નડ્ડાની વાત સો ટકા સાચી, ભાજપને હવે સંઘની શું જરૂર?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અંગે આપેલા નિવેદને સૌને ચોંકાવી દીધા છે. સંઘને ભાજપની સફળતા પાછળનું ચાલકબળ ગણવામાં આવે છે ત્યારે નડ્ડાએ સંઘની કોઈ હેસિયત જ ના હોય એમ કહી દીધું છે કે, ભાજપને હવે સંઘની જરૂર નથી. એક અખબારને ઈન્ટરવ્યૂ આપતા હતા ત્યારે નડ્ડાને પૂછવામાં આવ્યું કે, ભાજપને હવે આરએસએસના સમર્થનની જરૂર નથી ? નડ્ડાએ તડ ને ફડ કરીને કહી દીધું કે, ભાજપને સંઘની કોઈ જરૂર નથી.
નડ્ડાએ પોતાની વાતને વિસ્તારપૂર્વક સમજાવી પણ ખરી. નડ્ડાના કહેવા પ્રમાણે, ભાજપ સતત આગળ વધી રહ્યો છે અને હવે ભાજપને આરએસએસની જરૂર હતી એ દિવસો રહ્યા નથી. હવે ભાજપ પોતાના દમ પર સક્ષમ છે અને પોતાનું કામ પોતે જ કરે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સમય અને વર્તમાન સમયમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હવે આરએસએસની ભૂમિકા પણ બદલાઈ ગઈ છે. પહેલાં ભાજપ આટલી મોટી પાર્ટી નહોતી અને અમે સક્ષમ પણ ન હતા ત્યારે અમને આરએસએસની જરૂર પડતી હતી. આજે અમે ઘણા આગળ વધી ગયા છીએ અને એકલા હાથે આગળ વધવામાં સક્ષમ છીએ તેથી સંઘની કોઈ જરૂર નથી. સંઘ એક સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છે અને અમે એક રાજકીય સંગઠન છીએ. સંઘ એક વૈચારિક મોરચો છે તેથી તેઓ વૈચારિક દૃષ્ટિએ પોતાનું કામ કરે છે અને અમે અમારા મુદ્દા અમારી રીતે મેનેજ કરીએ છીએ.
નડ્ડાએ મથુરા અને વારાણસીમાં વિવાદાસ્પદ સ્થળે મસ્જિદોના સ્થળ મંદિરો બનાવવા અંગે પણ ચોખવટ કરી છે કે, ભાજપની મથુરા અને કાશીના વિવાદીત સ્થળે મંદિર બનાવવાની કોઈ યોજના નથી. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ અમારા એજન્ડામાં હતું ને અમે એ વચન પાળીને મંદિર બનાવ્યું પણ કાશી-મથુરા ભાજપના એજન્ડામાં જ નથી. યોગી આદિત્યનાથ અને હિમંત વિસ્વા સરમા સહિતના નેતા મથુરા અને વારાણસીમાં વિવાદાસ્પદ સ્થળે મસ્જિદોના સ્થળ મંદિરો બનાવવાની વાતો કરે છે તેને પણ નડ્ડાએ બકવાસ ગણાવી છે.
નડ્ડાએ ભાજપ બંધારણ બદલી નાંખશે એવી વાતને પણ વાહિયાત ગણાવીને કહ્યું કે, મીડિયા આ મુદ્દા ઊભા કરે છે. મીડિયા ગિરિરાજસિંહ અને સાક્ષી મહારાજ જેવાં લોકો પાસે રીએક્શન લેવા જાય છે એટલે આવી ધારણાઓ ઊભી થાય છે. બાકી ભાજપે તો વારંવાર બંધારણ બદલવાની વાતો કરનારા અનંતકુમાર હેગડે જેવા છ વાર ચૂંટાયેલા નેતાની ટિકિટ પણ કાપી નાંખી છે. નડ્ડાના કહેવા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું છે કે, ભાજપનું ફોકસ ગરીબો, શોષિતો, દલિત, મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને સમાજના પછાત વર્ગો પર રહેશે. આ વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવીને સશક્ત બનાવવા પડશે, તેમને મજબૂત કરવા પડશે એ જ અમારો એજન્ડા છે, તેના સિવાય ભાજપનો બીજો કોઈ એજન્ડા નથી.
