એકસ્ટ્રા અફેરઃ દિલ્હીમાં બ્લાસ્ટ, હવે આતંકવાદનો કાયમી ઉપાય જરૂરી

ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું પછી એવા દાવા કરાયેલા કે, આપણાં લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને અને પાકિસ્તાનના લશ્કરને એવો પાઠ ભણાવ્યો છે કે, પાકિસ્તાનનું લશ્કર ભારત પર આતંકવાદી હુમલો કરાવતાં પહેલાં હજાર વાર વિચાર કરશે ને આતંકવાદીઓ તો ભારતમાં હુમલા કરવાનું સપને પણ નહીં વિચારે.
મોદી સરકારના મંત્રીઓ અને ભાજપના નેતા ડંફાશો મારતા હતા કે, હવે પાકિસ્તાન ખો ભૂલી જશે. ઓપરેશન સિંદૂરની સફળતાનો જોરશોરથી આખા દેશમાં જશ્ન મનાવાયેલો. ભારતે પાકિસ્તાન સામે યુદ્ધમાં જીત મેળવી હોય એવો માહોલ પેદા કરી દેવાયેલો.
આ વાતને છ મહિના પણ થયા નથી ત્યાં દિલ્હીમાં આતંકવાદી હુમલો થઈ ગયો ને 13 લોકોનાં ઢીમ ઢળી ગયાં. દિલ્હીમાં લાલ કિલ્લામાં ભારતના લશ્કરની છાવણી છે અને લાલ કિલ્લો આપણા ગૌરવનું પણ પ્રતિક છે કેમ કે આપણા વડા પ્રધાન લાલ કિલ્લા પરથી પ્રવચન આપે છે. આતંકવાદીઓએ આ લાલ કિલ્લા સામે જ કાર ઉડાવીને હાહાકાર કરી નાંખ્યો. દિલ્હીની 10 નવેમ્બરની સાંજને રક્તરંજિત કરી નાખી.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ કૉંગ્રેસે નફરતનાં બી રોપ્યાં, અડવાણીની રથયાત્રાએ નહીં
કાશ્મીરના ડો. મોહમ્મદ ઉંમરે લાલ કિલ્લા પાસે કરેલા આત્મઘાતી હુમલામાં ડો. ઉમરની કારના તો ફૂરચા ઊડી જ ગયા પણ બીજી ચાર કારના પણ ફૂરચા ઊડી ગયા. નજરે જોનારાં લોકોના કહેવા પ્રમાણે, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, મતૃકોના શરીરના પણ ફુરચેફુરચા ઊડી ગયા હતા અને તેમનાં અંગો હવામાં ઉછળીને જમીન પર પટકાયાં હતાં.
સત્તાવાર રીતે મૃતકોનો આંકડો 13 ગણાવાય છે પણ મૃતકોનાં અંગો એ હદે ક્ષતવિક્ષત થઈ ગયાં કે, તેમની ઓળખ પણ શક્ય નથી બની. આ કારણે બ્લાસ્ટમાં મરાયેલાં લોકોનો આંકડો મોટો હોવાની પૂરી શક્યતા છે. ઘાયલ થયેલાં લોકોમાં પણ ઘણાં એ હદે ગંભીર રીતે ઘાયલ થયેલાં છે કે તેમની ઓળખ જ થઈ નથી શકી. આપણે ઈચ્છીએ કે તમામ ઘાયલો મોતને મહાત આપીને જીંદગીનો જંગ જીતે પણ આપણે ઈચ્છેલું બધું થતું નથી એ જોતાં મૃત્યુનો આંક વધે એવી પૂરી શક્યતા છે.
આપણા નિર્દોષ નાગરિકોની આ રીતે હત્યા થાય એ મુદ્દો બહુ મોટો છે ને તેના જેટલો જ મહત્ત્વનો મુદ્દો આ હુમલા દ્વારા આતંકવાદીઓ અને આતંકવાદીઓના આકા પાકિસ્તાને આપણને આપેલો મેસેજ છે. બલ્કે પાકિસ્તાને ભારતને સીધી રીતે પડકાર જ ફેંકી દીધો છે કે, તમારામાં તાકાત હોય તો અમારા પાલતુ આતંકવાદીઓને રોકી બતાવો અને સાફ કરી બતાવો. અત્યાર સુધી પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરાવતું પણ આ વખતે સીધું દેશની રાજધાનીમાં ઘૂસીને લાશો ઢાળી છે તેથી પાકિસ્તાને સીધો ભારતના આત્મગૌરવ પર ઘા કર્યો છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ સીસીટીવી બંધ, મધરાતે વાનની એન્ટ્રી ને પંચના લૂલા બચાવ
ભારત આ પડકારનો શું જવાબ આપશે એ ખબર નથી પણ આખા દેશની નજર હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર છે. ઓપરેશન સિંદૂર પછી 11 મેના રોજ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પાકિસ્તાન પર વધુ એક લશ્કરી વિજયનો દાવો કર્યો હતો. મોદીએ ચેતવણી પણ આપી હતી કે, હવે પછી ભારતમાં ફરી આતંકવાદી હુમલાો થયો તો તેનો જવાબ આ રીતે જ લશ્કરી ભાષામાં પાકિસ્તાન પર આક્રમણ કરીને આપવામાં આવશે.
