એકસ્ટ્રા અફેર

ભાજપનું નિશાન શેખ શાહજહાં નહીં પણ મમતા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

પશ્ર્ચિમ બંગાળના રાજકારણમાં વિવાદનું કેન્દ્ર બનેલો સંદેશખાલીનો તૃણમૂલ કૉંગ્રેસનો નેતા શેખ શાહજહાં અંતે ઝડપાઈ ગયો. છેલ્લાં ૫૫ દિવસથી ભાગતા ફરતા શાહજહાં સામે હિંદુ મહિલાઓનું જાતિય શોષણ કરવાનો અને જમીનો પચાવી પાડવાના ગંભીર આક્ષેપો છે. આ સિવાય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પણ શાહજહાં સામે અધિકારીઓ પર હુમલો તથા જમીન પચાવી પાડવાની જૂની ફરિયાદમાં કેસ કરેલા છે.

પશ્ર્ચિમ બંગાળમાં જે કૌભાંડો લાંબા સમયથી ગાજે છે તેમાં એક રાશન કાર્ડની ચીજો લોકોને આપ્યા વિના બારોબાર વેચી મારવાનું પણ છે. તૃણમૂલના નેતા અને મમતા બેનરજી સરકારના ભૂતપૂર્વ પ્રધાન જ્યોતિપ્રિય મલ્લિકનો સુંદરબન વિસ્તારમાં દબદબો હતો અને શાહજહાંનો પણ આ વિસ્તારમાં વટ છે તેથી શાહજહાં અને જ્યોતિપ્રિય મલ્લિકે ૨૦ હજાર કરોડ રૂપિયાના રાશન કાર્ડ કૌભાંડમાં ભાગબટાઈ કરી હોવાનું કહેવાય છે. મલ્લિક અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે અને ઈડી શાહજહાંને પણ જેલની હવા ખવડાવવા ઉંચીનીચી થઈ રહી છે તેથી ઈડી શાહજહાંની પૂછપરછ કરવા ગઈ ત્યારે હુમલો થયો હતો. ઈડીની ટીમ પાંચમી જાન્યુઆરીએ સંદેશખલીમાં શાહજહાંના ઘરે રેડ પાડવા ગઈ ત્યારે ટોળું તેના સ્વાગત માટે તૈયાર હતું. આ ટોળાએ હુમલો કરીને ઈડીની ટીમને ભગાડી દીધી હતી. ઈડીએ આ અંગે ત્રણ એફઆઈઆર નોંધાવી હતી પણ ઈડીની ટીમ પર હુમલાના દિવસથી શેખ શાહજહાં ફરાર થઈ ગયેલો.

ઈડી તેને શોધવા આકાશપાતાળ એક કરી રહી હતી પણ શાહજહાં હાથ લાગતો નહોતો. કોલકાત્તા હાઈ કોર્ટે પણ શાહજહાંને ઝબ્બે કરવા કહેલું પણ બંગાળમાં કાનૂનના હાથ મમતા બેનરજી કરતાં લાંબા નથી તેથી શાહજહાં હાથ લાગતો નહોતો. ગુરુવારે સવારે અચાનક ૫૫ દિવસ લગી લાપત્તા રહ્યા પછી તેણે આત્મસમર્પણ કરી દીધું તેથી આશ્ર્ચર્ય સર્જાયું છે. શાહજહાંના પિતા મસિબુર મુલ્લાહે બે વાર નિકાહ કરેલા છે. મસિબુર મુલ્લાહની એક પત્નિ ભારતમાં જ્યારે બીજી બંગલાદેશમાં રહે છે.

બંગાળથી બંગલાદેશ જવું સરળ છે તેથી મસિબુર બંગલાદેશ આવતો-જતો રહેતો અને બંને તરફ તલસા કરતો હતો. મસિબુરે બંગલાદેશમાં પણ બાળકો પેદા કરી દીધાં છે અને શાહજહાંના સાવકા ભાઈઓ અત્યારે બાંગલાદેશમા જ રહે છે. તેમની મદદથી શાહજહાંએ બંગલાદેશમાં પણ ક્રાઈમ નેટવર્ક વિકસાવ્યું છે તેથી શાહજહાં બંગલાદેશ ભાગી ગયો હોવાની વાતો પણ ચાલેલી પણ છેવટે એ સંદેશખાલીમાંથી જ પકડાયો છે.

શાહજહાં શેખનું હવે શું થશે અ કહેવાની જરૂર નથી. ઈડી સહિતની કેન્દ્ર સરકારની તાબેદાર એજન્સીઓ તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓને શોધી શોધીને જેલભેગા કરી રહી છે ને જ્યાં લગી ભાજપના પગે ના પડી જાય ત્યાં લગી છોડતી નથી. શાહજહાંના કેસમાં પણ એવું જ થશે ને એ ભાજપની શરણાગતિ ના સ્વીકારે ત્યાં લગી જેલની બહાર આવે એવી આશા રાખવા જેવી નથી. શાહજહાંના કેસમાં તો ભાજપનો રાજકીય ફાયદો પણ છે તેથી જ શાહજહાંના મુદ્દાને ભાજપે બરાબર ચગાવ્યો છે. લોકસભાની ચૂંટણી નજીકમાં છે, શાહજહાં મુસ્લિમ છે તેથી ભાજપને હાથ મોટો મુદ્દો લાગી ગયો છે ને ભાજપે તેનો બરાબર કસ કઢીને હિંદુ વર્સીસ મુસ્લિમનો મુદ્દો બનાવી દીધો છે.