નડ્ડાએ કરેલી વાતો બહુ મહત્ત્વની છે ને તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપ પરિપક્વ બની રહ્યો છે. કેન્દ્રમાં સત્તા મેળવવા માટે ભાજપે ભલે હિંદુત્વનો ઉન્માદ પેદા કર્યો પણ હવે ભાજપ ધીરે ધીરે એ ઉન્માદને છોડીને લોકોને સ્પર્શે એવા મુદ્દા તરફ વળી રહ્યો છે એ નડ્ડાની વાતોનો સાર છે. રાજકારણીઓ બોલતા કંઈક હોય છે ને કરતા કંઈક હોય છે એ જોતાં નડ્ડા જે બોલ્યા છે એ પ્રમાણે જ ભાજપ વર્તે તો નિવડ્યે જ વખાણ કરાય પણ બોલવા ખાતર પણ ભાજપ ડાહી ડાહી વાતો કરે છે એ સારું જ છે.
હિંદુવાદીઓ મથુરા અને વારાણસીમાં વિવાદાસ્પદ સ્થળે મસ્જિદોના સ્થળ મંદિરો બનાવવા કૂદાકૂદ કરે છે પણ તેમાં કંઈ કાંદા કાઢવાના નથી. આ દેશમાં હિંદુઓના હજારો મંદિર છે ને તેમાંથી મોટા ભાગનાં મંદિરોની હાલત ખરાબ છે. હિંદુવાદીઓને ખરેખર મંદિરોની ચિંતા હોય તો તેમણે મથુરા અને વારાણસીમાં વિવાદાસ્પદ સ્થળે મસ્જિદોના સ્થળ મંદિરો બનાવવાની વાતો કરવાના બદલે આ મંદિરો કઈ રીતે ટકી શકે એ વિશે વિચારવું જોઈએ. બીજુ એ કે, મથુરા અને વારાણસીમાં વિવાદાસ્પદ સ્થળે મસ્જિદોના સ્થળ મંદિરો બનાવવાના કારણે દેશનું વાતાવરણ ડહોળાશે ને દેશના શાસક પક્ષ તરીકે ભાજપ એવું ના કરે તેમાં શાણપણ છે.
નડ્ડાએ સંઘ વિશે કરેલી વાત ચોંકાવનારી છે પણ ખોટી નથી. એક સમયે ભાજપને સંઘની જરૂર હતી તેમાં શંકા નથી પણ ભાજપ સંઘ પર નિર્ભર હતો એ દિવસો ક્યારનાય પતી ગયા. ભાજપ 2014માં સત્તા પર આવ્યો તેમાં પણ સંઘનું કોઈ યોગદાન નહોતું ને એ પછી ભાજપ એક પછી એક રાજ્યોમાં પોતાનો પ્રભાવ વિસ્તારતો ગયો તેમાં પણ સંઘનું કોઈ યોગદાન નથી. ભાજપ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના જોરે જીત્યો હતો. મોદીએ આ લોકપ્રિયતા હિંદુત્વના હીરો તરીકેની ઈમેજ ઊભી કરીને મેળવેલી. આજે પણ મોદીના મોટા ભાગના ભક્તો મોદીની હિંદુવાદી ઈમેજના કારણે જ ભાજપને પસંદ કરે છે, સંઘ કે બીજા કોઈના હિંદુત્વના કારણે નહીં.
કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી ભાજપે પોતાનો જોરદાર વિસ્તાર કર્યો છે તેમાં પણ શંકા નથી. ભાજપે એ માટે નીતિનિયમો ને સિદ્ધાંતોને કોરાણે મૂકી દીધા, પોતાના કાર્યકરોને અવગણીને કૉંગ્રેસ સહિતના વિપક્ષોના નેતાઓને લાલ જાજમ પાથરીને આવકાર્યા. જે ના માન્યા તેમને કેસોનો ડર બતાવીને મનાવ્યા ને એ બધું કર્યું. આ રીતે ભાજપે પોતાની રાજકીય તાકાત વધારી છે ને તેમાં સંઘનું કોઈ યોગદાન નથી. સંઘના નેતા અત્યાર લગી પોતાના કારણે જ ભાજપ ટકેલો છે એવા ભ્રમમાં હતા પણ નડ્ડાએ એ શરમ તોડીને સંઘનો ભ્રમ ભાંગી નાંખ્યો છે.
નડ્ડાની આ નકટાઈ સામે સંઘના નેતા શું કરે છે એ જોવાનું છે પણ સંઘની માનસિકતા જોતાં એ કશું કરી શકે તેમ નથી. સંઘ ઢીલાઢાલા માણસોનું ટોળું છે કે જેમનામાં કોઈ મુદ્દે સ્પષ્ટ વલણ લેવાની તાકાત નથી. નડ્ડાએ મોં પર ચોપડાવીને તેમને બે બદામના કરી નાંખ્યા પછી પણ તેમની માનસિકતા બદલાય એવી આશા રાખવા જેવી નથી. સંઘના નેતા ભાજપની આગળપાછળ જ ફરતા રહેશે ને મોઢા લાત ખાઈને પણ ભાજપની જીહજૂરી કરતા રહેશે.