એકસ્ટ્રા અફેર

ભોજપુરી સ્ટાર્સને ભાજપ કેમ પોષે છે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભાજપમાંથી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે લોકો પડાપડી કરતા હોય છે ત્યારે ભોજપુરી ગાયક પવન સિંહે ભાજપની ટિકિટને નકારી દઈને આશ્ચર્ય સર્જ્યું છે. ભાજપે શનિવારે સાંજે 2024ની લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં પવન સિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટિકિટ આપી હતી પણ ટિકિટ મળ્યાના 24 કલાકથી પણ ઓછા સમયમાં પનનસિંહે આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો.
પવનસિંહ ભોજપુરી ભાષાના જાણીતા ગાયક છે અને આસનસોલ લોકસભા બેઠક પર હિન્દીભાષી મતદારોની સંખ્યા બહુ વધારે છે. બિહાર અને ઉત્તર પ્રદેશના કામદારો મોટી સંખ્યામાં આસનસોલમા રહે છે. આ ઉપરાંત એક સમયે ભાજપના દિગ્ગજ નેતા ગણાતા શત્રુઘ્ન સિંહા અત્યારે આસનસોલ લોકસભા બેઠક પરથી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસનાં ટીએમસીના સાંસદ છે. સિંહા પહેલા ગાયક બાબુલ સુપ્રિયો અહીંથી બે વખત ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. લોઢું લોઢાને કાપે એ હિસાબે બિહારી બાબુ શત્રુધ્ને પછાડવા ભાજપે પવનસિંહને ઉતારેલા પણ પવનસિંહ પાણીમાં જ બેસી ગયા.
પવનસિંહે સોશિયલ મીડિયા પર ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરીને ભાજપનો આભાર માનીને ચેપ્ટર જ પૂરું કરી નાંખ્યું. ભાજપને આ વાતની ખબર પહેલેથી હશે કે નહીં એ રામ જાણે પણ જે.પી. નડ્ડાએ પવનસિંહને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા હતા એ જોતાં ભાજપે પવનસિંહને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરવા દબાણ કર્યું હોવાની વાતો ચાલી રહી છે. પવનસિંહને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા તેના પગલે તૃણમૂલ કૉંગ્રેસ તૂટી પડેલી તેથી ડરીને ભાજપે સામેથી પવનસિંહને બેસી જવા ફરમાન કર્યું હોવાની વાત સાવ મોં-માથા વિનાની નથી જ કેમ કે પવનસિંહ ના બેઠા હોત તો આખી ચૂંટણી દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસને ભાજપ સામે પ્રચાર માટે એવો મુદ્દો મળી ગયો હોત કે જેના કારણે ભાજપની વાટ લાગી ગઈ હોત.
પવનસિંહ ભોજપુરી ગીતોના કારણે બિહાર અને ઉત્તર પ્રદેશમાં લોકપ્રિય છે પણ તેની લોકપ્રિયતા સાથે દ્વિઅર્થી ગીતો જોડાયેલા છે. ભોજપુરીના મોટા ભાગના ગાયકો અને અભિનેતાઓની ફિલ્મોમાં દ્વિઅર્થી શબ્દો, ચેનચાળા, ગંદી હરકતો, હીરોઈનો દ્વારા ભરપૂર અંગપ્રદર્શન લાક્ષણિકતાઓ છે. ભોજપુરી ભાષાની ફિલ્મોનાં નામ પણ અશ્લીલતાપ્રેરક અને ડબલ મીનિંગવાળાં હોય છે.
મનોજ તિંવારી, રવિ કિશન, પવનસિંહ, દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆ, ખેસારી લાલ વગેરે બધા ભોજપુરીમાં સ્ટાર મનાતા અભિનેતા અને ગાયકો અશ્લીલતા વણાયેલી છે. મજાની વાત એ છે કે, આ પૈકી મનોજ તિંવારી, રવિ કિશન અને દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆ તો ભાજપના સાંસદ છે ને પવનસિંહને પણ ભાજપે ટિકિટ આપેલી. આ ભોજપુરી સ્ટાર ક્યા પ્રકારની સંસ્કૃતિ ફેલાવી રહ્યા છે એ આપણે જોઈએ જ છીએ.
આ ભોજપુરી સ્ટારને મોટા બનાવીને ભાજપ ક્યા પ્રકારની સંસ્કૃતિને પોષી રહ્યો છે તેની તેમને જ ખબર પણ આ હિંદુ સંસ્કૃતિ તો નથી જ. ભાજપના ભક્તોને પણ દીપિકા પદુકોણે કોઈ ફિલ્મમાં ભગવા રંગની બિકિની પહેરી લે તેમાં હિંદુ સંસ્કૃતિનું અપમાન થતું દેખાય છે પણ ભાજપના જ સાંસદ એવા આ ભોજપુરી સ્ટાર્સે ફેલાવેલી અશ્લીલતા અને ગંદવાડ દેખાતો નથી. સોફ્ટ પોર્ન સ્ટાઈલના તેમનાં ગીતો સામે ભાજપના કોઈ હિંદુવાદી નેતાએ કે હિંદુવાદ સંગઠને વાંધો ઉઠાવ્યો હોય એવું હજુ લગી તો સાંભળ્યું નથી.
