એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ બંગાળમાં બાબરી મસ્જિદ, મતબેંકના રાજકારણનો નવો અધ્યાય…

ભરત ભારદ્વાજ

ભારતમાં મોટા ભાગના નેતાઓ અત્યંત નીચ માનસિકતા ધરાવે છે. તેમને રાજકીય ફાયદા માટે લોકોને લડાવી મારવામાં કે વધેરી દેવામાં જરાય શરમ નથી આવતી. આ માનસિકતાનો તાજો દાખલો પશ્ચિમ બંગાળના તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે પૂરો પાડ્યો છે. કબીરે એલાન કર્યું છે કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તોડી પડાયેલી બાબરી મસ્જિદની યાદ તાજી રાખવા માટે બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવાશે અને આ પ્રસ્તાવિત બાબરી મસ્જિદનો શિલાન્યાસ 6 ડિસેમ્બરે કરાશે.

6 ડિસેમ્બર બાબરી મસ્જિદના ધ્વંસની વરસી છે. 6 ડિસેમ્બર, 1992ના રોજ હિંદુવાદી સંગઠનનોના કાર્યકરોએ કારસેવા દરમિયાન જોશમાં આવી જઈને બાબરી મસ્જિદને તોડી પાડી હતી અને બાબરીના સ્થાને સપાટ મેદાન બનાવી દીધું હતું. આ મસ્જિદના સ્થાને અત્યારે ભવ્ય રામમમંદિર ઊભું છે.

બંગાળના ભરતપુરના ધારાસભ્ય કબીરે એલાન કર્યું છે કે, મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં 6 ડિસેમ્બરે ‘બાબરી’ મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવશે અને ત્રણ વર્ષમાં આ મસ્જિદ પૂર્ણ તૈયાર થઈ જશે. હુમાયુનો દાવો છે કે, પોતે ગયા વર્ષે 12 ડિસેમ્બરે ’બાબરી’ મસ્જિદના નિર્માણનું વચન આપેલું ને આ વચન પૂરું કરવાની દિશામાં 6 ડિસેમ્બરે પહેલું પગલું ભરાશે. ‘બાબરી’ મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમમાં લગભગ બે લાખ લોકો હાજર રહેશે અને 400 ધુરંધરોને સ્ટેજ પર હાજર રખાશે. આ 400 ધુરંધરો કોણ હશે તેનો ફોડ હુમાયુએ નથી પાડ્યો પણ મોટા ભાગના મુલ્લા-મૌલવીઓ હશે એ કહેવાની જરૂર નથી.

હુમાયુ તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય છે તેથી મમતા બેનરજીના ઈશારે આ ઉધામા કરી રહ્યા હોવાનું સૌને લાગે, પણ 6 ડિસેમ્બરે મમતા બેનરજીની કોલકાતામાં યોજાનારી જાહેર સભાને સમાંતર આ કાર્યક્રમ થવાનો છે તેથી ખરેખર મમતાના ઈશારે બધું થઈ રહ્યું છે કે કેમ એ સ્પષ્ટ નથી. કોલકાત્તાના તૃણમૂલ કૉંગ્રેસના કાર્યક્રમમાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી સહિતના દિગ્ગજો હાજર રહેવાના છે.

મમતાની પાર્ટી 1992ના બાબરી મસ્જિદ ધ્વંસની વરસીએ સંહતિ દિવસ (એકતા દિવસ) ઉજવવાનાં છે. મમતાનું કહેવું છે કે, રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) કવાયત દ્વારા લોકોમાં ભાગલા પડાવવાની ગંદી રમત ભાજપ રમી રહ્યો છે તેથી પોતે લોકોમાં સંવાદિતાનો સંદેશ આપવા આ સભા કરી રહ્યાં છે.

મમતા આવી ડાહી ડાહ વાતો કરીવા માટે જાણીતાં છે પણ તેમનો મુખ્ય ઉદ્દેશ તો મુસ્લિમ મતબેંકને પોતાની સાથે જોડી રાખવાનો જ છે. પશ્ચિમ બંગાળમાં આવતા વરસે વિધાનસભાની ચૂંટણી છે ને એ વખતે મુસ્લિમ મતદારો તૃણમૂલ કૉંગ્રેસ સાથે રહે એ માટે ભાજપ તથા તેનાં સાથી સંગઠનોએ બાબરી મસ્જિદ તોડી નાંખેલી તેની યાદ અપાવવા આ બધો ખેલ થઈ રહ્યો છે એ કહેવાની જરૂર નથી. કબીરે બેલડાંગાના શિલાન્યાસ સમારોહનું નિરીક્ષણ કરવા માટે કોલકાતાના કાર્યક્રમમાં નહીં જવાની જાહેરાત કરી છે, અને જાહેર કર્યું છે કે, પોતે 1992 થી દર વર્ષે 6 ડિસેમ્બરને “કાળા દિવસ” તરીકે ઉજવે છે. તેથી બીજા કોઈ કાર્યક્રમમાં નહીં જાય.

