ટ્રમ્પનો વેવલો દેશપ્રેમ ટેક કંપનીઓને ના પરવડે...

ટ્રમ્પનો વેવલો દેશપ્રેમ ટેક કંપનીઓને ના પરવડે…

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર `અમેરિકા ફસ્ટ’નો રાગ આલાપ્યો છે અને અમેરિકાની ટોચની કંપનીઓને ભારત સહિત બીજા દેશોમાંથી ભરતી નહીં કરવાની વણમાગી સલાહ આપી છે. ટ્રમ્પે પોતાની વાત નહીં માનનારી કંપનીઓને સાણસામાં લેવાની આડકતરી ધમકી પણ આપી. તેના કારણે ભારતીયોએ હવે અમેરિકન કંપનીઓની નોકરીઓ માટે બહુ મથવું પડશે એવી વાતો પણ વહેતી થઈ ગઈ.

ભારતીયોને નુકસાન જશે એવા દાવા પણ સૂંઠના ગાંગડે ગાંધી થયેલા કેટલાક વિશ્લેષકોએ કરી નાખ્યા પણ આ વાતોમાં દમ નથી ને ભારતીયોએ ડરવાની જરૂર પણ નથી. ટ્રમ્પ આ પ્રકારની આડકતરી ધમકીઓ પહેલાં પણ આપી ચૂક્યા છે ને અમેરિકાની કંપનીઓ ટ્રમ્પને રીતસર ઘોળીને પી ગઈ છે. હજુ મહિના પહેલાં જ ટ્રમ્પે એપલને ભારતમાં પોતાની ફેક્ટરી નહીં નાખવા કહેલું ને આડકતરી ધમકી આપેલી પણ એપલે ટ્રમ્પની ધમકીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખેલી. બીજી ટેક કંપનીઓ પણ એ રીતે જ વર્તે છે તેથી ટ્રમ્પની ધમકીથી જરાય ડરવા જેવું નથી.

ટ્રમ્પની ધમકીની અસર કેમ નહીં થાય અને અમેરિકાની ટેક કંપનીઓ ટ્રમ્પને કેમ ગણકારતી નથી એ સમજવા માટે પહેલાં ટ્રમ્પે શું જ્ઞાન પીરસ્યું એ જાણવું જરૂરી છે. વોશિંગ્ટનમાં એક એઆઈ સમિટ દરમિયાન ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતીયો સહિતના વિદેશીઓને બદલે અમેરિકન ટેલેન્ટની ભરતી કરવા સલાહ આપી છે.

એઆઈ સમિટ હોવાથી ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા સહિતની અમેરિકાની ટોચની ટેક કંપનીઓના ધુરંધરો હાજર હતા. તેમની હાજરીમાં ડોનલ્ડ ટ્રમ્પે ટેક ઈન્ડસ્ટ્રીની માનસિકતાની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, દુનિયાની ટોચની ટેક કંપનીઓ અમેરિકાની છે પણ આ કંપનીઓ દ્વારા ઘણાં કારણોસર અમેરિકન ટેલેન્ટને ઈગ્નોર કરવામાં આવે છે. ટોચની કંપનીઓ વધારે નફો રળવા માટે અમેરિકાની આઝાદીનો ગેરલાભ ઉઠાવે છે અને મોટાપાયે બહારના લોકોને નોકરીઓ આપીને અમેરિકનોને અન્યાય કરે છે.

ટ્રમ્પે એવું ડહાપણ પણ ડહોળ્યું કે ટેકનોલોજી કંપનીઓ સસ્તા ઉત્પાદન ખર્ચ માટે ચીનમાં ફેક્ટરી નાખે છે અને સસ્તા મજૂરો માટે ભારતમાંથી કર્મચારીઓની મોટાપાયે ભરતી કરે છે. આ રીતે ટેક કંપનીઓ પોતાના જ દેશના લોકોની ઉપેક્ષા કરે છે અને આ ઓછું હોય તેમ અમેરિકાની ટીકા પણ કરે છે. ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ પૉલિસીની રેકર્ડ વગાડીને કહ્યું કે, એઆઈની રેસમાં કંપનીઓને નવી ટેલેન્ટની જરૂર પડે છે તેથી અનિવાર્ય હોય ત્યાં બહારથી ભરતી કરાય તેની સામે વાંધો નથી પણ દેશ તરફ લગાવ હોવો પણ જરૂરી છે. આપણને અમેરિકામાં રહે અને સાથે સાથે અમેરિકા ફર્સ્ટ પૉલિસીને ફોલો કરે એવી કંપનીઓની જરૂર છે, અમેરિકનોની નોકરીઓ છિનવે એવી કંપનીઓ નથી જોઈતી.

ટ્રમ્પે બીજી પણ ઘણી વાતો કરી છે અને આ વાતોનો ટૂંક સાર એ જ છે કે, અમેરિકાની કંપનીઓ ભારતીયો સહિતના વિદેશીઓને બદલે અમેરિકનોને નોકરીએ રાખે તેમાં તેમની ભલાઈ છે. બાકી સરકારને દંડો ચાલવતાં આવડે જ છે. ટ્રમ્પની વાત સાંભળીને સમિટમાં હાજર લોકોએ તાળીઓ પાડી ને ટ્રમ્પના ચમચા મીડિયાએ વાહવાહી કરી પણ ટ્રમ્પની વાતને કોઈ ગંભીરતાથી નથી લેવાનું એ પણ નક્કી છે.

