દિલ્હીમાં એક્ઝિટ પોલનો ઈતિહાસ ખોટા પડવાનો છે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની રમત ચાલે છે તેના કારણે ચૂંટણીનો ટેમ્પો જળવાય છે. આ વખતે પણ બુધવારે મતદાન પત્યું એ સાથે જ એક્ઝિટ પોલનો મારો શરૂ થઈ ગયેલો અને એક્ઝિટ પોલના વરતારા પ્રમાણે, ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થશે. દિલ્હી 1993માં રાજ્ય બન્યું પછી પહેલી ચૂંટણીમા જીતીને સરકાર ભાજપે બનાવેલી પણ પછી ભાજપનાં એવાં વળતાં પાણી થયાં કે, છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં નથી આવતો. 1998થી સળંગ 15 વર્ષ માટે કૉંગ્રેસનાં શીલા દીક્ષિત મુખ્યમંત્રીપદે રહ્યાં ને પછી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ એટલે 2013થી આમ આદમી પાર્ટી સત્તામાં છે. તેમાં પણ 2015થી તો સળંગ 10 વર્ષથી આમ આદમી પાર્ટીનું જ શાસન છે.
એક્ઝિટ પોલનો વરતારો છે કે આ વખતે કેજરીવાલની પાર્ટી હારશે ને ભાજપ ફરી સત્તામાં આવશે. મતદાન પત્યા પછી 10 એક્ઝિટ પોલ આવ્યા તેમાંથી 8 એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળશે એવી આગાહી કરાઈ છે જ્યારે 2 એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી આપની સરકાર બનશે એવો દાવો કરાયો છે. એક્ઝિટ પોલમાં ભાજપને મહત્તમ 60 અને આમ આદમી પાર્ટીને મહત્તમ 52 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. કૉંગ્રેસ 25 કરતાં વધારે બેઠકો જીતીને કિગ મેકર બનવાનાં સપનાં જોયા કરે છે પણ કૉંગ્રેસને મહત્તમ 3 બેઠકો મળવાની આગાહી કરાઈ છે. બે એક્ઝિટ પોલમાં તો કૉંગ્રેસ ખાતું પણ નહીં ખોલી શકે એવી આગાહી કરાઈ છે.
આ બધા જ પોલની સરેરાશ કાઢીએ તો ભાજપને 70 વિધાનસભા બેઠકોમાંથી 39, આમ આદમી પાર્ટીને 30 અને કૉંગ્રેસને 1 બેઠક મળશે એવો વરતારો છે. દિલ્હીમાં બીજા કોઈ પક્ષો મેદાનમાં નથી છતાં જેવીસી અને પોલ ડાયરી એ બે એક્ઝિટ પોલમાં અન્યોને પણ 1-1 બેઠક મળી શકે છે એવી આગાહી કરાઈ છે. દિલ્હીમાં સરકાર રચવા માટે 36 બેઠકની જરૂર છે એ જોતાં ભાજપ સરકાર રચશે એવું એક્ઝિટ પોલ કહે છે.
એક્ઝિટ પોલના આધારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયે દાવા શરૂ કરી દીધા છે. ભાજપના સાંસદ મનોજ તિવારીનો દાવો છે કે, ભાજપને એક્ઝિટ પોલની આગાહી કરતાં પરિણામો અલગ આવશે ને ભાજપ એક્ઝિટ પોલની આગાહી કરતાં વધારે બેઠકો જીતશે. ભાજપ તરફ લોકોમાં જે જુવાળ અમે જોયો છે એ ભાજપને સત્તામાં આવવા તરફ દોરી રહ્યો છે અને ભાજપની ઘરવાપસી નક્કી છે. કૉંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ ઔજલાના કહેવા પ્રમાણે એક્ઝિટ પોલમાં કૉંગ્રેસ જીતતી નથી એવું ભલે કહેવાતું હોય પણ કૉંગ્રેસ સારી એવી સંખ્યામાં બેઠકો જીતશે. આમ આદમી પાર્ટી સત્તામાં પાછી નહીં આવે. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે અને ત્રણેય પક્ષોને સમાન બેઠકો મળશે તેથી કોની સત્તા હશે એ કૉંગ્રેસ નક્કી કરશે.
આમ આદમી પાર્ટીના નેતા સુશીલ ગુપ્તાના કહેવા પ્રમાણે, આ અમારી ચોથી ચૂંટણી છે અને દરેક વખતે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર નહીં આવે એવી જ આગાહી થાય છે છતાં અમારી જ સરકાર રચાય છે. ગુપ્તાની વાત સાવ સાચી છે કેમ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લી ત્રણેય ચૂંટણીમાં એક્ઝિટ પોલ સદંતર ખોટા પડ્યા છે.
