એકસ્ટ્રા અફેર: વિસાવદરમાં પૂરી તાકાત લગાવવા છતાં ભાજપને નિરાશા મળી

-ભરત ભારદ્વાજ
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા બેઠક ભાજપના કરશન સોલંકીએ જીતી હતી પણ સોલંકીનું નિધન થતાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની 39,452 મતે જીત થતાં આ બેઠક ભાજપે જાળવી છે.
2022માં વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ જીતી હતી પણ ભૂપેન્દ્ર ભાયાણી પક્ષપલટો કરીને ભાજપમાં જતા રહેતાં ખાલી પડેલી બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઊભા રાખેલા. ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17,554 મતે હરાવીને જીત મેળવતાં વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી છે.
ભાજપ અને આપ બંનેએ પોતપોતાની બેઠકો જાળવતાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છતાં ભાજપ માટે આ પરિણામ નિરાશાજનક ચોક્કસ છે. તેનું કારણ એ કે, વિસાવદર બેઠક જીતવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી.
ભાજપ 2017માં જીતનારા કૉંગ્રેસના હર્ષદ રીબડિયા અને 2022માં જીતનારા આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણી એમ બબ્બે ધુરંધરોને તોડીને લઈ આવેલો. ભાજપે પોતાનું આખું તંત્ર ઈટાલિયાને હરાવવા કામે લગાડી દીધેલું છતાં ગોપાલ ઈટાલિયાને હરાવી શક્યો નથી.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતી હતી પણ જે બેઠકો ભાજપ જીતી નહોતો શક્યો તેમાં એક વિસાવદરની પણ હતી. પહેલી જ વાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતીને ખાતું ખોલાવ્યું તેમાં એક બેઠક વિસાવદરની પણ હતી. ભાજપે એ પછી કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેમાં તોડફોડ કરીને રાજીનામાં અપાવવા મથામણ કરી તેમાં આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો અડીખમ રહ્યા પણ ભૂપેન્દ્ર ભાયાણી ફસકી ગયેલા.
ભૂપેન્દ્ર ભાયાણી ફસકી ગયા ને આપ છોડીને ભાજપના શરણે ગયા તેનું કારણ સુરતનો સેક્સકાંડ મનાતો હતો.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: સુપ્રીમની વાત સાચી, ટોળાશાહીને પ્રોત્સાહન ન જ અપાય
ભાયાણી ધારાસભ્ય બન્યા પછી 2023માં ભૂપેન્દ્ર ભાયાણીનો એક વીડિયો વાયરલ થયો હતો. હોટલના સીસીટીવીના વીડિયોમાં ભૂપેન્દ્ર ભાયાણી સુરતની એક હોટલમાં અજાણી યુવતી સાથે દેખાયા હતા. ભાયાણી યુવતી સાથે હોટેલમાં રંગરેલિયાં મનાવવા ગયા હતા ત્યારે યુવતીના પતિએ રંગેહાથે પકડતાં મોઢે રૂમાલ રાખીને ભાગ્યા હોવાની વાતો પણ વહેતી થઈ હતી. ભાયાણીએ વાયરલ થયેલા સીસીટીવી અંગે એવી ચોખવટ કરેલી કે, આ વીડિયો મોર્ફ કરેલો અને ખોટો છે. આ રાજકીય ષડયંત્ર છે અને મને ખોટી રીતે ફસાવવા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ભાયાણીએ એવો દાવો પણ કરેલો કે, આ વીડિયો જૂનો છે અને ક્યારનો છે એ પણ મને યાદ નથી.
જો કે સીસીટીવીના ફૂટેજ પ્રમાણે ભૂપેન્દ્ર ભાયાણી જેવી લાગતી વ્યક્તિ મોંઢે દુપટ્ટો બાંધેલી યુવતી સાથે 8 જૂન 2023ના રોજ સવારે 10.25 વાગે ગેસ્ટ હાઉસમાં પ્રવેશી હતી. યુવતી પોતાની મરજીથી આવી હોય તે રીતે તેણે રજિસ્ટરમાં સહી કરી હતી અને 11.12 વાગે ભાયાણી જેવી લાગતી વ્યક્તિ હોટલમાંથી ભાગતી દેખાતી હતી એ જોતાં આ વીડિયો જૂનો નહોતો જ. આમ છતાં દરેક રાજકારણીની જેમ ભાયાણીએ દૂધે ધોયેલા હોય એવા દાવા કરેલા.
ભાયાણીની વાત સાચી હતી કે સોશિયલ મીડિયા પર વહેતી થયેલી વાતો સાચી હતી એ રામ જાણે પણ વીડિયો વાયરલ થયાના થોડા મહિનામાં ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દીધેલું અને ભાજપમાં જોડાઈ ગયેલા. તેના કારણે સૌને એવું જ લાગ્યું કે, સેક્સકાંડથી બચવા માટે ભાયાણી ભાજપની પંગતમાં બેસી ગયા છે.