ભાજપનો આક્ષેપ છે કે, શાહજહાંના ગુંડા અને તૃણમૂલ કૉંગ્રેસના કાર્યતરો હિંદુઓનાં ઘરોમાં ઘૂસીને કોઈ સ્ત્રી રૂપાળી અને યુવાન છે તેનો સર્વે કરી જાય છે. રાત પડે ત્યારે આ સ્ત્રીને ઉઠાવી જઈને તેના પર બળાત્કાર ગુજારાય છે. રાતભર ભોગવ્યા પછી વહેલી સવારે સ્ત્રીઓને પાછી મૂકી દેવાય છે. તૃણમૂલની ઓફિસે આવવાની મહિલાઓને ફરજ પડાય છે ને ત્યાં પણ તેમના પર બળાત્કાર કરાય છે. હિંદુ પુરુષોને તેમની પત્નિઓ પર તેમનો કોઈ અધિકાર નથી એવું કહી દેવાય છે. ભાજપે શાહજહાંના ગુંડા મનફાવે ત્યારે હિંદુ મહિલાઓને ઉઠાવી જઈને તેમના પર બળાત્કાર ગુજારે છે સહિતના આક્ષેપો કરીને આ મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે.

ભાજપે પોતાના રાજકીય ફાયદા માટે આ મુદ્દાને હિંદુ વર્સીસ મુસ્લિમનો બનાવી દીધો પણ શાહજહાંની ગુંડાગીરીનો ભોગ બધા બનેલા છે. વાસ્તવમાં શાહજહાં શેખ સંદેશખાલી જ નહીં પણ આખા સુંદરબનમાં ગુનાખોરીનું સામ્રાજ્ય ચલાવે છે, જમીનો હડપી લે છે, ખેડૂતોને કે કોઈને પણ નાણાં ચૂકવાતા નથી. શાહજહાં શેખના ગુંડા ખેડૂતોને ફિશ પોન્ડ્સ માટે જમીન આપવાની ફરજ પાડવા માટે ખારું પાણી છોડીને તેને નકામી બનાવી દે છે એવી ફરિયાદો પણ છે. મનરેગા સહિતની સ્કીમોમાં કામ કરતા મજૂરો પાસેથી શહાજહાંના ગુંડા ખંડણી ઉઘરાવતા હોવાના આક્ષેપો પણ છે.

આ બધા આક્ષેપો ગંભીર છે પણ ભાજપનું ટાર્ગેટ શેખ શાહજહાં નહીં પણ મમતા બેનરજી છે તેથી શાહજહાં શેખ માટે ઈડીની ચુંગાલમાંથી બચવાનો એક રસ્તો છે. શેખ શાહજહાં મમતા બેનરજી વિરુદ્ધ ભાજપના ઈશારે નાચવા તૈયાર થઈ જાય તો શાહજહાંનો કાલે છૂટકારો થઈ જાય એ શક્ય છે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં મમતાને ભિડાવવા માટે મુદ્દાઓની જરૂર છે જ તેથી શાહજહાં તેનો હાથો બનવા તૈયાર થઈ જાય તો તેનો પણ છૂટકારો થઈ જાય.

મમતા બેનરજીની છત્રછાયામાં શાહજહાં શેખ ગુંડાગીરી કરે છે અને મમતાને હપ્તા પહોંચાડે છે એવો ભાજપનો આક્ષેપ છે. શેખ શાહજહાં કોર્ટમાં આ આક્ષેપોને સમર્થન આપે તો ભાજપ તરત જ શાહજહાંનો છૂટકારો કરાવી દે ને શેખ શાહજહાંને દૂધે ધોયેલો પણ સાબિત કરાવી દે તેમાં બેમત નથી. ભાજપના વોશિંગ મશીનમાં ભલભલા મહાપાપીઓનાં પાપ ધોવાઈ ગયા છે ને હરામીમાં હરામી માણસો પણ પવિત્ર થઈ ગયા છે ત્યારે શેખ શાહજહાં શું ચીજ છે? શેખ શાહજહાં મમતાનો ખાસ ગણાય છે પણ એ મમતા સાથે ગદ્દારી કરીને ભાજપને સાથ આપી શકે છે. શેખ શાહજહાં મમતા બેનરજીનું પાપ છે તેમાં બેમત નથી પણ આ પાપ મમતાએ પેદા કર્યું નથી. શાહજહાં એક સમયે મમતા બેનરજી જેની સામે લડતાં હતાં એ ડાબેરી મોરચાની મુખ્ય પાર્ટી સીપીએમમાં હતો. સીપીએમ માટે ગુંડાગીરી કરી ખાતો શેખ શાહજહાં મમતાનો દબદબો વધતાં તૃણણૂલ કૉંગ્રેસમાં આવી ગયો તેથી તેની મમતા તરફની વફાદારી શત પ્રતિશત નથી. કાલે પોતાના બચાવ માટે એ ભાજપની પંગતમાં બેસી શકે ને મમતા સામે ભાજપને દારૂગોળો પૂરો પાડી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button