવાદ થઈ ગયો છે. નોઈડામાં 21 વર્ષની એક વિદ્યાર્થિનીએ નોંધાવેલી બળાત્કારની ફરિયાદના સંદર્ભમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ સંજય કુમાર સિંહે એવી આઘાતજનક કોમેન્ટ કરી કે, બળાત્કાર પીડિતા દ્વારા કરવામાં આવેલા આરોપોને સાચા માનવામાં આવે તો પણ ઘટનાક્રમ પરથી એવું અનુમાન કાઢી શકાય છે કે વિદ્યાર્થિનીએ પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું અને યુવતી પોતે બળાત્કાર માટે જવાબદાર છે. અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે આ કોમેન્ટ સાથે રેપના આરોપીને જામીન પણ આપી દીધા.
અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહની કોમેન્ટ શરમજનક છે અને તેને સમજવા માટે આખો ઘટનાક્રમ સમજવો જરૂરી છે. બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ 21 સપ્ટેમ્બર 2024ના રોજ સેક્ટર 126 પોલીસ સ્ટેશનમાં નિશ્ચલ ચાંડક નામના યુવકે પોતાની પર બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થિની નોઈડાના સેક્ટર 126માં પેઇંગ ગેસ્ટ તરીકે રહીને ગૌતમ બુદ્ધનગરની એક યુનિવર્સિટીમાં એમએમાં ભણે છે. યુવતીની ફરિયાદ પ્રમાણે, 21 સપ્ટેમ્બર, 2024ની રાત્રે પોતાના પાંચ ફ્રેન્ડ્સ સાથે દિલ્હી ફરવા ગઈ હતી. યુવતીનાં ફ્રેન્ડ્સમાં બે છોકરી અને ત્રણ છોકરા હતા કે જેમાંથી એક નિશ્ચલ ચાંડક પણ હતો.
બધાં યંગ હતાં તેથી હૌઝ ખાસમાં પાર્ટી કરી અને દારૂ પણ પીધો. બધાં દારૂના નશામાં ચૂર થઈ ગયાં હતાં. રાત્રે 3 વાગ્યે પાર્ટી પતી પછી પીડિતા વિદ્યાર્થિની પોતાના સંબંધીના ઘરે જવા માગતી હતી. નિશ્ચલ તેને પોતે છોડી દેશે એવું કહ્યું પણ યુવતી તેની સાથે જવા તૈયાર નહોતી. વારંવારની વિનંતી પછી વિદ્યાર્થિની નિશ્ચલ સાથે જવા માટે નીકળી.
પીડિત વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, નિશ્ચલે તેને રસ્તામાં અયોગ્ય રીતે વારંવાર સ્પર્શ કર્યો અને વિદ્યાર્થિનીને નોઈડાના સંબંધીના ઘરે લઈ જવાના બદલે હરિયાણાના ગુગ્રામમાં પોતાના એક સંબંધીના ફ્લેટમાં લઈ ગયો, આ ફ્લેટમાં નિશ્ચલે તેના પર બે વાર બળાત્કાર ગુજાર્યો. યુવતીએ બીજા જ દિવસે નિશ્ચલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધ્યા પછી યુવતીની મેડિકલ તપાસ પણ કરાવી હતી પણ આરોપી નિશ્ચલ ચાંડકની લગભગ 3 મહિના પછી 11 ડિસેમ્બર, 2024ના રોજ ધરપકડ કરી.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઓટો સેક્ટર પર ટેરિફ, ટ્રમ્પ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં…
આ ઘટનામાં સૌથી પહેલાં પોલીસ શંકાના દાયરામાં છે કેમ કે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ ના કરી. યુવતીએ વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા પછી પોલીસે નિશ્ચલની પૂછપરછ કરી તેમાં તેણે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનું સ્વીકાર્યું પણ સંમતિથી સેક્સ સંબંધ બંધાયા હોવાનો દાવો કર્યો. ચાંડકે એવો દાવો કર્યો કે, યુવતી તેની સાથે તેના ઘરે આરામ કરવા જવા માટે સંમત થઈ હતી. યુવતીને પોતે કોઈ સંબંધીના ફ્લેટમાં લઈ ગયો હતો અને બે વાર બળાત્કાર કર્યો હતો એ વાત પણ ખોટી છે, બલ્કે બળાત્કાર જ થયો નથી, પરંતુ સંમતિથી સંબંધો બંધાયા હતા. પોલીસ ગમે તે કારણોસર આ દાવાને સાચો માનીને ચાંડકની ધરપકડ ટાળતી રહી.