ખેર, એ વલોપાતનો મતલબ નથી. ડબલ સ્ટાન્ડર્ડવાળા નેતા ને ડબલ સ્ટાન્ડર્ડવાળી પ્રજા હોય ત્યાં સંસ્કૃતિના નામે આવાજ ખેલ ચાલે તેથી આપણે પાછા પવનસિંહની વાત પર આવીએ. પવનસિંહ તો ભોજપુરી મનોરંજન જગમાં સૌથી હલકી ને વગોવાયેલી આઈટમ છે. 38 વર્ષના પવનસિંહ સૌથી વધારે બદનામ છે. અંગત જીવનમાં પણ પવનસિંહના નામે ગંભીર વિવાદો છે. પવનસિંહે બે વાર લગ્ન કરીને બે વાર છૂટાછેડા લીધા છે. પહેલાં લગ્ન નીલમસિંહ સાથે કરેલાં કે જેણે માત્ર છ મહિનામાં જ આપઘાત કરી લીધેલો.
બીજાં લગ્ન જ્યોતસિંહ સાથે કર્યાં ને તેની સાથે પણ 2022માં છૂટાછેડા થઈ ગયા. 2019માં ભોજપુરી એક્ટે્રસ અક્ષરાસિંહે પવનસિંહ સામે પોતાનીં અંગત તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યા હોવાની ફરિચાદ નોંધાવી હતી. અક્ષરાનો આક્ષેપ હતો કે, પવને પહેલી વાર લગ્ન કર્યાં એ પહેલાંથી બંને વચ્ચે સંબંધો હતા. પવનસિંહ પોતાને લગ્નની લાલચ આપીને ભોગવતો હતો પણ જ્યોતિ સાથેનાં લગ્ન પછી પોતે સંબધોનો અંત લાવવાનું નક્કી કર્યું ત્યારે પવને તેને મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી પત્નિ જ્યોતિં સિંહે પણ પવન તેને મારતો હોવાનો અને બે વાર ગર્ભપાતની ફરજ પાડી હોવાનો આરોપ મૂક્યો હતો.
કોઈ પણ વ્યક્તિના અંગત જીવનમાં બહુ ના પડવાનું હોય પણ પવનસિંહના અંગત જીવન સાથે સ્ત્રીઓ તરફ ક્રૂરતા અને તેમને પોતાની હવસનું રમકડું સમજવાની માનસિકતા જોડાયેલી છે. આ ભારતીય મૂલ્યો નથી ને આવા માણસને ટિકિટ આપીને ભાજપ શું સાબિત કરવા માગતો હતો તેની ભાજપના નેતાઓને જ ખબર.
પવનસિંહને ટિકિટ અપાઈ પછી તૃણમૂલ કૉંગ્રેસે પવનસિંહે બંગાળની છોકરીઓ વિશે અને અપમાનજવક શબ્દો સાથેનાં ગીતો લખેલાં એ બધાં સોશિયલ મીડિયા પર મૂકી દીધાં તેમાં ભાજપની ફેં ફાટી ગઈ. બંગાલવાલી માલ, હસીના બંગાલ કે સહિતનાં ગીતોમાં પવનસિંહે બંગાળની છોકરીઓ વિશે કરેલી વાંધાજનક વાતોના વીડિયો વાઇરલ કરીને તૃણમૂલના નેતા તૂટી પડ્યા.
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયે તો એ વખતે પણ ચોરી પર સિનાજોરી કરીને પવનસિંહનો બચાવ જ કરેલો. માલવિયે લખેલું કે, તૃણમૂલના નેતાઓમાંથી અડધાથી વધારે નેતાઓને પોતાના કરતાં અડધી ઉંમરની ને ઘણા કિસ્સામાં તો પહેલી પત્નિથી થયેલી દીકરી કરતાં પણ નાની ઉંમરની બીજી પત્નિ કે રખાતો છે. એ લોકો ભોજપુરી ગાયકને તેના કામ માટે બદનામ કરી રહ્યા છે.
ખેર, સોશિયલ મીડિયા પર પવનસિંહ સામેની ઝુંબેશ ઉગ્ર બની એટલે પવનસિંહ પાણીમાં બેસી ગયો. પવન પોતે બેઠો કે ભાજપે તેને બેસાડ્યો તેની તેમને ખબર નથી પણ ભાજપ બચી ગયો. બાકી આખી ચૂંટણીમાં પવનનાં પાપનો બોજ ભાજપે ઉંચકીને ફરવો પડ્યો હોત.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button