એકસ્ટ્રા અફેરઃ આસારામ આશ્રમ પર બુલડોઝર, આ ગુજરાત મોડલ પ્રશંસનીય…

ભરત ભારદ્વાજ
એક 16 વર્ષની હિંદુ દીકરી પર બળાત્કાર બદલ દોષિત ઠરેલા આસારામને વધુ એક મોટો ફટકો પડી ગયો. આસારામનો અસલી ચહેરો બહાર નહોતો આવ્યો ને લોકો તેમને સંત માનતા હતા ત્યારે ગુજરાત સરકારે અમદાવાદ પાસેના મોટેરામાં સાબરમતી નદીના કાંઠે ધાર્મિક ઉપયોગ માટે જમીન આપી હતી. આસારામે ધર્મના નામે શું ધંધા કર્યા એ આખી દુનિયાની નજર સામે છે. આસારામનાં કરતૂતોનો ભાંડો ફૂટ્યો પછી ગુજરાત સરકારે આ જમીન પાછી લેવા માટે નોટિસ ફટકારેલી પણ આસારામ આશ્રમે જમીન પાછી આપવાની ઘસીને ના પાડી દીધેલી ને ગુજરાત હાઈ કોર્ટમાં ગયેલા.
હાઈ કોર્ટે આસારામ આશ્રમની અરજીનો ડૂચો કરીને કચરાટોપલી ભેગો કરી દીધો છે અને મોટેરામાં આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પાછી લેવા રાજ્ય સરકારને લીલી ઝંડી આપી દીધી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલી આ જમીન અત્યારના બજાર ભાવે 500 કરોડ રૂપિયાથી વધારેની છે.
આસારામના ચેલકાઓનો ડોળો સોનાની લગડી જેવી જમીન પર છે તેથી હાઈ કોર્ટના ચુકાદા સામે એ લોકો સુપ્રીમ કોર્ટમાં જાય એવી પૂરી શક્યતા છે પણ ગુજરાત સરકારે પાકુ હોમવર્ક કરીને જમીન પાછી લેવા માટેની કાર્યવાહી કરી છે એ જોતાં આસારામના ચેલકાઓની જમીન પાછી લેવાની મેલી મુરાદ બર આવે એવી શક્યતા નહિવત છે.
ગુજરાત સરકારે કરેલી તૈયારી જોતાં આ ઓપન એન્ડ શટ કેસ છે એ જોતાં સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારાય તો પણ ચાર-પાંચ સુનાવણીમાં તો ખેલ ખતમ થઈ જશે ને આસારામ આશ્રમના હાથમાંથી આ જમીન જશે એ લગભગ નક્કી છે. આસારામ આશ્રમ સૌથી વાંકમાં એ રીતે છે કે, દાયકાઓ પહેલાં આ જમીન માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે આપવામાં આવી હતી અને તેના પર કોઈ ગેરકાયદેસર બાંધકામ નહીં કરવાની શરત હતી પણ આ શરતોનું ચૂરણ બનાવીને આસારામ ચાટી ગયેલા.
આસારામે આ જમીનનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતો મર્યાદિત રાખવાના બદલે જાત જાતના ધંધા શરૂ કરીને નોટો છાપવા માંડી. આસારામ આશ્રમમાં પુસ્તક પ્રકાશનથી માંડીને આયુર્વેદિક દવાઓ બનાવવા સુધીનાં ધંધા ચાલતા હતા. શિક્ષણ સંસ્થાઓ પણ ચલાવાતી ને હોસ્ટેલો પણ બનાવી દેવાઈ હતી.
આસારામનો એ વખતે દબદબો હતો ને શાસકો તેમની આગળપાછળ ફરતા તેનો લાભ લઈને નિયમોની ઐસીતૈસી કરીને આશ્રમમાં થોકબંધ ગેરકાયદેસર બાંધકામો ઊભાં કરી દેવાયાં હતાં. આશ્રમમાં ઝનૂની ચેલકાઓનાં ઝૂંડેઝૂંડ ચોવીસ કલાક હાજર રહેતાં તેથી ગમે તેવા મરદ અધિકારીની પણ અંદર જઈને ગેરકાયદેસર થતાં બાંધકામોને રોકવાની હિંમત જ નહોતી ચાલતી. હિંમત કરીને નોટિસ અપાય તો તેને તો આસારામ બિલકુલ ઘોળીને પી જતા. આસારામે કેવી લુખ્ખાગીરી કરી તેનો પુરાવો એ છે કે, આસારામ આશ્રમમાં 32 ગેરકાયદેસર બાંધકામ તાણી બાંધવામાં આવેલાં છે.
આસારામ જેલભેગા થયા પછી આ બાંધકામો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી પછી આશ્રમે ઈમ્પેક્ટ ફી ચૂકવવાની તૈયારી બતાવીને બાંધકામોને કાયદેસર કરાવવા અરજી આપી હતી. પંદર દાડા પહેલાં એટલે કે 21 જાન્યુઆરી, 2026એ કોર્પોરેશને આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી દેતાં તેનો કેસ નબળો પડી જ ગયેલો. રાજ્ય સરકારે લોહા ગરમ હૈ તો માર દો હથોડા કરીને હાઈ કોર્ટમાં રજૂઆત કરીને કેસનો નિકાલ કરાવી દીધો તેમાં આસારામ આશ્રમનો ગરાસ લૂંટાઈ ગયો.