પોલીસને કદાચ એમ હશે કે યુવતી થાકીને આવતી બંધ થઈ જશે પણ એવું ના થયું. તેના બદલે યુવતી આવતી રહી તેથી છેવટે ચાંડકની ધરપકડ કરી. ધરપકડ પછી યુવકે નીચલી કોર્ટમાં જામીન અરજી કરેલી પણ ત્યાં જામીન ના મળ્યા એટલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી. હાઈકોર્ટમાં પણ આરોપીએ સંમતિથી સેક્સ થયું હોવાની રેકર્ડ વગાડી અને જસ્ટિસ સંજય કુમાર સિંહે તેની વાત સ્વીકારીને બળાત્કારના આરોપીને જામીન આપી દીધા. જજે એમ પણ કહ્યું કે, બંનેની સંમતિથી સેક્સ સંબંધ બંધાયા હોવાનું સાબિત થાય છે તેથી જામીન મળે છે. જસ્ટિસ સંજય કુમાર સિંહ સાહેબે સંમતિથી સેક્સ સંબંધ બંધાયા હોવાનું તારણ કઈ રીતે કાઢ્યું એ પણ આઘાતજનક છે. જજ સાહેબના કહેવા પ્રમાણે, મેડિકલ તપાસમાં યુવતીનું હાઇમન એટલે કે યોનિપટલ તૂટેલું જોવા મળ્યું છે પણ ડોક્ટરે જાતીય હિંસા થઈ હોવાનું કહ્યું નથી.
હાઈકોર્ટના એક જજ આવી વાત કરે એ આપણી અદાલતોનું સ્તર કેવું છે તેના પુરાવારૂપ છે. આખી દુનિયામાં સ્વીકારાયું છે કે, બળાત્કાર વખતે પીડિતાને ઈજા થાય જ એ જરૂરી છે. બળાત્કારનો મતલબ સંમતિ વિના બળજબરીથી બંધાયેલા શરીર સંબંધ છે અને આ બળજબરી શારીરિક જ હોય એ જરૂરી નથી. કોઈ મહિલાને ડરાવીને, ધમકાવીને શરીર સંબંધ બાંધવાની ફરજ પાડો એ પણ બળાત્કાર જ છે. આ સંજોગોમાં જાતિય હુમલો થયાનાં કોઈ ચિહ્ન ના હોય. યુવતીને ડ્રગ્સ આપીને કે નશાની હાલતમાં શરીર સંબંધ બાંધો તો પણ ઈજાનાં નિશાન ના હોય તેથી જાતિય હુમલાનાં કોઈ ચિહ્ન ના મળે પણ એ રેપ જ ગણાય.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાણા સાંગા મહાન હતા, છે અને રહેશે રામજીલાલના બકવાસથી શું ફરક પડે છે?
જસ્ટિસ સંજય કુમાર સિંહે કરેલી કોમેન્ટ તો તેના કરતાં પણ વધારે આઘાતજનક છે અને આપણે ત્યાં ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોની માનસિકતા પણ અત્યંત પછાત છે એ સાબિત કરે છે. જજ સાહેબના કહેવા પ્રમાણે, યુવતીના આક્ષેપ સાચા હોય તો પણ તેણે પોતે જ પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી હતી તેથી બળાત્કાર માટે એ જ જવાબદાર ગણાય.
યુવતીએ પોતાની જાતને કઈ રીતે મુશ્કેલીમાં મૂકી ? પોતે ઓળખતી હતી એવા યુવક પર વિશ્વાસ મૂકીને? કે મોડી રાત સુધી બારમાં પાર્ટી કરીને દારૂ પીને ? જજ સાહેબની વાતનો અર્થ એ થાય કે, કોઈ યુવતીને પાર્ટી કરવાનો કે પોતાના ફ્રેન્ડ્સ સાથે ને ખાસ તો યુવકો સાથે પાર્ટી કરવાનો કોઈ અધિકાર નથી. આ યુવતીએ પાર્ટી ના કરી હોત તો મુશ્કેલીમાં ના મુકાઈ હોત. ચાંડકે યુવતીને તેના સંબંધીના ઘરે મૂકી જવાનું કહીને બીજે લઈ જઈને વિશ્વાસઘાત કર્યો એ મહત્ત્વનું નથી પણ યુવતીએ દારૂ પીધો એ ભૂલ કહેવાય.
આ માનસિકતા આઘાતજનક કહેવાયને તેમાં પણ હાઈકોર્ટના એક જજ આવી માનસિતા બતાવે ત્યારે તો વધારે આઘાતજનક કહેવાય. ચાંડક અને યુવતી વચ્ચે સંમતિથી શરીર સંબંધ બંધાયા હોય એ શક્ય છે પણ તેના માટેના પુરાવા ધ્યાનમાં લેવાવા જોઈએ. તેના બદલે હાઈકોર્ટના જજ યુવતીના વર્તનના આધારે તેના પર થયેલા બળાત્કારને આધારે બળાત્કારને યોગ્ય ઠેરવે એ પછાતપણાની નિશાની છે. આ દેશના ન્યાયતંત્રમાં આવી પછાત માનસિકતા ધરાવતા લોકો કઈ રીતે આવી ગયા?