મોદીના હુંકારને બરાબર છ મહિના થયા ને પાકિસ્તાને ફરી આતંકવાદી હુમલો કરાવીને સ્પષ્ટ કરી દીધું છે કે, ભારત ગમે તે કરે ને ગમે તે બોલે પણ અમે સુધરવાના નથી, અમે ભારતમાં આતંકવાદ ફેલાવવાનું ચાલુ રાખીશું. ભારતના નિર્દોષ નાગરિકોની હત્યાઓ કરવાનું ચાલુ રાખીશું.
દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો એ ઘટના બહુ મોટી છે છતાં આપણા સાહેબ નરેન્દ્ર મોદી તો રાબેતા મુજબ ભૂતાનના બે દિવસના પ્રવાસે ઉપડી ગયા. આપણા ગૃહ મંત્રી અમિત શાહ અહીં દોડાદોડી કર્યા કરે છે ને બેઠકો કર્યા કરે છે જ્યારે મોદી સાહેબ ભૂતાનમાં ઠંડક માણી રહ્યા છે. ભૂતાનમાં જઈને મોદી સાહેબે હુંકાર કરી નાખ્યો કે, દિલ્હી બ્લાસ્ટના કોઈ પણ ષડયંત્રકારને છોડવામાં નહીં આવે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ સુપ્રીમનો આદેશ સારો પણ રખડતાં ઢોરને રાખવાં ક્યાં?
કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પણ આવા જ હુંકાર કરાયેલા. એ વખતે ભારતીય લશ્કરે ઓપરેશન સિંદૂર હાથ ધરીને ચમકારો બતાવેલો પણ પછી અચાનક મોદી સરકારે યુદ્ધવિરામ સ્વીકારીને ઓપરેશન સિંદૂરનો વીંટો વાળી દીધેલો ને પાકિસ્તાનને સરળતાથી જવા દીધું હતું. ભારત જીતતું હતું છતાં યુદ્ધવિરામ કેમ સ્વીકારાયો એ સવાલનો જવાબ હજુ મળ્યો નથી પણ એ મુદ્દો અલગ છે.
દિલ્હીના હુમલા પરથી સ્પષ્ટ છે કે, હવે હુંકાર કરવાના ને વાતોનાં વડાં કરવાના દિવસો જતા રહ્યા છે. પાકિસ્તાન સામે આર યા પારની લડાઈ લડી લેવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાન જરાય રહેમને લાયક નથી અને ભારત પાકિસ્તાન દ્વારા પોષાતા આતંકવાદનો કાયમી ઉકેલ નહીં લાવે તો આ રીતે આપણા નિર્દોષ નાગરિકો મરતા રહેશે. આપણે સર્જિકલ સ્ટ્રાઈક સહિતનાં નાનાં નાનાં પગલાં ભર્યા કરીએ છીએ તેના કારણે પાકિસ્તાન આપણને નબળું માની બેઠું છે. પાકિસ્તાનનો આ ભ્રમ દૂર કરવાનો સમય પણ આવી ગયો છે. પાકિસ્તાનને ધોળે દિવસે તારા બતાવવા જરૂરી છે.
આપણા નાગરિકોના મનમાં એક સવાલ એ પણ ઊભો થયો છે કે, આતંકવાદીઓ ખુલ્લેઆમ આપણા ઘરમાં ઘૂસીને લોકોને મારે છે પણ આપણે એ જ ભાષામાં જવાબ કેમ નથી આપી શકતા ? આપણે આતંકવાદી હુમલાના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઈક્સ કરી છે ને મિલિટરી ઓપરેશન પણ કરીએ છીએ પણ એ બધું આતંકવાદી હુમલા પછી થાય છે. આતંકવાદીઓ હુમલો કરે ને આપણાં લોકોને મારે તેની રાહ જોયા કરીએ છીએ. તેના બદલે એક વારમાં જ બધું પૂરું કરી નાખવું જોઈએ.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ ભારતમાં નાગરિકતા માટે ચોક્કસ સિસ્ટમ જ નથી
કેન્દ્ર સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવાની સાથે સાથે દેશમાં પણ સપાટો બોલાવવો જરૂરી છે કેમ કે પાકિસ્તાન ભારતમાં રહીને કામ કરતા ગદ્દારોના જોરે જ લાશો ઢાળે છે. દિલ્હી બ્લાસ્ટમાં કાશ્મીરના ડોક્ટરે આત્મઘાતી હુમલો કર્યાનું બહાર આવ્યું છે. આ ડોક્ટરની સાથે ફરીદાબાદના ત્રણ ડોક્ટરો સંડોવાયેલા હતા ને તેમની પાસેથી 2900 કિલો વિસ્ફોટકો મળ્યા છે. આટલા જંગી પ્રમાણમાં વિસ્ફોટકો ભારતમાં કઈ રીતે ઘૂસી જાય છે એ વિચારવાની જરૂર છે. તેના એક દિવસ પહેલાં ગુજરાતમાંથી ત્રણ આતંકી પકડાયેલા. બીજેથી પણ આતંકીઓ પકડાય જ છે.
સવાલ એ છે કે, આ દેશના ગદ્દારોને આપણે કેમ પકડીને સાફ નથી કરી શકતા? કેમ કે એનઆઈએ, સીબીઆઈ વગેરે એજન્સીઓ રાજકારણીઓને ને સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સને સાણસામાં લેવામાં શક્તિ વેડફે છે જ્યારે ખરી જરૂર આ દેશનું ખાઈને દેશનું ખોદતા ગદ્દારોને સાફ કરવાની છે.