અમેરિકાની ટેકનો કંપનીઓ શેઠની શિખામણ ઝાંપા સુધી એમ માનીને વર્તવાની એ પણ નક્કી છે કેમ કે ટેકનો કંપનીઓ ચલાવનારા દિગ્ગજોને ખબર છે કે, ટ્રમ્પની વાતો સાંભળવામાં સારી લાગે ને ટ્રમ્પના ભક્તો એ સાંભળીને ઝૂમી ઉઠતા હશે પણ આઈટી કંપનીઓ ટ્રમ્પના રસ્તે ચાલવા જાય તો નેવું ટકા કંપનીઓને તાળાં મારવાં પડે. અમેરિકાની આઈટી કંપનીઓ ભારતીયોને મોટા પાયે નોકરી આપે છે તેનાં બે મુખ્ય કારણ છે. પહેલું કારણ એ કે, ભારત પાસે આઈટી સેક્ટરમાં કામ કરી શકે એવા થોકબંધ સ્કીલ્ડ પર્સન્સ તૈયાર થાય છે. અંગ્રેજોએ ભારતમાં પોતાનો વહીવટ સરળતાથી ચાલે એટલા માટે કારકુનો પેદા કરવા માટે બનાવેલી શિક્ષણ નીતિ હવે કારકુનોના બદલે કોમ્પ્યુટર નિષ્ણાતો તૈયાર કરે છે.

ભારતમાં થોકબંધ એન્જિનિયરિગ કૉલેજો ખોલી દેવાઈ છે અને આ કોલેજોમાં અમેરિકાની ટોચની કંપનીઓમાં સરળતાથી નોકરી મળી જાય એ પ્રકારના અભ્યાસક્રમો ચલાવાય છે તેથી અમેરિકન કંપનીઓને વધારે મહેનત કર્યા વિના તૈયાર માણસો મળી જાય છે. બીજું કારણ એ કે, આ સ્કીલ્ડ પર્સન્સ અમેરિકનો કરતાં કદાચ દસમા ભાગના પગારમાં કામ કરે છે અને અમેરિકનોની જેમ કોઈ નખરાં કરતાં નથી. અમેરિકનોને નોકરીએ રાખો એટલે મિનિમમ વેજ આપવું પડે, સોશ્યલ સિક્યોરિટી સહિતના બીજા લાભ પણ આપવા પડે. ઓવરટાઈમ કરવાની ના પાડે તો પણ કશું ના કરી શકાય, વીક-એન્ડમાં રજા રાખીને ભાગી જાય તો પણ કશું ઉખાડી ના શકો. તેની સામે ભારતીયો ગમે તેટલા કલાક કામ કરવા તૈયાર હોય છે.

અમેરિકનો તેમની લાઈફસ્ટાઈલ બદલવા તૈયાર નથી હોતા ત્યારે ભારતીયો તો સંપૂર્ણપણે બદલાઈવ જવા પણ તૈયાર હોય છે. અમેરિકામાં દિવસ હોય ત્યારે ભારતમાં રાત હોય છે પણ આપણે રાતની ઉંઘ બગાડીને પણ અમેરિકન કંપનીઓનાં કામ કરીએ છીએ કેમ કે આપણને નોકરીની કિમત ખબર છે. આ બધાં કારણોસર અમેરિકાની કંપનીઓ ભારતીયોને નોકરીએ રાખે છે ને પોતાની પડતર અને મેન્ટેનન્સ કોસ્ટ નીચી લઈ જાય છે. કંપનીઓ ધંધો લઈને બેઠી છે, દેશપ્રેમની મંડળી ચલાવતી નથી એટલે પડતર કિમત જેટલી નીચી જાય એટલો તેમને ફાયદો થાય. ભારતીયોના કિસ્સામાં ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઈઝ કર્યા વિના ઓછા ખર્ચમાં સારા માણસો મળે છે તેથી કંપનીઓ ભારતીયોને નોકરીએ રાખે છે.

બીજી એક વાત એ પણ સમજવા જેવી છે કે, અમેરિકન ટેક કંપનીઓએ ભારતીયોને નોકરીઓ આપવા માટે જે મોડલ અપનાવ્યું છે તેમાં તેમના માથે કર્મચારીઓની કોઈ જવાબદારી જ નથી કેમ કે આખો ધંધો આઉટસોર્સિંગ પર ચાલે છે.
અમેરિકન કંપનીઓ પોતાને શું જોઈએ છે એ નક્કી કર્યા પછી ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ જેવી કંપનીઓને આખા પ્રોજેક્ટ્સ આઉટસોર્સ કરે છે. આ કંપનીઓ ભારતમાં કર્મચારીઓ રાખીને પ્રોજેક્ટ્સ તૈયાર કરે છે અને પછી સર્વિસ આપે છે.

આ કામના બદલામાં કંપનીઓ ભારતીય કંપનીઓને નાણાં ચૂકવે છે. આ ગોઠવણમાં અમેરિકન કંપનીઓના માથે કર્મચારીઓની કોઈ જવાબદારી નથી તેથી તેમને ફાવે છે. ટ્રમ્પ રાજકારણી છે એટલે આવી બધી વાતો ભલે કર્યા કરતા પણ કંપનીઓ ધંધો કરે છે તેથી આવો વેવલો દેશપ્રેમ ટેક કંપનીઓને ના પરવડે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના ટૅરિફની જાળમાંથી નીકળવા હવાતિયાં

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button