ભાજપે પેટાચૂંટણીમાં ભાયાણીને ટિકિટ ના આપી ત્યારે જ સ્પષ્ટ થઈ ગયેલું કે, ભાજપ કોઈ ચાન્સ લેવા માગતો નથી. સેક્સકાંડમાં ખરડાયેલા ભાયાણીને ઉમેદવાર બનાવીને ભાજપ ચૂંટણી લડાય એ પહેલાં જ ઈટાલિયાની સ્થિતિ મજબૂત કરવા નથી માગતો. ભાજપે કિરીટ પટેલ જેવા ઓછા જાણીતા ચહેરાને ટિકિટ આપીને છાપેલાં કાટલાં સામેનો રોષ મતદાન વખતે ના દેખાય એવી ગણતરી માંડેલી પણ એ ફળી નથી.
વિસાવદર બેઠક લાંબા સમયથી ભાજપના હાથમાં આવતી નથી ને છેલ્લાં 18 વર્ષથી ભાજપ આ બેઠક જીત્યો નથી. છેલ્લે 2007માં ભાજપની ટિકિટ પર કનુભાઈ ભલાળા વિસાવદરથી ચૂંટાઈ આવ્યા પછી સતત વિપક્ષી ઉમેદવાર જ જીતે છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક કેશુભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.
2014ની લોકસભા ચૂંટણી પહેલાં કેશુભાઈએ તેમનો પક્ષ ભાજપમાં ભેળવી દીધો હતો તેથી યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસના હર્ષદ રીબડિયા ચૂંટાઈ આવ્યા હતા. રીબડિયા 2017ની ચૂંટણીમાં પાછા જીત્યા હતા પણ 2022માં ભાજપમાંથી લડ્યા ત્યારે હારી ગયેલા.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : મોદી વિરોધી રોડ શો, કેનેડા હવે ભારતનું મિત્ર ના બની શકે
વિસાવદરમાં ભલે આમ આદમી પાર્ટી જીતી પણ આ જીત ગોપાલ ઈટાલિયાની વધારે છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ એ પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધેલા. ઈટાલિયા તાત્કાલિક પ્રચારમાં લાગી ગયેલા ને ભાજપ હજુ ઉમેદવાર નક્કી કરવાની ભાંજગડમાં પડેલો ત્યાં તો ઈટાલિયા વિસાવદરના ગામેગામ ફરી વળેલા.
ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા પછી ગોપાલ ઈટાલિયાએ કિરીટ પટેલના સહકારી ક્ષેત્રમાં કહેવાતા ભ્રષ્ટાચારના મુદ્દાને ચગાવેલો. કિરીટ પટેલ આહિર જ્ઞાતિનાં લોકોને પરેશાન કરતા હોવાના મુદ્દાને પણ ચગાવાયેલો. ગોપાલ ઈટાલિયાએ જબરદસ્ત પ્રચાર તંત્ર ગોઠવીને દારૂ પકડવા સહિતના દાવ પણ અજમાવ્યા ને એ બધું તેમને ફળ્યું છે.
ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય બનતાં વિધાનસભામાં થોડીક રંગત જામશે કેમ કે ઈટાલિયા આક્રમક નેતા છે. કોન્સ્ટેબલની નોકરી છોડીને રાજકારણમાં આવેલા ગોપાલ ઈટાલિયા વિદ્યાર્થીઓ, ખેડૂતો વગેરેના પ્રશ્ને સતત બોલતા રહે છે.
વાસ્તવમાં ગુજરાતમાં અત્યારે વિપક્ષમાંથી ગોપાલ ઈટાલિયા અને કૉંગ્રેસના જીજ્ઞેશ મેવાણી એ બે જ લડાયકતા બતાવે છે, વિપક્ષના બાકીના નેતા ભાજપની બી ટીમ જેવા છે. ધારાસભ્ય બનતાં ઈટાલિયાનો આત્મવિશ્વાસ વધશે. આમ આદમી પાર્ટી માટે પણ આ પરિણામો આત્મવિશ્વાસ વધારનારાં છે, ગુજરાતમાં આપની રાજકીય હાજરી હજુ છે એ આ પરિણામોએ સાબિત કર્યું છે.
આ બંને બેઠકોની પેટાચૂંટણીએ ફરી સાબિત કર્યું છે કે, કૉંગ્રેસ ગુજરાતમાં મરણપથારીએ પડેલી છે. કડીમાં કૉંગ્રેસના ઉમેદવારની લગભગ 40 હજાર મતે હાર થઈ જ્યારે વિસાવદરમાં તો કૉંગ્રેસના ઉમેદવારને માંડ 5500ની આસપાસ મતો મળ્યા છે એ જોતાં કશું કહેવા જેવું પણ રહ્યું નથી.
ગુજરાતની કડી અને વિસાવદરની સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રસ, પંજાબમાં આમ આદમી પાર્ટી અને કેરળમાં કૉંગ્રેસ જીતી છે. આ પરિણામો ધારણા પ્રમાણેનાં છે તેથી તેનું એનાલિસિસ કરવાનો મતલબ નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ લાંબું ચાલે તો હાલત બગડી જાય