આ પહેલાંની એટલે કે 2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધેલો જ્યારે ભાજપને ફક્ત 8 બેઠકો મળી હતી. 2020માં કુલ 12 એક્ઝિટ પોલ બહાર પડેલા ને તેમાંથી માત્ર એક પોલ સાચો પડ્યો હતો. મોટા ભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી જીતશે એવી આગાહી કરાઈ હતી પણ ઈન્ડિયા ટુડેએ જ આપને 63 બેઠકો મળશે એવી આગાહી કરેલી. બાકીના કોઈ એક્ઝિટ પોલે આમ આદમી પાર્ટીને 56થી વધારે બેઠકો નહોતી આપી.
ભાજપ 2014ની મોદી લહેર પછી યોજાયેલી 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવી નહોતી શકી. આમ આદમી પાર્ટીએ 67 બેઠકો જીતી હતી અને ભાજપ ફક્ત 3 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. 2015માં આમ આદમી પાર્ટીને મહત્તમ 53 બેઠકો અપાયેલી જ્યારે એકાદ એક્ઝિટ પોલ સિવાયના બાકીના પોલમાં ભાજપને 20 કરતાં વધારે બેઠકો મળવાની આગાહી થયેલી. ભાજપને ઓછામાં ઓછી 17 બેઠકો મળશે એવું એક્ઝિટ પોલ કહેતા હતા પણ બધા પોલ ખોટા પડ્યા હતા અને ભાજપને માત્ર 3 બેઠકો મળતાં બધા એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.
2013માં આમ આદમી પાર્ટી પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડી ત્યારે 28 બેઠકો જીતી હતી જ્યારે કૉંગ્રેસને 8 અને ભાજપને 31 બેઠકો મળી હતી. એ વખતે બધા એક્ઝિટ પોલ ભાજપની સરકાર રચાશે એવું કહેતા હતા ને કેજરીવાલને પાર્ટીને કોઈએ 20થી વધારે બેઠકો આપી નહોતી પણ કેજરીવાલની પાર્ટી 28 બેઠકો જીતીને કૉંગ્રેસના ટેકાથી સરકાર રચી ગઈ હતી. મતલબ કે, બધા એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.
દિલ્હી વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણી ઉપરાંત લોકસભાની છેલ્લી ચૂંટણીમાં પણ તમામ એક્ઝિટ પોલે ભાજપને લગભગ 350ની આસપાસ બેઠકો આપી દીધેલી પણ ભાજપ સ્પષ્ટ બહુમતી પણ ના મેળવી શક્યો. ટૂંકમાં એક્ઝિટ પોલ એટલા ભરોસાપાત્ર નથી તેથી આમ આદમી પાર્ટી કમ સે કમ પરિણામ સુધી તો આ વાત કરીને બચી શકે છે. આમ આદમી પાર્ટી માટે એક હકારાત્મક વાત પાછી એ પણ છે કે, સટ્ટાબજાર માને છે કે, આમ આદમી પાર્ટીની બેઠકો ઘટશે પણ કેજરીવાલ જ સરકાર બનાવશે. રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે આમ આદમી પાર્ટીને 38-40 બેઠકો, ભાજપને 30-32 બેઠકો અને કૉંગ્રેસને 0-1 બેઠકો જીતવાની આગાહી કરી છે.
એક્ઝિટ પોલનો ઈતિહાસ ભાજપ માટે બહુ ઉત્સાહપ્રેરક નથી એ સાચું પણ ભૂતકાળના એક્ઝિટ પોલ અને આ વખતના એક્ઝિટ પોલમાં એક ફરક પણ છે. ભૂતકાળમાં માત્ર 2013માં જ આમ આદમી પાર્ટીને વધારે બેઠકો મળશે એવી આગાહી કરવામાં એક્ઝિટ પોલ થાપ ખાઈ ગયેલા જ્યારે પછીની બે ચૂંટણીના એક્ઝિટ પોલમાં તો ભાજપ હારશે ને આમ આદમી પાર્ટી જીતશે એવી આગાહી કરાયેલી જ. એક્ઝિટ પોલ આપ અને ભાજપને મળનારી બેઠકોના આંકડામાં ખોટા પડેલા. આ વખતના મોટા ભાગના એક્ઝિટ પોલમાં તો આમ આદમી પાર્ટીની હારની જ વાત છે.