એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન સાથે ક્રિકેટ, મોદી સરકારની પણ સગવડિયા નીતિ

- ભરત ભારદ્વાજ
ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું જોઈએ કે નહીં એ મુદ્દો પાછો ચર્ચામાં છે. પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ એપ્રિલ મહિનામાં પહલગામમાં હુમલો કરીને ત્રીસેક ભારતીયોની હત્યા કરી પછી ભારતમાં આવેલા દેશપ્રેમના જુવાળમાં ભારતે પાકિસ્તાન સાથેના તમામા સંબંધો કાપી નાખવા જોઈએ એવી વાતો બહુ ચાલેલી. ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ક્રિકેટમાં લોકોને સૌથી વધારે રસ પડે છે તેથી પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના ક્રિકેટ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ એવા દેકારા પણ બહુ થયા હતા.
ભારત લાંબા સમયથી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સિરીઝ તો રમતું જ નથી તેથી તેનો તો સવાલ જ નહોતો પણ એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી સ્પર્ધાઓમાં પણ પાકિસ્તાનનો બહિષ્કાર કરવો જોઈએ અને પાકિસ્તાન સામે ન રમવું જોઈએ એવી વાતોનાં વડાં બહુ થયાં હતાં. તેના શ્રીગણેશ સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપથી કરીને ભારતે પાકિસ્તાન સામે ના રમવું જોઈએ એવી વાતોનો મારો પણ ચાલેલો પણ નરેન્દ્ર મોદી સરકારે આ બધી વાતોને કોરાણે મૂકીને એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાની ભારતીય ક્રિકેટ ટીમને મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે ચોખવટ કરી છે કે, પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે છે એટલે ભારત પાકિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે પણ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન મેચ સામે અમને વાંધો નથી. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સ્પોર્ટ્સ સંબંધો અંગે આખી નવી નીતિ જ બનાવી નાખી છે.
આ નીતિ પ્રમાણે, ભારત-પાકિસ્તાન સામસામે એટલે કે દ્વિપક્ષીય સિરીઝમાં નહીં રમે પણ મલ્ટીનેશન ટૂર્નામેન્ટમાં થનારી મેચને રોકી ના શકાય તેથી વર્લ્ડકપ સહિતની આવી સ્પર્ધાઓમાં ભારત અને પાકિસ્તાન રમી શકશે. ભારતીય ટીમ કોઈ પણ ટૂર્નામેન્ટ કે મેચ માટે પાકિસ્તાન નહીં જાય કે પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં રમવાની મંજૂરી નહીં મળે પણ તટસ્થ સ્થળે રમાતી વધારે દેશો ભાગ લેતા હોય તેવી સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનની મેચ સામે વાંધો નહીં લેવાય.
એશિયા કપ દુબઈમાં રમાવાનો છે અને ભારત-પાકિસ્તાન સહિત 8 દેશો ભાગ લેવાના છે તેથી મલ્ટીનેશન ટૂર્નામેન્ટ છે એટલે મોદી સરકાર ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં રમતા નહીં રોકે. એશિયા કપમાં ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે પહેલી મેચ રમશે ને 14 સપ્ટેમ્બરે રવિવારે પોતાની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમ પોતાની ત્રીજી અને છેલ્લી ગ્રૂપ મેચ ઓમાન સામે રમશે.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણેક મેચ રમાય એવા સંજોગો છે. ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2025માં એક જ ગ્રુપમાં છે. ગ્રુપ-એમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત યુએઈ અને ઓમાન એ બીજી બે ટીમો પણ છે જ્યારે ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને હોંગકોંગ એ ચાર ટીમો છે. બંને ગ્રુપમાંથી બે ટોચની ટીમ સુપર ફોરમાં જશે ને એકબીજા સામે રમશે. ભારત અને પાકિસ્તાન બંને એક જ ગ્રુપમાં છે ને બીજી બે ટીમો સાવ ઉચકૂચિયાં જેવી છે તેથી ગ્રુપ એમાં ભારત-પાકિસ્તાન ટોપ પર રહેવાનાં એટલે સુપર ફોરમાં પાછાં ટકરાશે. સુપર ફોરમાં રમનારી ચાર ટીમોમાંથી જે બે ટીમ ટોપ પર રહેશે એ બંને ફાઈનલમાં જશે તેથી ભારત-પાકિસ્તાનની ફાઈનલમાં પણ ટક્કર થઈ શકે છે.
એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમને રમવાની મંજૂરી ભારતના દંભનો નાદાર નમૂનો છે. તમે દ્વિપક્ષીય સિરીઝ ના રમો ને આઈસીસીની સ્પર્ધામાં રમો એ દંભ નહીં તો બીજું શું કહેવાય ? તમે સામસામે આખી સિરીઝ રમો કે એક મેચ રમો, ક્રિકેટ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે એવું ના જ કહેવાય ને ? તમારે સંબંધો ના રાખવા હોય તો કોઈ પણ સ્તરે ના રાખવા જોઈએ પણ તેના બદલે સરકાર સગવડિયા નીતિ અપનાવી રહી છે કેમ કે વાત નાણાંની છે.
ભારત પાકિસ્તાન સામે કોઈ પણ સ્તરે ના રમે તો ભવિષ્યમાં બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (ઇઈઈઈં)ને આર્થિક ફટકો પડે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ પર ભારતીય બોર્ડનું વર્ચસ્વ છે. એશિયન કાઉન્સિલે 2024માં આગામી ચાર એશિયા કપના બ્રોડકાસ્ટર્સ અધિકારો જ 17 કરોડ ડૉલર (લગભગ 1500 કરોડ રૂપિયા)માં વેચી માર્યા હતા. એશિયા કપના બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ આટલી તોતિંગ કિમતે વેચાયા તેનું કારણ ભારત-પાકિસ્તાન મેચો છે. ભારત-પાકિસ્તાન મેચના જાહેરાતના 10 સેક્નડના સ્લોટ 25થી 30 લાખ રૂપિયામાં વેચાય છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ જીએસટીમાં ઘટાડાથી મોંઘવારી ઘટશે, સામાન્ય લોકોને ફાયદો…
ભારતની બીજી મેચો માટે તેનાથી ચોથા ભાગની રકમ પણ નથી મળતી. ભારતીય ટીમ પાકિસ્તાન સામે ના રમે તો બ્રોડકાસ્ટર્સ જાહેરખબરના પ્રસારણના સ્લોટ્સ ઊંચી કિમતે ના વેચી શકે ને મોટું નુકસાન થાય. તેના કારણે ભવિષ્યમાં આ બ્રોડકાસ્ટર્સ ભારતીય બોર્ડને પડખે ના ઊભા રહે. બોર્ડને અને સરકારને પણ દેશપ્રેમ કરતાં વધારે ચિંતા બ્રોડકાસ્ટર્સની છે તેથી તેમનું નુકસાન રોકવા માટે મોટી સ્પર્ધાઓમાં તટસ્થ સ્થળે રમવું ને દ્વિપક્ષીય સિરીઝ ના રમવી એવી સગવડિયા નીતિ બનાવી દેવાઈ છે.
આ સગવડિયા નીતિ માટે હાલની મોદી સરકારને જ દોષિત ગણાવી શકાય તેમ નથી કેમ કે આ સગવડિયા નીતિ વરસોથી ચાલે છે. 2008માં 26 નવેમ્બરે પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈમાં આતંકવાદી હુમલો કરીને લગભગ બસો લોકોનાં ઢીમ ઢાળી દીધાં હતાં. એ વખતે મનમોહન સિંહ સરકારે પાકિસ્તાન સાથે કોઈપણ દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો પણ આઈસીસી સહિતનાં એસોસિએશનનની સ્પર્ધાઓમાં રમવા પર પ્રતિબંધ નથી તેથી ભારત 2008 પછી પણ વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટી-20 વર્લ્ડકપ સહિતની સ્પર્ધાઓમાં પાકિસ્તાન સામે રમે જ છે. મુંબઈ હુમલા પછી તરત ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી દ્વિપક્ષીય સિરીઝ રદ થઈ તેથી 2008 પછી ભારત અને પાકિસ્તાન સામસામે ટેસ્ટ નથી રમ્યાં પણ વન ડે અને ટી-20 મેચો તો રમ્યાં જ છે.
મોદી સરકારે એ જ નીતિ ચાલુ રાખી છે પણ મોદી સરકારે પહલગામ હુમલા પછી કરેલી હોહાને અનુરૂપ આ નિર્ણય નથી જ.
મોદી સરકારે એકદમ આક્રમક મૂડમાં આવી જઈને પાકિસ્તાન સાથેના તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાની વાતો કરેલી પણ તેના બદલે એશિયા કપમાં રમવાની મંજૂરી આપી છે. મતલબ કે, મોદી સરકાર પણ મનમોહન સિંહની કૉંગ્રેસ સરકારના રસ્તે જ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ભારતે મુનિરની નહીં અમેરિકાની ચિંતા કરવાની જરૂર છે