કબીરની વાતો પરથી એ મમતાની સામે બાંયો ચડાવીને પડ્યો હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે, પણ રાજકારણીઓને લુચ્ચાઈમાં કોઈ ના પહોંચે. હુમાયુ કબીર પણ મમતાના ઈશારે આ લુચ્ચાઈ કરી રહ્યો હોય એ શક્ય છે. મમતા હિંદુ મતદારોને આકર્ષવા સંહતિ દિવસ (એકતા દિવસ) ઉજવે ને તેમનો પોઠિયો હુમાયુ કબીર મુસ્લિમ મતબેંકને સાચવવા માટે મુર્શિદાબાદમાં ‘બાબરી’ મસ્જિદનો શિલાન્યાસ કરાવે એવો દાવ મમતાએ જ ગોઠવ્યો હોય એવી પૂરી શક્યતા છે. ભાજપના નેતા મીડિયા મારફતે જાતે જ ચાણક્ય ને મુત્સદી ને એવાં છોગાં લગાવીને ખુશ થાય છે, પણ મમતા ખરેખર રાજકારણનાં અઠંગ ખેલાડી છે તેથી એ ગમે તે કરી શકે. આ સંજોગોમાં આખું કારસ્તાન મમતાનું જ હોય એ શક્ય છે.

ભાજપે હુમાયુની જાહેરાતને મુસ્લિમ તુષ્ટિકરણ ગણાવીને ઝાટકણી કાઢી છે. ભાજપનો આક્ષેપ છે કે, મમતા ધર્મ આધારિત રાજકારણ રમીને લોકોને ભડકાવી રહ્યાં છે અને રાજકીય રોટલો શેકી રહ્યાં છે. ભાજપની વાત સાચી છે પણ એમ તો ભાજપ પણ ક્યાં દૂધે ધોયેલો છે? ભાજપ પણ રાજકીય ફાયદા માટે ધર્મનો ધરાર દુરુપયોગ નફ્ફટાઈથી કરે જ છે તેથી મમતા ને ભાજપમાં બહુ ફરક નથી. આ કારણે હુમાયુ કબીરનાં ગતકડાથી બીજે બધે તો ખબર નથી પણ બંગાળમાં તો માહોલ બગડશે જ.

છેલ્લાં કેટલાક વરસોમાં બંગાળ દેશમાં કોમી રમખાણોનું એપી સેન્ટર બની ગયું છે. હુમાયુ કબીરના તૂત ને કરતૂતથી તેમાં નવો અધ્યાય ઉમેરાશે કેમ કે 6 ડિસેમ્બરે મુર્શિદાબાદમાં ભેગા થનારા મુલ્લા-મૌલવીઓ કે નેતાઓ સત્સંગ તો કરવાના નથી જ. એ લોકો ઝેર ઓકશે ને સામે પણ ઝેર ઓકાશે તેથી માહોલ બગડશે. માહોલમાં ઉગ્રતા પેદા કરાય પછી તેને રમખાણોમાં ફેરવવા માટે બહુ મહેનત કરવાની નથી હોતી તેથી બંગાળમાં ફરી ભડકો થવાનાં પૂરાં એંધાણ છે.

આ ભડકાને રોકવા માટે બંગાળના હિંદુ અને મુસ્લિમો બંનેએ સમજદારી બતાવવી જરૂરી છે. હિંદુઓ અને મુસ્લિમો બંને એક વાત સમજે કે, બાબરી મસ્જિદ આ દેશ માટે પતી ગયેલું પ્રકરણ છે ને તેને ફરી ઉઘાડવાના ઉધામા રાજકીય ફાયદા માટે થઈ રહ્યા છે. ભૂતકાળમાં આવા ઉધામાના કારણે હિંદુઓ અને મુસ્લિમો બંનેનાં લોહી રેડાયાં છે, ઘણા પરિવારો નોંધારા બની ગયા છે અને સામાન્ય લોકોને કોઈ ફાયદો થયો નથી. ફાયદો થયો હોય તો માત્ર ને માત્ર નેતાઓને જ થયો છે. આ સંજોગોમાં હુમાયુ કબીર કે બીજો કોઈ મુસલમાન નેતા બાબરી મસ્જિદ બનાવે કે ઔરંગઝેબના નામે મસ્જિદ બનાવે તેનાથી હિંદુઓને કોઈ ફરક પડતો નથી એવી માનસિકતા બતાવે ને મુસ્લિમો આ પ્રકારના કાર્યક્રમોથી દૂર રહીને અવગણે તો હુમાયુ કબીરની હવા નિકળી જાય.

મુસલમાન બીજી એક વાત પણ સમજવાની જરૂર છે. ઈસ્લામના પયગંબરો કે બીજાના નામે મસ્જિદો બને કે ધર્મસ્થાનો ઊભાં થાય તેમાં કોઈને વાંધો નથી. મુસ્લિમોને આ દેશમાં પોતાની આસ્થા માટેનાં ધર્મસ્થાનો ઊભાં કરવાનો અધિકાર છે જ પણ એ ધર્મસ્થાનો સાથે બાબર જેવા આક્રમણખોરોનાં નામ જોડાય એ બિલકુલ યોગ્ય નથી કેમ કે આક્રમણખોરોના નામે મસ્જિદો બનાવીને તેમને ગ્લોરિફાય કરવાના ઉધામાની પાછળ મલિન ઈરાદા છે. તેના કારણે મુસલમાનોનું કશું ભલું થવાનું નથી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર ચુકાદો: રાજ્યપાલો બેલગામ બનશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button