એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ બાંગ્લાદેશીઓની વસતિ રોકવા સરમાએ પોતે શું કર્યું?

ભરત ભારદ્વાજ

બાંગ્લાદેશમાં ફરી ભડકો થયો છે અને હિંદુઓને નિશાન બનાવીને હુમલા કરાઈ રહ્યા છે ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી આસામમાં જામી પડેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો ઉખેળ્યો છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં સરમાએ આસામની વસ્તીમાં બાંગ્લાદેશીઓના વધી રહેલા પ્રમાણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને દાવો કર્યો કે, આઝાદી વખતે આસામની વસતીમાં બાંગ્લાદેશીઓનું પ્રમાણ ફક્ત 10-15 ટકા હતું પણ અત્યારે આસામની લગભગ 40 ટકા વસ્તી બાંગ્લાદેશી મૂળની છે.

સરમાના કહેવા પ્રમાણે તો, 2027માં વસતી ગણતરી પૂરી થાય પછી જાહેર થનારા આંકડામાં હિંદુ અને મુસ્લિમોની વસતી સરખી થઈ જશે અને આસામની વસતીમાં થઈ રહેલા ફેરફારોના કારણે આસામમાં વહીવટ કરવો મુશ્કેલ થતો જાય છે. સરમાએ હિંદી ફિલ્મોનો ડાયલોગ ફટકારીને એવો દાવો પણ કરી નાખ્યો કે, આસામ અત્યારે બારૂદ કે ઢેર પર બેઠેલું છે.

સરમાએ બાંગ્લાદેશની સ્થિતિ પર પણ જ્ઞાન પીરસ્યું છે કે, બાંગ્લાદેશની કટોકટીનો કાયમી ઈલાજ ફક્ત સર્જરી દ્વારા જ શક્ય છે અને આ સર્જરી નહીં કરાય તો ઉત્તર-પૂર્વ ભારતમાં ગંભીર જોખમો ઊભાં કરશે. ‘ચિકન નેક’ તરીકે ઓળખાતો સિલિગુડી કોરિડોર ભારતની સૌથી મોટી વ્યૂહાત્મક ચિંતા છે અને ઉત્તર-પૂર્વ ભારતને સુરક્ષિત રાખવા માટે કળથી કે બળથી એટલે કે રાજદ્વારી રીતે કે પછી લશ્કરી પગલાં દ્વારા 20-22 કિલોમીટર જમીન લઈ લેવી પડે.

નરેન્દ્ર મોદી દેશની દરેક સમસ્યા માટે જવાહરલાલ નહેરૂને જવાબદાર ગણાવીને હાથ ખંખેરી નાખે છે. સરમા નહેરુની વાત કરવામાં નાના પડે એટલે ઈન્દિરા ગાંધી પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. સરમાએ 1971ના યુદ્ધનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ઈન્દિરા ગાંધી ચિકન નેક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે બાંગ્લાદેશ પાસેથી જમીન માગી શક્યું હોત પણ ઈન્દિરાએ એવું ના કર્યું તેમાં કાયમ માટે માથાનો દુ:ખાવો થઈ ગયો. સરમાએ બીજી પણ ઘણી વાતો કરી છે ને એ બધી વાતોનો સાર આ બે મુદ્દામાં આવી જ જાય છે.

સરમાની એ વાત સો ટકા સાચી છે કે, ચિકન નેક કોરિડોરમાં ભારતને મોટો ખતરો છે પણ આ વાતમાં નવું કશું નથી. સરમા પહેલાં ઘણા લોકો આ વાત કરી ચૂક્યા છે અને કેટલાક વિશ્લેષકો તો સતત ચીમકી આપ્યા જ કરે છે કે આ સમસ્યાનો ઉકેલ ના લવાય તો ભવિષ્યમાં ભારતની સુરક્ષા સામે ખતરો ઊભો થઈ શકે છે કેમ કે ભારતના બાકીના પ્રદેશો ઉત્તર-પૂર્વનાં રાજ્યો સાથે સિલિગુડી કોરિડોર નામની સાંકડી પટ્ટીથી જોડાયેલાં છે. સિલિગુડી કોરિડોર 200 કિલોમીટર લાંબીને 17 કિલોમીટર પહોળી જમીનની પટ્ટી છે અને આ પટ્ટી અમુક ઠેકાણે તો માત્ર 5 કિલોમીટર પહોળી છે. આ પટ્ટીની એક તરફ નેપાળ ને બીજી તરફ બાંગ્લાદેશ છે.

ચિકેન નેક કોરિડોર એટલે કે સિલિગુડી કોરિડોરની પેલી બાજુ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા ને મણિપુર એ 7 સિસ્ટર સ્ટેટ્સ ને આસામ મળી 8 રાજ્યો આવેલાં છે. આપણું દોસ્ત ભૂતાન પણ આ કોરિડોરને પેલે પાર છે. ભૂતાન સ્વતંત્ર દેશ છે પણ તેના સંરક્ષણની જવાબદારી આપણી છે. ચીન આપણા આખા ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ભારતથી અલગ પાડીને તેને હડપ કરવા માગે છે ને એ માટે તેણે બાંગ્લાદેશને બગલમાં ઘાલવા માંડ્યું છે.