આસારામ આશ્રમ પાસેથી જમીન પાછી લઈને ભાજપ સરકારે ખરેખર સારું કામ કર્યું છે કેમ કે આસારામે ધર્મના નામે ધંધો માંડી દીધેલો. દેશભરની રાજ્ય સરકારોએ આ ગુજરાત મોડલને અનુસરવા જેવું છે કેમ કે ભારતમાં ઠેર ઠેર આ રીતે સસ્તા ભાવની સરકારી જમીનો લઈને ધર્મના નામે ખોલી દેવાયેલી હાટડીઓ ચાલે છે. ધર્મની આડમાં ખોટા ધંધા કરતાં લોકો પાસેથી સરકારી જમીન પાછી લેવી એ સાચો ધર્મ છે. ગુજરાતની ભાજપ સરકારે સાચો ધર્મ બજાવ્યો, હવે બીજી સરકારો પણ એ ધર્મ બજાવે તો સારું છે.
પોતાની જાતને સંત કહેવડાવતા બાબા ને બાવા ધર્મના નામે કેવા ગંદા ધંધા કરે છે તેનાં એક કરતાં વધારે ઉદાહરણો આપણી નજર સામે છે. રામ રહીમ ગુરમીતથી માંડીને રામપાલ સુધીના ઘણા કહેવાતા ધર્મગુરુઓ તો બળાત્કાર, હત્યા સહિતના ગંભીર અપરાધોમાં દોષિત પણ ઠરી ચૂક્યા છે અને લાંબા સમયથી કાયદાકીય રીતે જેલની હવા ખાય છે.
નેતાઓની મહેરબાનીથી એ લોકો પેરોલ કે ફર્લો મેળવીને છાસવારે જેલની બહાર વધારે રહે છે એ અલગ વાત છે પણ આપણે ત્યાં આવા બાવાઓની સંખ્યા ઓછી નથી. રામ રહીમ કે રામપાલ તો છીંડે ચડેલા ચોર છે પણ છીંડે નથી ચડ્યા એવા ચોરોની સંખ્યા બહુ વધારે છે.
દરેક રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં ધર્મના કાર્ય માટે ઉપયોગમાં લેવાયેલી જમીનોનો ખરેખર શું ઉપયોગ થાય છે તેનો સર્વે કરાવવો જોઈએ. જ્યાં પણ ધર્મની આડમાં જાકુબીના ધંધા ચાલતા હોય એ આશ્રમોમાંથી આ કહેવાતા સંતોના ચેલકા ને ચેલકીઓને તગેડી મૂકીને આશ્રમો ખાલી કરાવી દેવા જોઈએ. આશ્રમમાં કરાયેલાં બાંધકામોને તોડીને સરકાર જમીન હસ્તક લઈને તેનો સદુપયોગ કરવો જોઈએ.
ગુજરાતમાં સરકાર મોટેરા આશ્રમની જમીનનો ઉપયોગ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવા કરે એવી શક્યતા છે. અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. તેના માટેનાં સ્ટેડિયમ આ જમીન પર બનશે. ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન બનશે એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. આસારામે પચાવી પાડેલી જમીનનો ઉપયોગ ગેમ્સ માટે થાય એ સારી જ વાત છે.
કોમનવેલ્થ ગેમ્સ પતે પછી આ સ્ટેડિયમોનો ઉપયોગ પ્રજા જ કરવાની છે. ભારત 2036ની ઓલિમ્પિક ગેમ્સનું યજમાન બનવાની તૈયારી કરી રહ્યું છે. ભારતને ઓલિમ્પિક ગેમ્સ યોજવાની તક મળે તો આ સ્ટેડિયમનો ઉપયોગ ઓલિમ્પિક ગેમ્સ માટે પણ થશે ને દેશનું ગૌરવ વધશે એ જોતાં આ જમીનનો શ્રેષ્ઠ રીતે સદુપયોગ થશે.
બીજાં રાજ્યો બાબા ને બાવાઓ પાસેથી પાછી લીધેલી જમીનનો ઉપયોગ પોતપોતાની રીતે કરી શકે. તેના પર જરૂરિયાતમંદો માટે ઘર પણ બનાવી શકાય ને છોકરાંને રમવા માટેનાં પ્લેગ્રાઉન્ડ પણ બનાવી શકાય. લોકોને સારી સ્વાસ્થ્ય સેવા માટે હોસ્પિટલો પણ બનાવી શકાય ને ધંધો માંડીને ના બેઠી હોય એવી શૈક્ષણિક સંસ્થાઓને પણ આ જમીન આપી શકાય. સારી દાનત રાખો તો સારાં કામ તો સત્તર સૂઝે. જરૂર રાજકીય ઈચ્છાશક્તિની છે ને આશા રાખીએ કે, દેશભરની રાજ્ય સરકારો આવી ઈચ્છાશક્તિ બતાવે.


