એકસ્ટ્રા અફેર

મોદી નિવૃત્ત થઈ જાય તો ભાજપને કોણ પૂછે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

દિલ્હી લિકર કેસમાં મહિના લગી જેલની હવા ખાધા પછી તિહાર જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવો પલિતો ચાંપી દીધો છે. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા વરસે નિવૃત્ત થશે એ મુદ્દો ઉઠાવીને સવાલ કર્યો છે કે, નરેન્દ્ર મોદી આવતા વર્ષે 75 વર્ષના થશે ત્યારે લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓને 75 વર્ષની ઉંમરનો હવાલો આપીને નિવૃત્ત કરી દેવાયા એ રીતે પોતે નિવૃત્ત થશે ખરા ? કેજરીવાલે કટાક્ષ પણ કર્યો છે કે, મોદી નિવૃત્ત ન થવાના હોય તો તેમણે જાહેર કરવું જોઈએ કે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનો નિયમ તેમને લાગુ નહીં પડે. આ નિયમ માત્ર અડવાણી અને બીજા કેટલાક નેતાઓ માટે હતો.


કેજરીવાલે શનિવારે પણ સવાલ કરેલો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થવાના છે ત્યારે ભાજપ તેમને લાલકૃષ્ણ અડવાણીની જેમ નિવૃત્ત કરશે? કેજરીવાલે એ પહેલાં એવો દાવો પણ કરેલો કે, ભાજપ આ ચૂંટણી જીતશે તો મોદી અમિત શાહને વડા પ્રધાન બનાવશે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સરકારની રચનાના 2 મહિનામાં જ મુખ્યમંત્રીપદ પરથી હટાવી દેવામાં આવશે. મોદી 75 વર્ષે નિવૃત્ત થશે કે નહીં એ અને યોગીને હટાવી દેવાશે એ બંને મુદ્દા અલગ છે પણ બંને મુદ્દા અત્યારે ચર્ચામાં આવી ગયા છે અને ભાજપે પણ કેજરીવાલે ઉઠાવેલા મુદ્દાઓ અંગે ચોખવટ કરવી પડી રહી છે.

ભાજપના નેતાઓએ મોદીની નિવૃત્તિની શક્યતાને નકારી કાઢી છે. બલ્કે અમિત શાહે તો ત્યાં સુધી કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને સમગ્ર ઈન્ડિયા મોરચાના નેતાઓને કહેવા માગું છું કે મોદીજી 75 વર્ષના થઈ ગયા તેનાથી તેમણે ખુશ થવાની કોઈ જરૂર નથી કેમ કે મોદી 75 વર્ષના થયા પછી પણ ભાજપનું અને દેશનું નેતૃત્વ કરતા રહેવાના છે. શાહે એવી ચોખવટ પણ કરી છે કે, ભાજપના બંધારણમાં આ ક્યાંય લખેલું નથી કે 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું.

શાહની વાત સાચી છે કે, ભાજપના બંધારણમાં ક્યાંય 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવાનો નિયમ નથી પણ એ વાત પણ સાચી છે કે, ભાજપની નેતાગીરીએ આવો નિયમ હોવાનો ભ્રમ ઊભો કર્યો છે. ભૂતકાળમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતાકુમાર સહિતના સંખ્યાબંધ નેતાઓને ટિકિટો ના અપાઈ કે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાંથી દૂર કરાયા ત્યારે મીડિયામાં એવી જ વાતો આવેલી કે, ભાજપે 75 વર્ષથી વધારે વયના લોકોને નિવૃત્ત કરવાના નિયમ હેઠળ આ દિગ્ગજોને દૂર કર્યા છે.

આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રીપદેથી દૂર કરાયાં ત્યારે પણ આ જ કારણ અપાયું હતું. ભાજપના કોઈ નેતાઓએ સત્તાવાર રીતે કદી આ વાત કરી નથી પણ મીડિયામાં આ વાતો કઈ રીતે આવી એ કહેવાની જરૂર નથી. ભાજપની નેતાગીરીએ જ વાતો પ્લાન્ટ કરેલી, બાકી પત્રકારોને પીર થોડા આવ્યા કે એ લોકો આવી વાતો લખે ? આ સંજોગોમાં અમિત શાહ ટેકનિકલી સાચા છે પણ સત્ય નથી કહી રહ્યા.