બાંગ્લાદેશમાં ભારત વિરોધી માહોલ જ રહે તો ભવિષ્યમાં સિલિગુડી કોરિડર મારફતે ચીન ભારતના પ્રદેશો હડપ કરવાની કોશિશ કરી શકે છે તેથી ખતરો તો છે જ. ચીને સિલિગુડી કોરિડોરની નજીકના પ્રદેશો પર કબજો ર્ક્યો ત્યારે ધારે ત્યારે આપણા પ્રદેશમાં ઘૂસી શકે ને ભૂતાનમાં પણ ઘૂસી શકે.

આ ખતરાનો ઉપાય સર્જરી છે એ પણ સરમાની વાત સાચી છે પણ આ સર્જરી કોણે કરવાની હોય ? કેન્દ્ર સરકારે જ કરવાની હોય ને ? કેન્દ્રમાં ભાજપની સરકાર છે ને સરમા પોતે ભાજપના મુખ્યમંત્રી છે ત્યારે સરમા જાહેર જનતાને જ્ઞાન પીરસવાના બદલે પોતાની સરકારને આ વાત કેમ નથી કરતા ? ને મોટી વાત એ છે કે, કેન્દ્ર સરકાર આ સર્જરી કેમ નથી કરતી ?

સિલિગુડી કોરિડોરનો ખતરો રાતોરાત ઊભો થયો નથી પણ દાયકાઓથી છે. કેન્દ્રમાં ભાજપની સરકાર એક દાયકાથી વધારે સમયથી છે તો આ ખતરાને પહોંચી વળવા પોતાની સરકારે શું કર્યું તેનો હિસાબ આપવાના બદલે સરમા લોકોને બિવડાવે છે એ હાસ્યાસ્પદ લાગે છે.

સરમાએ 1971ના યદ્ધ વખતે ઈન્દિરા ગાંધીએ લીધેલા નિર્ણયો સામે સવાલ કર્યા એ પણ હાસ્યાસ્પદ છે. સરમા સવાલ કરે છે કે, ઈન્દિરા એ વખતે સિલિગુડી કોરિડોર પાછો કેમ ના લઈ શક્યાં ? કોઈ દેશની જમીન રોડ પર પડેલો રૂમાલ નથી કે ગમે તે લઈને ચાલતી પકડી શકે. બીજી વાત એ કે, ભારતે બાંગ્લાદેશમાં પોતાની મરજી પ્રમાણેની સરકાર બનાવડાવી હતી તેથી ભવિષ્યમં કોઈ સમસ્યા ઊભી નહીં થાય એવું માની લીધેલું. સંજોગો બદલાયા ને આ ગણતરી ઊંધી પડી ગઈ તેમાં ઈન્દિરાનો નિર્ણય ભૂલભરેલો ના કહેવાય.

સરમાનું લોજિક લાગું પાડીએ તો શેખ હસીનાના સમયમાં ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો સારા જ હતા તો એ વખતે કેમ 20-22 કિલોમીટર જમીન ભારતે પાછી ના લીધી ? મોદીએ 2015માં બાંગ્લાદેશ સાથે સરહદી કરાર કર્યા ત્યારે 51 ગામો લઈને 111 ગામો બાંગ્લાદેશને આપી દીધેલાં. એ વખતે આ જમીન કેમ ના લીધી ?

સરમાને સામો સવાલ એ પણ છે કે, ઓપરેશન સિંદૂર વખતે નરેન્દ્ર મોદી સરકાર પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) કેમ પાછું ના લઈ શક્યું ? મોદી સરકારના દાવા પ્રમાણે, ઓપરેશન સિંદૂર વખતે ભારત જીતી રહ્યું હતું. આ વાત સાચી હોય તો પાકિસ્તાન પર દબાણ સર્જીને ભારત પીઓકે કેમ ના લઈ શક્યું ? ભારતે કેમ કશું લીધા વિના યુદ્ધવિરામ સ્વીકારી લીધો ? સરમાએ આ સવાલોના જવાબ આપવા જોઈએ.

સરમાએ બાંગ્લાદેશમાં 40 ટકા વસતી બાંગ્લાદેશી મૂળની હોવાનો દાવો કર્યો છે. આસામમાં છેલ્લાં 10 વર્ષથી ભાજપની સરકાર છે ને કેન્દ્રમાં 11 વર્ષથી સરકાર છે તો આ બાંગ્લાદેશીઓને શોધવા કેમ કશું ના કરાયું ? સરમા પોતે 5 વર્ષથી મુખ્યમંત્રી છે તો તેમણે શું કર્યું ?

ભાજપના નેતાઓ પોતે કેમ જવાબદારી ના નિભાવી તેનો જવાબ નથી આપતા પણ ભૂતકાળના શાસકો પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી નાખવામાં પાવરધા છે. સરમા પણ એ જ માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ધર્મના નામે સામાન્ય પ્રજાની કનડગત બધે થાય છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button