ભાજપે તેના બંધારણમાં આ નિયમ ન બનાવ્યો કેમ કે આવો નિયમ બનાવ્યો હોત તો ભવિષ્યમાં નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ પણ તેની લપેટમાં આવ્યા જ હોત. એ સ્થિતિ આવે ને એ વખતે પોતાના ફાયદા માટે ભાજપનું બંધારણ બદલાય તો હાંસી ઊડે તેથી એવો નિયમ ના બનાવાયો કેમ કે મોદી કોઈ કાળે સામેથી સત્તા છોડવાના નથી. મોદીએ પોતાની ઈમેજ લોકો માટે કામ કરનારા નેતાની ને સત્તાને ગૌણ માનનારા નેતા તરીકેની ભલે ઊભી કરી પણ મોદીનું રાજકારણ સત્તાલક્ષી છે ને તેમાં કશું ખોટું નથી.

બધા રાજકારણીઓ સત્તા માટે જ રાજકારણમાં હોય છે એ જોતાં મોદી પણ સત્તા માટે રાજકારણમાં આવ્યા ને શક્ય હોય ત્યાં સુધી સત્તા ભોગવ્યા કરવાનો ઉદ્દેશ રાખે તો એ અયોગ્ય નથી જ. મોદીએ ભાજપને સત્તાસ્થાને પહોંચાડ્યો, સળંગ બે વાર લોકસભાની ચૂંટણીમાં જીતાડ્યો ને હવે ત્રીજી વાર પણ જીતાડે તો મોદીને સત્તા ભોગવવાનો અધિકાર છે જ. મોદી ના હોય તો ભાજપ ચૂંટણી જીતી શકે કે કેમ તેમાં જ શંકા છે.

મીડિયામાં બેઠેલા ચમચાઓને કહીને ચાણક્ય ને એવાં વિશેષણો પોતાના નામ સાથે જોડાવવાં કે સંગઠનના ખાં તરીકેની છાપ ઊભી કરવી એ અલગ વાત છે ને ખરેખર ચૂંટણી જીતી બતાવવી અલગ વાત છે. આ દેશમાં લોકો નેતાને જોઈને મત આપે છે, સંગઠન કે સ્ટે્રટેજીને નહીં ને ભાજપ પાસે લોકોને આકર્ષી શકે એવા એક માત્ર નેતા મોદી જ છે એ વાસ્તવિકતા છે. મોદી આ વાત સારી રીતે સમજે જ છે તેથી એ નિવૃત્તિ લે એ વાતમાં માલ જ નથી.

કેજરીવાલે યોગી આદિત્યનાથને રવાના કરી દેવાશે એવો પલિતો ચાંપ્યો છે તેની પણ વાત કરી લઈએ. યોગી આદિત્યનાથ અત્યારે ભાજપમાં મોદી પછી સૌથી લોકપ્રિય નેતા છે તેમાં બેમત નથી. યોગીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પોતાની એક નો-નોનસેન્સ સીએમ તરીકેની ઈમેજ બનાવી છે. ચુસ્ત હિંદુવાદી નેતા તરીકેની ઈમેજના કારણે યોગી પર લોકો ઓળઘોળ છે તેમાં બેમત નથી.

આ કારણે મોદી પછી કોણ એવો સવાલ પુછાય ત્યારે યોગીનું જ નામ આવે છે પણ વરસોથી મોદીની સેવા કરનારા અમિત શાહ પોતાને મોદીના રાજકીય વારસ માને છે. તેમની પણ વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા હોય જ પણ તેમાં યોગી આદિત્યનાથ સૌથી મોટો અવરોધ છે. શાહ અને મોદીની નિકટતા જોતાં શાહ મોદીના માધ્યમથી યોગીનો કાંટો કાઢી નખાવે એ વાત સાવ અધ્ધરતાલ નથી જ.

મોદીનો ભાજપ પર કબજો થયો પછી શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે, ડો.રમણ સિંહ જેવા દિગ્ગજ નેતાઓને કોરાણે મૂકીને સાવ ટૂણિયાટ નેતાઓને મુખ્યમંત્રીપદે બેસાડાયા જ છે. શિવરાજસિંહ ચૌહાણે તો પોતાના નેતૃત્વમાં ભાજપને ફરી સત્તા અપાવી હતી છતાં તેમને કાઢીને મોહન યાદવને મુખ્યમંત્રી બનાવાયા.

ઉત્તર પ્રદેશમાં પણ મોદી એ જ નીતિને અનુસરી શકે ને યોગી આદિત્યનાથને દૂર કરી શકે. કેજરીવાલે ચાલાકીથી એવી વાત કરી જ છે કે, ભાજપ કહી રહ્યો છે કે, મોદીજી નિવૃત્ત નહીં થાય પણ યોગીજીને હટાવવામાં આવશે નહીં એવું નથી કહેતો તેનો અર્થ એ છે કે, બે મહિનામાં યોગીને હટાવવામાં આવશે એ નક્કી છે.
જોઈએ, બે મહિના ક્યાં લાંબો સમયગાળો છે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…